Close

ગુજરાત યુનિ.ના કુલપતિની ચૂંટણીમાં ડૉ.વિક્રમ સારાભાઈને રાજકારણીઓએ હરાવી દીધા

કભી કભી | Comments Off on ગુજરાત યુનિ.ના કુલપતિની ચૂંટણીમાં ડૉ.વિક્રમ સારાભાઈને રાજકારણીઓએ હરાવી દીધા
અમદાવાદમાં શાહીબાગ અંડરબ્રિજ પાસે આવેલો ‘રિટ્રીટ’ બંગલો આજે પણ વર્ષો જૂના સ્થાપત્યનો એક અજોડ નમૂનો છે. અંબાલાલ સારાભાઈની માલિકીના આ બંગલામાં શરૂઆતમાં ચારે તરફ થોરની વાડ હતી.  પછી તે ઈંટ-કોંેક્રિટનો થયો. ૧૯૧૮ સુધી એમનું પરિવાર  રાત્રે શાહીબાગ આ બંગલામાં રહેતું અને દિવસે મિરજાપુરના બંગલે જતું. ઘોડાગાડીઓ પણ જોડાય અને આખું પરિવાર સ્થળાંતર કરી જાય.
લીનાબહેન નોંધે છે ઃ ‘૧૯૨૬માં અમે દાર્િંજલિંગ ગયાં. ૧૯૨૭માં અમે શિલોંગ ગયાં. ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરને સપરિવાર સાથે અમારા  મહેમાન તરીકે નોતર્યાં. અમારા ઘરની બાજુમાં જ તેમના માટે અલાયદુ ઘર રાખવામાં આવ્યું. આમ કરવા પાછળ અંબાલાલ સારાભાઈને ઉદેશ્ય તેમના સંતાનોને શ્રોષ્ઠ સંસ્કાર સિંચનનો હતો.’ શિલોંગમાં પિયાનો તથા યુરોપિયન લોકનૃત્ય અને બૉલરૂપ ડાન્સિંગ શીખવાની વ્યવસ્થા મમ્મીએ કરી આપી. એ જમાનામાં નૃત્ય કરવું તે સારું ગણાતું નહોતું.  પાછળથી મણિપુરથી એક નૃત્ય શિક્ષક બોલાવી અમને તાલીમ આપવામાં આવી. ઉસ્તાદ મુશરફખાન પાસેથી બીન અને સિતાર શીખવાની વ્યવસ્થા કરવામાં આવી. કલકત્તામાં અમારા ઉતારો રવીન્દ્રનાથ ભવનમાં રહેતો. શિલોંગમાં સુભાષચંદ્ર બોઝ અને તેમના ભાઈ-બહેનો સાથે અમારો ભેટો થઈ ગયો. સુભાષબાબુ ઘણો  લાંબોે  સમય કારાવાસ ભોગવીને આવ્યા હતા. તેમનું મુખ બૌદ્ધ ભિખ્ખુ જેવું લાગતું હતું.
સર ચીનુભાઈ માધવલાલ (બેરોનેટ) અંબાલાલના સંરક્ષક ગાર્ડિયન હતા. અને તેમના પુત્ર ગિરિજાપ્રસાદ બેરોનેટના ગાર્ડિયન અંબાલાલભાઈ હતા. સર ચીનુભાઈ બેરોનેટના કુટુંબના ઠાઠવૈવિધ્યનું કહેવું જ શું ? ગિજુભાઈ ઉર્ફે ગિરિજાપ્રસાદ બેરોેનેટ પોતાનું ખાનગી પ્લેન રાખતા. તેમના મોટા મોટર ગેરેજમાં રૉલ્સ રોઇસ અને બીજી અનેક મોટરકારો હતી.’
લીનાબહેન કહે છે ઃ ‘કસ્તુરભાઈ લાલભાઈ સાથે અમારા ‘રિટ્રીટ’ બંગલાનું કંપાઉન્ડ જોડાજોડ હતું. તેઓ અને તેમના બહેન લીલાવતીબહેન (ડાહીબહેન) હઠીસિંગ સાથે અમારે બહુ માયા હતી. એક દિવસ  એવો ના હોય કે તેમણે એક નાની વાટકી જેટલી પણ વાનગી  અમારા ઘેર ના મોકલી હોય. કસ્તુરકાકા મારા પિતાથી નાના, તેઓ અંબાલાલને રોજ મળ્યા વગર રહે નહીં. તેઓ મારા મમ્મીને ભાભી કહેતા અને તેમના પત્ની શારદાબહેનને કાકી કહેતાં.
