Close

ક.મા. મુનશી નવલકથા લખે ને રાત્રે ઇંદુલાલ યાજ્ઞિાકને વંચાવે

કભી કભી | Comments Off on ક.મા. મુનશી નવલકથા લખે ને રાત્રે ઇંદુલાલ યાજ્ઞિાકને વંચાવે

એ દિવસોમાં તેઓ મહાગુજરાતના પ્રણેતા અને ઇંદુચાચા તરીકે ઓળખાયા. એક પત્રકાર, એક પોલિટિશિયન, સ્વાતંત્ર્ય સેનાની, નાટયકાર, લેખક, ફિલ્મ મેકરથી માંડીને સંસદસભ્ય સુધીની લાંબી કારકિર્દી દ્વારા તેઓ બહુમુખી પ્રતિભા રહ્યા. લોકોએ તેમને અમદાવાદ જેવા શ્રીમંત નગરના ઓલિયા-ફકીર પણ કહ્યા.

 યંગ ઇન્ડિયા

તા.૨૨ ફેબ્રુઆરી, ૧૮૯૨માં જન્મેલા ઇંદુલાલ યાજ્ઞિાક મૂળ નડિયાદના. તેઓ નાના હતા ત્યારે જ પિતાનું અવસાન થયું. નડિયાદમાં જ ભણી ૧૯૦૬માં મેટ્રિક પાસ કરી. તે પછી અમદાવાદની ગુજરાત કોલેજમાં દાખલ થયા. ઇન્ટરમિડીએટ પરીક્ષા પાસ કર્યા બાદ મુંબઇની સેંટ ઝેવિયર્સ કોલેજમાં પ્રવેશ મેળવ્યો અને બી.એ. થયા. ૧૯૧૨માં એલ.એલ.બી. કર્યું. કોલેજ કાળ દરમિયાન તેઓ એનિ બેસન્ટથી પ્રભાવિત હતા. ૧૯૧૫માં જમનાદાસ દ્વારકાદાસ અને શંકરલાલ બેંકરની સાથે રહી અંગ્રેજી વિષયમાં ‘યંગ ઇંડિયા’ નામનું સામયિક શરૂ કર્યું. તા.૧૫મી જુલાઇ ૧૯૧૫માં તેમણે તેમના તંત્રીપદેથી ‘નવજીવન અને સત્ય’ નામનું માસિક શરૂ કર્યું. શરૂઆતમાં વકીલાત પણ કરી. ‘હિંદુસ્તાન’નામના દૈનિકમાં અગ્ર લેખો પણ લખ્યા. ૧૯૨૨માં ‘યુગધર્મ’ શરૂ કર્યું. ૧૯૧૫માં વકીલાત છોડી સમાજ-દેશ સેવામાં જોડાયા. વચ્ચેના ગાળા દરમિયાન તેમણે ‘પાવાગઢનું પતન’ નામની ફિલ્મ પણ બનાવી. ફરી પાછા દેશ સેવામાં લાગી ગયા.

મુનશીના પડોશી

ગાંધીજીના આગમન પહેલાં તેઓ જાહેરજીવન વિશે વિચારતા થયા હતા. ગાંધીજીના આગમન પહેલાં ઇંદુલાલ યાજ્ઞિાક ગુજરાતમાં નવજીવન પ્રગટાવવાના મનોરથ સેવતા હતા. કનૈયાલાલ મુનશી તેમના પડોશી હતા. આ બેઉ વચ્ચે વિચાર વિમર્શ થતો. એ વખતે કનૈયાલાલ મુનશી ‘વેરની વસૂલાત’ નવલકથા લખતા હતા. સાંજે મુનશી તેનાં પ્રકરણ લખે અને રાત્રે ઇંદુલાલને વંચાવે.  ઇંદુલાલ યાજ્ઞિાક ગુજરાત માટેના અભિમાનથી છલોછલ હતા. એ વખતે ગાંધીજી આખા દેશમાં માન પામતા હતા. તેથી ઇંદુલાલ યાજ્ઞિાક તેમના તરફ ખેંચાયા. તેમને ગાંધીજીને પ્રત્યક્ષ જોવાની ઇચ્છા થઈ. મુંબઇ સાન્તાક્રુઝમાં ગાંધીજીના સ્વાગત માટે એક સભા મળી. એ સભામાં ગાંધીજીએ બિનરાજકીય વિશ્લેષણ આપ્યું. ઇંદુલાલ નિરાશ થયા છતાં આશા ના છોડી. ગુર્જર સભાના તેઓ મંત્રી હતા. ત્યારબાદ ગુર્જર સભા તરફથી ગાંધીજીના સ્વાગત માટે નિર્ણય લેવાયો. એ સભામાં ગાંધીજીએ ગુજરાતીમાં ભાષણ કર્યું. ઇંદુલાલ ખુશ થઈ ગયા. તે પછી સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયા સોસાયટીનો ત્યાગ કરી ઇંદુલાલ યાજ્ઞિાક જાહેર જીવનમાં પ્રવેશ્યા. ૧૯૧૯માં ઇંદુલાલે ‘નવજીવન’ ગાંધીજીને સોંપી દીધું.

