Close

જેણે વિવેકાનંદ, સુભાષચંદ્ર બોઝ રાજેન્દ્ર પ્રસાદ, સત્યજીત રે આપ્યા

કભી કભી | Comments Off on જેણે વિવેકાનંદ, સુભાષચંદ્ર બોઝ રાજેન્દ્ર પ્રસાદ, સત્યજીત રે આપ્યા

પ્રેસિડેન્સી કોલેજ, કોલકાતા પણ બ્રિટિશ રાજ દરમિયાન ઉદ્ભવેલી એક એવી શૈક્ષણિક સંસ્થા છે જેણે દેશને અંગ્રેજો સામે જ લડનાર પ્રખર પ્રતિભાઓ આપી.

પ્રેસિડેન્સી કોલેજ એ ‘હિંદુ કોલેજ’ અથવા ‘પ્રેસિડેન્સી યુનિવર્સિટી’ તરીકે પણ જાણીતી રહી છે. આજે પણ તે આર્ટ્સ્ અને સાયન્સની ફેકલ્ટીમાં દેશની શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા ગણાય છે.

પ્રેસિડેન્સી કોલેજ, કોલકાતાને ૨૦૧૦માં યુનિવર્સિટીનો દરજ્જો  મળ્યો. એ પહેલાં આ કોલેજ યુનિવર્સિટી ઓફ કલકત્તાનો એક હિસ્સો હતી.

આ કોલેજનો ઇતિહાસ રસપ્રદ છે. ઇ.સ. ૧૭૭૩ની સાલમાં કલકત્તામાં સુપ્રીમ કોર્ટનો આરંભ થતાં ઘણા હિંદુઓ અને  બંગાળી નાગરિકોને અંગ્રેજી ભાષા શીખવાની ઇચ્છા થઈ. એ વખતે ડેવિડ હેરે બંગાળમાં અંગ્રેજી ભાષાના શિક્ષણ માટે કેટલાક પ્રયાસો કર્યા હતા. એ વખતની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સર એડવર્ડ હાઇડ ઈસ્ટરના પ્રોત્સાહનથી બાબુ બુદ્ધિનાથ મુખરજીએ અંગ્રેજી માધ્યમથી શિક્ષણ આપવાનો પ્રયાસ શરૂ કર્યો. કાઉન્ટ ઓફ ફોર્ટ વિલિયમે મે ૧૮૧૬ના રોજ યુરોપિયન અને હિંદુ સજ્જનોની એક  મિટિંગ બોલાવી. આ બેઠકમાં હિંદુ પરિવારોનાં બાળકોને લિબરલ- શિક્ષણ આપવાની એક સંસ્થા શરૂ  કરવા વિચારણા કરવામાં આવી. આ દરખાસ્તને સર્વાનુમતે પસાર કરવામાં આવી. એ જમાનામાં એ સંસ્થા માટે રૂ. એક લાખના દાન માટે વચનો અપાયાં.

રાજા રામ મોહન રાયે આ યોજનાને  પૂરેપૂરો ટેકો આપ્યો પરંતુ રૂઢિચુસ્ત લોકોના વિરોધના ડરના કારણે તેઓ ખુલ્લા બહાર ના આવ્યા.

તે પછી તા. ૨૦ જાન્યુઆરી, ૧૮૧૭ના રોજ કોલેજની  સ્થાપના થઈ. એ કોલેજને ‘હિંદુ કોલેજ’ એવું નામ આપવામાં આવ્યું. આ કોલેજના સ્થાપના મંડળનું નેતૃત્વ તો છેવટે રાજા રામ મોહન રાયે જ કર્યું. આ સંસ્થાનું નિયંત્રણ બે ગવર્નર્સ અને ચાર ડાયરેક્ટરોને સોંપવામાં આવ્યું. કોલેજના પહેલા બે ગવર્નર બુર્દવાનના મહારાજા તેજેન્દ્ર બહાદુર અને ગોપી મોહન ઠાકુર હતા.

