Close

જો મારો પ્રેમ સાચો છે તો હું તારા દાદાજી પહેલાં મૃત્યુ પસંદ કરીશ

કભી કભી | Comments Off on જો મારો પ્રેમ સાચો છે તો હું તારા દાદાજી પહેલાં મૃત્યુ પસંદ કરીશ

પ્રમિલા દંડવતે.

પ્રમિલા દંડવતેને દેશ અને વિદેશમાં રાજનેતા અને સમાજ સેવિકાના રૂપમાં ઓળખવામાં આવે છે.

પ્રમિલાજીનો જન્મ તા.૨૭ ઓગસ્ટ, ૧૯૨૮ના રોજ મુંબઇમાં થયો હતો. તેમના પિતાનું નામ ડો. જે.એન. કરંડે અને માતાનું નામ લક્ષ્મીબાઇ કરંડે હતું. તેઓ તેમના  દાદા પાસેથી રાષ્ટ્ર સેવાદળ અને ગાંધી-નેહરુના વિચારોથી પ્રભાવિત હતા. મુંબઇની જે.જે. સ્કૂલ ઓફ ફાઇન આર્ટ્સમાં ડિપ્લોમા કર્યા બાદ તેઓ સેવાદળમાં જોડાયા.

બહુમુખી પ્રતિભા ધરાવતાં પ્રમિલા નૃત્યકળામાં પણ પારંગત હતા. તેમની વાકપટુતાના કારણે પહેલાં તેઓ મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મ્યુનિ. કાઉન્સિલર તરીકે ચૂંટાયા.પાછળથી લોકસભામાં પણ ચૂંટાયા. સંયુક્ત મહારાષ્ટ આંદોલનમાં ભાગ લીધો અને જેલવાસ પણ ભોગવ્યો.

આટલી વ્યસ્તતા છતાં સમાજશાસ્ત્રના વિષયમાં માસ્ટર ડિગ્રી હાંસલ કરી.

આમ તો  ૧૯૬૫માં મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે દાદર મત વિસ્તારમાંથી ચૂંટણી જીતીને રાજનીતિમાં આવ્યાં. મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન ‘ટાઉન પ્લાનિંગ સ્કીમ’ લાગુ કરાવવા જૂનાં મકાનો તોડવાનો નિર્ણય કર્યો ત્યારે ત્યાંના નિવાસીઓને કોઇ વળતર ના આપવાના મ્યુનિ. કોર્પોરેશનના નિર્ણયનો તેમણે સખત વિરોધ કર્યો.

૧૯૫૯માં સમાજવાદી મહિલા સભામાં તેમણે મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી. એ કારણે સંયુક્ત રાષ્ટ્ર સંઘે ૧૯૭૫ને આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ બનાવવાનો નિર્ણય કર્યો. તેમણે ઇંગ્લેન્ડ જઇ પ્રવચનો આપ્યાં. ૧૯૭૪માં તેમણે સુચેતા કૃપલાણી અને  સુશીલા નૈયરની સાથે રહી ‘મહિલા દક્ષતા સમિતિ’ની સ્થાપના કરી. આ સંસ્થાએ ૧૯૬૧ના દહેજ વિરોધી કાનૂનને માત્ર કાગળ પરનો કાયદો કહી દહેજ  વિરોધી અભિયાનનો આરંભ કર્યો.

૧૯૮૦માં પ્રમિલા મુંબઇ સેન્ટ્રલ નોર્થથી ચૂંટણી લડી લોકસભામાં ગયાં. તેમનાં અનેક સ્વરૂપોમાં એક આદર્શ સ્વરૂપ આદર્શ પત્ની તરીકેનું રહ્યું. તેઓ મધુ દંડવતેને પરણ્યા. તેમના પતિ મધુ દંડવતે ૨૩ વર્ષની વયે જ  પ્રજા સોશિયલિસ્ટ પાર્ટી, મુંબઇના  પ્રમુખ બન્યા હતા. તેઓ એક કોલેજમાં અધ્યાપક હતા. તેમનું લેક્ચર સાંભળવા મુંબઇની એલ્ફ્ન્સ્ટિન અને ઝેવિયર્સ કોલેજના વિદ્યાર્થીઓ પણ આવી જતાં. પ્રમિલા કહે છે : ‘હું તો રાષ્ટ્રસેવા દળમાં જ કામ કરવા માગતી હતી  પરંતુ પિતાજીના આગ્રહથી મારે લગ્ન કરવાની હા પાડવી પડી. હું મારી પરેશાની દર્શાવવા એસ એમ જોશી પાસે ગઇ. તેમણે મને હોનહાર યુવકોના નામોની યાદી આપીને કહ્યું કે આ બધામાં મધુ એક સત્યનિષ્ઠ અને પ્રામાણિક પ્રોફેસર છે અને મેં મધુના નામ પર સહમતી આપી દીધી.’

