Close

ગુજરાત કોલેજ માટે ૩૩ એકર જમીન ને લાખો રૂપિયા આપ્યા

કભી કભી | Comments Off on ગુજરાત કોલેજ માટે ૩૩ એકર જમીન ને લાખો રૂપિયા આપ્યા

ઈસ્ટ ઇન્ડિયા કંપની ખોલી ભારતમાં વેપાર કરવા આવેલા અંગ્રેજોએ ૨૦૦થી વધુ વર્ષ સુધી ભારતને ગુલામ રાખ્યું પરંતુ બ્રિટિશરો શિક્ષણ પ્રિય હતા. દેશનો વહીવટ ચલાવવા તેમને કારકુનોની જરૂર હોઇ ભારતની શિક્ષણ પ્રણાલી અને અભ્યાસક્રમો તેમની જરૂરિયાત અનુસાર ગોઠવ્યાં. હાલ જે આઇએએસ કહેવાય છે તે અંગ્રેજોના જમાનામાં ‘આઈ સી એસ’ એટલે કે ‘ઇન્ડિયન સિવિલ સવર્સિ’ તરીકે ઓળખાતી ડિગ્રી હતી. આઇસીએસ થવા વિલાયત જવું પડતું. દેશના પૂર્વ નાણામંત્રી એચ.એમ. પટેલ ઇંગ્લેન્ડ જઇ આઈસીએસ થયા હતા. નિવૃત્ત થયા બાદ તેઓ જાહેરજીવનમાં આવ્યા હતા અને દેશના કુશળ નાણામંત્રી બન્યા હતા.

નોંધપાત્ર વાત એ છે કે બ્રિટિશ ઇન્ડિયાના સમયમાં જે શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓ શરૂ થઇ તેમાંની એક અમદાવાદની ગુજરાત કોલેજ હતી. તે દેશની જૂનામાં જૂની શૈક્ષણિક સંસ્થાઓ પૈકીની એક છે.

ગુજરાત કોલેજનો ઇ.સ. ૧૮૪૫માં અમદાવાદમાં એલિસબ્રિજ ખાતે એક નાની સંસ્થા તરીકે પાયો નાંખવામાં આવ્યો હતો. તે સરકાર દ્વારા ચાલતી સંસ્થા હતી. તે એક નિયમિત કોલેજ તરીકે ઇ.સ. ૧૮૫૦માં શરૂ થઇ.

ઇતિહાસ એવો છે કે ગુજરાત કોલેજ ટી.સી. હોપ નામના એક બ્રિટિશરના પ્રયાસથી શરૂ થઇ હતી. તેમણે અમદાવાદના કેટલાક રહીશોને દાન આપવા પ્રેર્યા હતા.

ઇ.સ.૧૮૬૦માં આ સંસ્થાએ ગુજરાત પ્રોવિન્શિયલ કોલેજ તરીકે કામ કરવાનું શરૂ કર્યું. પરંતુ ૧૮૭૨ સુધી તે સ્થગિત થઇ ગઇ. પાંચ વર્ષના એ શૂન્યાવકાશ બાદ એ કોલેજ ઇ.સ. ૧૮૭૯માં ગુજરાત કોલેજ તરીકે શરૂ થઇ. તેના સંચાલન માટે ગુજરાત કોલેજ કમિટીની રચના કરવામાં આવી હતી. આ સંચાલન સમિતિનું નેતૃત્વ અમદાવાદના મિલ માલિક રાય બહાદુર શેઠ રણછોડલાલ છોટાલાલ પાસે હતું. ત્યાર પછી તેમના પૌત્ર સર ચીનુભાઇ માધવલાલ બેરોનેટે ઇ.સ. ૧૮૯૭માં ૩૩ એકર જમીન અને લાખો રૂપિયાનું દાન કોલેજ માટે કર્યું જેથી કોલેજનું વિસ્તૃતીકરણ કરી શકાય. એમણે ૧૮૯૭ની સાલમાં રૂ. છ લાખનું દાન કર્યું. તે પછી આર્ટ્સ કોલેજના મકાન માટે રૂ. ૨૦ લાખની રોકડ રકમનું દાન કર્યું. તેઓ આટલેથી અટક્યા નહીં. ગુજરાત કોલેજની લાઇબ્રેરી માટે ફરી રૂ. ૧૫ લાખનું દાન કર્યું. આ બધા દાન આજથી સવાસો વર્ષ પહેલાં.

આ દાનથી જે ઇમારતો ઊભી થઇ તેમાં માધવલાલ રણછોડલાલ સાયન્સ ઇન્સ્ટિટયૂટ, અને સિડેન હેમ લાઇબ્રેરી અને જ્યોર્જ ફીફ્થ હોલનો સમાવેશ થાય છે. આ બધી જ ઇમારતોનું ઉદ્ઘાટન અનુક્રમે ૧૯૧૨, ૧૯૧૫ અને ૧૯૧૭માં લોર્ડ જ્યોર્જ સિડેન હામ ક્લાર્કના હસ્તે થયા. એ સમયે અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે રાય બહાદુર હિંમતલાલ ધીરજરામ ભચેચ હતા. તે એક ઇજનેર પણ હતા. તેમની દેખરેખ હેઠળ આ મકાનો બંધાયા હતા. સર ચીનુભાઇ માધવલાલ બેરોનેટ કે જેઓ આ કોલેજના પેટ્રન પણ હતા તેમણે ફરી એક વાર રૂ. ૧૦ લાખની સખાવત એ જ સમયગાળા દરમિયાન કરી.