૧૯૨૮માં આખુંય પરિવાર ફરી યુરોપના પ્રવાસે ગયું. ઇંગ્લેન્ડ, સ્વિટ્રલેન્ડ અને ફ્રાન્સમાં તેઓ ફર્યાં. રોમારોલા અને પ્રો. સિલ્વનને મળ્યા. સ્ટીમર અને  હૉટેલોમાં બાળકો માટે અલાયદા ડાઇનિંગ હૉલ હોય. યુરોપમાં નાટકો જોવા જતાં. પેરિસમાં ‘મુલારૂશ’ અને ‘ફોલીબર્શે’માં નિર્વસ્ત્ર લલનાઓના નૃત્ય જોવા કોઈ પ્રવાસી ના ગયો હોય તેવું ભાગ્યે જ બને. આ નૃત્યો પણ પરિવારને બતાવવામાં આવ્યો.’
લીનાબહેન કહે છે ઃ ‘કેટલાક મિત્રોને આ વાત શોકિંગ લાગે પરંતુ મારા પિતા માનતા હતા કે કોઈવાર અમે એકલાં યુરોપ જઈશું તો તે જોયા વગર અમે નહીં રહીએ, તેથી જ તેમણે તેમની રાહબરી નીચે અમને નિર્વસ્ત્ર લલનાઓના નૃત્ય બતાવ્યાં. મારા પિતા માનતા હતા કે એકવાર એ જોઈ લઈએ એટલે અમને તેની નવાઈ ના રહે અને લાંબેગાળે જોખમ પણ ના રહે. એમની વાત સાચી હતી એ બધું એમની સાથે જ જોયા પછી એવી બાબતમાં ચસકો અમને રહ્યો નહીં ?’
નોંધપાત્ર ઘટના એ છે કે ગાંધીજી- ઇરવીનની વાટાઘાટો ભાંગી પડતાં ગાંધીજીએ દિલ્હીમાં ઉપવાસ કર્યાં. એ વખતે નેલસન રૉકફેલર અને તેમના  નવોઢા ‘રિટ્રીટ’ના મહેમાન હતા. એમને લઈ સારાભાઈ પરિવાર ગાંધીજીને મળવા દિલ્હી ગયું. અને હકીમ અજમલખાનને ત્યાં ગાંધીજીએ પારણાં કર્યાં. જવાહરલાલ નહેરુ સ્વાતંત્ર્ય સેનાની હતા ત્યારે  અને વડાપ્રધાન થયા તે પછી પણ ‘રિટ્રીટ’માં જ ઊતરતા. મૃદુલાબહેન અને ભારતીબહેન માટે તેમને ઘણી મમતા હતી. ૧૯૩૨માં ગુલદાઉદીના ક્યારા વચ્ચે લીનાબહેને તેમની સમક્ષ નૃત્ય કર્યું હતું.’
લીનાબહેન  કહે છે ઃ ‘જ્યારે  તેઓ અમને જોતા ત્યારે એકદમ સામેથી આવીને ભેટતા અને કહ્યા વગર રહેતા નહીં ઃ ‘ગ્રોઇંગ મોર બ્યુટિફૂલ એવરીડે’.
૧૯૩૯માં મેડમ મોન્ટેસરી પણ અમદાવાદમાં અંબાલાલ સારાભાઈના મહેમાન બન્યાં. સરલાદેવીના આમંત્રણથી મેડમ મોન્ટેસરીએ અમદાવાદ આવી ‘મોન્ટેસરી કોર્સ’ પણ આપ્યો.
નોંધપાત્ર વાત એ છે કે ૧૯૧૨માં સારાભાઈ પરિવારમાં મહિલાઓના વાળ કાપવાના શરૂ થયા. લીનાબહેન નોંધે છે કે મોટાં બહેન મૃદુલાબહેને વાળ ટૂંકા જ રાખ્યા.