તે પછી અત્યંત સાદગીથી પ્રમિલા અને મધુ દંડવતે પરણી ગયા. એ બંને સેવાદળમાં સામેલ થઇ ગયાં. બંને શારદાશ્રમમાં રહેવા લાગ્યા. લગ્ન બાદ મધુ દંડવતેનો નટખટ સ્વભાવ  યથાવત્ રહ્યો. પ્રમિલા કહે છે : ‘એ દિવસે ઘરમાં હું એકલી હતી. મધુ રોજ સાંજે સાત વાગે ઘેર આવતા. તે દિવસે તેઓ સાંજે સાડા સાત વાગે આવ્યા. હું રોજની જેમ તેમના માટે ચા બનાવવા રસોડામાં ગઇ. મે ચાનું પાણી ઉકળવા મૂક્યું. ચા તૈયાર કર્યા બાદ હું મેં નાનાને (પ્રમિલા તેમને નાના કહેતા) બોલાવવા ગઇ પરંતુ તેઓ ક્યાંય નહોતા. બધે જ શોધ્યા પરંતુ નાના ના મળતાં મે મોટા અવાજે પૂછયું ‘કયાં છો ?’  ‘પણ જવાબ ના મળતાં હું રડવા જેવી થઇ ગઇ. અને ધીમે ધીમે મારા પતિ લોખંડની અલમારીમાંથી બહાર નીકળ્યાં. સંતાકૂકડી રમવાની તેમની બચપણની ટેવ હજુ ગઇ નહોતી.’

પ્રમિલા  અને મધુ દંડવતેના વિચારો અલગ હતા. તેમના દાંપત્યજીવનની બાબતમાં નાના સાહેબ ગોરેએ એક વાર ‘સાધના’માં લખ્યું હતું, ‘દંડવતે પરિવારની સંસદમાં  મધુ દંડવતે જે શાસક પક્ષનું પ્રતિનિધિત્વ કરે છે તો પ્રમિલા વિપક્ષ નેતાનું. આમ છતાં પણ તેમના પરિવારનો સંસદમાં ઝઘડો નથી. એનું કારણ એ જ કે તે બંને વચ્ચે અતૂટ પ્રેમ, લગાવ અને અંતહીન પરસ્પરની સમજ છે.’

મુસ્લિમ મહિલા શાહબાનોના કિસ્સામાં બંનેના વિચારો એકબીજાથી ભિન્ન હતા.

૧૯૫૫માં ગોવાના સત્યાગ્રહ દરમિયાન એસ.એમ. જોશીએ સ્ત્રીઓને તેમાં ભાગ ના લેવાની સલાહ આપી હતી પરંતુ પ્રમિલાએ તેનો વિરોધ કરીને ગોવા આંદોલનમાં પતિ મધુની સાથે ભાગ લીધો હતો. પી.વી. નરસિંહરાવની સરકાર વખતે પણ લોકસભામાં મહિલાઓને ૩૩ ટકા આરક્ષણ આપવાની બાબતે પણ  પ્રમિલા દંડવતે  અત્યંત આગ્રહી રહ્યા અને તે માટે જીવનભર સંઘર્ષ કરતાં રહ્યા.

ઇંદિરા ગાંધીના શાસન કાળમાં દેશમાં કટોકટી જાહેર કરવામાં આવી. કટોકટીનો વિરોધ કરવાના કારણે  પ્રમિલા દંડવતેને મુંબઇમાં ગિરફતાર કરી પૂણેની જેલમાં મોકલી દેવાયા. એ વખતે મધુ દંડવતે  બેંગલુરુની જેલમાં હતા. બંનેને અલગ અલગ જેલમાં રાખવામાં આવ્યા. આ બાબતનો વિરોધ કરવા વિપક્ષોએ કોર્ટમાં અરજી દાખલ કરી. કોર્ટે ફેંસલો આપ્યો કે મધુ દંડવતેને તેમનાં પત્નીને મળવા  જવું હોય તો તેઓ વિમાન દ્વારા બેંગલુરુથી પૂણે જઇ જેલમાં મળી શકે છે પરંતુ તેનો ખર્ચ મધુ દંડવતેએ જાતે  ભોગવવો પડશે.

