Close

જ્યારે રેડિયો દેશના કરોડો લોકોના દિલની ધડકન હતો

કભી કભી | Comments Off on જ્યારે રેડિયો દેશના કરોડો લોકોના દિલની ધડકન હતો

આજથી લગભગ ૭૦ વર્ષ પહેલાં મહાત્મા ગાંધી ફાટી નીકળેલા કોમી તોફાનોથી ગ્રસ્ત હરિયાણાના કુરુક્ષેત્ર વિસ્તારમાં જવા માગતા હતા પરંતુ કોઇ સંજોગોવશાત નિરાશ્રિતોની શિબિરની મુલાકાતે તેઓ જઇ ના શક્યા. તે પછી કોમી હુતાશની ઠારવા તેમણે રેડિયો દ્વારા તેમનો શાંતિ સંદેશ મોકલવા હા પાડી હતી, તા. ૧૨મી નવેમ્બર ૧૯૪૭ના રોજ  ઓલ ઇન્ડિયા રેડિયોએ ગાંધીજીનો પહેલો અને છેલ્લો લાઇવ મેસેજ બ્રોડકાસ્ટ કર્યો હતો.

ગાંધીજી એક જ વાર રેડિયો પર આવ્યા હતા અને તે દિવસની યાદમાં તા.૧૨મી નવેમ્બરને ‘પબ્લિક ર્સિવસ બ્રોડકાસ્ટ ડે’ તરીકે ઊજવવામાં આવે છે. તે ‘જન પ્રસારણ દિન’ તરીકે પણ ઓળખાય છે. એ વખતે ગાંધીજી નહોતા તો વડા પ્રધાન કે નહોતા રાષ્ટ્રપતિ. પરંતુ તેઓ એક સામાન્ય નાગરિકની જેમ આકાશવાણીના સ્ટુડિયોમાં જઇ બોલ્યા હતા.

સમય જલદી બદલાઇ રહ્યો છે

આઝાદી પછીનું ભારત હવે ૭૦ વર્ષની વયને વટાવી ગયું છે. વર્ષો પહેલાં ઓલ ઇન્ડિયા રેડિયો દેશની ધડકન હતો. રેડિયો જ મનોરંજન અને માહિતીના શ્રેષ્ઠ સ્ત્રોત હતો. ક્રિકેટની કોમેન્ટ્રી પણ દેશના લાખો લોકો રેડિયો પર સાંભળી ઝૂમી ઉઠતા. વિજય મરચન્ટ એક જમાનાના શ્રેષ્ઠ રેડિયો કોમેન્ટ્રેટર હતા. પોલી ઉમરીગર, વિનુ માંકડ અને અબ્બાસ અલી બેગ જેવા ક્રિકેટના ખેલાડીઓની દમદાર રમતની કોમેન્ટ્રી સાંભળી લોકો ભાવાવેશમાં આવી જતા.

તાજેતરમાં ‘આકાશવાણી’ના જાણીતા ક્રિકેટ કોમેન્ટ્રેટર જસદેવ સિંહનું દુઃખદ અવસાન થતાં રેડિયો કોમેન્ટ્રીના સુવર્ણયુગનો એક અધ્યાય સમાપ્ત થઇ ગયો. ૧૯૬૦માં જન્મેલા જસદેવ સિંહે આકાશવાણીના જયપુર રેડિયો સ્ટેશનથી તેમની કારકિર્દીનો આરંભ કર્યો તે પછી તેઓ આઠ વર્ષ બાદ દિલ્હી આવી ગયા. અહીં તેમણે ‘આકાશવાણી’ની સાથે સાથે દૂરદર્શન માટે પણ ૩૫ વર્ષ સુધી સેવાઓ આપી. ભારતીય રેડિયો અને પત્રકારત્વના શિખર પુરુષ રહેલા જસદેવ સિંહે ૯ ઓલિમ્પિક, ૮ વર્લ્ડ કપ હોકી અને ૬ વિશ્વકપ એશિયન ગેમ્સમાં શ્રોતાઓને અને દર્શકોને મંત્રમુગ્ધ કરી દેતી કોમેન્ટ્રી આપી. એમણે કુલ ૪૭ વખત દિલ્હીમાં પ્રજાસત્તાક દિનની પરેડનો પણ આંખે દેખ્યો અહેવાલ આપ્યો. તેમને પહેલાં ‘પદ્મ શ્રી’ અને તે પછી ‘પદ્મ વિભૂષણ’ સન્માન પણ પ્રાપ્ત થયું.

