Close

ગ્રામોફોન પર પહેલો સ્વર મેક્સ મુલરનો રેકોર્ડ થયો

કભી કભી | Comments Off on ગ્રામોફોન પર પહેલો સ્વર મેક્સ મુલરનો રેકોર્ડ થયો

ગ્રામોફોન શબ્દ કદાચ આજની પેઢીને એક અજનબી શબ્દ લાગશે. ગ્રામોફોન એટલે ધ્વનિ મુદ્રણ યંત્ર. ગ્રામોફોનની શોધ ૧૯મી સદીમાં થોમસ આલ્વા એડિસને કરી હતી. વીજળીનો બલ્બ અને મોશન પિક્ચર કેમેરાની શોધ પણ તેમણે જ કરી હતી. થોમસ એડિસન ઈચ્છતા હતા કે તેમણે શોધેલા ગ્રામોફોન પર કોઈ પ્રતિષ્ઠિત વિદ્વાનનો અવાજ રેકોર્ડ કરવામાં આવે. આ હેતુ માટે તેમણે જર્મનીના પ્રોફેસર મેક્સ મુલરની પસંદગી કરી. એડિસને પત્ર લખી મેક્સ મુલરને આમંત્રણ આપ્યું. કોઈ એક સમારોહ માટે યુરોપમાં એકઠા થનારા વિદ્વાનોના સમારંભમાં આવવા એડિસનને જણાવ્યું.

થોમસ એડિસન પોતાના ઉપકરણો લઈ ઇંગ્લેન્ડ પહોંચી ગયા. સમારોહ શરૂ થયો. હજારો લોકો સામે એડિસનનો પરિચય કરાવવામાં આવ્યો. લોકોએ એડિસનનું સ્વાગત કર્યું. થોમસ એડિસને મેક્સ મુલરને પોતાના ઉપકરણ યંત્ર સામે કાંઈક બોલવા કહ્યું. મેક્સ મુલર કાંઇક બોલ્યા. તે પછી થોમસ એડિસન પોતાની પ્રયોગશાળામાં જતા રહ્યા. બપોર બાદ પાછા આવ્યા અને ગ્રામોફોન યંત્ર પરની ડિસ્ક ચલાવી. તે યંત્રમાંથી નીકળતો મેક્સ મુલરનો અવાજ સાંભળી લોકો રોમાંચિત થઈ ગયા.

તે પછી મેક્સ મુલર ફરી સ્ટેજ પર આવ્યા. તેમણે શ્રોતાઓને પૂછયું : ‘હું જે બોલ્યો અને તે તમે ફરી ગ્રામોફોન પર સાંભળ્યું તે તમને કાંઇ સમજાયું ?’

શ્રોતાઓમાં સન્નાટો છવાઈ ગયો. કારણ મેક્સ મુલર જે બોલ્યા હતા એ કોઈને પણ સમજાયું નહોતું. પછી મેક્સ મુલરે તેઓને કહ્યું:’હું સંસ્કૃતમાં બોલ્યો હતો એ ઋગ્વેદનો પ્રથમ શ્લોક સૂક્ત હતો જે કહે છે, ‘અગ્નિમિલે પુરોહિત’ આ ગ્રામોફોન પર રેકોર્ડેડ પ્રથમ વાકય હતું.’ આખરે મુલરે રેકોર્ડ કરવા માટે આ જ વાકય કેમ પસંદ કર્યું. મેક્સ મુલરે એને વિશે કહ્યું : ‘વિશ્વનો સર્વપ્રથમ ગ્રંથ છે અને વાકય ઋગ્વેદનું પ્રથમ સૂક્ત છે. અતિ પ્રાચીન સમયમાં જ્યારે મનુષ્ય પોતાના શરીરને ઢાંકવાનું પણ નહોતો શીખ્યો હતો, શિકાર પર જીવન નિર્વાહ કરતો હતો. ગુફાઓમાં રહેતો હતો ત્યારે હિંદુઓએ ઉચ્ચ શહેરી સભ્યતા પ્રાપ્ત કરી લીધી હતી અને એમણે વિશ્વને વેદના રૂપમાં એક સાર્વભૌમિક દર્શન  પ્રદાન કર્યું માટે મેં આ મશીન રેકોર્ડ કરવા માટે આ વાકય પસંદ કર્યું.’

