Close

તમારા વગર જીવવા કરતાં તો તમારી સાથે મૃત્યુ પસંદ કરીશું

કભી કભી | Comments Off on તમારા વગર જીવવા કરતાં તો તમારી સાથે મૃત્યુ પસંદ કરીશું

અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ જ્હોન એફ. કેનેડીના પત્ની જેકલિન કેનેડીને મૃત્યુ પામે વર્ષો થઈ ગયાં પરંતુ ફરી એકવાર તેઓ સમાચારોની સુર્ખીયોમાં છે.

વિશ્વમાં કેટલાંક પાત્રો એવાં છે જેઓ લોકહૃદય અને મીડિયામાંથી કદી અદૃશ્ય થતા નથી. મેરિલિન મનરોના મૃત્યુને ૫૦થી વધુ વર્ષ થયાં છતાં લોકો તેમને યાદ કરે છે. તેવું જ જેકલિન કેનેડીનું છે. પ્રેસિડેન્ટ કેનેડી જેટલા સોહામણા હતા તેટલાં જ રૂપાળાં હતા. અમેરિકાના ફર્સ્ટ લેડી તરીકે તેઓ જ્યાં પણ જાય ત્યાં છવાઈ જતાં. તેમના ડ્રેસિસની અન્ય મહિલાઓ નકલ કરતી. તેઓ ‘જેકી’ના ટૂંકા નામે ઓળખાતાં હતા. ઘરમાં સ્વરૂપવાન પત્ની હોવા છતાં તેમના પતિ પ્રેસિડેન્ટ જ્હોન એફ. કેનેડી એ વખતની મશહૂર અભિનેત્રી મેરિલિન મનરોના પ્રેમમાં પડી ગયા હતા. વ્હાઈટ હાઉસમાં પ્રેસિડેન્ટની એક ડાયરેક્ટ અને પ્રાઈવેટ ટેલિફોન લાઈન હતી. અભિનેત્રી મેરિલિન મનરો પ્રેસિડેન્ટ કેનેડી સાથે સીધી એ ડાયરેક્ટ લાઈન પર જ વાત કરતી. એ ટેલિફોન નંબર બહુ ઓછા વ્યક્તિઓ પાસે હતો. મેરિલિન મનરોના કારણે કેનેડી પરિવારમાં વંટોળ પણ પેદા થયો હતો. પ્રેસિડેન્ટ કેનેડીની આબરૂ બચાવવા પરિવારના દબાણથી કેનેડીએ મેરિલિન મનરો સાથેના સંબંધો કાપી નાખ્યા હતા તે પછી એક તબક્કે મેરિલિન મનરોએ ઊંઘવાની ગોળીઓ ખાઈ આપઘાત કરી લીધો હતો. એ પછી ટેક્સાસમાં પ્રેસિડેન્ટ કેનેડી અને જેકી કેનેડી એક કાર્યક્રમમાં જઈ રહ્યા હતા ત્યારે ઓસ્વાલ્ડ નામના માણસે ઊંચા એક મકાનમાંથી ગોળીઓ છોડી પ્રેસિડેન્ટ કેનેડીની હત્યા કરી નાખી હતી. એ વખતે જેકલિન કેનેડી કારમાં તેમની બાજુમાં હતા. પતિના મૃત્યુના કેટલાંક વર્ષો બાદ જેકલિન કેનેડીએ એક ગ્રીક બિઝનેસમેન ઓનાસિસ સાથે લગ્ન કરી લેતાં આ લગ્ન વિશ્વભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

 એવું કહેવાય છે કે અમેરિકાના લોકોને આજે કોઈ એમ પૂછે કે તમે કઈ વ્યક્તિને જીવિત જોવા માગો છો ? તો લોકોના જવાબ હશે : ‘જેકલિન કેનેડી.’

જેકી કેનેડી આજે હયાત હોત તો ૭૦ પ્લસ હોત. લગ્ન પૂર્વે તેમનું નામ જેકલિન બોવિએર હતું. ૧૯૫૭માં જ્હોન એફ. કેનેડી સાથે તેમનું લગ્ન થયું. ૧૯૬૩માં પ્રેસિડેન્ટ કેનેડીની હત્યા થઈ ગઈ. વિધવા બન્યા બાદ ગ્રીસના જ્હાજ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ સાથે લગ્ન કર્યા બાદ તેઓ જેકી ઓનાસિસ થઈ ગયા !

