Close

ક્વીન વિક્ટોરિયા પોતાની ડાયરી ઉર્દૂમાં લખતાં હતાં

કભી કભી | Comments Off on ક્વીન વિક્ટોરિયા પોતાની ડાયરી ઉર્દૂમાં લખતાં હતાં

ભારતમાં બ્રિટિશ રાજ દરમિયાન મુંબઇમાં પણ એક રેલવે સ્ટેશનનું નામ વિક્ટોરિયા ટર્મિનસ હતું. હવે તે બદલીને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ તરીકે ઓળખાય છે. અમદાવાદમાં પણ  ગુજરી બજાર પાસેના એક બગીચાનું નામ વિક્ટોરિયા ગાર્ડન હતું.

મહારાણી વિકટોરિયા એ જમાનામાં ઇંગ્લેન્ડમાં  મહારાણી હતાં અને વિશ્વમાં જે જે દેશોમાં બ્રિટિશ સામ્રાજ્ય હતું તે તે દેશોનાં પણ સમ્રાજ્ઞી કહેવાતા હતા. એના માટે બ્રિટિશ સરકારના અધિકૃત પત્રવ્યવહારમાં ‘હર મેજેસ્ટીઝ સર્વિસ’ એવું લખવામાં આવતું.

તા.૨૪ મે ૧૮૨૯ના રોજ ઇંગ્લેન્ડના કેન્સિગ્ટન પેલેસમાં જન્મેલા કવીન વિક્ટોરિયા ૬૪ વર્ષ સુધી ગ્રેટ બ્રિટનનાં મહારાણી રહ્યાં. બચપણમાં તેમને ગવર્નેસ બેરોનેસ લેટઝેએ ભાષાઓ, ગણિત, ચિત્રકામ અને સંગીત શીખવ્યું હતું. તેઓ માત્ર આઠ જ વર્ષનાં હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું તેથી તેમનાં  માતાએ નાનાં વિકટોરિયાને કેન્સિંગ્ટન પેલેસની સિસ્ટમ પ્રમાણે એવી રીતે ઉછેર્યા કે તેઓ ભવિષ્યમાં મહારાણી બને એ માટે તેમને એ વખતના સમકાલીન પ્રણાલીઓથી સાવ અળગાં કરી નાંખવામાં આવ્યાં.

ઇ.સ. ૧૮૩૭માં તેમને  ગ્રેટ બ્રિટનનાં મહારાણી બનાવવામાં આવ્યાં.

નોંધપાત્ર વાત એ છે કે ઇ.સ. ૧૮૫૩માં મહારાણી વિક્ટોરિયાના પતિ પ્રિન્સ આલ્બર્ટ પૂર્વની ભાષાઓ જાણવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમનાં જ પત્ની મહારાણી વિક્ટોરિયાએ અરબી, ફારસી, ઉર્દૂ ભાષા શીખવાની શરૂઆત કરી હતી. મોટી વયે પણ મહારાણી વિક્ટોરિયા પોતે ઉર્દૂ ભાષા શીખતાં હોય ત્યારે એ અભ્યાસ દરમિયાન કોઇ ખલેલ પસંદ કરતાં નહોતાં.

આશ્ચર્યની વાત એ છે કે મહારાણી વિક્ટોરિયા રોજેરોજની ડાયરી પણ ઉર્દૂ ભાષામાં જ લખતાં હતાં.

ઇ.સ. ૧૮૮૯માં ઇરાનના શાહ નાદિર શાહે ઇંગ્લેન્ડની મુલાકાત લીધી ત્યારે તેમની સાથેની મુલાકાત અંગેની નોંધ પોતાની ડાયરીમાં ઉર્દૂ ભાષામાં લખી હતી. તેમણે ડાયરીમાં લખ્યું હતું કે, ‘આજ કા દિન બહોત અચ્છા રહા. શાહે  ર્પિશયા આજ હમારી મુલાકાત કે લિયે ચંદ વજિરો કે સાથ દો બજે આયે થે ર ખાના ભી હમ સાથ ખાયા. ર સવા તીન બજે લંડન વાપસ ગયે.’

