Close

ગરીબોનું દર્દ જાણું છું માટે ગરીબોનો અવાજ બનીશ

કભી કભી | Comments Off on ગરીબોનું દર્દ જાણું છું માટે ગરીબોનો અવાજ બનીશ

રામ્યા હરિદાસ.

તાજેતરમાં ચૂંટાયેલા મહિલા સાંસદ છે.

રામ્યા હરિદાસનો જન્મ અરબી સમુદ્રના કિનારે આવેલા ખૂબસૂરત કેરળના કોઝિકોડ જિલ્લાના એક ગામમાં થયો હતો. તેઓ રોજેરોજ મજદૂરી કરનારા શ્રમજીવી પરિવારના પુત્રી છે. કુદરતે કેરળને અપાર સૌંદર્ય બક્ષ્યું છે. અહીં લાખોની સંખ્યામાં નાળિયેરીનાં, સોપારીના વૃક્ષો છે. કેળાંની અનેક જાત અહીં જોવા મળે છે. રબરના પ્લાન્ટ્સથી માંડીને ચા અને કોફીના બગીચા છે. કાજુ અને અંજીર પણ અહીં પેદા થાય છે. મરીના વેલા પણ છે.

આવી અદ્ભુત સૌંદર્ય ભૂમિમાં પેદા થવા છતાં રામ્યાનું બચપણ અનેક મુશ્કેલીઓ વચ્ચે ગુર્જ્યું. ઝૂંપડીમાં રહેતા પરિવાર માટે બે ટંકનું ભોજન પણ દોહ્યલું હતું. પરંતુ રામ્યાને ખુશી એ વાતની હતી કે  તે કેરળમાં જન્મી.

કેરળ દેશનું સૌથી વધુ શિક્ષિત રાજ્ય છે. અહીં કોમ્યુનિસ્ટ સરકાર છે. અહીં ગરીબમાં ગરીબ પરિવારનું બાળક ભણી શકે તેવી વ્યવસ્થા છે.

રામ્યાના પિતા આખો દિવસ ખૂનપસીનો વહેવરાવી મજદૂરી કરતા હતા. મા સિલાઇ કામ કરતી હતી. તેમણે પુત્રીને ભણાવવા માટે તમામ કષ્ટ વેઠયા. રામ્યા કહે છે : ‘મેં ગરીબીને બહુ જ નજીકથી નિહાળી છે એટલે સુધી કે અમે સરકારે આપેલા નાના ઘરમાં જ રહીએ છીએ.  એ દિવસોમાં જ્યારે અન્ય માતા-પિતા તેમની દીકરીઓને બહાર આવવા જવા માટે મનાઇ ફરમાવતી હતી ત્યારે મારી માએ મને જિંદગીની તમામ દોડમાં સામેલ થવાની તક આપી.’

રામ્યા સ્કૂલના દિવસોમાં સુંદર ગાતી હતી. ખાસ કરીને લોકગીતો ગાવાનો તેનો આગવો અંદાજ હતો. સ્થાનિક લોકો તેના ગીતોની સરાહના કરતા અને તેનો આત્મવિશ્વાસ વધતો ગયો. હવે  તે મોટા જનસમૂહની સામે જતાં શીખી ગઇ.

આ દરમિયાન તેણે દસમા ધોરણની પરીક્ષા પાસ કરી લીધી. તે પછી તેણે ફેશન ડિઝાઇનનો કોર્સ કર્યો. ૨૦૦૭માં તેણે પ્રી-પાઇમરી ચાઇલ્ડ હૂડ કોર્સ પણ કરી લીધો. તે પછી સંગીતના વિષયમાં તે સ્નાતક થઇ. ભણતાં ભણતાં જ તે કેરળ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ સાથે જોડાઇ. અને તે સમાજ સેવા કરવા લાગી.

૨૦૧૦-૧૧માં કોંગ્રેસે ભવિષ્યના નેતાઓની ખોજ માટે એક ટેલેન્ટ હંટ કાર્યક્રમ યોજ્યો. રામ્યાએ તેમાં ભાગ લીધો. આ સ્પર્ધામાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યું. પક્ષના  નેતાઓનું તેની તરફ ધ્યાન કેન્દ્રિત થયું. એ પછી તે કોંગ્રેસની યુવા પાંખમાં જોડાઇ. પરંતુ તેની છબી એક ગંભીર નેતાના સ્વરૂપે ઊભરી. તેને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવી. તે પ્રમુખ તરીકે ચૂંટાઇ આવી. રામ્યાએ આદિવાસી લોકોની વચ્ચે જઇ કામ કરવાનું શરૂ કર્યું.

