Close

ગંગુબાઈ કાઠિયાવાડી ગંગુબાઈએ કરીમલાલાને રાખી ભાઈ બનાવ્યો હતો

કભી કભી | Comments Off on ગંગુબાઈ કાઠિયાવાડી ગંગુબાઈએ કરીમલાલાને રાખી ભાઈ બનાવ્યો હતો
બોલિવૂડના જાણીતા ફ્લ્મિ નિર્માતા-દિગ્દર્શક સંજય લીલા ભણસાલીએ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’  નામની ફ્લ્મિ બનાવી છે.  સંજય લીલા ભણસાલી ઇતિહાસના કેટલાક જાણીતા પાત્રો પર આધારિત ફ્લ્મિ બનાવવા માટે જાણીતા છે. આ ફ્લ્મિ હુસેન ઝૈદીના પુસ્તક ‘માફ્યિા ક્વીન્સ ઑફ્ મુંબઈ’ના એક પ્રકરણ પર આધારિત છે. ફ્લ્મિમાં ગંગુબાઈ કાઠિયાવાડીનો રોલ આલિયા ભટ્ટે અદા કર્યો છે. આ ફ્લ્મિ બને એ પહેલાં જ એણે દર્શકોમાં આતુરતા ઊભી કરી હતી. કહેવાય છે કે અસલી ગંગુબાઈ અભિનેત્રી આલિયા ભટ્ટ કરતાં વધુ રૂપાળી હતી. અહીં પ્રસ્તુત તસવીર અસલી ગંગુબાઈની છે.
ફ્લ્મિ લેખક અને પત્રકાર એસ. હુસેન ઝૈદીની કથામાં આલેખાયેલું ગંગુબાઈ કાઠિયાવાડીનું પાત્ર એક સેક્સ વર્કરનું છે. કહેવાય છે કે તે આમ તો રૂપજીવીની હોવા છતાં મુંબઈના મોટા મોટા ગેંગસ્ટર પણ એનાથી ડરતા હતા. ૬૦ના દાયકામાં મુંબઈના માફ્યિા વર્લ્ડમાં તે એક ખતરનાક મહિલા તરીકે જાણીતી હતી. એ વખતના લોકો અને કમાઠીપુરાની મેડમના નામથી પણ જાણતા હતા.
હુસેન ઝૈદીના પુસ્તકમાં આલેખાયેલી કથા અનુસાર ગંગુબાઈ કાઠિયાવાડીનો જન્મ ૧૯૩૯માં ગુજરાતમાં કાઠિયાવાડમાં થયો હતો, એનું પરિવાર પ્રતિષ્ઠાપાત્ર હતું. બચપણમાં એનાં માતા-પિતા એને બહુ જ વહાલ કરતાં હતા. એ એના પરિવારનું એકમાત્ર સંતાન હતી. તેનું અસલી નામ ગંગા હતું. એના પિતા ઇચ્છતા હતા કે તે ભણીગણીને ખૂબ આગળ વધે. પરંતુ ગંગાનું મન ભણવામાં લાગતું નહોતું. એ ઘરમાં પણ હંમેશાં ફ્લ્મિોની જ વાત કરતી હતી. એ હીરોઇન બનવા માગતી હતી.
ગંગા જ્યારે ૧૬ વર્ષની હતી ત્યારે તેને તેના પિતાના એકાઉન્ટન્ટ સાથે પ્રેમ થઈ ગયો. યુવાન એકાઉન્ટન્ટનું નામ રમણીકલાલ હતું. એક દિવસ ગંગા રમણીકલાલ સાથે ભાગી ગઈ. કારણ કે ઘરવાળાઓને ગંગાનાં રમણીકલાલ સાથેનો સંબંધ મંજૂર નહોતો. એણે રમણીકલાલ સાથે લગ્ન કરી લીધું અને તે રમણીકલાલ સાથે ભાગીને મુંબઈ જતી રહી. એ વખતે ગંગાને ખબર નહોતી કે એ પછી તેના જીવનમાં કેવી કેવી મુશ્કેલીઓ આવવાની છે.
રમણીકલાલ  દગાબાજ હતો પરંતુ ગંગા તેના આંધળા પ્રેમમાં હતી. મુંબઈ પહોંચ્યા બાદ ગંગાની ખુશી અલ્પજીવી નીકળી.
