એ હતી મધ્યરાત્રિ.
હરણિયું માથે આવ્યું હતું. સૂમસામ ગાડાવાટ અને લીલાછમ તૈયાર મોલવાળાં ખેતરો પર છવાયેલા અંધારપટને દૂર કરવા બીજનો ચંદ્ર વ્યર્થ પ્રયત્ન કરી રહ્યો હતો. પેલી પાતળી પાતળી પણ પારદર્શક એવી રેશમી વાદળીઓ ઝડપથી દોડતી ઓતરાદી દિશા તરફ ભાગી રહી હતી અને ભાંગેલા હૈયા જેવો ચંદ્રમાં એથી ઊલટી દિશામાં જાણે કે તરી રહ્યો હતો. સતત ઠંડી લહેરોથી થીજી ગયેલા સ્તબ્ધ વાતાવરણને તમરાંનો એકધારો અવાજ કર્ણપ્રિય બનાવી રહ્યો હતો. અને…
‘ધડામ…’
દિશાઓ ગાજી ઊઠી. અચાનક બંદૂક ફૂટવાના અવાજથી ગભરાઈ ગયેલાં તમરાં ચૂપ થઈ ગયાં. રસ્તાની બાજુએ પાણી ભરેલા ક્યારડામાં થીજી ગયેલા ડાંગરના છોડ હાલી ઊઠયા અને પેલી ગભરાઈ ઊઠેલી વાદળીઓ અવકાશમાં ચંદ્રને એકલોઅટૂલો છોડી ક્યાંક પલાયન થઈ ગઈ.
એ હતો ફુલાજીની બે નાળવાળી બંદૂકનો અવાજ. એ બંદૂક બહારવટિયા ફુલાજીની જીવનસંગિની હતી. તેમનાથી એ કદી અળગી થતી નહીં. ખાતાં, પીતાં, બેસતાં-ઊઠતાં કે સૂતી વખતેય એ બંદૂક સદાય ફુલાજી સાથે રહેતી.
પણ આજે અડધી રાત્રે કોણ મરાયું હશે એ બંદૂકમાંથી નીકળેલી ગોળીથી ? સ્તબ્ધ થઈ ગયેલા વાતાવરણ માટે એ એક સવાલ હતો.
અને એટલામાં તો ડબાક… ડબાક… ઘોડાના ડાબલાનો અવાજ વહેતો થયો. એ અવાજ ધીમેધીમે વધી રહ્યો અને ક્ષણવારમાં તો દસેક સાથીદારોની જોેડે ફુલાજી ગામથી દૂર ઊંડાઊંડા કોતરોમાં ક્યાંક છૂ થઈ ગયા. ગામ ભાંગીને ભાગી છૂટેલા ફુલાજીનો સામનો કરવાની કોઈનામાં તાકાત નહોતી.
બંદૂકમાંથી ગોળી છૂટવાના અવાજ સાથે જ લોકો બેઠા થઈ ગયા હતા. ડાંગ, લાકડી, કુહાડી, ધારિયું કે છેવટે જે હાથમાં આવ્યું તે લઈ સૌ દોડયા. વધી ગયેલી બુમરાણને લીધે પોચા દિલવાળા પણ ઘરની બારીઓ ખોલી શો તાલ થયો છે તે ગુપચુપ જોેઈ રહ્યા.
આજે ફુલાજીએ કાળો કેર વર્તાવ્યો હતો. એમની બંદૂકમાંથી છૂટેલી કાળઝાળ ગોળી એક સ્ત્રીને વીંધી ગઈ હતી અને એથીયે વિશેષ વિસ્મયકારક વાત તો એ હતી કે, જે ઘરની સ્ત્રી પર ગોળી ચલાવી એ ભર્યાભાદર્યા ઘરની મિલકતને અડક્યો સુદ્ધાં નહોતો. સૌ ગામલોકોના મનમાં આ બનાવે ભારે અચરજ પેદા કર્યું. આવા સમૃદ્ધ ઘરમાંથી ફુલાજીએ કંઈપણ કામ ના લીધું? અને ગામના નગર શેઠનાં નવાં શેઠાણીને વીંધી નાખ્યા ? અને તે પણ શેઠની ગેરહાજરીમાં ?
કાળજું કંપાવી દે તેવું દૃશ્ય હતું. શેઠનાં નવાં વહુની ઉંમર માંડ ત્રીસેક વર્ષની હશે. એમના જૂના વહુ ગુજરી ગયાં ત્યારબાદ પણ તેમણે સંતાનની ઈચ્છાએ બીજું લગ્ન કરેલું. બંનેની ઉંમર વચ્ચે ખાસ્સો વીસેક વર્ષનો તફાવત હોવા છતાં નવાં વહુ એમના ગાંભીર્ય અને સ્વભાવ માટે લોકોમાં પ્રિય હતાં. વિકરાળ ગોળીથી વીંધાયેલો એમનો રક્તભીનો દેહ જોેઈ ભલભલાની છાતી બેસી જાય એવું એ દૃશ્ય હતું. સૂકોમળ છાતીમાં પડેલા એ ઘાથી ઊભરાઈ આવેલું લોહી પલંગને પણ લાલ લાલ કરી રહ્યું. આંખો મીંચાઈ ગયેલું રૂપાળું મૌ હજુય પણ હસતું હતું.
