Close

ગાંધી’ ફિલ્મ પ્રિન્સ ચાર્લ્સ અને પ્રિન્સેસ ડાયનાએ પણ નિહાળી

કભી કભી | Comments Off on ગાંધી’ ફિલ્મ પ્રિન્સ ચાર્લ્સ અને પ્રિન્સેસ ડાયનાએ પણ નિહાળી

ભારતમાંથી  અંગ્રેજોને હાંકી કાઢનાર મહાત્મા ગાંધીજી વિશે શ્રેષ્ઠ  ‘ગાંધી’ ફિલ્મ પણ એક અંગ્રેજે જ બનાવી. બોલિવૂડના ફિલ્મ દિગ્દર્શકોને ‘ગાંધીજી’ પણ ફિલ્મનો એક શ્રેષ્ઠ વિષય અને કથાનો શ્રેષ્ઠ નાયક બની  શકે છે તે સૂંઝયું જ નહીં.

‘ગાંધી’ ફિલ્મ  બનાવનાર હતા સર રિચાર્ડ એટનબરો. તેઓ અંગ્રેજ હતા. આ ફિલ્મના કેટલાંક સંવેદનશીલ ગ્શ્યોનું શૂટિંગ દિલ્હીમાં થયું હતું.  આમ તો આ ફિલ્મનું શૂટિંગ મુંબઇ, પટના અને પૂણેમાં પણ થયું હતું. દક્ષિણ દિલ્હીમાં મનોર હોટેલ ખાતે આ ફિલ્મના સેટ બનાવવા માટે મોટું વર્કશોપ ઊભું કરવામાં આવ્યું હતું. તે માટે અનેક મિસ્ત્રીઓ, પ્લમ્બર્સ અને ડ્રાફ્ટસમેનને કામે લગાડવામાં આવ્યા હતા.
ત્યારે મોટી ભીડના ગ્શ્યો માટે હજારોની સંખ્યામાં વસ્ત્રો તૈયાર કરવાનું કામ કોસ્ચ્યુમ ડિઝાઇનરને સોંપવામાં આવ્યું હતું. આ ફિલ્મના મોટાભાગના ટેક્નિશિયનોને પણ આ જ હોટેલમાં ઉતારવામાં આવ્યા હતા. ફિલ્મના ડાયેક્ટર સર રિચાર્ડ એટનબરો, મુખ્ય કલાકારો બેન કિંગ્સલે અને રોહિણી હંટગડી પણ આ જ હોટેલમાં રોકાયા હતા.

દિલ્હીની આસપાસના વિસ્તારોને  કેટલાક ગ્શ્યો માટે લોકેશન્સ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. અમદાવાદનો જાણીતો સાબરમતી આશ્રમ, દિલ્હી નજીક આવેલા એનસીઆર તરીકે ઓળખાતા વિસ્તારના  ફરીદાબાદ ખાતે ઊભો કરવામાં આવ્યો હતો, જ્યારે જનરલ ડાયર દ્વારા જલિયાનવાલા બાગમાં ભારતીયોનો મોટો હત્યાકાંડ  કરાયો તે ઘટનાના ગ્શ્યો પણ દિલ્હી ખાતે  જ ઊભા કરાયેલા એક લોકેશન પર શૂટ કરવામાં આવ્યા હતા. ઉત્તર દિલ્હીમાં આવેલી રોશન આર. કલબને બિહારની ચંપારણ ક્રિકેટ કલબમાં પરિર્વિતત કરવામાં આવી હતી.

ગાંધીજીને દક્ષિણ આફ્રિકામાં એક ટ્રેનમાંથી એક ગોરા  અંગ્રેજે જે રેલવેસ્ટેશન પર ધક્કો મારી ફેંકી દીધા હતા તે ગ્શ્ય પીટરમારિત્ઝ બર્ગ રેલવેસ્ટેશન ગુરુગ્રામ  નજીક આવેલા એક રેલવેસ્ટેશન ખાતે શૂટ કરવામાં આવ્યું હતું.

આ ફિલ્મનો પ્રીમિયર શો તા. ૩૦ નવેમ્બર ૧૯૮૨ના રોજ ચાણક્ય સિનેમા થિયેટર ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં એ વખતના ભારતના  રાષ્ટ્રપતિ ઝૈલસિંહ અને એ વખતના  વડા પ્રધાન ઇંદિરા ગાંધીએ હાજરી આપી હતી.