જેકલિનલિન કેનેડી ઓનાસિસ આજે ફરી ચર્ચામાં છે. વાત જાણે એમ છે કે પતિના મૃત્યુ બાદ તેમણે કેટલાક ઈન્ટરવ્યૂ આપ્યા હતા જે હવે તેમની પુત્રી કૈરોલિનની મંજૂરી બાદ પુસ્તક સ્વરૂપે પ્રગટ થયા છે. અમેરિકાની ટેલિવિઝન ચેનલો પર તેનું પ્રસારણ પણ થયું છે. આ પુસ્તકમાં પ્રેસિડેન્ટ કેનેડીની બાબતમાં કેટલીક રોચક માહિતી પણ બહાર આવી છે. એટલું જ નહીં પરંતુ વિશ્વના એ વખતના કેટલાક નેતાઓની બાબતમાં પણ જેકીના અભિપ્રાયો બહાર આવ્યા છે. નોંધપાત્ર વાત એ છે કે, એ પુસ્તકમાં પ્રગટ થયેલા ઈન્ટરવ્યૂ અનુસાર જેકી કેનેડીએ પ્રેસિડેન્ટ કેનેડી વિશે કેટલાક આપત્તિજનક વાતો કહી છે પરંતુ મેરિલિન મનરો વિશે કાંઈ જ કહ્યું નથી. એ વાત પર તેમણે મૌન સેવ્યું છે જે એક રહસ્યમય બાબત છે.

એથી ઊલટું જેકી કેનેડીએ એ વખતના ફ્રાન્સના પ્રમુખ જનરલ દ’ગોલ, માર્ટિન લ્યૂથર કિંગ, ઇંદિરા ગાંધી તથા ઈન્ડોનેશિયાના પ્રેસિડેન્ટ સુકર્ણો વિશે કોઈને કોઈ વાત કહી છે.

જેકી કેનેડીનો આ ઈન્ટરવ્યૂ જ્હોન એફ. કેનેડીના પૂર્વ સલાહકાર અને પુલિત્ઝર પ્રાઈઝ વિજેતા અમેરિકન ઇતિહાસકાર આર્થર શ્લેસિંગરને પ્રેસિડેન્ટ કેનેડીના મૃત્યુના ચાર મહિના બાદ આપ્યો હતો. લેખક શ્લેસિંગરનું મૃત્યુ ૨૦૦૭માં થઈ ચૂક્યું છે પરંતુ જેકી કેનેડીએ ઈન્ટરવ્યૂ રેકોર્ડ કરાવતા પહેલાં એવી શરત મૂકી હતી કે આ ઈન્ટરવ્યૂ તેમના મૃત્યુના ૫૦ વર્ષ સુધી પ્રકાશિત-જાહેર કરવો નહીં. આ ઈન્ટરવ્યૂ ટેપ રેકોર્ડર દ્વારા ટેપ કરવામાં આવ્યો હતો. આ ટેપ જેકીના પુત્રી કૈરોલિન પાસે સુરક્ષિત હતી. પરંતુ કૈરોલિનને લાગ્યું કે, શરતની અવધિ પહેલાં આ ઈન્ટરવ્યૂ પ્રકાશિત-પ્રસારિત કરવામાં વાંધો નથી.

હવે તે ઈન્ટરવ્યૂ લોકો સમક્ષ છે.

એક પ્રેસિડેન્ટ તરીકે જ્હોન એફ. કેનેડીના સૌથી વધુ મુશ્કેલ સમયગાળો ક્યૂબા પરનો આક્રમણનો હતો. એ વખતે ક્યુબાના પ્રશ્ને અમેરિકા અને રશિયા વચ્ચે અણુયુદ્ધ ફાટી નીકળે તેવી ગંભીર પરિસ્થિતિ પેદા થઈ હતી. પરંતુ અમેરિકાનું એ આક્રમણ નિષ્ફળ રહ્યું. આ બાબત અંગે જેકી કહે છે કે, ‘એ એવો સમય હતો જ્યારે હું મારા પતિની સૌથી વધુ નજીક હતી. હું એમને વારંવાર કહેતી હતી કે મને આ બાળકોને સુરક્ષા માટે કેમ્પ ડેવિસ ના મોકલો. ધારો કે આ યુદ્ધ દરમિયાન કાંઈક અજુગતું થાય છે તો અમે તમારા વગર જીવતા રહેવાના બદલે તમારી સાથે મરવાનું પસંદ કરીશું.’