એક દિવસ રમણીકલાલે ગંગાનો પરિચય એક મહિલા સાથે કરાવ્યો. રમણીકલાલે કહ્યું કે, આ મારી માસી છે. હકીકતમાં તે ઔરત એક કોઠાવાળી હતી. રમણીકલાલે નવા ઘરની શોધમાં જવું છે તેમ કહી ગંગાને તે મહિલાને સોંપી દીધી. એમ કહી ગયેલો રમણીકલાલ કદીયે પાછો ના આવ્યો. હકીકત એ હતી કે રમણીકલાલે ગંગાને માત્ર પ૦૦ રૂપિયામાં એ કોઠાવાળીને વેચી દીધી હતી.  ગંગાને એ વાતની પણ ખબર નહોતી કે એને જે વિસ્તારની મહિલાને વેચી દીધી હતી તે કમાઠીપુરાના રેડલાઇટ એરિયા હતો અને એ મહિલા અહીં કોઠો ચલાવતી હતી રમણીકલાલના ગયા બાદ જ તેને અસલી વાતની ખબર પડી કે તે વેચાઈ ગઈ છે.
કમાઠીપુરાની એ મહિલાએ તેને શરીર વેચવાના ધંધામાં નાંખી દીધી. હવે તે પાછી કાઠિયાવાડ પણ જઈ શકે તેમ નહોતી. કારણ કે તે ભાગીને મુંબઈ જતી રહી હતી. એક વાર રૂપજીવીની બન્યા પછી પાછા જવામાં પરિવારની પણ બેઇજ્જતી થાય તેમ હતી. છેવટે ગંગાએ જે પરિસ્થિતિમાં મુકાઈ છે એ જ પરિસ્થિતિનો સ્વીકાર કરી લેવાનું મુનાસીબ માન્યું. હવે તેણે એક રૂપજીવીની જ બની જઈને જીવન પસાર કરવાનું પસંદ કરી લીધું. તે હવે ગંગુબાઈ તરીકે ઓળખાવા લાગી.
એક વાર શૌક્તખાન નામનો એક આદમી તેની પાસે આવ્યો. ગંગુબાઈ સાથે જબરદસ્તી કરી અને જતી વખતે એક પૈસો પણ એણે ગંગુબાઈને ના આપ્યો, આ દર્દનાક ઘટનાથી તેની હાલત બગડી ગઈ. એને હૉસ્પિટલમાં દાખલ થવું પડયું. હૉસ્પિટલમાંથી રજા લઈને તે એના કોઠા પર પાછી ફ્રી ત્યારે ખબર પડી કે શૌક્તઅલી નામના જે માણસે તેની સાથે જબરદસ્તી કરી હતી તે વાસ્તવમાં મુંબઈના કુખ્યાત ડોન કરીમ લાલાનો માણસ હતો.
ગંગુબાઈ હિંમતવાળી યુવતી હતી, સ્વસ્થ થયા બાદ તે કરીમ લાલા પાસે પહોંચી ગઈ અને તેમના માણસે તેની સાથે કરેલી જબરદસ્તીની કહાણી સંભળાવી. કરીમ લાલાને ગંગુબાઈ માટે અનુકંપા થઈ. એણે કહ્યું ઃ ‘હવે એ માણસ  તારી પાસે ફ્રીથી આવે ત્યારે મને જાણ કરજે. તને ન્યાય અવશ્ય મળશે.’ કરીમ લાલાએ તેને બહેન બનાવી દીધી. અને રક્ષાબંધનના દિવસે ગંગુબાઈએ કરીમ લાલાને રાખી બાંધી.
– આ ઘટના બાદ ગંગુબાઈ હવે અંડર વર્લ્ડમાં પણ મશહૂર બની ગઈ. કરીમ લાલાને રાખી ભાઈ બનાવ્યા બાદ ગંગુબાઈ બહુ જ શક્તિશાળી બની ગઈ.