અમદાવાદની ગુજરાત કોલેજ માત્ર શૈક્ષણિક સંસ્થા તરીકે જ નહીં પરંતુ અંગ્રેજો સામેની લડતના એક હિસ્સા તરીકે પણ ઐતિહાસિક બની રહી. તા.૨૮ સપ્ટેમ્બર, ૧૯૨૦ના રોજ ગાંધીજીએ આ જ ગુજરાત કોલેજના પ્રાંગણમાં એક ઐતિહાસિક જાહેરસભા કરી. આ સભામાં ચિક્કાર જનમેદની અને વિદ્યાર્થીઓ હતા. જાહેરસભાને સંબોધતાં ગાંધીજીએ અંગ્રેજોને હાંકી કાઢવા અંગ્રેજો સાથે અસહકારની લડત ચલાવવા અપીલ કરી. વિદ્યાર્થીઓને કોલેજ છોડી દેવા જણાવ્યું. ગાંધીજીની આ અપીલને માન આપી કેટલાયે વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોએ કોલેજ છોડી દઇ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝંપલાવ્યું. ગુજરાત કોલેજ એ બ્રિટિશ સરકાર દ્વારા ચલાવાતી કોલેજ હોઇ ગાંધીજીએ એ કોલેજ છોડી દેવા અપીલ કરી હતી. તેમાંથી નીકળી ગયેલ અનેક વિદ્યાર્થીઓ ગાંધીજીએ શરૂ કરેલી. ગૂજરાત વિદ્યાપીઠમાં દાખલ થયા.

૧૯૪૨ની ક્વિટ ઇન્ડિયા ચળવળ વખતે ગુજરાત કોલેજના અનેક વિદ્યાર્થીઓે બ્રિટિશરો સામેની રેલીમાં ભાગ લીધો. અંગ્રેજો વિરુદ્ધ નારા પોકાર્યા. અંગ્રેજોએ દેખાવો કરતા વિદ્યાર્થીઓ પર પોલીસ મારફતે ગોળીબાર કરાવરાવ્યા. તા. ૯ ઓગસ્ટ, ૧૯૪૨ના રોજ ગુજરાત કોલેજની અંદર અંગ્રેજો વિરુદ્ધ સૂત્રો પોકારી રહેલા કોલેજના વિદ્યાર્થીઓ પર એક અંગ્રેજ પોલીસમેને ગોળીબાર કર્યો. એ ગોળીબારથી વિનોદ કિનારીવાલા નામનો એક વિદ્યાર્થી શહીદ થયો. આ ઘટનાના ભયંકર પ્રત્યાઘાત શહેરમાં પડયા. અંગ્રેજોની બર્બરતા સામે લોકોમાં રોષ ફાટી નીકળ્યો. આઝાદી બાદ ૧૯૪૭માં ગુજરાત કોલેજના કેમ્પસમાં જ વીર વિનોદ કિનારીવાલાનું એક સ્મારક બનાવવામાં આવ્યું. જેનું ઉદ્ઘાટન જયપ્રકાશ નારાયણના હસ્તે થયું.

આજે લોકો અને નેતાઓ વીર વિનોદ કિનારીવાલાને ભૂલી ગયા છે. એ ઘટનાના સાક્ષી સ્વાતંત્ર્ય સેનાની બ્રહ્મકુમાર ભટ્ટ હતા પરંતુ હવે તેઓ પણ રહ્યા નથી.

ગુજરાત કોલેજે જે શ્રેષ્ઠ પ્રતિભાઓ આપી તેમાં શહીદ વીર વિનોદ કિનારીવાલા, કેલિકો મિલના માલિક અંબાલાલ સારાભાઇ, અરવિંદ ગ્રૂપના મિલોના માલિક કસ્તુરભાઇ લાલભાઇ, સ્વાતંત્ર્ય સેનાની ઇન્દુલાલ યાજ્ઞિક, જાણીતા કવિ ઉમાશંકર જોશી, દેશના લોકસભાની પહેલા સ્પીકર ગણેશ વાસુદેવ માવળંકર, જાણીતા વૈજ્ઞાનિક ડો. વિક્રમ સારાભાઇ, જાણીતા કવિ નાનાલાલ દલપતરામ, આનંદશંકર ધ્રુવ, ગુજરાતના પહેલાં મહિલા ગ્રેજ્યુએટ વિદ્યાગૌરી નીલકંઠ, ગિરિજાપ્રસાદ ચીનુભાઇ માધવલાલ અને બોમ્બે હાઇકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ આર.એમ. કાંટાવાલાનો સમાવેશ થાય છે. આ બધા જ ગુજરાત કોલેજમાં ભણ્યા હતા.

ગુજરાત કોલેજ શરૂ થઇ ત્યારે ૧૮૭૯માં તેને યુનિવર્સિટી ઓફ બોમ્બેએ જોડાણ આપ્યું હતું. તે પછી ગુજરાત યુનિવર્સિટી અસ્તિત્વમાં આવતા તેનું એફિલિએશન ગુજરાત યુનિવર્સિટી સાથે થયું. આજે ગુજરાત કોલેજ ગુજરાત સરકાર દ્વારા સંચાલિત કોલેજ છે.

દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!