Close

ગેંગસ્ટરના કારણે થોમ્પસન મેયરની ચૂંટણી હારી ગયા

કભી કભી | Comments Off on ગેંગસ્ટરના કારણે થોમ્પસન મેયરની ચૂંટણી હારી ગયા
અલ કપોન અમેરિકાના અંડરવર્લ્ડનો એક નામચીન ગેંગસ્ટર હતો. ઇટાલીથી સ્થળાંતરિત થઈને આવેલા એક સામાન્ય પરિવારનો પુત્ર અલ કપોને તેના ગુરુ જોની ટોરિયાના બોડીગાર્ડથી પોતાની કારકિર્દી શરૂ કરી એક દિવસ તે શિકાગોનો ખતરનાક ગેંગસ્ટર  બની ગયો. અમેરિકામાં એક સમયે અલ્પકાળ માટે શરાબબંધી દાખલ કરવામાં  આવી હતી. અલ કપોન ગેરકાયદે દારૂ બનાવવાથી માંડીને વેચવાનો ધંધો વિકસાવ્યો. જુગારખાનાં અને વેશ્યાગૃહોના માલિક એવા અલ કપોનના શત્રુઓ પણ વધ્યા. એક હૉટેલમાં જે રેસ્ટોરાંમાં  જમતો હતો ત્યાં પ્રતિસ્પર્ધી ગેંગે અનેક ગોળીઓ વરસાવી પણ તે બચી ગયો. તેની બુલેટપ્રૂફ કારને સરકારે જપ્ત કરી.
હુમલાથી બચી ગયેલા અલ કપોેને હવે શિકાગોની લેક્સિંગ્ટન હૉટેલના પોતાના હેડક્વાર્ટર ખાતે તથા મિશિગન એવન્યુ પર ચોવીસે કલાક બોડીગાર્ડસનો પહેરો બેસાડી દીધો. શિકાગો શહેરની બહાર પણ અલ કોપેનના કેટલાયે અડ્ડા હતા. દા.ત.બ્રુકફીલ્ડ, વિસ્કોન્સિન, જોનસન સિરા, ટેનેસી, ફ્લોરિડા, મિનેસોટા, ગ્રેડેં હેવન, મિશિગન, ન્યૂયોર્ક, ઇન્ડિયાના આયોવા,  જેકસન વીલે, ફ્લોરિડા હોટસ્પ્રીંગ અને અરકાંસાસ જેવા સ્થળો  પર તેનાં ગેરકાનૂની ધંધાના અડ્ડા હતા. હવે તે તેની પુરાણી ગિરોહના પૂર્વ સભ્યઓની ‘ધીકિલર’-મૈડન રિટાયર થયા બાદ પોસ્ટ માસ્તરની પુત્રી સાથે  લગ્ન કરી રહેતો હતો. ઓની સાથે તેનો સંપર્ક હતો. તે બહાર જતો ત્યારે ખોટા નામે હૉટેલોમાં રૂમ બુક કરાવી રહેતો હતો. ૧૯૨૮માં તેણે ફ્લોરિડા પાસેના પામ આઇલેન્ડમાં મિયામી બીચ પાસે ૧૪ ઓરડાઓનું એક આલીશાન ઘર ખરીદ્યું.
અલ કપોનના જીવનનું એક લોહિયાળ પ્રકરણ પણ નોંધપાત્ર રહ્યું. સેંટ વેલેન્ટાઇન દિનનોે નરસંહાર તેના નામે લખાયેલો છે. તા. ૧૪ ફેબ્રુઆરી, ૧૯૨૯ના દિવસ આ ખૂની ખેલ ખેલાયો. આ લોહિયાળ ઘટનામાં મૂળ નોર્થસાઇડ  ગેંગના બોસ ડિયોન ઓબાનિયોની હત્યામાં પડેલાં છે. એ સમયે શરાબબંધી હતી. એ દિવસોમાં શહેરમાં ગેરકાનૂની રીતે દારૂ બનાવવાનું અને વેચવાનું કામ નોર્થ સાઇડગેંગ કરતી હતી. કેટલાક સમય પહેલાં ટોરિયોએ તેની ગેંગના માણસોને નોર્થ સાઇડ ગેંગના બોસ ઓબાનિયાની  હત્યાનો આદેશ આપી દીધો હતો. આ કારણથી શહેરમાં બે ગેંગસ્ટરો વચ્ચે ભીષણ યુદ્ધ શરૂ થઈ ગયું. એનો જબરદસ્ત જવાબી હુમલો નોર્થસાઇડ ગેંગે પણ કર્યો અને ટોરિયોને તેના ઘરની બહાર જ લગભગ અધમૂંઓ કરી દીધો.
