Close

જેને મંદબુદ્ધિનો કહ્યો તેણે હડકવા વિરોધી રસી શોધી

કભી કભી | Comments Off on જેને મંદબુદ્ધિનો કહ્યો તેણે હડકવા વિરોધી રસી શોધી

માનવજાત પર સૌથી વધુ  જે વૈજ્ઞાનિકનો મોટો ઉપકાર છે તેમાં એક વધુ નામ છે : લૂઈ પાશ્ચર.

લૂઈ પાશ્ચર એક એવા વૈજ્ઞાનિક હતા જેમણે નિસ્વાર્થ ભાવે માનવજીવનને લાંબુ નિરોગી આરોગ્ય બક્ષવામાં પોતાનું સમગ્ર જીવન સર્મિપત કરી દીધું હતું. લૂઈ પાશ્ચરે કરેલા વૈજ્ઞાનિક સંશોધનોના કારણે બીમારીના કારણે પડેલા ઘાના કારણે જે પીડા અને અસહ્ય દર્દ થાય તેમાંથી મુક્તિ અપાવીને માનવજાતની જબરદસ્ત સેવા કરી છે. તેમના સંશોધનોમાં સૌથી મોટું સંશોધન ‘રેબિજ વેક્સિન’ એટલે કે હડકવા વિરોધી રસી હતી. લૂઈ પાશ્ચરના સન્માનમાં જ દૂધને ૬૦ ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ કરી દૂધને જંતુમુક્ત કરવાની  પ્રક્રિયાને ‘પાસ્ચુરાઇઝેશન’ કહેવામાં આવે છે. સહકારી ડેરીઓમાંથી આવતા દૂધને આ રીતે પાસ્ચુરાઇઝેશન કરવામાં આવે છે જેથી દૂધ પીવાથી કોઈ બીમાર ના પડે.

લૂઇ પાશ્ચરનો જન્મ તા. ૨૭ ડિસેમ્બર, ૧૮૨૨ના રોજ ફ્રાન્સના ડોલ નામના સ્થળે થયો હતો. તેમના પિતા નેપોલિયન બોનાપાર્ટના સૈનિક હતા. તેમના પિતાની ઇચ્છા હતી કે પુત્ર લૂઈ ભણી ગણીને એક મહાન માણસ બને. પુત્રને ભણાવવા માટે તેઓ કરજ લેવા પણ તૈયાર હતા. પિતાની ઇચ્છા પૂરી કરવા લૂઇએ ફ્રાન્સની અરબોટરની એક પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવ્યો. એ ૧૮૩૧ની સાલ હતી. શરૂઆતમાં તેઓ એક સામાન્ય વિદ્યાર્થી હતા. તેમને ફિશિંગમાં અને સ્કેચિંગમાં રસ હતો. તેમણે પેસ્ટલ કલર્સથી ઘણાં ચિત્રો બનાવ્યા. તેઓ જે શાળામાં ભણતા હતા અને જે શિક્ષકો તેમને ભણાવતા હતા તે શિક્ષણ બાળક લૂઇની સમજની બહાર હતું. તેમને મંદબુદ્ધિનું અને ડફોળ બાળક કહી બધા ચીડવતા હતા.

શિક્ષકોની ઉપેક્ષાના કારણે ભણવાનું પણ છોડી દીધું પરંતુ એ દિવસથી જ એમણે મનોમન નિૃય કર્યો કે ‘એક દિવસ હું એવું કાંઈક કરીશ કે આખું જગત મને બુધ્ધું કે ડફોળ કહેવાના બદલે મને કુશાગ્ર બુદ્ધિશાળી સમજી મને સન્માનિત કરે.’

પિતાના દબાણથી તેઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા પેરિસ ગયા અને પેરિસની એક કોલેજમાં ભણવા લાગ્યા. એમની રુચિ રસાયણશાસ્ત્રમાં હતી. તેઓ કેમિસ્ટ્રીના વિદ્વાન ડો. ડયૂમાથી ખાસ કરીને પ્રભાવિત હતા. ઇકોલનારમેલ કોલેજ દ્વારા ડિગ્રી હાંસલ કરીને લૂઇ પાશ્ચરે ૨૬ વર્ષની ઉંમરે રસાયણશાસ્ત્રના બદલે ભૌતિક વિજ્ઞા।ન-ફિઝિક્સ ભણવાનું શરૂ  કર્યું. અનેક વિઘ્નો પાર કરતાં કરતાં તેઓ ફ્રાંસની જે કોલેજમાં ભણ્યા હતા તે કોલેજ ઓફ રોયલ (બેસાન્કોન)માં ટયૂટર બની ગયા. તે પછી એ જ કોલેજમાં વિજ્ઞાન વિભાગના વડા પણ બન્યા. પરંતુ સ્વાસ્થ્ય સારું ના રહેતા તેમણે એ નોકરી છોડી દીધી. પરંતુ એમણે હવે સંશોધનક્ષેત્રે ઝંપલાવ્યું.