ગાંધીજી સાથે ચર્ચા

ગાંધીજીએ અંગ્રેજો સાથે અસહકારનું આંદોલન શરૂ કર્યું. અસહકારના કાર્યક્રમમાં શિક્ષણ સંસ્થાઓના બહિષ્કારનો સમાવેશ થતો હતો. શિક્ષણ સંસ્થાઓનો બહિષ્કાર કરનારા વિદ્યાર્થીઓ માટે વિકલ્પ પૂરો પાડવો જોઈએ એમ ઇંદુલાલને લાગતું હતું. આ અંગે તેમણે ગાંધીજી સાથે ચર્ચાઓ કરી તે પછી ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપનાની વિચારણા થઇ. વિદ્યાપીઠની રૂપરેખા ઘડવા એક સમિતિ નીમાઇ. તેમાં ગાંધીજીની સાથે ઇંદુલાલ યાજ્ઞિાક અને કિશોરલાલ મશરૂ એ સમિતિના મંત્રી હતા અને તા. ૧૮ ઓક્ટોબર, ૧૯૨૦ના રોજ ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના થઇ. ગૂજરાત વિદ્યાપીઠ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી ઇંદુલાલ યાજ્ઞિાકની સ્મૃતિ તેની સાથે જોડાયેલી રહેશે. આઝાદી માટે કામ કરતી કોંગ્રેસે ૧૯૨૦માં ભાષાના ધોરણે પ્રદેશ સમિતિઓ રચવા નિર્ણય લીધો. ગુજરાત પ્રાંતિક કોંગ્રેસ સમિતિનું બંધારણ ઘડવાનું કામ સરદાર વલ્લભભાઈ પટેલ અને ઇંદુલાલ યાજ્ઞિાકને સોંપવામાં આવ્યું. બંધારણ ઘડાયા પછી સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ બન્યા. જ્યારે દાદા સાહેબ માવળંકર અને ઇંદુલાલ મંત્રીઓ બન્યા.

