Close

જે.આર.ડી.તાતાને એક યુવતીએ પોસ્ટકાર્ડ લખ્યું અને..

કભી કભી | Comments Off on જે.આર.ડી.તાતાને એક યુવતીએ પોસ્ટકાર્ડ લખ્યું અને..
ઈ.સ. ૧૯૭૪માં ટેલ્કો કંપનીએ કમ્પ્યૂટર સંબંધી નોકરી માટે એક વિજ્ઞાપન પ્રસિદ્ધ કર્યું. એ વખતે ભારતરત્ન જે.આર.ડી. ટાટા ટેલ્કો કંપનીના અધ્યક્ષ હતા.
એ વિજ્ઞાપન પ્રગટ થયા બાદ ભારતીય વિજ્ઞાન સંસ્થાન દ્વારા ગ્રેજ્યુએટ થનાર એક યુવતીએ એ જાહેરાત જોઈ. તે પ્રથમ નંબરે ગ્રેજ્યુએટ થયેલી હતી, પરંતુ અખબારમાં પ્રગટ થયેલી જાહેરખબરને જોઈ તે નિરાશ થઈ ગઈ, કારણ કે એમાં લખ્યું હતું કે માત્ર પુરુષોએ જ અરજી કરવી. એ વિજ્ઞાપન જોયા બાદ એ યુવતીએ નિર્ણય કર્યો કે તે આ બાબતે કંપનીના મેનેજમેન્ટ સમક્ષ રજૂઆત કરશે. એનું કહેવું હતું કે હું કંપનીની જરૂરિયાત મુજબનું શિક્ષણ, ડીગ્રી અને લાયકાત ધરાવું છું છતાં મને અરજી કરવાની તક કેમ અપાતી નથી? આ એક પ્રકારનો ભેદભાવ છે. આ સંદર્ભમાં એ યુવતીએ હિંમત કરીને ટેલ્કો કંપનીના એ વખતના ચેરમેન જે.આર.ડી. ટાટાને એક પોસ્ટકાર્ડ લખ્યું. એણે લખ્યું કે, હું બધી જ લાયકાત ધરાવું છું છતાં હું માત્ર સ્ત્રી છું માટે જ મને અરજી કરવામાંથી બાકાત રાખવામાં કેમ આવે છે? ટાટા એક સુપ્રસિદ્ધ અને પ્રગતિશીલ ઉદ્યોગગૃહ છે તો નોકરીની બાબતમાં આવો ભેદભાવ કેમ? શા માટે પુરુષો જ અરજી કરી શકે અને સ્ત્રીઓ કેમ નહીં? આજે તો સ્ત્રીઓ પણ મુશ્કેલમાં મુશ્કેલ કામ કરી શકે છે!
અને એક દિવસ આ નાનકડું પોસ્ટકાર્ડ ટેલ્કો કંપનીના સરનામે પહોંચ્યું! બધાએ માત્ર પોસ્ટકાર્ડ દ્વારા જ લખાયેલી વિગતો જોઈને આશ્ચર્ય વ્યક્ત કર્યું. છેવટે એ પોસ્ટકાર્ડ ટેલ્કો કંપનીના અધ્યક્ષ જે.આર.ડી.ટાટા સુધી પહોંચાડવામાં આવ્યું. જે.આર.ડી. ટાટાએ માત્ર પોસ્ટકાર્ડ વાંચીને એ યુવતીને ઈન્ટરવ્યૂ માટે બોલાવવા સૂચના આપી. ઈન્ટરવ્યૂમાં તે પાસ થઈ ગઈ અને ટેલ્કો કંપનીની પહેલી મહિલા ટેક્નિશિયન બનવાનું તેને માન મળ્યું.
આ પ્રતિભાશાળી મહિલા બીજાં કોઈ નહીં પરંતુ સુધા મૂર્તિ.
સુધા મૂર્તિને સહુ કોઈ જાણે છે. લગ્ન પહેલાં તેઓ સુધા કુલકર્ણી હતાં અને આઈટી ઈન્ડસ્ટ્રીના ઉદ્યોગપતિ નારાયણ મૂર્તિ સાથે લગ્ન કર્યાં બાદ તેઓ સુધા મૂર્તિ તરીકે જાણીતાં બન્યાં. નારાયણ મૂર્તિની સફળતામાં તેમનું મોટું યોગદાન રહેલું છે. તેઓ તેમના સાદગીપૂર્ણ જીવન માટે પણ જાણીતાં છે,પરંતુ સહુથી અગત્યની વાત એ છે કે આ દેશના મશહૂર ઉદ્યોગપતિએ એક પોસ્ટકાર્ડ દ્વારા પણ રજૂ થયેલી વાતને કેટલું બધું મહત્ત્વ આપ્યું?