એ દરમિયાન તેમની મુલાકાત મેરી લોરેટ નામની એક યુવતી સાથે થઈ. તા. ૨૯ મે ૧૮૪૯ના રોજ તેમણે તેની સાથે લગ્ન કરી લીધા. તેમણે પાંચ દીકરીઓ થઈ. તેમાંથી ત્રણ દીકરીઓ ટાઇફોઇડથી મૃત્યુ પામી હતી. બે જ બચી.

૧૮૪૮માં યુનિવર્સિટી ઓફ ટ્રાન્સબર્ગમાં કેમિસ્ટ્રીના પ્રોફેસર  તરીકે તેમની નિમણૂક થઈ પરંતુ હવે તેમનું લક્ષ્ય સંશોધનોનું હતું. એમણે કરેલા સંશોધનોમાં સૌથી વધુ મહત્ત્વનું સંશોધન  ઝેરી જંતુઓ દ્વારા કોઈ માનવી પર હુમલો થાય અને તેનું વિષ માનવીના શરીરમાં  ફેલાઈ જાય ત્યારે તે માનવીનું જીવન કેવી રીતે બચાવવું તે પર કેન્દ્રિત થયું. પછી કૂતરો માણસને કરડયો હોય કે બીજું કોઈ પ્રાણી. માનવીના શરીર પર પડેલા ઘા પર કીડા ના પડે તે તેમનું લક્ષ્ય હતું. આ સંશોધનો પાછળ લૂઇ પાશ્ચરે આખી જિંદગી ખર્ચી નાંખી. તેમણે હજારો પ્રયોગો કર્યા. ખતરનાક વાઇરસ ધરાવતા કૂતરા પર તેઓ કામ કરી રહ્યા હતા. લૂઈ પાશ્ચરે આ દશામાં ખૂબ કામ કરી કૂતરાના કરડવાથી માનવીને થતા હડકવા સામે  રેબિજ વેક્સિન તૈયાર કરી દીધી. આ રસી તેમણે એક સ્વસ્થ કૂતરાને જ આપી. આ વેક્સિનના ૧૪ ઇન્જેક્શનો સ્વસ્થ કૂતરાને આપવામાં આવ્યા. રેબિજ વેક્સિનના ૧૪ ઇન્જેક્શનો બાદ કૂતરો હડકવા વિરોધી પ્રતિરક્ષિત થઈ ગયો.

આખા વિશ્વ માટે  લૂઈ પાશ્ચરની આ એક મોટી ખોજ હતી. હા, હજી સુધી લૂઇ પાશ્ચરે માનવી પર આ વેક્સિનનો પ્રયોગ  કર્યો નહોતો. ઇ.સ. ૧૮૮૫ની આ વાત છે. લૂઈ પાશ્ચર પોતાની પ્રયોગશાળામાં બેઠેલા હતા. ફ્રાન્સની એક મહિલા તેના નાનકડા નવ વર્ષના પુત્ર જોસેફને લઈ તેમની પાસે આવી. એ બાળકને એક હડકાયું કૂતરું કરડી ગયું હતું. હડકાયા કૂતરાની લાળમાં સૂક્ષ્મ જીવાણું હોય છે જે રેબિજ વાઇરસ તરીકે ઓળખાય છે. એ વાઇરસ શરીરમાં ફેલાઈ જાય તો હડકાયા કૂતરાના કરડયાનો ભોગ બનેલો માનવી તડપી તડપીને મોતને ભેટતો હોય છે.