મોતના આ ખૂની ખેલને નજીકથી જોયા બાદ ટોરિયોએ પોતાના ધંધાની કમાણી કોપેનને સોંપી દીધી. અગાઉ ૧૯૯૬માં અલ કપોન પણ સ્વયં મરતાં મરતાં બચી ગયો.
એ પછી ૧૯૨૯માં ગેંગસ્ટર બની ગયેલા અલ કપોને શિકાગોની નોર્થ સાઇડ ગેંગ પર વેલેન્ટાઇન દિનના રોજ જ નરસંહારનો આદેશ આપ્યો. શિકાગોની નોર્થ કલાર્ક સ્ટ્રીટના એક ગેરેજમાં સાત લોકોની હત્યા કરી દેવામાં આવી. પરંતુ જે સાત લોકોની હત્યા થઈ હતી તેમની લોહીલુહાણ તસવીરો શિકાગોના અખબારોમાં છપાઈ. આ તસવીરો જોઈને શિકાગોના લોકો પણ સ્તબ્ધ થઈ ગયા.  પરંતુ ગમે તે કારણસર આ અપરાધ બદલ અલ કપોન કે તેના એક પણ સાથી પર કોઈ કેસ દાખલ કરવામાં આવ્યો નહીં.
 આ નરસંહારના કારણે અલ કપોનની ઇમેજ વધુ ખરડાઈ.  પરંતુ થોડા જ દિવસો બાદ અલ કપોનને પ્રોહિબિશન કાનૂનના ભંગ બદલ શિકાગોની કોર્ટમાં હાજર રહેવા સમન્સ મોકલવામાં આવ્યું. પરંતુ તે બીમાર છે એવું કારણ બતાવી અલ કપોન કોર્ટમાં હાજર રહ્યો નહીં. પોતાની ખરડાયેલી ઇમેજને સુધારવા અલ કપોને કેટલીક સંસ્થાઓને દાન આપ્યું અને અમેરિકાની એ વખતની મંદીના સમયમાં ‘સૂપ કિચન’-સસ્તું  ભોજન લોકોને ઉપલબ્ધ કરાવી આપ્યું.
વેલેન્ટાઇન દિને અલ કપોનની ગેંગ  દ્વારા પ્રતિસ્પર્ધી ગેંગના સાત લોકોની હત્યાના કારણે તેની અસર સ્થાનિક રાજકારણ પર પડી. અલ કપોનના સ્થાનિક પોલીસ અને નેતાઓ સાથે મીઠા સંબંધો હતા. એ વખતના શિકાગોના મેયર થોમ્પસન અને અલ કપોન વચ્ચેના ગઠબંધનના કારણે લોકો પણ હવે નારાજ હતા. એ કારણે તા. ૬ એપ્રિલ ૧૯૩૧ના રોજ મેયરની ચૂંટણીમાં થોમ્પસન હારી ગયા અને એન્ટન જે. સેરમાક મેયરની ચૂંટણી જીતી ગયા.
અહીં એ જાણી લેવું પણ જરૂરી છે કે આ  અગાઉ  ૧૯૨૯ના રોજ ધી ન્યૂયોર્ક ટાઇમ્સ અખબારે પણ ૧૯૨૬માં થયેલા આસિસ્ટન્ટ સ્ટેટ એટર્ની જનરલ વિલિયમ એચ. મેક્સ્વિીગીન અને ૧૯૨૮માં  ચીફ ઇન્વેસ્ટિગેટર એન ન્યૂયોર્કની હત્યા માટે અલ કપોનનું નામ જોડયું હતું.