અત્રે એ નોંધવું જોઇએ કે અમદાવાદમાં ઓલ ઇન્ડિયા રેડિયો માટેનું રેડિયો સ્ટેશન લાવવાનો યશ સરદાર વલ્લભભાઇ પટેલને ફાળે જાય છે. એ વખતે અમદાવાદ શહેરમાં ૧૦૦ જેટલી કાપડની મિલો હતી. અમદાવાદ ભારતનું માન્ચેસ્ટર કહેવાતું હતું. લગભગ એક લાખ મજૂરો આ મિલોમાં કામ કરતા હતા. આ સંદર્ભમાં આકાશવાણીના અમદાવાદ મથકેથી મજૂરભાઇઓ માટેનો એક કાર્યક્રમ પ્રસારિત થતો જેમાં શાણાભાઇ અને શકરાભાઇની જોડી લોકપ્રિય હતી. આ નામો હકીકતમાં કાલ્પનિક હતા પરંતુ ચંદુભાઇ અને ચોખડીયા નામના બે વ્યક્તિઓ શાણાભાઇ અને શકરાભાઇના નામે રોજ લાઇવ કાર્યક્રમ આપતા.

૧૯૬૦ના દાયકામાં ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ના હોઇ રેડિયો ચલાવવા એવરેડી કંપનીની વજનદાર બેટરી જોડવામાં આવતી હતી. શરૂઆતમાં વાલ્વ સિસ્ટમના રેડિયો હતા, પાછળથી ટ્રાન્ઝિસ્ટર્સ આવ્યા. એ જમાનામાં ફિલિપ્સ. મરફી અને નેશનલ ઇકો જેવી બ્રાન્ડના રેડિયો જાણીતા હતા. બહુ ઓછા લોકોને એ વાતની ખબર છે કે રોજ સવારે કાર્યક્રમની શરૂઆતમાં ગાંધીજીના અગાઉ રેકોર્ડ થયેલા પ્રવચનોમાંથી કેટલાંક અંશ ગાંધીજીના જ અવાજમાં પ્રસારિત થતા.

આકાશવાણી સાથે સંકળાયેલા જાણીતા નામોમાં ભાઇલાલભાઇ બારોટ એક જાણીતું નામ હતું. તે પછી વસુબહેન વર્ષો સુધી આકાશવાણીના વડા રહ્યા. એ જમાનામાં લેમ્યુઅલ હેરી નામના ઉદ્ઘોષક બેઝના અવાજમાં ગુજરાતીમાં સમાચાર વાંચતા. તે પછી હસીના કાદરીનો અવાજ જાણીતો બન્યો. કવિ- સાહિત્યકાર તુષાર શુકલ પણ આકાશવાણીના અમદાવાદ કેન્દ્રના એક અભિન્ન હિસ્સો રહ્યા.

એક સમયે એવી માન્યતા હતી કે રેડિયો સ્ટેશન પરથી ફિલ્મના ગીતોનું પ્રસારણ થવું ના જોઇએ એ કારણે રેડિયો સિલોન ભારતમાં લોકપ્રિય થયો. છેક કોલંબોમાં આવેલું સિલોનનું રેડિયો મથક દર બુધવારે રાત્રે ૮ વાગે બિનાકા ગીતમાલા પ્રસારિત કરતું. અમીન સયાની એક આગવા અંદાજમાં આ કાર્યક્રમનું સંચાલન કરતા અમીન સયાનીના અવાજ દેશભરમાં જાણીતો હતો. અમીન સયાનીનો પૂર્વજો મૂળ ગુજરાત- કચ્છના હતા. વર્ષો સુધી તેમના અવાજે હિંદુસ્તાનના કરોડો શ્રોતાઓના દિલ પર રાજ કર્યું.

રેડિયો સિલોનની લોકપ્રિયતા જોઇ ભારત સરકારે ઓલ ઇન્ડિયા રેડિયોની એક વધુ શાખા ‘વિવિધ ભારતી’ શરૂ કર્યું જે રેડિયો સિલોનની લોકપ્રિયતાને પણ આંબી ગયું. આજે પણ રેડિયોની પ્રાઇવેટ એફ.એમ. ચેનલો કરતાં વિવિધ ભારતી સાંભળવું હૃદયગંમ લાગે છે.

એ સિવાય દિલ્હી ઓલ ઇન્ડિયા રેડિયો પર જે એક નામ- અવાજ દેશભરમાં ગુંજતા રહ્યા. તેમાંનું એક નામ છે દેવકી નંદન પાંડે. એ વખતે મોટા ભાગે રેડિયો સમાચારની શરૂઆત આ વાકયથી થતી હતી : ‘નમસ્કાર, યે ઓલ ઇન્ડિયા રેડિયો’ હૈ. અબ આપ દેવકી નંદન પાંડે સે સમાચાર સુનિયે. દેવકી નંદન પાંડેને પણ ‘પદ્મ શ્રી’ સન્માન મળ્યું. પાંડેજી તેમના શુદ્ધ ઉચ્ચારણો માટે જાણીતા હતા. પ્રસંગ અનુસાર તેમના અવાજમાં આરોહ- અવરોહ જોવા મળતો. દા.ત. કોઇ શોકના સમાચાર વાંચતી વખતે તેઓ ઉદાસ અને ગંભીર સ્વરે સમાચાર રજૂ કરતા. આનંદના સમાચાર વાંચતી વખતે તેઓ શ્રોતાઓમાં જોશ ભરી દેતા. તેઓ અલ્મોડાના વતની હતા અને તેમના પહાડી અવાજ માટે જાણીતા હતા. તેઓ ફેબ્રુઆરી ૧૯૪૮માં ઓલ ઇન્ડિયા રેડિયો માટે પસંદગી પામ્યા હતા.