જ્યારે એને પાછું એકવાર વગાડવામાં આવ્યું ત્યારે હાજર તમામ લોકો આ પ્રાચીન ગ્રંથના  સન્માનમાં ઊભા થઈ ગયા.

સંસ્કૃત ભાષાના પ્રખર પંડિત ફ્રેડરિક મેક્સ મુલરનો જન્મ તા. ૬ ડિસેમ્બર, ૧૮૨૩ના રોજ જર્મનીમાં ‘દેસો’ નામના શહેરમાં થયો હતો. તેમના પિતા વિલ્હેમ મુલર જર્મનીના સુપ્રસિદ્ધ કવિ હતા.  મેક્સ મુલરની વય ચાર જ વર્ષની હતી ત્યારે તેમના પિતા ગુજરી ગયા, તે પછી ૧૮૪૧માં તેમણે લિપજિંગ યુનિવર્સિટી દ્વારા અભ્યાસ કર્યો. પીએચ.ડી.ની  ડિગ્રી લીધા બાદ ૧૮૪૫માં તેઓ ફ્રાંસ જતા રહ્યા. જ્યાં તેમણે સંસ્કૃત ભાષા શીખી લીધી. ૧૮૪૬માં સંસ્કૃતનો વધુ ઊંડો અભ્યાસ કરવા તેઓ ઇંગ્લેન્ડ ગયા. ઇંગ્લેન્ડમાં તેમણે ૧૮૬૮થી ૧૮૭૫ સુધી ઓલ સોલ્સ કોલેજ, ઓક્સફર્ડમાં અધ્યાપન કાર્ય કર્યું. ઇંગ્લેન્ડમાં જ કાયમી નિવાસસ્થાન બનાવી દેનાર આ જર્મન વિદ્વાને સંસ્કૃત ગ્રંથોનું અંગ્રેજીમાં ભાષાંતર કરવાનું શરૂ કર્યું.  સંપૂર્ણ ઋગ્વેદનું તેમણે અંગ્રેજીમાં ભાષાંતર કર્યું હતું. તેમનું સૌથી પહેલું પુસ્તક હતું. ‘હિતોપદેશ’ જે જર્મન ભાષામાં તેમણે ભાષાંતર કર્યું હતું. તેમનો જન્મ જર્મનીમાં થયો હતો પરંતુ પાછળથી સંસ્કૃત અને ભારતીય સંસ્કૃતિના અભ્યાસ માટે  ઇંગ્લેન્ડમાં જ સ્થિર થયા. ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં તેમણે એકેડેમિક કરિયર શરૂ કરતાં પહેલાં તેઓએ ર્બિલનમાં  ફ્રેડરિક શેલિંગ સાથે ઉપનિષદોનું ભાષાંતર શરૂ કરી દીધું હતું.

તે રામકૃષ્ણ પરમહંસના વૈદિક તત્ત્વજ્ઞાનથી ખૂબ પ્રભાવિત  હતા અને તેમના પર ઘણા નિબંધ અને પુસ્તક લખ્યાં. તે બ્રહ્મોસમાજ સાથે પણ સંપર્કમાં હતા. તેમણે ‘વ્હોટ ઈન્ડિયા કેન ટીચ અસ ?’ પુસ્તક ઉપરાંત પણ તેમણે અઢળક સાહિત્ય ભારતીય સંસ્કૃતિ અને વૈદિક સાહિત્ય પર લખ્યું છે. સ્વામી વિવેકાનંદ પણ જ્યારે તેમણે મળ્યા ત્યારે સ્વામીજીએ  પણ કહેલું કે, ‘હું કોઈ સ્કોલરને નહીં પણ કોઈ  બ્રહ્મર્ષિ કે રાજર્ષિને મળતો હોય એવું લાગ્યું.’