એ જ રીતે જો એસ્પોટિયો નામના એક પોલિટિશિયન પણ અલ કપોનના પોલિટિક્સ વિરોધી હતા.  તા.૨૧ માર્ચ ૧૯૨૮ના રોજ જો એસ્પોટિયોની પણ તેમના ઘરની બહાર જ હત્યા કરી દેવામાં આવી હતી. આ બધા સંજોગોનો પણ અલ કપોન શિકાગોના મેયર થોમ્પસનને ટેકો આપી રહ્યા હતા. ચૂંટણી વખતે અલ કપોનના માણસો વોટિંગ બૂથ પર બૉમ્બથી હુમલા કરતા હતા. અગાઉ તા. ૧૦ એપ્રિલ ૧૯૨૮ના રોજ  ચૂંટણીના દિવસે અલ કપોને ૧૫ માણસોને મોતને ઘાટ ઉતારી દીધા હતા.  પરંતુ અલ કપોનને રાજકીય રક્ષક પૂરું  પાડનાર થોમ્પસન તા. ૬ એપ્રિલ ૧૯૩૧ના રોજ મેયરની ચૂંટણી હારી ગયા.
અલ કપોન માટે સમય હવે બદલાતો ગયો. આમ તો ૧૯૨૯માં જ પ્રોહિબિશન એજન્ટ એલિયર નેસે અલ કપોન સામે પ્રોહિબિશન કાનૂનનું ઉલ્લંઘન કરવાની બાબતમાં તપાસ શરૂ કરી હતી. પરંતુ ૧૯૩૧માં વાતાવરણ બદલાતાં અલ કપોનને આવકવેરો છુપાવી આયકર ચોરી કરવાના કેસમાં અને વોલ્સ ટીડ એક્ટના કેટલાક નિયમોના ઉલ્લંઘન માટે દોષિત ઠરાવવામાં આવ્યા. અલ કપોન સામે પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા. વેલેન્ટાઇન દિનના નરસંહારની બાબતમાં છેક પ્રેસિડેન્ટ સુધી રજૂઆત કરવામાં આવી હતી. પ્રેસિડેન્ટ હર્બટ હુવરને કહેવામાં આવ્યું કે ‘શિકાગો ગેંગસ્ટરોના હાથમાં છે અને એટલું જ નહીં પરંતુ મેજિસ્ટ્રેટ અને સ્થાનિક પોલીસ પણ અલ કપોનના સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે. તેથી ફેડરલ સરકારે પરિસ્થિતિ પોતાના હાથમાં લેવી જોઈએ. જેથી શિકાગોમાં કાયદાનું રાજ  સ્થાપિત કરી શકાય.’
અમેરિકાની ફેડરલ સરકાર સખત થતાં અલ કપોન પર કાનૂની ગાળિયો કસવામાં આવ્યો. અત્યાર સુધી અલ કપોન કાયદાથી તેને સ્પર્શતો ના હોઈ તેને ‘અનટચેબલ’ કહેવામાં  આવતો  હતો પરંતુ હવે અલ કપોન મુશ્કેલીમાં  મુકાયો. કોર્ટને અલ કપોને રુશવત આપવાનો પ્રયત્ન કર્યો પરંતુ એ વાત બહાર આવતા કોર્ટની જ્યૂરીના સભ્યોને જ બદલી નાખવામાં આવ્યા. કેસ લાંબો ચાલ્યો અને અલ કપોન આ  રીતે આવકવેરાની ચોરી માટે દોષી સાબિત થયો. જજે મોટા દંડ સાથે અલ કપોનને ૧૧ વર્ષની સજા સંભળાવી. એની કેટલીયે મિલકતોને જપ્ત કરવા આદેશ આપ્યો. અલ કપોનની અપીલને ફગાવી દેવામાં આવી અને તેને એટલાન્ટાની સખ્ત જેલમાં મોકલી દેવામાં આવ્યો. પરંતુ જેલમાં પણ તે વિશેષ સવલતો પ્રાપ્ત કરવામાં સફળ રહ્યો. કેટલાક સમય બાદ અલ કપોનને લિંકન હાઇટ્સ જેલમાં ખસેડવામાં આવ્યો. તે પછી તેને અલ્કાટ્રાઝ જેલમાં  મોકલવામાં આવ્યો. અહીં જેલના વોર્ડને સખ્તાઈથી કામ લીધું અને બહારની દુનિયા સાથે તેનાં સંપર્કો કાપી નાખવામાં આવ્યો. હવે તે તેના સાથીઓ સાથે કોઈ જ સંપર્ક કરવા અસમર્થ રહ્યો.