આ વર્ષે લોકસભાની ચૂંટણીઓની જાહેરાત થઇ અને કોંગ્રેસ હાઇકમાન્ડે તેને અનુસૂચિત જાતિ માટે અનામત એવી અલતુરા સંસદીય મતવિસ્તાર માટે ટિકિટ આપી ત્યારે બધા ચોંકી ગયા.  રામ્યા એક એવી મહિલા હતી કે જેની પાસે લોકસભાની ચૂંટણી લડવા માટે કોઇ સાધનો કે પૈસા નહોતા. તેની પાસે માત્ર રૂ. ૨૨,૮૧૬ની પૂંજી હતી. તેમાંથી  બેન્કના ખાતામાં રૂ. ૧૨,૮૧૬ની રકમ જમા હતી જ્યારે રૂ. ૧૨ હજારની કિંમતનું સોનાનું એક ઘરેણું હતું. આખા વર્ષમાં તે માત્ર રૂ. ૧૨ હજાર કમાઇ શકતી હતી.

આ સંજોગોમાં પક્ષે અને લોકોએ તેને મદદ કરી.

સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમના પૂર્વ ડાયરેક્ટર જોન સેમ્યુઅલે તેને રૂ. ૨૫ હજારનો ફાળો આપ્યો. બીજી આર્થિક મદદ માટે તેણે રામ્યા હરિદાસ ચેલેન્જ ફંડ નામનું અભિયાન ચલાવ્યું.

જોન સેમ્યુઅલે જાહેર નિવેદન કરતાં કહ્યું કે, ‘અગર જો તમે ઇચ્છો છો કે આર્થિક અને સામાજિક રીતે પછાત વર્ગના લોકો પણ ધનવાનોની મદદ વગર પણ સંસદમાં પહોંચે તો  રામ્યાને આર્થિક મદદ કરો ?

આ અપીલ બાદ એક હજાર લોકો રામ્યાની મદદે આવ્યા. તે જ્યારે તેનું ફોર્મ ભરવા ગઇ ત્યારે બહાર ઊભેલી માનવ ભીડે ‘છોટી બહેન આઇ હૈં’ ના નારા લગાવી તેનું જોરદાર સ્વાગત કર્યું.

પરંતુ ૩૨ વર્ષની રામ્યા માટે ચૂંટણી લડવી આસાન નહોતી. એની સ્પર્ધા છેલ્લા દસ વર્ષથી લોકસભામાં રહેલા સાંસદ સાથે હતી. વળી આ સીટ સત્તાધારી પક્ષ ડાબેરીઓનો ગઢ માનવામાં આવતો હતો. છતાં રામ્યા મેદાનમાં ઊતરી, લોકોને મળવા લાગી, નાની નાની સભાઓને સંબોધવા લાગી, ગીતો ગાઇને પ્રચાર રોચક બનાવવા લાગી. તેની આ શૈલી કામિયાબ થતી જોઇ વિરોધી ડાબેરીઓ ગભરાયા. બીજે બધે થાય છે તેમ અહીં પણ એક સ્ત્રીને તમામ પ્રકારના કષ્ટ વેઠવા પડયા. આખરે તે એક મહિલા  ઉમેદવાર હતી છતાં હિંમત ના હારી. તેની પર અનેક પ્રકારના રાજકીય હુમલા થયા છતાં તે તેનો સામનો કરતી રહી.

અને એ ચૂંટણી લડી.

લોકો સુધી એણે પોતાની વેદના પહોંચાડી.

લોકોએ તેને સાથ આપ્યો. ચૂંટણી થઇ. મતદાન થયું. પરિણામ પણ આવી ગયું. તે તેના પ્રતિસ્પર્ધી  ઉમેદવાર સામે દોઢ લાખ મતની સરસાઇથી લોકસભાની ચૂંટણી જીતી ગઇ.

કેરળથી ૧૭મી લોકસભામાં પહોંચનારી કેરળની તે એક માત્ર મહિલા છે.

પોતાની  સફળતા બાદ રામ્યા બોલી : ‘અલતુરા મત વિસ્તારના લોકોએ મારી પ્રતિષ્ઠા જાળવી રાખી, ભારે સન્માન કર્યું. હું ગરીબોનું દર્દ જાણું છું. ગરીબોનો અવાજ બનીને રહીશ. જે લોકો મારી સાથે ઊભા રહ્યા છે તેમને હું નિરાશ નહીં કરું.’

ઓલ ધ બેસ્ટ, રામ્યા.

  • દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!