આ કોલેજના સ્થાપકોમાં રાજા રામ મોહન રાય, ડેવિડ હેર, સર એડવર્ડ હાઈડ ઈસ્ટ, રાજા રાધાકાન્ત દેબ, બૈદ્યનાથ મુખોપાધ્યાય અને રસમય દત્તનો સમાવેશ થાય છે.

આ કોલેજના પ્રથમ વર્ગો ૩૦૪, ચિત્તાપોર રોડ ખાતે ભાડે લેવાયેલા એક ઘરમાં શરૂ  થયા. ૧૮૧૮માં કોલેજને ચિત્તાપોર ખાતે ફેરંગી કમલ બોઝના મકાનમાં ખસેડવામાં આવી. તે પછી પણ કોલેજનું સ્થળાંતર થતું રહ્યું.

શરૂઆતમાં આ કોલેજમાં સુખી અને પ્રગતિશીલ હિંદુઓના જ સંતાનોને પ્રવેશ અપાતો હતો પરંતુ તે પછી મુસ્લિમ, યહૂદી, ખ્રિસ્તી અને બૌદ્ધ પરિવારના સંતાનોને પણ પ્રવેશ અપાયો.

આ કોલેજ ૧૮૧૭થી ૧૮૫૫ સુધી હિંદુ  કોલેજ તરીકે ઓળખાઈ. ૧૮૫૫થી ૨૦૧૦ સુધી પ્રેસિડેન્સી કોલેજ તરીકે ઓળખાઈ. હવે તે યુનિવર્સિટી છે. આ કોલેજ- યુનિવર્સિટીનો મોટો : ‘એક્સલન્સ સિન્સ ૧૮૧૭’ છે. આજે તેમાં ૨,૧૧૮ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. પ્રેસિડેન્સી યુનિવર્સિટી કોલકાતાની કોલેજ સ્ટ્રીટ ખાતે આવેલી છે.

આ કોલેજના પ્રિન્સિપાલ્સની યાદી પણ જોવા જેવી છે. જેમાં શરૂઆતમાં  તો મોટેભાગે અંગ્રેજો જ હતા. ૧૮૪૨થી ૧૯૨૯ સુધીના બધા જ આચાર્યો બ્રિટિશર્સ હતા. તેમાં જે. કેર, ડેવિડ લેસ્ટર રિચર્ડસન, ઈ.લોજ, સટક્લીફ, ડબલ્યૂ. ગ્રેવલ, એચ. વુડો, આલ્ફ્રેડ કોફર, સી.એચ. તાવની, જી. બેલેટ, જોન ઇલિયટ, એલેકઝાન્ડર પેડસર, ડબલ્યૂ. ગ્રીફીથ્સ,ફેડરિક જેમ્સ રોય, જે. એચ. ગિલિલેન, ફ્રેડરિક જેમ્સ રોય, વિલિયમ બુથ, એ.કલાર્ક એડવર્ડ, હેન્રી રોશર જેન્સ, અને વિલિયમ  ક્રિસ્ટોફર વર્ડસવર્થ જેવાઓનો સમાવેશ થાય છે.

કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજે જે સુપ્રસિદ્ધ પ્રતિભાઓ આપી તેમાં સ્વામી વિવેકાનંદ, સુભાષચંદ્ર બોઝ, દેશના પ્રથમ  રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ, વિખ્યાત ફિલ્મ નિર્દેશક સત્યજીત રે, ફિલ્મ એક્ટર અશોકકુમાર, વિખ્યાત અર્થશાસ્ત્રી આમર્ત્ય સેન, વિખ્યાત વૈજ્ઞા।નિક જગદીશચંદ્ર બોઝ, અભિનેત્રી અપર્ણા સેન, જાણીતા કવિ- સાહિત્યકાર બંકિમચંદ્ર ચટોપાધ્યાય, જાણીતા ગણિતજ્ઞા સત્યેન્દ્રનાથ બોઝ, સાહિત્યકાર દિલીપકુમાર રોય, અર્થશાસ્ત્રી બેકર બિમલ જાલન, પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધાર્થશંકર રે, સુરેન્દ્રનાથ બેનરજી અને પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી જ્યોતિ બસુનો સમાવેશ થાય છે. એમ.જે. અકબર પણ આ જ કોલેજમાં ભણેલા છે.