૧૯૩૩માં અમેરિકામાંથી શરાબબંધી હટાવી લેવામાં આવી અને તેની સાથે જ અલ કપોનની ગેંગનો દબદબો પણ ઓસરતો ગયો. સમય જતાં બદલાતી પરિસ્થિતિને એણે સ્વીકારી લીધી અને એને અનુકૂળ થઈ તે જીવન જીવવા લાગ્યો. તા. ૧૬ નવેમ્બર, ૧૯૩૯ના રોજ તે જેલમાંથી બહાર આવ્યો. પરંતુ યુવાનીમાં તેણે કરેલી ભૂલોની સજા તે ભોગવી રહ્યો. તેને સિફીલીસ થઈ ગયો હતો. તેનું સ્વાસ્થ્ય હવે કથળવા લાગ્યું હતું. હવે તે પોતાની ક્રાઇમ સિન્ડિકેટ ચલાવવા અસમર્થ હતો. તેનું વજન ઘટવા લાગ્યું હતું. સિફીલીસની બીમારી છેલ્લા સ્ટેજમાં પહોંચતાં તેને બાલ્ટીમોરની જ્હોન હૉસ્પિટલમાં દાખલ થવા સલાહ આપવામાં આવી પરંતુ તેની ખરાબ છબીના કારણે હૉસ્પિટલે તેને દાખલ ના કર્યો. પરંતુ યુનિયન મેમોરિયલ હૉસ્પિટલે તેને દાખલ કર્યો. ૧૯૪૨માં એ વખતે સિફીલીસની ટ્રીટમેન્ટ માટે પહેલી જ વાર બજાર આવેલી પેનેસિલિન આપવામાં આવી. અલ કપોન જ પહેલો એવો દર્દી હતો જેની પર પેનેસિલિન દ્વારા ઉપચાર કરવામાં આવ્યો પરંતુ હવે રોગ ઘણો આગળ વધી રહ્યો હતો. તેના મગજને પણ નુકસાન પહોંચ્યું હતું. ડૉક્ટરોએ નિદાન કર્યું કે માનસિક રીતે તે હવે ૧૨ વર્ષના બાળક જેવો થઈ ગયો હતો. અલ કપોને બીમારી સાથે જ બાકીના વર્ષો ફ્લોરિડા ખાતેના તેના પામ આઇલેન્ડના ભવ્ય મેન્શનમાં ગુજાર્યાં. તા. ૨૧ જાન્યુઆરી ૧૯૪૭ના રોજ તેને હૃદયરોગનો હુમલો થયો. તે પછી ન્યુમોનિયા પણ થયો. તા. ૨૫મી જાન્યુઆરી, ૧૯૫૫ના રોજ તેનું મૃત્યુ થયું.
અને અમેરિકાના એક કુખ્યાત ગેંગસ્ટરનો યુગનો અંત આવી ગયો.
૨૦મી સદીના સૌથી કુખ્યાત અપરાધીઓ પૈકીના એક એવા અલ કપોન પર કેટલાયે લેખ અને પુસ્તકો લખાયાં. કેટલીયે ફિલ્મો તેના જીવન અને અપરાધો પર બની.  ૧૭ જેટલા અભિનેતાઓએ તેના જીવન પર બનેલી ફિલ્મોમાં અલ કપોનનો રોલ કર્યો. તેના વ્યક્તિત્વ અને ચારિત્ર્યને તેના મૃત્યુ બાદ ક્રાઇમ લોર્ડ તથા અપરાધિક માસ્ટરમાઇન્ડનો એક મોડેલ તરીકે સ્વીકારી ફિકશન લખવામાં આવ્યા.
દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!