ભારત દેશમાં અનેક વિદેશીઓ આવ્યા. કેટલાકે ભારત પર આક્રમણ કર્યું. ભારતનાં પવિત્ર મંદિરોને લૂટ્યાં. દેશને લૂંટ્યો. તેમાં હૂણ, તાર્તાર, સિકંદર, મોગલોથી માંડીને અંગ્રેજોનો પણ સમાવેશ થાય છે પરંતુ ભારતમાં એક જ વિદેશી પ્રજા દૂધમાં સાકરની જેમ ભળી ગઈ અને તે છે પારસીઓ. પારસીઓએ દેશના આર્થિક વિકાસનો પાયો પણ નાંખ્યો જેમાં પ્રથમ હતા જમશેદજી ટાટા. તેમણે દેશમાં સ્ટીલ ઉદ્યોગ સ્થાપ્યો. રેલવેના પાટા તૈયાર કર્યાં. રેલવેનાં એન્જિનો બનાવ્યાં. દેશની પ્રથમ ફાઈવ સ્ટાર હોટલ `તાજ’ પણ ઊભી કરી. યાદી લાંબી છે પરંતુ આ તો થોડાંક ઉદાહરણો જ છે. ઓટોમોબાઈલ ક્ષેત્રથી વીજળીના ઉત્પાદનમાં પણ ટાટા પરિવારનું મોટું યોગદાન છે. પારસીઓએ હોમી ભાભા જેવા શ્રેષ્ઠ અણુવિજ્ઞાની પણ આપ્યા. જે.આર.ડી. ટાટાએ તો દેશમાં પહેલી એરલાઈન શરૂ કરી.
ટાટા અને બીજા પારસી ઉદ્યોગપતિઓ બધાથી જુદા શા માટે પડે છે તેનું એક ઉદાહરણ અહીં પ્રસ્તુત છે.
રતન ટાટાની પૂર્વે નવલ ટાટા ઔદ્યોગિક સમૂહના વડા હતા. અમદાવાદમાં શાહીબાગ પાસે આવેલા અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરની સામે ટાટા ઔદ્યોગિક જૂથની ટાટા એડવાન્સ મિલ હતી. નવલ ટાટા ટાટા જૂથની બધી જ કંપનીઓના ચેરમેન હતા. તેઓ ટાટા એડવાન્સ મિલના કંપાઉન્ડમાં જ આવેલા એક ગેસ્ટહાઉસમાં ઊતર્યાં હતા. એ વખતે નવલ ટાટાનો ઈન્ટરવ્યૂ કરવા હું મિલના ગેસ્ટહાઉસમાં ગયો. નવલ ટાટા શુદ્ધ પણ પારસી શૈલીની ગુજરાતી ભાષામાં મારી સાથે વાત કરતા હતા. અમે ચા પીતા હતા એ દરમિયાન ચાલીસેક વર્ષની એક સ્માર્ટ વ્યક્તિ દાદરા ઊતરીને અમે જ્યાં બેઠા હતા ત્યાં આવી. નવલ ટાટાએ મને કહ્યું: `લ્યો, અમારા નસરવાનજી શેઠ આવ્યા.’
હું વિચારમાં પડી ગયો કે ટાટા જૂથના વડા શેઠ તો નવલ ટાટા છે તો આ યુવાન જેવા લાગતા કોઈને `શેઠ’ કેમ કહે છે?
આવનારી વ્યક્તિએ ઈનશર્ટ કરેલું હતું. તેઓ ગોરા અને સોહામણા પારસી યુવાન હતા.
મારા પ્રશ્નનો જવાબ આપતાં નવલ ટાટા બોલ્યા: `જુઓ, આ નસરવાનજી મારી નવસારીની મિલના મેનેજર છે. તેઓ મને કમાઈને આપે છે તેથી હું ખાઉં છું.’
એ સમયે ટાટા જૂથના ૫૦ હજાર જેટલા કર્મચારીઓ પૈકીના એક અધિકારીને `શેઠ’ કહીને સંબોધવાની નવલ ટાટાની નમ્રતા જોઈ હું સ્તબ્ધ થઈ ગયો.