પ્રેસિડેન્સી કોલેજ, ચેન્નઈ

ચેન્નઈમાં પણ એક પ્રેસિડેન્સી કોલેજ છે. તેની સ્થાપના ઈ.સ. ૧૮૪૦માં થઈ હતી. સર થોમસ મુનરોના પ્રયાસથી ૧૮૨૬માં એક સમિતિની રચના થઈ. તે પછી કમિટી ઓફ નેટિવ એજ્યુકેશનની રચના થઈ. તા. ૧૬ ઓક્ટોબર, ૧૮૪૦ના રોજ મદ્રાસ પ્રિપરેટરી સ્કૂલની સ્થાપના થઈ. તે પછી તે હાઇસ્કૂલ બની છેવટે તે કોલેજ બની. બ્રિટિશ ઇન્ડિયામાં જે બે પ્રેસિડેન્સી કોલેજ શરૂ થઈ તેમાં એક કોલકાતાની અને બીજી ચેન્નઈ (મદ્રાસ)ની.

અત્યારે આ કોલેજ ચેન્નઈના મરિના બ્રિજ સામેની ભવ્ય ઇમારતમાં ચાલે છે. ૧૮૭૦થી તે આજ સ્થળે છે.

નોંધપાત્ર એ છે કે આ સ્કૂલના પ્રથમ પ્રિન્સિપાલ તરીકે મદ્રાસના ગવર્નર લોર્ડ એલ્ફિન્સ્ટને યુનિવર્સિટી ઓફ કેમ્બ્રીજ રેંગલરના ગણિતજ્ઞા ઈ.બી પોવેલની પસંદગી કરી હતી. પોવેલ તા. ૨૦ સપ્ટેમ્બર ૧૮૪૦ના રોજ લંડનથી મુંબઈ આવ્યા. પરંતુ તા. ૨૪ નવેમ્બર ૧૮૪૦ સુધી તેઓ ચેન્નઈ (મદ્રાસ) પહોંચી શક્યા નહીં એ જમાનામાં મુંબઈથી ચેન્નઈ પહોંચતા એક મહિનો લાગતો હતો. પરિણામે કોલેજની કમિટીએ કોલકાતાની હુગલી કોલેજના કુપરને કામચલાઉ નિમણૂક આપી. પ્રિન્સિપાલનો પગાર મહિને રૂ. ૪૦૦ હતો. મિ. કુપરે પ્રેસિડેન્સી સ્કૂલ શરૂ કરી પરંતુ ઈ.બી. પોવેલના ચેન્નઈ આવ્યા બાદ કુપર પાછા કોલકાતા ચાલ્યા ગયા.

ચેન્નઈની પ્રેસિડેન્ટ કોલેજે જે પ્રતિભાઓ આપી છે તેમાં ભારતરત્ન સી.વી. રમન, ભારત રત્ન સી. રાજગોપાલાચારી (દેશના છેલ્લા ગવર્નર), ભારત રત્ન સી. સુબ્રહ્મણ્યમ્, નોબેલ પ્રાઇઝ વિજેતા સુબ્રહ્મણ્યમ્ ચંદ્રશેખર, દેશના પૂર્વ લશ્કરી વડા કે.એમ. કરીઅપ્પા, પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમ્, રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર એસ. જગન્નાથન, પી.એસ. સ્વામીનાથન ઐયર, પૂર્વ મુખ્યમંત્રી પી. સુબ્બરામન વગેરેનો સમાવેશ થાય છે.

  • દેવેન્દ્ર પટેલ

 

Be Sociable, Share!