મોટાભાગના ભારતના લોકો જ્યારે સંસ્કૃત સમજી શકતા નહોતા ત્યારે મેક્સ મુલર સંસ્કૃતના જાણકાર વિદ્વાન બન્યા. નોંધપાત્ર વાત એ છે કે ૧૮૫૯માં તેમનું પુસ્તક ‘હિસ્ટ્રી ઓફ એન્સિયન્ટ સંસ્કૃત લિટરેચર’ પુસ્તક પ્રગટ થયું. આ ઉપરાંત તેમણે  (1)`India,What can it teach us’ (2) Six systems of Hindu Philosophy’ જેવાં ૧૫ જેટલા પુસ્તકો લખ્યા.

નોંધપાત્ર વાત એ છે કે ઇંગ્લેન્ડમાં રહેતા મેક્સ મુલરનું મૂળ લક્ષ્ય ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃત વિભાગના આચાર્ય બનવાનું હતું પરંતુ ૧૮૬૦માં તેમની પસંદગી એ પદ માટે ના કરાઈ કારણ કે બ્રિટિશરો માટે તેઓ વિદેશી (જર્મન) હતા. વળી તે વખતે તેમનો સંબંધ ‘લિબરલ’ પાર્ટીના લોકો સાથે હતો. એ વખતે કોન્ઝરવેટિવ પાર્ટીનો દબદબો હતો.

એ પદ પર મેક્સ મુલરની પસંદગી ના થઈ અને મોનિયર વિલિયમ્સની પસંદગી થઈ. આ ઘટનાથી તેમને ભારે આઘાત પહોંચ્યો પરંતુ ૧૮૬૮માં તેમને તુલનાત્મક ભાષાશાસ્ત્રના આચાર્ય બનાવવામાં આવ્યા. મેક્સ મુલરે ૧૮૬૧થી ૧૮૬૩ દરમિયાન રોયલ ઇન્સ્ટિટયૂશનમાં ભાષા વિજ્ઞાન સંબંધે અનેક પ્રવચનો  આપ્યા.

બહુ ઓછા લોકોને એ વાતની ખબર છે કે શરૂઆતમાં તેઓ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના કર્મચારી હતા. તે પછી ભાષાશાસ્ત્રના વિદ્વાન બન્યા. ભારતીય સંસ્કૃતિ અને સભ્યતા પર બહુ જ કાર્ય કર્યું પરંતુ તેઓ કદી ભારત આવ્યા નહોતા. આશ્ચર્યની વાત એ છે કે જર્મનીમાં આજે પણ ઘણા બધા લોકોને મેક્સ મુલર કોણ હતા તેની માહિતી નથી. મેક્સ મુલરનું નામ જર્મની કરતાં ભારતમાં વધુ જાણીતું છે.

ઇંગ્લેન્ડમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં નોકરી મેળવતા પહેલાં તેમને અનેક આર્થિક સંકટોનો સામનો કરવો પડયો હતો. ભારતમાં મેક્સ મુલરના નામે ભવન છે. દિલ્હીમાં એક રાજમાર્ગનું નામ ‘મેક્સ મુલર માર્ગ’ છે. જાણીને લોકોને પણ આશ્ચર્ય છે કે  મેક્સ મુલરના નામે ભારતમાં એક ભવન છે અને માર્ગ છે.

તા. ૨૮ ઓક્ટોબર, ૧૯૦૦ના રોજ તેમનું અવસાન થયું. તેમના અવસાન પછી ઓક્સફર્ડ ખાતે પૌરાણિક ભારતના ધર્મો, સાહિત્ય અને ભાષાઓેના શિક્ષણમાં પ્રોત્સાહન માટે એક ફંડ પણ ઊભું કરવામાં આવ્યું.

મેક્સ મુલરે એક વાર કહ્યું હતું :’જો મને પૂછવામાં આવે કે આકાશ નીચે એવું ક્યું સ્થળ છે કે જ્યાં માનવમસ્તિષ્કે પોતાના હૃદયમાં સમાયેલ પ્રભુદત સદ્ભાવોને પૂર્ણ રૂપથી વિકસિત કર્યા હોય. હૃદયના ઊંડાણમાં ઊતરીને જીવનની કઠણમાં કઠણ સમસ્યાઓ પર વિચાર કર્યો હોય તો મારી આંગળી ભારત તરફ ઊઠશે.’ .

  • દેવેન્દ્ર પટેલ

http://www.devendrapatel.in

 

Be Sociable, Share!