બીજા દિવસે સવારે નગરશેઠ આવ્યા અને દુનિયા ત્યજી ગયેલાં નવા વહુની પરિસ્થિતિ જોેઈ બેભાન જ બની ગયા.
આખુંયે ગામ નવા વહુની સ્મશાનયાત્રામાં જોેડાયું અને એ પછી તો પોલીસમાં ફરિયાદ થઈ. ફુલાજીએ સંખ્યાબંધ ગામ ભાંગ્યાં હતાં, પણ ખૂન તો આ માત્ર બીજું જ હતું. શહેરની પોલીસની મદદ લેવાઈ અને ગુપ્ત બાતમીદારોની મદદથી બહારવટિયા ફુલાજીનું ગુપ્ત રહેઠાણ શોધી કાઢવામાં આવ્યું. પોલીસે ચારે બાજુથી ઓચિંતો ઘેરો ઘાલ્યો. ફુલાજી અને સાથીદારો પોલીસના તાબે થઈ ગયા.
ત્યારપછી તો કેસ ચાલ્યો અને ફુલાજીને જન્મટીપની સજા થઈ. પછી તો સમય વહેતો ગયો એ વાત રહસ્યમય દંતકથા બની ગઈ.
* * * * *
આ વાતને વર્ષો વીતી ગયાં.
આખોય દિવસ ધમધમતાં શહેરને છોડીને એસ.ટી.ની બસે ડામરના કાળા રોડ પર થઈ દોડવું શરૂ કર્યું. અહીં તો શહેરનું ધુમાડિયું અને ઘોંઘાટિયું વાતાવરણ નહોતું. ચારેકોર નજર ફેંકતાં, લીલાછમ ખેતરો જોેઈને નજર ઠરતી હતી. સડસડાટ દોડતી બસ માઝુમના કિનારે વસેલા એક નાનકડા ‘ટોલે’ ઊભી રહી અને બસમાં ચડતાં વીસેક ભાતભાતનાં ઉતારુઓ તરફ હું જોેઈ રહ્યો. કોઈકના હાથમાં પીળી ધજાઓ તો કોઈના હાથમાં ઝાંઝ અને તબલાં, કોઈની પાસે તંબૂરો તો કોઈની પાસે નાનકડો લીલા કપડામાંથી બનાવેલો ઘોડો ! કેસરી સાફામાં સજજ થયેલા, સાફામાં સજ્જ થયેલા આ વીસેક નાના-મોટા લોકોની એ મંડળી હતી ઃ ભજનમંડળી.
બસ ઊપડી અને ચાલુ બસે જ એક ચપળ હાથ તબલાં પર ફરવા માંડયો. ‘જયના લલકારથી બસ ગાજી ઊઠી અને ભજન શરૂ થયું…’ આખીયે મંડળીએ ભજન ઉપાડયું અને બસનો ઘોંઘાટ ભજનના સૂરોમાં દબાઈ ગયો. મને એમાં રસ પડયો. સદ્ભાગ્યે એ મંડળી રાત્રે ગામમાં જ રોકાઈ. સાંજના કામથી પરવારેલું ગામ ‘ધરમશાળા’ પાસે એકઠું થઈ ગયું. વાયુવેગે વાત પ્રસરી ગઈ કે ગામમાં ભજન અને નાટક મંડળી આવી છે.
બે થાંભલા રોકીને એક રંગીન પરદો લગાવવામાં આવ્યો અને થોડીવારમાં જ આખુંયે ગામ આ નાટક જોેવા ઊમટયું. કાકા સાથે હું પણ એમાં જોેડાયો. ‘પરધાન બોલાવે રાજન આવજોે રે… આવજોે રે રાજ દરબાર…’ અને
”પરધાનના બોલાવ્યા રાજન આવીયા રાજ દરબાર…’ એમ વિશિષ્ટ પ્રણાલિકા ધરાવતું એ સંગીત મઢયું જીવનનાટક શરૂ થયું અને મને રસ પડયો. ‘કાકા,’ મેં પૂછયું, ‘આ મંડળીનો ઉદ્ભવ ક્યાં થયો અને આ લોકોએ આટલું સરસ કેવી રીતે ભજવ્યું છે.’