સમયના વહેણ સાથે ગંગુબાઈ કાઠિયાવાડી ખુદ મુંબઈના અંડર વર્લ્ડમાં આવી ગઈ અને થોડા જ સમયમાં તે ખુદ કોઠાની માલિકણ બની ગઈ. એક દિવસ શૌક્ત ખાન ફ્રી એના કોઠા પર આવ્યો પરંતુ ગંગુબાઈએ જ તેના રાખી ભાઈ કરીમ લાલાને જાણ કરી દીધી અને કરીમ લાલાએ તેના માણસો મોકલી શૌક્ત ખાનને પકડી ખૂબ ફ્ટકાર્યો. હકીકતમાં આ ઘટના બાદ જ ગંગુબાઈ કાઠિયાવાડી શક્તિશાળી ગણાવા લાગી. એ પછી તે મેડમ ઑફ્ કમાઠીપુરા અને ‘કમાઠીપુરા કી ડોન’ના નામે મશહૂર થઈ ગઈ.
એ પછી તે ખૂબ પૈસા કમાઈ. ૬૦ ના દાયકામાં ગંગુબાઈ પાસે કાળા રંગની બેંટલી મોટર કાર હતી. કેટલાક સમય બાદ તેણે હવે રેડલાઇટ એરિયામાં કામ કરતી બીજી રૂપજીવીનીઓને મદદ કરવાનું કામ શરૂ કર્યું. એણે કેટલાંક અનાથ બાળકોને પણ દત્તક લીધા. તેમને ભણાવવાનું ખર્ચ ઉપાડી લીધું. ગંગુબાઈએ સેક્સ વર્કસના અધિકારો માટે લડત શરૂ કરી. મુંબઈના આઝાદ મેદાનમાં સેક્સ વર્કર્સના પ્રશ્નો અંગે અવાજ ઉઠાવ્યો. એ વખતે મુંબઈના મોટાં મોટાં અખબારોએ ગંગુબાઈના આઝાદ મેદાનમાં અપાયેલાં ભાષણો છાપ્યાં. ગંગુબાઈ હૃદયથી ઉમદા નારી હતી. કહેવાય છે કે તેેણે કોઈ યુવતીને પરાણે દેહવ્યાપારના વ્યવસાયમાં લાવવા કદીયે પ્રયાસ કર્યો ન હતો. તેણે પોતે જીવનમાં ઘણી અગવડો  ભોગવી પરંતુ  પાછળની જિંદગીમાં દેહવ્યાપારમાં સપડાયેલી યુવતીઓનું જીવન બહેતર બને તે માટે તે કાર્યરત રહી. કમાઠીપુરામાં રહેતી તમામ સ્ત્રીઓ અને અનાથ બાળકોને તે પોતાનાં જ સંતાનો સમજીને તેમને એક માતા તરીકેનું ‘વાત્સલ્ય’ આપતી હતી. કમાઠીપુરામાંથી વેશ્યાગૃહો નાબૂદ થાય તે માટે પણ પ્રયત્નશીલ રહી. કહેવાય છે કે ગંગુબાઈએ તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુનો સંપર્ક કરી રૂપજીવીઓના પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. પંડિત નહેરુએ રેડ લાઇટ એરિયાની સુરક્ષા માટેની તેના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. ગંગુબાઈ પહોળી ગોલ્ડન બોર્ડરવાળી સાડી પહેરવા માટે જાણીતી હતી. માથામાં ચાંદલો પણ કરતી હતી. ગંગુબાઈ માફિયા ક્વીનમાંથી  સામાજિક કાર્યકર્તા બની ગઈ તે તેના જીવનનો મોટો બદલાવ હતો. એ જે વિસ્તારમાં કામ કરતી હતી તે વિસ્તારમાં તેની સ્મૃતિમાં લોકોએ તેની પ્રતિમા મૂકી છે. કેટલાક કોઠાઓની દીવાલો પર ગંગુબાઈની તસવીરો લટકાવવામાં આવેલી છે.
સમય વહેતાં તેની ઉંમર થઈ ગઈ અને તે મૃત્યુ પણ પામી પરંતુ તે અંગે કોઈ કોઈનીય પાસે અધિકૃત માહિતી નથી. આમ છતાં કેટલાંક માને છે કે ગંગુબાઈ કાઠિયાવાડીનું મૃત્યુ ૧૯૭૫ અને ૧૯૭૮ની વચ્ચે થયું હતું.
આવી છે ગંગુબાઈ કાઠિયાવાડીની પત્રકાર હુસેન ઝૈદીએ તેમના પુસ્તકમાં વર્ણવેલી કથા.
દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!