Close

જેણે ગોખલે, ટિળક, બાબાસાહેબ હોમી ભાભા, જમશેદજી આપ્યા

કભી કભી | Comments Off on જેણે ગોખલે, ટિળક, બાબાસાહેબ હોમી ભાભા, જમશેદજી આપ્યા

દેશના  કોઈ પણ શિક્ષિત નાગરિકે મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજનું નામ સાંભળ્યું ના હોય તેવું શક્ય નથી. આ સંસ્થા પણ બ્રિટિશ ઇન્ડિયા સમયગાળાનું જ સર્જન છે.

યુનિવર્સિટી ઓફ બોમ્બે સાથે સંકળાયેલી આ સૌથી જૂની  કોલેજ છે. આ કોલેજે બાલ ગંગાધર ટિળક, ગોપાલક્રિષ્ન ગોખલે, દાદાભાઈ નવરોજી, બાબાસાહેબ ભીમરાવ આંબેડકર, વીરચંદ ગાંધી, બદરુદ્દીન તૈયબજી, ફિરોજશાહ મહેતા અને જમશેદજી તાતા જેવી પ્રતિભાઓ આપી છે. આ એક એવી સંસ્થા છે કે જેણે બોમ્બે  પ્રેસિડેન્સીમાં પાશ્ચાત કેળવણી ફેલાવી.

ઇતિહાસ એવો છે કે, મુંબઈ દરિયાઈ વેપાર અને ધંધાના કારણે ૧૯મી સદીમાં એક સમૃદ્ધ નગર હતું. ઇ.સ. ૧૮૨૪ની સાલમાં મુંબઈમાં બોમ્બે નેટિવ એજ્યુકેશન સોસાયટી દ્વારા  ભારતીય વિદ્યાર્થીઓ માટે એક અંગ્રેજી શાળા શરૂ કરવામાં આવી.

બોમ્બે નેટિવ એજ્યુકેશન સોસાયટી દ્વારા ૧૮૨૭માં એક ઠરાવ પસાર કરીને આ સંસ્થાને શિક્ષણના સંવર્ધન માટે વિકસિત  કરવી અને તેને ‘એલ્ફિન્સ્ટન કોલેજ’ એવું નામ આપવું. આ સંસ્થાનું નામ માઉન્ટસ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન સાથે જોડવામાં આવ્યું કે જેઓ મુંબઈના વિદાય લેતા અંગ્રેજ ગવર્નર હતા. એલ્ફિન્સ્ટન શિક્ષણ પ્રેમી હતા અને  ઉચ્ચ શિક્ષણના પ્રોત્સાહન માટે કામ કરતા હતા.

આ સંસ્થા- કોલેજમાં અંગ્રેજી ભાષા વિનયન, વિજ્ઞાન  તથા યુરોપનું સાહિત્ય ભણાવી શકે તેવા અધ્યાપકોના પગાર માટે એ જમાનામાં રૂ. ૨,૨૯,૬૩૬ની રકમ દાનથી એકત્ર કરવામાં આવી. આ બધાની પાછળ માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન જ પ્રેરક બળ હતા. જો કે કોલેજની વિધિસરની રચના તો ૧૮૩૫માં થઈ. ભણાવવા માટેના વર્ગોની શરૂઆત ૧૮૩૬માં થઈ, અને તે પછી ટાઉનહોલમાં કલાસ લેવાતા. આ કોલેજના પ્રથમ બે પ્રાધ્યાપકો (૧) આર્થર બેડફોર્ડ (નેચરલ ફિલોસોફી) અને (૨) જોહન હાર્કનેસ (જનરલ લિટરેચર) હતા.

૧૮૪૦માં હાઇસ્કૂલની સાથે સંકળાયેલા વર્ગોનું  જોડાણ  એલ્ફિન્સ્ટન નેટિવ એજ્યુકેશન ઇન્સ્ટિટયૂશન એવા  નામ સાથે કરવામાં આવ્યું અને તેનું ટૂંકું નામ ‘એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટયૂશન’ કરવામાં આવ્યું.

તા. ૧ એપ્રિલ ૧૮૫૬ના રોજ એલ્ફિન્સ્ટન કોલેજ હાઇસ્કૂલથી અલગ થઈ અને તે પછી તે સંસ્થા એલ્ફિન્સ્ટન કોલેજ તરીકે ઓળખાઈ.

૧૮૬૦ની સાલમાં તેનું જોડાણ યુનિવર્સિટી ઓફ બોમ્બે સાથે થયું.