સરદાર સાથે મતભેદો

એ પછીના સમયમાં ઇંદુલાલ યાજ્ઞિાક અને વલ્લભભાઈ પટેલ વચ્ચે મતભેદો ઊભા થયા. ઇંદુલાલ યાજ્ઞિાકે પ્રદેશ કોંગ્રેસનું મંત્રીપદ છોડી દીધું. પરંતુ ગાંધીજી આવવાના હોઇ થોડા દિવસ એ રાજીનામું રોકી રખાયું. એ પછી મળેલી સભામાં ગાંધીજીએ કહ્યું: ‘ભાઇ ઇંદુલાલ જેવો ઉદ્યમી માણસ ગુજરાતમાં બીજો એક પણ નથી. તેમના જેવો પ્રામાણિક માણસ મળે પણ નહીં. તેમને ગુમાવવા ગુજરાતને પાલવે તેમ નથી પરંતુ તેમના અને વલ્લભભાઇ પટેલના સ્વભાવમાં ફરક છે તેથી બંને સાથે કામ કરી શકે તેમ નથી. ઘણા દુઃખની સાથે ભાઇ ઇંદુલાલનું રાજીનામું સ્વીકારવું એવી મારી સલાહ છે.’ ગાંધીજીના આ ઉદ્બોધન બાદ પાંચસો ગુજરાતીઓની સભા વિચારમાં પડી ગઈ. કેટલાંકની આંખો ભીની થઇ. વલ્લભભાઈ પટેલ ઊઠયા. તેઓ પણ વ્યથિત હતા. ભારે દર્દભર્યા સ્વરે તેઓ બોલ્યા : ‘રાજીનામું આપવું, આપીને છૂટી જવું, તેના કરતાં રાજીનામું આપ્યા સિવાય અંદર રહેવું વધારે દુઃખદ છે. ઇંદુલાલ મારા નાના ભાઇ છે. અમે આજ સુધી એ રીતે જ રહ્યા છીએ. અને આજે આવો પ્રસંગ આવે છે ત્યારે હું શું કહુંં ? મારાથી વધુ બોલી શકાતું નથી. હું વધારે બોલી નહીં શકું.’  આટલું બોલ્યા પછી સરદાર સાહેબ આંખમાંથી ઉભરાતા આંસુ રોકવા બેસી ગયા. બીજી બાજુ ઇંદુલાલ યાજ્ઞિાકની આંખમાંથી આંસુ છલકાવા લાગ્યા. આખી સભા જાણે કે રડવા લાગી. સભામાં સ્મશાન જેવી શાંતિ પથરાઇ. તે પછીના સમયમાં ઇંદુલાલ યાજ્ઞિાકની જગા પ્રાંતિક સમિતિમાં ખાલી જ રખાઇ. સભાએ તે પૂરી ના કરી તેમના જેવું બીજું કોઈ નામ ના જડયું. ગુજરાત પ્રાંતિક કોંગ્રેસ સમિતિમાંથી રાજીનામું આપ્યા બાદ ઇંદુલાલ યાજ્ઞિાકે સાહિત્ય ક્ષેત્રમાં ઝંપલાવ્યું. ૧૯૨૨માં તેમણે ‘યુગધર્મ’ શરૂ કર્યું.

દેશભરમાં ઘુમ્યા

એ પછીના સમયમાં કોંગ્રેસનું અધિવેશન મળ્યું. ઇંદુલાલ યાજ્ઞિાકે પક્ષનું મંત્રીપદ છોડયું હતું, કોંગ્રેસ પક્ષ નહીં, એ અધિવેશનમાં સવિનય કાનૂન ભંગનો ઠરાવ થયો. એ આંદોલનની મુખ્ય જવાબદારી નિભાવવા વલ્લભભાઈ પટેલે જ ઇંદુલાલ યાજ્ઞિાકને આગ્રહ કર્યો. ઇંદુલાલ યાજ્ઞિાકે એ જવાબદારી સ્વીકારી અને જોશભેર દેશમાં ઘૂમવા લાગ્યા. એ આંદોલનના કારણે અંગ્રેજોની પોલીસે તેમની ધરપકડ કરી. તે પછી યરવડા જેલમાં તેઓ ૧૦ માસ સુધી ગાંધીજીની સાથે રહ્યા. અહીં યરવડા જેલમાં પણ કેટલાંક પ્રશ્નોની ચર્ચા કરતાં ગાંધીજી સાથે તેમને મતભેદો થયા. કારાવાસમાંથી છૂટયા બાદ ‘યુગધર્મ’માં તેમણે ગાંધીજીને બે જાહેર પત્રો લખ્યા અને તેઓ ગાંધીજીથી દૂર થઈ ગયા.