અહીં એક વાત નોંધવી જરૂરી છે કે અંબાલાલ સારાભાઈના પુત્ર ડૉ. વિક્રમ સારાભાઈ માત્ર ૪૬ વર્ષની વયે જ ભારતીય અણુશક્તિ પંચના અધ્યક્ષ બન્યા હતા. અમદાવાદની ફિઝિક્લ રિસર્ચ લેબોરેટરી, અટીરા અને ઇન્ડિયન સ્પેસ રિસર્ચ લેબોરેટરીના તેઓ સ્થાપક હતા. અમદાવાદ શહેર માટે તેમને અપાર પ્રેમ હતો. અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીના  મહત્ત્વના નિર્ણયોમાં તેમનું મોટું યોગદાન હતું. એ વખતના સત્તાધારી પક્ષના કેટલાંક રાજકારણીઓ  શાળાઓમાં અંગ્રેજી જ્ઞાનનો વિરોધ કરતા હતા. આ વાત ડૉ. વિક્રમ સારાભાઈને રુચતી નહોતી.  તેઓ માનતા હતા કે અંગ્રેજીના જ્ઞાનના અભાવે ગુજરાતના વિદ્યાર્થીઓ પાછળ પડી જશે. આ કારણથી ૧૯૬૧માં પોતાના સ્વભાવથી વિરુદ્ધ જઈને તેઓ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિપદની ચૂંટણી લડયા. આ એક મુશ્કેલ નિર્ણય હતો. તેઓ રાજનીતિના માનવી નહોતા. ગુજરાત યુનિવર્સિટી એ વખતના કેટલાંક કોંગ્રેસી રાજકારણીઓની  ચુંગાલમાં હતી. જ્ઞાતિવાદી રાજકારણ પણ વિરોધીઓએ ખેલ્યું. મોરારજીભાઈ દેસાઈ એ વખતે ગુજરાતના ‘સર્વોચ્ચ’ હતા. ગુજરાતનો કોઈ કોંગ્રેસી તેમનો વિરોધ કરી શકતો નહીં. શેઠ શ્રાી કસ્તુરભાઈ લાલભાઈ, ડૉ. વિક્રમ સારાભાઈના ટેકામાં હતા પરંતુ કોંગ્રેસ હાઇકમાન્ડને સેનેટ સભ્યોને ત્રણ લાઇનનો વ્હીપ આપ્યો અને કુલપતિ પદની ચૂંટણી ડૉ. વિક્રમ સારાભાઈ હારી ગયા. તેમની સામે એક રિટાયર્ડ સ્કૂલ ઇન્સ્પેક્ટર લાલભાઈ દેસાઈ કુલપતિની ચૂંટણી જીતી ગયા. આ પરાજયથી  ડૉ. સારાભાઈ જરાયે વિચલિત થયા નહોતા. એ જ ડૉ. વિક્રમ સારાભાઈએ પાછળથી ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઑફ મૅનેજમેન્ટ જેવી શ્રોષ્ઠ સંસ્થા ઊભી કરી. વિચારો કે ૧૯૬૧માં ડૉ. વિક્રમ સારાભાઈ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ બન્યા હોત તો ગુજરાત યુનિવર્સિટી પણ વર્લ્ડકલાસ યુનિવર્સિટી  એ જ વખતે બની જાત.
આ ઘટનાના ઘણાં વર્ષો બાદ એ વખતના વડાં પ્રધાન ઇંદિરા ગાંધીએ ડૉ. વિક્રમ સારાભાઈને ભારતીય અણુપંચના અધ્યક્ષ બનાવ્યા હતા.
અહીં  એ નોંધવું જરૂરી છે કે  ભારતે પોતાનો મિસાઇલ કાર્યક્રમ શરૂ કરવો જોઈએ એવી પહેલી દરખાસ્ત ડૉ. વિક્રમ સારાભાઈએ  જ મૂકી હતી. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામ ‘મિસાઇલ મેન’ ગણાય છે પરંતુ ભારતે પોતાનો મિસાઇલ કાર્યક્રમ શરૂ કરવો જોઈએ તેવી પહેલી દરખાસ્ત ડૉ. વિક્રમ સારાભાઈએ મૂકી હતી. ડૉ. કલામે પણ ડૉ. સારાભાઈને ભારતીય અવકાશ વિજ્ઞાનના પિતા ગણાવ્યા હતા.
– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!