લૂઇ પાશ્ચરે નાનકડા બાળક જોસેફને તપાસ્યો લૂઇ પાશ્ચરને પહેલેથી જ હડકાયા કૂતરાંથી થતા રોગથી ઘૃશ્ચણા હતી. હવે સવાલ એ હતો કે તેમણે જે વેક્સિન શોધી છે અને કૂતરા પર જ જેનો પ્રયોગ  કર્યો છે તેવો જ ૧૪ ઇન્જેક્શનોનો પ્રયોગ આ બાળક પર કરવો કે કેમ ? એમ કરવામાં બાળકના મૃત્યુની સંભાવના હતી. બીજી બાજુ વેક્સિનના ઇન્જેક્શનો ના આપવાથી પણ તેનું મૃત્યુ નક્કી હતું. આ દ્વિધાનો અંત લાવતાં લૂઈએ નક્કી કરી નાખ્યું કે તે રેબિજ વેક્સિનના ૧૪ ઇન્જેક્શનો આ બાળક-જોસેફને આપશે જ. લૂઈએ જોસેફને રોજ વેક્સિનના ઇન્જેક્શનો આપવાનું શરૂ કર્યું. દસ દિવસ સુધી તે વધતી માત્રામાં રેબિજ વેક્સિનના ઇન્જેક્શનો આપતાં રહ્યા. આૃર્યની વાત એ હતી કે જોસેફને હડકવાની અસર થઈ નહીં. એથી ઊલટું તે સ્વસ્થ થવા લાગ્યો. વિશ્વમાં પહેલી જ વાર હડકાયા કૂતરાના કરડયા બાદ એક બાળક પર હડકવા વિરોધી રસીનો આ પ્રયોગ કરવામાં આવ્યો હતો. એ બાળક બચી ગયો. સમગ્ર માનવજાતિ પર લૂઇ પાશ્ચરનો મહાન ઉપકાર હતો.

લૂઈ પાશ્ચરની આ હડકવા વિરોધી રસી રેબિજ વેક્સિનથી વિશ્વના કરોડો લોકોને જીવતદાન મળ્યું છે. તેમને અનેક સન્માન મળ્યા.

લૂઈ પાશ્ચરે બીજા અનેક પ્રયોગો પણ કર્યા. તેમણે પોતા ના માઇક્રોસ્કોપ દ્વારા શરાબ પર પરીક્ષણો કર્યા. આ પ્રયોગો વાઇન પર કર્યા હતા. તેમણે જોયું તો કેટલાંક નાના જીવાણું વાઇનને ખત્મ કરી દેતા હતા પરંતુ એ વાઇનને ૨૦થી ૩૦ મિનિટ સુધી ૬૦ ડિગ્રી સુધી ગરમ કરવામાં આવે તો એ જીવાણું નષ્ટ થઈ જાય છે. પાછળથી આ પ્રયોગો દૂધ પર પણ કર્યા. દૂધને ગળ્યું અને શુદ્ધ બનાવવા માટે આ જ સિદ્ધાંતનો ઉપયોગ કર્યો.  અને હવે આપણે જે દૂધ પીએ છીએ તેને પહેલાં ઉકાળવવામાં આવે છે તે પ્રક્રિયાને પાસ્ચુરાઇઝેશન કહીએ છીએ. અને તે દૂધને પેસ્ચ્યુરાઇઝડ મિલ્ક કહેવામાં આવે છે.

લૂઇ પાશ્ચરે મરઘીઓ અને ઉંદરો દ્વારા ફેલાતી બીમારીઓના કારણરૂપ જીવાણુઓ પર પણ સંશોધનો કર્યા. તેમણે ગાયો અને બીજાં પ્રાણીઓમાં ફેલાતા અન્થ્રેક્સ નામના રોગ સામેની પણ રસી બનાવી.

લૂઈ પાશ્ચરને અનેક એવોર્ડ્સ પ્રાપ્ત થયા જેમાં લિબિયન ઓફ ઓનર ગ્રાન્ડ ક્રોસ (૧૮૮૧) (૨) રમફોર્ડ મેડલ (૧૮૫૬) (૩) ફોરેન મેમ્બર ઓફ રોયલ સોસાયટી (૧૮૬૯) (૪) આલ્બર્ટ મેડલ (૧૮૭૪)  વગેરેનો સમાવેશ થાય છે.

ઇ.સ. ૧૮૬૮માં તેમને બ્રેઇન સ્ટ્રોક થયો. તેમને લકવો થઈ ગયો. સાજા પણ થઈ ગયા પરંતુ તા. ૨૮ સપ્ટેમ્બર ૧૮૯૫ના રોજ ફ્રાંસમાં જ તેમનું અવસાન થયું. તેમની અંતિમક્રિયા વખતે રાજ્ય-સન્માન અર્પણ થયું અને કેથેડ્રલ ઓફ નોત્રોડન ખાતે તેમને દફનાવવામાં આવ્યા.

લૂઈ પાશ્ચરને સલામ.

  • દેવેન્દ્ર પટેલ

www.devendrapatel.in

Be Sociable, Share!