પુસ્તકની ભૂમિકામાં જેકીની પુત્રી કૈરોલિન લખે છે કે ‘જ્યારે આ ઈન્ટરવ્યૂ રેકોર્ડ કરવામાં આવ્યો હતો, મારી મા તેમના પતિની હત્યાના આઘાતમાંથી બહાર આવી નહોતી. તે એ વાત પણ જાણતી હતી કે આ ઈન્ટરવ્યૂ દ્વારા તે એક મૌખિક ઇતિહાસ બનાવી રહી છે. જો કે પોતાના પતિની બાબતમાં કાંઇ પણ ખરાબ કહેવું તે ઠીક નથી પરંતુ બીજા લોકોની બાબતમાં તેમણે ઘણું સાફ સાફ કહી દીધું :’

આ પુસ્તકમાં પ્રગટ થયેલા ઈન્ટરવ્યૂ અનુસાર જેકી કેનેડીએ ઇંદિરા ગાંધીને અત્યંત શાલિન અને અત્યંત મહત્ત્વાકાંક્ષી મહિલા કહ્યાં હતા. ફ્રાન્સના પ્રમુખ જનરલ દ’ગોલને તેમણે અત્યંત અહંકારી પુરુષ કહ્યા છે. માર્ટિન લ્યૂથર માટે જેકીએ કહ્યું છે કે, ‘તેઓ ઉપરથી અલગ અને અંદરથી અલગ હતા. જેકીએ તેમને નકલી અને સ્ત્રીઓના પ્રેમમાં વ્યસ્ત રહેતા માનવી તરીકે વર્ણવ્યા છે.’ ઘણાંને લાગે છે કે જેકી કેનેડી માર્ટિન લ્યૂથર કિંગ જેવા ઉમદા માનવી માટે આવું ના બોલ્યા હોત તો સારું. આખું વિશ્વ માર્ટિન લ્યૂથર કિંગનો આજે પણ આદર કરે છે. તેમના માટે જેકી આવું કેમ બોલ્યા તે સમજાતું નથી.

જેકી કેનેડીના ઈન્ટરવ્યૂવાળી ટેપોમાં બીજી પણ કેટલીક ચટપટી વાતો છે. જેકીએ કહ્યું છે કે ઈન્ડોનેશિયાના એ વખતના પ્રેસિડેન્ટ સુકર્ણો જ્યારે કેનેડીને મળવા વ્હાઈટ હાઉસ આવવાના હતા ત્યારે તે આવે તે પહેલાં તેમણે પોતાની અંગત કલાકૃતિઓની બાબતમાં પ્રકાશિત એક પુસ્તક તેમને પ્રભાવિત કરવા માટે કોફી ટેબલ પર ખોલીને મૂકવામાં આવ્યું હતું, જેથી સુકર્ણોની નજર તે પુસ્તક પર પડે. પરંતુ એ વાતની ખબર પડી કે સુકર્ણોની રુચિ કલાકૃતિઓની તસવીરના બદલે એવા એક ચિત્ર પર હતી જેમાં કમરથી ઉપરના ભાગે એક સ્ત્રી નિર્વસ્ત્ર દેખાતી હતી. આ દૃશ્ય મેં અને મારા પતિ (પ્રેસિડેન્ટ કેનેડી)એ ત્રાંસી નજરે જોઈ લીધું હતું અને સુકર્ણોની રુચિ જોઈ અમે બંને હસવાનું રોકી શક્યા નહોતાં. જેકી કહે છે : ‘પ્રેસિડેન્ટ સુકર્ણોની નજર કામુક્તાપૂર્ણ હતી.’

કહેવાય છે કે જેકલિન કેનેડી જ્યારે પણ કોઈ ટેલિવિઝન કાર્યક્રમમાં આવતા હતા. ત્યારે ટીવીના દર્શકોની સંખ્યા સાડા પાંચ કરોડની થઈ જતી. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે કોઈ પણ અભિનેત્રી કરતાં જેકી કેનેડીને જોવાનો ક્રેઝ જબરજસ્ત હતો. હવે પ્રેસિડેન્ટ કેનેડી પણ નથી અને જેકી કેનેડી પણ નથી પરંતુ જેકીના ટેપ ઈન્ટરવ્યૂ પર આધારિત પુસ્તક ખરીદવાવાળાઓની સંખ્યા પણ ઓછી નથી.

– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!