એ પછી ફરી એક વાર ટાટા હોટેલ્સ અને `તાજ’ હોટેલના ચેરમેન નવલ ટાટાને તેમના મુંબઈ ખાતેના બંગલે પણ મળવાનું થયું. નવલ ટાટા અબજોની સંપત્તિના માલિક અને વડા હોવા છતાં તેમના બંગલામાં જ એક `હોમ ઓફિસ’ ચલાવતા હતા અને સવારે નવ વાગ્યે તેઓ તેમની હોમ ઓફિસમાં બેસીને કામ કરતા જોવા મળતા.
છેલ્લે રતન ટાટાની વાત. રતન ટાટાએ મુંબઈમાં રહેવા એક બંગલો બનાવ્યો છે તેને તેમણે `કેબીન્સ’ એવું નામ આપ્યું છે. નામમાં પણ કેવી સાદગી? રતન ટાટા આમ તો હવે નિવૃત્ત પરંતુ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રતન ટાટાને તાજેતરમાં જ `પીએમ કેર્સ ફંડ’ના ટ્રસ્ટી તરીકેની નિમણૂક આપી છે.
આવા રતન ટાટાનાં કેટલાંક વિધાનો દરેકે યાદ રાખવાં જેવાં અને જીવનમાં ઉતારવાં જેવાં છે.
રતન ટાટા કહે છે: `દરેક માતા-પિતાને મારી નમ્ર વિનંતી છે કે `ફક્ત ૧૫ મિનિટનો સમય કાઢીને તમારાં બાળકોને નીચે લખેલી વાતો વાંચી સંભળાવો: બની શકે કે તેનાથી તેમનું જીવન બદલાઈ જાય:’ રતન ટાટાએ એક શાળામાં ભાષણ દરમિયાન ૧૦ વાતો જણાવી હતી જે આ પ્રમાણે છે.
૧. જીવનમાં ઉતાર-ચઢાવ આવતા જ હોય છે. તેની આદત પાડો.
૨. લોકોને તમારા સ્વાભિમાનની નથી પડી હોતી. પહેલાં તેના માટે પોતાને સાબિત કરો.
૩. કૉલેજનો અભ્યાસ પૂરો થાય એટલે ૫ાંચ આંકડાના પગારનું ન વિચારો. એક રાતમાં કોઈ વાઈસ પ્રેસિડેન્ટ ન બની શકે. તેના માટે સખત મહેનત કરવી પડે.
4. તમારી ભૂલ, હાર વગેરે ફક્ત ને ફક્ત તમારા જ છે તેના માટે બીજાને દોષ ન આપો. ભૂલમાંથી શીખીને આગળ વધો.
5. તમને અત્યારે જેટલાં નિરસ અને કંટાળાજનક તમારાં માતાપિતા લાગે છે એટલાં તે તમારા જન્મ પહેલાં નહોતાં. તમારું પાલનપોષણ કરવામાં તેમણે એટલું કષ્ટ ઉઠાવ્યું કે તેમનો સ્વભાવ બદલાઈ ગયો.
6. કોન્સોલેશન પ્રાઈઝ ફક્ત શાળાઓમાં જ જોવા મળશે. બહારની દુનિયામાં હારવાવાળાને મોકો નથી મળતો.
7. જીવનની શાળામાં ધોરણ અને વર્ગ નથી હોતાં અને ત્યાં મહિનાનું વેકેશન પણ નહીં મળે. ત્યાં તમને કોઈ શિખવાડવાવાળું પણ નહીં હોય. જે કંઈ કરવાનું હશે તે જાતે જ કરવું પડશે.
૮. ટીવી.માં દર્શાવાતું જીવન સાચું નથી હોતું અને જીવનમાં આરામ નથી હોતો ત્યાં ફક્ત કામ, કામ અને કામ જ હોય છે. તમે ક્યારેય વિચાર્યું છે કે લક્ઝરી ક્લાસની કાર (જેગ્વાર, હમ્મર, બીએમડબલ્યુ, ઓડી, ફરારી) જેવી કારની જાહેરાત ટીવી. પર કેમ નથી આવતી? કારણ કે તે કાર બનાવતી કંપનીઓને ખબર છે કે આવી કાર લેનાર વ્યક્તિ પાસે ટીવી. સામે બેસવાનો ફાલતુ સમય નથી હોતો.
૯. સતત ભણતા અને સખત મહેનત કરતા પોતાના મિત્રોની મશ્કરી ન કરો, એક સમય એવો આવશે કે તમારે તેના હાથ નીચે કામ કરવું પડે.

Be Sociable, Share!