એમના પ્રિય પૌત્ર ડયૂક ઓફ કલેરન્સ મૃત્યુની દુઃખભરી નોંધ પણ તેમણે ઉર્દૂમાં જ સ્વઅક્ષરે લખી હતી.

મહારાણી વિક્ટોરિયાના  પુત્ર ડયૂક ઓફ કોનાર પણ ઉર્દૂ ભાષામાં સરળતાથી વાત કરી શકતા હતા.

નોંધપાત્ર વાત એ છે કે એ વખતે ભારત પર બ્રિટિશ રાજ હતું. ત્યારે અબ્દુલ કરીમ નામનો એક વફાદાર સેવક કવીન વિક્ટોરિયાની સેવામાં તહેનાત હતો. અબ્દુલ કરીમ કવીન માટે ભારતીય વ્યંજનો રાંધતો  અને મહારાણીને ઉર્દૂ પણ શીખવતો હતો.  કવીન અને અબ્દુલ કરીમ વચ્ચે ‘સ્પેશિયલ રિલેશનશીપ’ હતી. મહારાણીએ અબ્દુલ કરીમને ‘સર’નો ખિતાબ આપવા પ્રયાસ કર્યો ત્યારે મોટો વિવાદ થયો હતો.

ઇતિહાસ નોંધે છે કે કવીન વિક્ટોરિયાની ભારત આવવાની ઇચ્છા હતી પરંતુ એ જમાનામાં તેઓ લાંબી દરિયાઇ મુસાફરી કરી શકે તેમ ના હોઇ અબ્દુલ કરીમ જ તેમના માટે ભારતની બારી બની રહ્યો. અબ્દુલ કરીમે જ કવીન વિક્ટોરિયાને ભારતના તાજમહાલની સુંદરતા અને ભારતીય તહેવારોથી વાકેફ  કર્યાં હતા. ભારતમાં હિંદુ મુસલમાનો વચ્ચેના રમખાણો અને ભારતની ભીતરની વાસ્તવિક્તાઓની જાણકારી અબ્દુલ કરીમે જ મહારાણીને આપી હતી.

અબ્દુલ કરીમ આમ તો કૂક હતો પણ મહારાણી માટે અંગત સચિવ જેવો પણ બની ગયો હતો. આ કારણથી ક્વીનના પેલેસનો અન્ય સ્ટાફ અબ્દુલ કરીમની ઇર્ષા કરતો હતો. કારણ કે તે ભારતીય હતો.  પેલેસ સ્ટાફ તેને નફરત પણ કરતો હતો. પરંતુ ક્વીન અબ્દુલ કરીમ પ્રત્યે ખૂબ સ્નેહ દાખવી તેને અવારનવાર ભેટ સોગાદ આપતાં રહ્યા. મહારાણીએ અબ્દુલ કરીમને જમીન અને રહેવા ઘર પણ આપ્યું હતું. અબ્દુલ કરીમ મુસ્લિમ હોઇ પેલેસના અધિકારીઓ તેને ભારતમાંના મોગલ શહેનશાહોનો જાસૂસ હોવાની શંકા વ્યક્ત કરતા હતા. અબ્દુલ  કરીમ જ્યારે રજાઓ ગાળવા ભારત આવતો ત્યારે બ્રિટિશ સરકાર તેનો પીછો કરી તેની પ્રવૃત્તિ જાણવા જાસૂસો મોકલતી.  પણ એવું શોધી કાઢવા બ્રિટિશ અધિકારીઓ જ્યારે નિષ્ફળ ગયા ત્યારે પેલેસના અધિકારીઓએ અબ્દુલ કરીમના વિરોધમાં સામૂહિક રાજીનામાં આપી દેવાની ધમકી પણ આપી હતી.

પરંતુ સાચી વાત એ હતી કે ક્વીન વિક્ટોરિયા ભારતને જાણવા ઉર્દૂ શીખી રહ્યા હતા. ક્વીન વિક્ટોરિયા સતત ૧૩ વર્ષ સુધી અબ્દુલ કરીમ પાસેથી ઉર્દૂ શીખતાં રહ્યા.