નોંધપાત્ર વાત એ છે કે ‘ગાંધી’ ફિલ્મમાં કસ્તૂરબાના રોલ માટે રોહિણી હટંગડીને પસંદ કરવામાં આવ્યા. ત્યારે રોહિણી હટંગડી યુવાન હતા. એ વખતે તેમની ઉંમર માત્ર ૨૭ વર્ષની  જ હતી. અત્યારે તેઓ ૬૭ વર્ષની વયના છે. તેમને આ રોલ અચાનક જ મળી ગયો હતો. તેઓ સ્ટેજના કલાકાર હતા. એક દિવસ આ ફિલ્મના લાયઝન ઓફિસર ડોલી ઠાકોરોનો તેમની પર સંદેશો આવ્યો અને કહ્યું કે, તમારે આજે સેન્ટયોર હોટેલ ખાતે સર રિચાર્ડ એટનબરોને મળવાનું છે.

રોહિણી હટંગડીએ કહ્યું કે, મેં તો હજુ  ત્રણ જ ફિલ્મો કરી છે, પરંતુ મારી પાસે થિયેટરનો અનુભવ છે.

એમ છતાં ડોલી ઠાકરે રોહિણીને તાર મોકલી હોટેલ પર મળવા આવવા જણાવ્યું. રોહિણી પાસે પોતાનો ફોન પણ ન હતો.

એ પછી રોહિણી હટગંડીને કહેવામાં આવ્યું  કે તમારે સ્ક્રીન ટેસ્ટ માટે  ઇંગ્લેન્ડ આવવાનું છે. રોહિણી હટંગડી લંડન ગયા અને એ જ  રોલ માટે સ્મિતા પાટિલ અને ભક્તિ બર્વેને પણ સ્ક્રીન ટેસ્ટ માટે બોલાવવામાં આવ્યા હતા. કસ્તૂરબાના રોલ માટે સ્મિતા પાટિલ અને ગાંધીજીના રોલ માટે નસીરુદ્દીન શાહે પણ સ્ક્રિન ટેસ્ટ આપ્યો પરંતુ રોહિણી હટંગડીને કસ્તૂરબાના રોલ માટે અને  બેન કિંગ્સલેને ગાંધીના રોલ માટે પસંદ કરવામાં આવ્યા હતા.

સર રિચાર્ડ એટનબરોએ કહ્યું કે સ્મિતા પાટિલ એક શ્રેષ્ઠ અભિનેત્રી છે પરંતુ તે કસ્તૂરબાના રોલ માટે જરૂર કરતાં વધુ પડતી રૂપાળી છે.

પસંદગી થઇ ગયા બાદ બેન કિંગ્સલે અને રોહિણી હટંગડીએ ચરખો ચલાવતાં શીખવો પડયો. કસ્તૂરબાની જેમ બોલતાં શીખવું પડયું. કસ્તૂરબાને સમજવા માટે રોહિણી હટંગડીએ સુશીલા નાયરનું પુસ્તક ‘આ ર બાપુ કી શીતલ છાયા મેં’ તથા વનમાલા પરીખનું ‘હમારી બા’ વાંચી નાખ્યું.

આ ફિલ્મના નિર્માણનો કેટલાક લોકોએ વિરોધ પણ કર્યો હતો.  એ લોકોનું કહેવું હતું કે,’ગાંધી પર ફિલ્મ કેવી રીતે બનાવી શકો?’

એમ છતાં સર રિચાર્ડ એટનબરો ફિલ્મ બનાવા મક્કમ રહ્યા  અને ફિલ્મના નિર્માણ વખતે સર રિચાર્ડ એટનબરો અને બેન કિંગ્સલેએ અંગત સિક્યોરિટી ગાર્ડ્સ રાખવા પડયા હતા.

‘ગાંધી’ ફિલ્મના દરેક સેટ માટે ઝીણામાં ઝીણું ધ્યાન રાખવામાં આવ્યું હતું. ગાંધીજી જ્યાં રહેતા હતા ત્યાં પાછળના ભાગમાં મિલોના ભૂંગળા હતા. યમુનાના કિનારે એવાં ભૂંગળા ઊભા કરવામાં આવ્યા હતા. મુંબઇમાં સર રિચાર્ડ એટનબરો અસલી ઝીબ્રા પ્રાણી લાગ્યા હતા.