૧૮૭૧માં એલ્ફિન્સ્ટન કોલેજને ભાયખલામાં પોતાનું મકાન મળ્યું. ૧૯મી સદીના અત્યંત જાણીતા આર્કિટેક્ટ જેમ્સ ટ્રુબશાવે આ મકાનની ડિઝાઈન તૈયાર કરી. જોહન આદમ્સ નામના ઈજનેરે તેનું સ્ટક્ચર બાંધ્યું. આ જૂની એલ્ફિન્સ્ટન કોલેજની ભવ્ય ઇમારત આજે પણ મુંબઈના ભાયખલા વિસ્તારમાં  વિકટોરિયા મેમોરિયલ ગાર્ડનની  સામે ઊભી છે.  જોકે હવે તે ઇમારત હોસ્પિટલમાં પરિવર્તિત કરી દેવાઈ છે જ્યારે બીજી એલ્ફિન્સ્ટન કોલેજ જ્હાંગીર આર્ટ ગેલેરી સામેના મકાનમાં છે.

અત્રે એ જાણવું રસપ્રદ થઈ પડશે કે યુનિવર્સિટી ઓફ બોમ્બેની સ્થાપના ઈ.સ. ૧૮૫૭માં થઈ. બ્રિટિશ રાજ વખતે આ કોલેજ શિક્ષણની બાબતમાં એક અદ્વિતીય સંસ્થા બનીને રહી. બરાબર આ જ સમયગાળામાં કલકત્તા અને મદ્રાસમાં પ્રેસિડેન્સી કોલેજો શરૂ થઈ હતી અને એલ્ફિન્સ્ટન કોલેજ કેળવણીની બાબતમાં તેને સમાંતર થઈને ઊભી રહી.

એલ્ફિન્સ્ટન કોલેજની ઇમારત સ્થાપત્ય કલાના પણ એક શ્રેષ્ઠ નમૂનો બનીને રહ્યો. હેરિટેજ સ્ટ્રક્ચરની બાબતમાં તેને એ ગ્રેડ આપવામાં આવ્યો છે. દક્ષિણ મુંબઈની તે એક આગવી ઓળખ ધરાવતી ઇમારત છે અને  બ્રિટિશ રાજ હેરિટેજનું ઐતિહાસિક પ્રતીક છે. આ ઇમારતની સ્થાપત્ય શૈલી રોમન બિલ્ડિંગની યાદ અપાવે છે. ટ્રુબશાવે તૈયાર કરેલી ડિઝાઈન પર બનેલી આ ઇમારતનું સુપરવિઝન ખાન બહાદુર  મંચેરજી મર્જબાને કર્યું હતું.  આ બિલ્ડિંગમાં ૧૮૮૮માં પૂરેપૂરું તૈયાર થઈ શક્યું હતું.

એલ્ફિન્સ્ટન કોલેજે જે શ્રેષ્ઠ પ્રતિભાઓ આપી તેમાં એેક હતા દેવદત્ત વી. શેનાઈ કે જેઓ પ્રખર વિજ્ઞા।ની હતા અને તેઓ અમેરિકા ગયા જ્યાં તેમણે પીએચ.ડી.ની ડિગ્રી લીધી. બી.આર. આંબેડકર કે જેઓ બાબાસાહેબના નામથી સુપ્રસિદ્ધ છે તેઓ  પણ આ જ કોલેજમાં ભણ્યા. ગાંધીજીના પણ આગમન પહેલાના સ્વાતંત્ર્ય સેનાની ગોપાલ કૃષ્ણગોખલે પણ આજ કોલેજના વિદ્યાર્થી હતા અને તેઓ બ્રિટિશ રાજ સામે લડયા.

દેશના પ્રથમ અણુવિજ્ઞાની  હોમી ભાભા, દાદાભાઈ નવરોજી, વિખ્યાત ઉદ્યોગપતિ  જમશેદજી તાતા, વિખ્યાત વિદ્વાન ધોન્ડો કેશવ કર્વે (મહર્ષિ કર્વે), પણ આ જ કોલેજમાં ભણ્યા હતા.

એ સિવાય જાણીતા એન્થોયોલોજિસ્ટ અર્જુન અપ્પાદુરાઈ, ફેશન અને કોસ્ચ્યુમ ડિઝાઈનર મનિષ મલ્હોત્રા, રાજકારણી ઈસ્કંદર મિરઝા, મહાત્મા ગાંધીના નિકટના સાથીદાર મહાદેવ દેસાઈ,  જાણીતા રાજકારણી મીનુ મસાણી, તથા જાણીતા સંગીતકાર લ્યૂક કેની પણ  આ જ   કોલેજમાં ભણ્યા હતા.

હવે એલ્ફિન્સ્ટન કોલેજ મહારાષ્ટ્ર સરકારના સંચાલન હેઠળ છે. આ કોલેજનું નીક નેમ : ‘એલ્ફિ’ છે. આ કોલેજની ઇમારત બ્રિટિશ રાજનું સિમ્બોલ છે.

  • દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!