‘જોે ભઈ!’ કાકાએ ચલમનો ઘૂંટ ઉતારતાં ખોંખારો ખાઈ વાત આગળ ચલાવી ઃ ‘આ તો બધું રામભરોસે હેંડયું આવે છે, પણ જાણવા જેવું એ છે કે આ મંડળીવાળા બધામાંથી ઘણા લોકો તો પહેલાં દારૂ પીવાવાળા, ચોરી કરવાવાળા ને માંસમાછી પણ ખાવાવાળા હતા! પણ જોે એ લોકો મંડળીમાં જોેડાતાં પહેલાં બધું છોડી દેવું પડે. એમણે બધું છોડી દીધું. મંડળીના સભ્ય બન્યા પછી સૌથી પેલાં ચોવીસ દનના અપવાસ કરવા પડે.’
‘જોે… પેલા… ધોળી દાઢીવાળા દેખાય એ ફુલાજી આ મંડળીના આગેવાન છે.’
મારા મગજમાં એક ચમકારો થયો. સ્પરણપટના એક પછી એક પડ ઉકેલતાં વીસ વરસ પહેલાં બનેલા એ બનાવ વિશે સાંભળેલી વાત યાદ આવી.
‘પેલી શેઠાણીને મારી નાખી’તી એ બહારવટિયો ફુલોજી તો નહીં?’ મેં સહસા પૂછી નાખ્યું.
‘હા, એ જ ફુલોજી બહારવટિયો. કાળા પાણીની સજા ભોગવીને હમણાં ગઈ સાલ જ એ આવ્યા… એનો તો મનખો ફરી ગયો… ગઈ કાલનો ફુલોજી ડાકુ આજનો ભગત બની ગયો. બહારવટું છોડયું, દારૂ છોડયો અને બીજું બધુંયે.’ બીજા દિવસે ધર્મશાળામાં એમને મળવા હું દોડી ગયો. થોડીક આત્મીયતા ઊભી કરી મેં વાતચીત શરૂ કરી. ઊંડી પણ ચમકતી આંખો ધરાવતા ફુલાજીને સમજતાં વાર ના લાગી કે મારે શું જાણવું છે! એમણે વિગતે વાત માંડી ઃ
મારી જિજ્ઞાસાના જવાબમાં તેઓ બોલ્યા ઃ ‘તો સાંભળ; ધરણીના ધણીએ મને જનમ આલ્યો ત્યારે મને ખબર નંઈ કે માળું આ જગત આવું પાપી હશે; પચ્ચી વીઘાં જમીનનો હું એકલો ધણી હતો. મારા ઘર માટે એ ખપ પૂરતી હતી. લગ્ન પછી તરત જ મા-બાપે હરગની વાટ પકડી. પત્નીને પિયરથી તેડી લાવ્યો અને…’ કહેતાં કહેતાં ફુલાજીની આંખો તેજદાર થઈ…
એમણે વાત આગળ ચલાવી ઃ ‘અને પત્ની માટે મેં બધું જ ફીદા કરી દીધું, પણ મારી ઘરવાળી એક રાતે એના મળતિયા હારે ભાગી ગઈ. અને એનું વેર લેવા મેં બહારવટું ખેડયું. રાતદન હું જંપ્યો નંઈ અને એ બેઉને શોધી કાઢી પત્નીને મેં ઠાર કરી.’ મેં વચ્ચે અધિરાઈથી પૂછયું ઃ ‘પણ… દાદા…!નવલ શેઠનાં પેલાં નવાં વહુને…’
ફુલાજી બોલ્યા ઃ ‘એ રાતે હું ગામ ભાંગવા જ ગ્યો’તો અને મને બાતમી મળી કે નગરશેઠ બહારગામ ગયા છે અને ઘેર નવાં શેઠાણી એકલાં જ છે. એટલે શેઠનું ઘર લૂંટવામાં કોઈ હરકત નંઈ આવે. પછી તો બાકોરું પાડીને હું શેઠના ઘરમાં પેઠયો…! પણ… ઓ ભગવાન… આ તો ઈસ્ત્રીની જાત… ભઈ કદી વિશ્વાસ ના મુકાય. નગરશેઠની ગેરહાજરીમાં નવા શેઠાણી કો’કની હારે રંગમાં આવી ગઈ હતી. મારાથી એ ના જોેઈ શકાયું. મને મારી વિશ્વાસઘાતી પત્ની યાદ આવી ગઈ. ને સ્ત્રીની જાત પરની નફરતે મેં મગજ ગુમાવ્યું… ઘોડો દાબ્યો અને પછી તો જે થયું એ તમે જાણો જ છો…’
ફુલાજીનો અવાજ ઊંડો ઊતરી ગયો. એમણે ગળું ખોંખારીને સાફ કર્યું. એટલામાં રાતે ‘રાજા’ બનેલો અભિનેતા ગરમાગરમ ચાના બે કપ લઈ આવ્યો. ‘લે ભઈ, લે ચા પી.’ કહેતાં કહેતાં ફુલાજીએ ઉની લા’ય ચા ગળામાં ઉતારી દીધી. એમના શરીરની સખતાઈ તરફ હું આૃર્ય પામી જોેઈ રહ્યો, પણ હજુયે મારી ચા ઠરી નહોતી.
દેવેન્દ્ર પટેલ