ગાંધીજીની હત્યા બાદ તેમની અંતિમ યાત્રાના ગ્શ્યો દિલ્હીમાં શૂટ કરવામાં  આવ્યા હતા. જેના માટે લાખો એકસ્ટ્રાઝ બોલાવવામાં આવ્યા હતા અને જુદે જુદે સ્થળે ગોઠવેલા બાર જેટલા કેમેરા વડે એ અંતિમયાત્રાનું  ગ્શ્ય શૂટ કરવામાં આવ્યું હતું.

‘ગાંધી’ ફિલ્મ સ્વયં એક એપિક-ફિલ્મ કહેવાય છે. આ ફિલ્મની રજૂઆત તા. ૩૦ નવેમ્બર ૧૯૮૨ના રોજ ભારતમાં, તા. ૩જી ડિસેમ્બરના રોજ યુ.કે.માં અને તા. ૧૦મી ડિસેમ્બરના રોજ અમેરિકામાં થઇ હતી. આ ફિલ્મને નવ જેટલા ઓસ્કાર એવોર્ડ્સ મળ્યા હતા. જેમાં શ્રેષ્ઠ ફિલ્મ શ્રેષ્ઠ દિગ્દર્શક, શ્રેષ્ઠ એક્ટર, શ્રેષ્ઠ પટકથા માટેના એવોર્ડ્સનો સમાવેશ થાય છે. ગાંધીજીનો રોલ બેન કિંગ્સલે અને કસ્તૂરબાનો રોલ રોહિણી હટંગડીએ અદા કર્યો હતો.  જવાહરલાલ નેહરુનો રોલ રોશન શેઠે, સરદાર પટેલનો રોલ સઇદ જાફરી અને જનરલ ડાયરનો રોલ એડવર્ડ ફોક્સએ અદા કર્યો હતો.

આ ફિલ્મનું બજેટ ૨૨ મિલિયન ડોલર હતું અને બોક્સ ઓફિસ પર તેણે ૧૨૭.૮ મિલિયન ડોલરની કમાણી કરી હતી.  યુ.કે.માં આ ફિલ્મનો પ્રીમિયર શો યોજાયો ત્યારે ઇંગ્લેન્ડના પ્રિન્સ ચાર્લ્સ અને પ્રિન્સેસ ડાયનાએ હાજરી આપી હતી. આ ફિલ્મ રિલીઝ થયા બાદ વિશ્વભરના મીડિયાએ તેની પ્રશંસા કરી હતી.

સર રિચાર્ડ એટનબરોએ આ ફિલ્મ બનાવી તે પહેલાં ૧૯૫૨માં ગ્રેબિઅલ પાસ્કલે ગાંધીજી પર ફિલ્મ બનાવવા પ્રયાસ કર્યો હતો. તેઓ એ વખતના વડા પ્રધાન જવાહરલાલ નેહરુને મળ્યા  પણ હતા પરંતુ ૧૯૫૪માં અચાનક તેમનું અવસાન થયું અને પ્રોજેક્ટ શરૂ જ થઇ ના શક્યો તે અગાઉ ‘ધી બ્રિજ ઓન ધી રિવર ક્વાઇ’ બનાવનાર ડેવિડ લીન  અને સેમ સ્પીગલે પણ ગાંધીજી પર ફિલ્મ બનાવવા યોજના બનાવી હતી. તેઓ એલેક ગિનેસને ગાંધીનો રોલ આપવા માગતા હતા પરંતુ એમણે લોરેન્સ ઓફ અરેબિયા ફિલ્મનું નિર્માણ હાથમાં લેતા ગાંધીજી પરની ફિલ્મ બનાવવાનો વિચાર માંડી વાળવો પડયો હતો.

છેવટે એ યશ સર રિચાર્ડ એટનબરોને મળ્યો જેમને બ્રિટિશ સરકારે ‘સર’નો ખિતાબ પણ બક્ષ્યો અને તેઓ લોર્ડસ બન્યા.

આવી છે ગાંધી ફિલ્મની કહાની..

– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!