પ્રમિલા દંડવતેએ આ પ્રસ્તાવનો પણ વિરોધ કર્યો તેને ઠુકરાવી દેતાં કહ્યું કે, ‘અમે જેલમાં રહીને જ અમારો સંઘર્ષ ચાલુ રાખીશું.’

મધુ દંડવતે બેંગલુરુની જેલમાં હતા ત્યારે તેમને સમાચાર મળ્યા કે જયપ્રકાશ નારાયણની કિડની ખરાબ થઇ ગઇ છે તે પછી તેમણે જયપ્રકાશ નારાયણને પત્ર લખી પોતાની કિડની આપવાની ઓફર કરી. આ માટે તેમણે કેન્દ્રના ગૃહમંત્રીને પત્ર લખી મંજૂરી પણ લઇ લીધી. આ પત્ર જયપ્રકાશ નારાયણ સુધી પહોંચ્યો પરંતુ જયપ્રકાશ નારાયણ દ્વારા લખાયેલો પત્ર  તેમના સુધી ના પહોંચ્યો. મધુ દંડવતેએ જયપ્રકાશ નારાયણને  પત્ર લખ્યો તે પછી તેમણે એક પત્ર પ્રમિલાજીને લખીને બધી વાત કહી. એમાં તેમણે એમ  પણ લખ્યું કે મેં આવડો મોટો નિર્ણય તમારી અનુમતી વગર લીધો તેનું મને દુઃખ છે. પરંતુ પ્રમિલાજીએ કહ્યું કે તમારા અને મારા વિચારો અલગ નથી. અગર જયપ્રકાશજી માટે ત્યાગ નહીં તો બીજા કોના માટે ?

વાસ્તવમાં પ્રમિલા દંડવતે અને મધુ દંડવતે એકબીજાનાં પૂરક હતા બંને વચ્ચે અસીમ પ્રેમ હતો. તા.૧ જાન્યુઆરી ૨૦૦૨ના રોજ પ્રમિલા દંડવતેનું નિધન થયું. એકવાર પ્રમિલા દંડવતેને તેમનાં પૌત્રી સંગીતા  અગ્રવાલે પૂછયું : ‘દાદીમા તમે મંગળસૂત્ર પહેરો છો અને કપાળમાં બીંદી પણ કરો છો તો શું તમે  હિંદુ સ્ત્રીના સુહાગન મરવાને તેનું ભાગ્ય સમજો છો?’

તો પ્રમિલા દંડવતેએ કહ્યું: ‘હું રીતિ-રિવાજોને માનતી નથી પરંતુ જો મારો પ્રેમ સાચો છે તો તારા દાદાજીની પહેલાં મૃત્યુ  પામવાનું પસંદ કરીશ અને  મારી ઇચ્છા છે કે અંતિમ સમયમાં અમે સાથે હોઇએ, અલગ અલગ નહીં.’

અને બન્યું એમ જ. પ્રમિલા દંડવતેએ તેમના પતિની બાહોમાં જ અંતિમ શ્વાસ લીધા.

પ્રમિલાજી ગયાં અને તેના કેટલાક સમય બાદ મધુ દંડવતે પણ ગયા.

પ્રમિલા દંડવતેને પોતાની પૌત્રી સમાન માનતા દિલ્હીનાં પત્રકાર અને લેખિકા સંગીતા અગ્રવાલે તેમના અત્યંત લોકપ્રિય પુસ્તક ‘એક્ સે બઢકર એક- શિખર મહિલાએ’ માં આ પ્રસંગ લખ્યો છે. પુસ્તકના લેખિકા સંગીતા અગ્રવાલનો જન્મ ૧૯ ઓગસ્ટ ૧૯૭૭ના રોજ એક રાજનૈતિક અને વ્યાપારિક પરિવારમાં થયો છે. પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં એમ.એ. તથા પત્રકારત્વ અને કમ્પ્યુટરમાં પી.જી. ડિપ્લોમાં કરનાર સંગીતા અગ્રવાલની રચનાઓ અને લેખ ‘હિંદુસ્તાન’,’આઉટલુક’, ‘નવભારત ટાઇમ્સ’ જેવા દિલ્હીના અખબારો અને સામયિકોમાં પ્રગટ થતાં રહ્યા છે. સંગીતા અત્યારે ડીડી ન્યૂઝ દિલ્હીમાં પત્રકાર અને સ્ક્રિપ્ટ રાઇટર તરીકે સેવાઓ આપે છે.

સૌજન્ય : સંગીતા અગ્રવાલ (‘એક સે બઢકર એક- શિખર મહિલાએ’) .

—DEVENDRA PATEL

Be Sociable, Share!