જીવન સંભારણા

તેઓ ગુજરાત છોડીને મુંબઇ ચાલ્યા ગયા. એ સમયના ચિત્રનું આલોખન કરતાં શારદાબહેન મહેતા ‘જીવન સંભારણા’માં લખે છે કે ‘નવજીવન યંગ ઇન્ડિયામાં કામ કરીને રાત્રે બાર એક વાગે તેઓ ઘેર આવે ત્યારે મને તો તેમની દયા આવતી. સેવાની કોઇ કદર માટે કરતું નથી પરંતુ સામાન્ય કદર ના બદલે અપમાન અને ગાળો જ સહન કરવાનાં હોય ત્યારે તે અસહ્ય થાય. ઇંદુલાલના નસીબમાં એ જ હતું. સમાજમાં તેમણે જે કાંઇ સેવા કરી તેની કદર ના થઈ. મારા કુટુંબમાં તેમના સંપર્કથી બહુ લાભ થયો. મારા બાળકોને કેળવવામાં તેમનો મોટો ફાળો હતો.’ કહેવાય છે કે તેઓ ‘નવજીવન’ ચલાવવામાં ગાધીજીના જમણો હાથ હોવા છતાં તેમણે પોતાનું વ્યક્તિત્વ દબાવી ના રાખ્યું. તેઓ સ્વતંત્ર વિચારોના માનવી હતા. મોટી વ્યક્તિઓની હા મા હા કદી ના પુરાવતા. અલબત્ત, આ વસવસો શારદાબહેન મહેતાને કાયમ રહ્યો નહીં હોય. વર્ષો પછી ઇંદુલાલ ફરી પાછા ગુજરાતમાં આવ્યા અને ગુજરાતે તેમને અનહદ પ્રેમ આપ્યો.

યુરોપમાં ચા વેચી

બહુ ઓછા લોકોને એ વાતની ખબર છે કે ૧૯૨૮માં ફિલ્મ બનાવી. સફળતા ના મળતી. તેઓ હતાશ થઈ ગયા. મિત્રની મદદથી વિદેશ ગયા. ૧૯૩૨માં યુરોપમાં ફર્યા, આર્િથક મુશ્કેલીઓ દૂર કરવા તેમણે યુરોપમાં ચા વેચી, સિગારેટો વેચી, ભારતીય ખાણું શરૂ કરી કમાવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. પાંચ વર્ષ વિદેશોમાં રહ્યા. માતૃભૂમીના ખેંચાણથી તેઓ ૧૯૩૫માં ફરી ભારત પાછા આવ્યા. ફરી દાદાસાહેબ માવળંકર અને સરદાર વલ્લભભાઈ પટેલ સાથે જોડાયા અને ફરી એ સબંધ તૂટયો. ૧૯૩૭માં ઇંદુલાલ યાજ્ઞિાકે કિસાન પ્રવૃત્તિમાં રસ લેવા માંડયો. બીજા વિશ્વયુદ્ધ બાદ ફરી તેમને જેલ થઇ. જેલમાંથી છૂટયા બાદ રચનાત્મક પ્રવૃત્તિ શરૂ કરી. છેલ્લે નાનપુરમાં આશ્રમ સ્થાપ્યો. વાત્રકના રમણીય કિનારાના આ આશ્રમમાં રહેતાં ઇંદુલાલ યાજ્ઞિાકે લખ્યું: ‘મેં હવે આપણા દેશની પ્રણાલિકાને અનુસરીને વાત્રકના રમણીય કિનારે ગ્રામ પ્રવેશમાં મારો વાસો કર્યો છે. કુટુંબ વિહોણો બનીને આશ્રમના જ કુમારોના કુટુંબમાં મહાલું છું !

૧૯૪૫-૪૬માં તેઓ કોંગ્રેસમાં ફરી સક્રિય થયા હતા. ગાંધીજી અને સરદાર તો હવે રાષ્ટ્રીય કક્ષાએ વ્યસ્ત થઈ ગયા હતા પરંતુ એ વખતે કોંગ્રેસના પ્રાદેશિક કક્ષાના જે નેતાઓ હતા તે ઇંદુલાલને સ્વીકારી શક્યા નહીં, તેથી ઇંદુલાલ એ વખતે કોંગ્રેસમાં રહી શક્યા નહીં.

આઝાદી મળી

૧૯૫૦માં ગુજરાતમાં શાંતિ આંદોલન શરૂ થયું. શાંતિ સમિતિના ઉપક્રમે તેઓ સોવિયેત સંઘ અને ચીન ગયા પરંતુ આવનારા વર્ષોમાં ‘મહાગુજરાત’નું જબરદસ્ત આંદોલન તેમના આગમનની રાહ જોઇ રહ્યું હતું. કારણ કે હવે આવનારો ‘મહાગુજરાત’ માટેનો જંગ ગુજરાતની અસ્મિતાનો હતો..

– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!