મહારાણી વિક્ટોરિયા સિવાય પણ પશ્ચિમના દેશોના કેટલાંક વિદ્વાનોએ હિન્દી, ફારસી, ઉર્દૂ અને સંસ્કૃત ભાષા શીખવામાં જબરદસ્ત રુચિ દાખવી હતી.

એ સમયમાં પૂર્વની ભાષા અને સંસ્કૃતિનો અભ્યાસ કરનાર બીજા વિદ્વાન મેક્સ  મુલર હતા. તેમણે ‘હિતોપદેશ’નું જર્મન ભાષાંતર કરી તે અંગેનું પુસ્તક ૧૮૪૪માં બહાર પાડયું હતું. ઇ.સ.  ૧૮૪૭માં ઇસ્ટ ઇન્ડિયા કું. એ ‘ઋગ્વેદ’ પ્રગટ કરવા તેનું તંત્રીપદ સોંપ્યું હતું. ૧૮૫૮માં  તેમણે ‘પ્રાચીન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ’ પુસ્તક આપ્યું હતું.

એ જ રીતે બ્રિટિશ કોન્સલ, શોધક અને પૂર્વની ભાષાઓના જાણકારમાં રિચર્ડ બર્ટનનું નામ આવે છે. ઓક્સફર્ડ ખાતે શિક્ષકની મદદ લીધા વિના જ તેમણે અરબી ભાષા શીખવાનું શરૂ કર્યું હતું. લંડનમાં ફાર્બસ પાસે તેમણે હિંદી ભાષા શીખવાની શરૂઆત કરી હતી. ભારત આવ્યા બાદ તેમણે હિન્દી, મરાઠી, ગુજરાતી, ફારસી અને અરબી ભાષા પર કૌશલ્ય પ્રાપ્ત કરી લીધું. સિંધ-પ્રાંતમાં તેઓ એવી રીતે ભળી ગયા કે કોઇ તેમને સ્થાનિક વતની જ માને. તેઓ ભારતમાં સાત વર્ષ રહ્યા. તેમને ‘સર’નો ઇલકાબ પ્રાપ્ત થયો. સર રિચર્ડ બર્ટને પૂર્વની ભાષાના અનેક પુસ્તકોનાં ભાષાંતર કર્યાં. જેમાં ‘અરેબિયન નાઇટ્સ’નો પણ સમાવેશ થાય છે. એ જમાનામાં આ ગ્રંથના ૧૬ પુસ્તકોની કિંમત ૬૦ પાઉન્ડ હતી, આજે એ ગ્રંથો દુર્લભ છે.   તેમણે સંસ્કૃત અનંતરંગનું પણ ભાષાંતર કરી આપ્યું. સર રિચર્ડ બર્ટન તેમના ટ્રીએસ ખાતેના મકાનમાં ‘અરેબિયન નાઇટ્સ’ લખવામાં મશગૂલ હોય ત્યારે લેડી બર્ટન તેમને તમામ પ્રકારની મદદ કરતાં. લેડી બર્ટને તેમની કબર પર અરબ તંબુ આકારનો આરસપહાણનો મકબરો બાંધ્યો હતો. સર રિચર્ડ બર્ટનની કબર મોર્ટલેક ખાતે છે.

આજે સંસ્કૃત ઉર્દૂ અને ફારસી કે જે પૂર્વના દેશોની ભાષાઓ ગણાય છે તે ભાષાઓનો પશ્ચિમના કેટલાક ગોરાઓએ આત્મસાત કરવા કોશિશ કરી તે એક આશ્ચર્યજનક વાત છે, અને તે પણ આજથી ૧૦૦-૧૫૦ વર્ષ પૂર્વે.

-પશ્ચિમવાસી ગોરા અંગ્રેજો અને યુરોપિયનોએ પૂર્વની ભાષાનો અભ્યાસ કર્યો હતો તે એક રસપ્રદ ઇતિહાસ છે.

Be Sociable, Share!