બહુ ઓછા લોકોને એ વાતની ખબર છે કે ફિલ્મ જગતમાં આવતાં પહેલાં એક્ટર સુનીલ દત્તે પણ રેડિયો સિલોન માટે પોતાની સેવાઓ આપી હતી.

હવે પરિવર્તન આવ્યું છે.

શહેરી જિંદગીમાંથી અસલી રેડિયો ગાયબ થઇ ગયો છે. હવે યુવા પેઢી એફ.એમ. વધુ સાંભળે છે. આ રેડિયોનો નવો અવતાર છે. અલબત્ત, શહેરના લોકો ભલે રેડિયોને ભૂલી ગયા હોય પરંતુ દૂર દૂરનાં ગામડાંઓમાં, પહાડી વિસ્તારોમાં તથા દ્વીપોમાં આજે પણ લોકો રેડિયોને સાંભળે છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રેડિયો પર ‘મન કી બાત’ દ્વારા રેડિયોને ફરી- પુનર્જીવીત કર્યો છે.

એક સમયે રેડિયો આખાયે ભારત ઉપખંડનો આત્મા હતો. સુગમ સંગીત, સીતાર વાદન, સમાચારો, ગ્રામજનો માટેના કાર્યક્રમો, ભજનો દ્વારા રેડિયો ઘરઘરમાં ગુંજતો હતો. સાંજના ૭ વાગ્યાના સમાચારના કાર્યક્રમ પ્રાઇમ ટાઇમ ગણાતો. એ જમાનામાં બધાના ઘરમાં રેડિયો નહોતો તેથી લોકો કોઇના ઘેર, કોઇ પાનબીડીની દુકાને કે ચાની હોટલે જઇ રેડિયો સાંભળતા.

ભારતના ભાગલા થતાં તા. ૧૩ ઓગસ્ટ, ૧૯૪૭ની અડધી રાતે પાકિસ્તાન રેડિયો અસ્તિત્વમાં આવ્યો. ટેલિવિઝન આવ્યા પહેલાં ભારત વિરુદ્ધ ઝેર ઓંકવા માટે કુખ્યાત રેડિયો પાકિસ્તાન આજકાલ સંકટમાં છે. આમ તો તા. ૧૪ ઓગસ્ટ, ૧૯૪૭ એટલે કે તા. ૧૩મીના રાતના ૧૨ વાગ્યાથી રેડિયો પાકિસ્તાન ઓલ ઇન્ડિયા રેડિયોથી અલગ થયું. એ વખતે લાહોર તેનું પ્રસારિત કેન્દ્ર હતું. નવા રેડિયો પાકિસ્તાનમાં ૩૪ ભાષાઓમાં પ્રસારણની સુવિધા હતી જેમાં ગુજરાતી પણ એક હતી.

અતીતમાં નજર નાંખીએ તો ૧૯૨૬માં બ્રિટિશ શાસન વખતે અવિભાજિત ભારતમાં રેડિયો પ્રસારણનો આરંભ થયો હતો. તે વખતે એક પ્રાઇવેટ કંપની ‘ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કંપની લિમિટેડ’ને બે રેડિયો સ્ટેશન સ્થાપવાની મંજૂરી મળી હતી, એક મુંબઇ અને બીજી કલકત્તામાં. પરંતુ આ કંપની ૧૯૩૦ સુધી જ ચાલી શકી. તા. ૮ જૂન ૧૯૩૬ના રોજ ઓલ ઇન્ડિયા રેડિયો અસ્તિત્વમાં આવ્યો એ પછી વર્ષો સુધી રેડિયો ખરીદનારે લાઇસન્સ લેવું પડતું. હવે લાઇસન્સ લેવું પડતું નથી.

ક્યારેક રેડિયો સાંભળજો. મજા આવશે ખાસ કરીને રાત્રીના સમયે.

યાદ છે ને રોજ સવારે ઓલ ઇન્ડિયા રેડિયો શરૂ થાય તે પહેલાંનો સિગ્નેચર ટયૂન !

  • દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!