Close

તમે ત્રીજી નિકાહ બાદ જ પાકિસ્તાનના પ્રધાનમંત્રી બની શકશો.’

કભી કભી | Comments Off on તમે ત્રીજી નિકાહ બાદ જ પાકિસ્તાનના પ્રધાનમંત્રી બની શકશો.’

રાજનીતિમાં રોમાન્સ જોડાય છે ત્યારે સ્ટોરી રસપ્રદ બની જાય છે. વિશ્વભરના નેતાઓ આખરે તો માણસ જ છે. અમેરિકાના પ્રેસિડન્ટ કેનેડી પણ એ જમાનાની મશહૂર અભિનેત્રી મેરિલીન મનરોના પ્રેમમાં પડી ગયા હતા. સરમુખત્યાર એડોલ્ફ હિટલર ઇવા બ્રાઉનના પ્રેમમાં હતો અને મૃત્યુના થોડા કલાક પહેલાં જ પોતાની ‘મિસ્ટ્રેસ’નો ‘મીસિસ’ નું સ્વરૂપ આપવા લગ્ન કરી લીધા હતા.

પરંતુ આજે અહીં વાત છે પાકિસ્તાનના રાજકારણીઓની. પાકિસ્તાનના પૂર્વ સરમુખત્યાર ઐયુબખાન એક વાર લંડન ગયા ત્યારે બ્રિટનના એક મંત્રી પ્રોફ્યુમો સાથે સંકળાયેલી કોલગર્લ ક્રિસ્ટાઇન ક્લિરના ચક્કરમાં આવી ગયા હતા. ક્રિસ્ટાઇન કિલર સાથે તેઓ લંડનના એક સ્વિમિંગ પુલમાં મોજ કરવા નહાવા પડયા હતા. એ વખતે ક્રિસ્ટાઈન કિલરે જનરલ ઐયુબખાનની મૂછો ખેંચી હતી. આ વાતનો ઘટસ્ફોટ ખુદ ક્રિસ્ટાઇન કિલરે કર્યો હતો. ક્રિસ્ટાઇન કિલર સાથેના પ્રકરણો બહાર આવ્યા બાદ પાકિસ્તાનના સરમુખત્યાર ઐયુબખાનને તો કાંઈ થયું નહોતું પરંતુ બ્રિટનના પ્રધાન પ્રોફ્યુમોને પદ પરથી રાજીનામું આપી દેવું પડયું હતું.                                               પાકિસ્તાન આજકાલ કટ્ટરવાદ, તાલિબાન જેવા ઉગ્રવાદી તત્ત્વોની ભૂમિબની ગઈ છે. ત્યારે ત્યાં પણ પ્રણયની વસંત ક્યારેક પૂર બહારમાં ખીલી ઊઠતી હોય છે. આજકાલ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર તથા મુખ્ય વિરોધ પક્ષ નેતા ઇમરાન ખાનની ત્રીજી પત્ની ‘પિંકી પીર’ ચર્ચામાં છે. આ નિકાહ પહેલાં ઇમરાનખાન ‘પિંકી પીર’ને પોતાના આધ્યાત્મિક સલાહકાર માનતા હતા. એવું કહેવાય છે કે ઇમરાનખાને પોતાના મોટાભાગના રાજદ્વારી નિર્ણયો પિંકી મીરની સલાહ લઈને લીધા હતા. ‘પિંકી પીર’ને પિંકી બીબી પણ કહેવામાં આવે છે. ૪૦ વર્ષની વયના પિંકી બીબીનું અસલી નામ બુશરા માનેકા ઉર્ફે બુશરા બટ્ટ છે. તે સ્વયં એક સમૃદ્ધ પરિવારની પુત્રી છે. ઇમરાન સાથેના નિકાહની પૂર્વે તે એક સમૃદ્ધ અને ઉચ્ચ પરિવારનાં પુત્રવધૂ પણ રહી ચુક્યા છે. તે પરંપરાઓ અને સૂફી માન્યતામાં ઊંડી શ્રદ્ધા ધરાવે છે. તે મોટે ભાગે પરદામાં જ રહેવાનું પસંદ કરે છે, બુરખો તેમની એક ઓળખ છે.

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર ઇમરાન ખાને બુશરા સાથે લગ્ન કર્યું તે પહેલાં તેઓ બે શાદીઓ કરી ચૂક્યા છે. તેમણે ૧૯૯૫માં બ્રિટિશ મૂળની જેમિમા ગોલ્ડ સ્મિથ સાથે લગ્ન કર્યું હતું. જેમિમા સાથે તેમનું લગ્નજીવન લગભગ ૯ વર્ષ સુધી ચાલ્યું હતું. ઇમરાનને જેમિમાથી બે પુત્રો છે. ૨૦૦૪માં બંનેના તલાક થઈ ગયા. તે પછી ઇમરાને ૨૦૧૫માં ટીવી એંકર રેહમખાન સાથે ફરી નિકાહ કર્યાં. આ લગ્નજીવન ૧૦ મહિના જ ચાલ્યું. હવે ત્રીજા લગ્ન બુશરા ઉર્ફે પિંકી પીર સાથે થયાના ખબર આવતાં પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન નવાજ શરીફે ઇમરાન પર નિશાન સાધ્યું તો ઇમરાને ટ્વિટર પર પોતાનું મૌન તોડતાં કહ્યું :ઔ’ક્યા શાદી કી ચાહત સબ સે બડા ગુનાહ હૈ ?

નોંધપાત્ર વાત એ છે કે તહરીક-એ-ઇન્સાફ પાર્ટીના વડા ઇમરાન ખાન હાલ ૬૫ વર્ષના છે અને તેમના ત્રીજી વારના બેગમ બુશરા ૪૦ વર્ષની વયના છે. બુશરા અગાઉના પતિથી થયેલાં પાંચ સંતાનોની માતા છે.

ઇમરાનખાનની ત્રીજી શાદીની વાત સાંભળી તેમની બીજી વારની પત્ની રેહમ ભડકી ઊઠયાં છે તેઓએ કહ્યું છે કે હું તેમની પત્ની હતી ત્યારથી જ આ ચક્કર પહેલાંથી જ ચાલતું હતું. અમારું દાંપત્ય જીવન ચાલતું હતું ત્યારથી જ તેઓ બુશરાને મળતા રહ્યા હતા. ઇમરાન ભરોસો કરવા જેવા આદમી નથી. આવતા જુલાઈમાં પાકિસ્તાનમાં ચૂંટણીઓ છે ત્યારે રેહમખાનનું આ બયાન પાકિસ્તાનની રાજનીતિને અસર કરી શકે છે.

બુશરાનું પોતાનું પહેલાંનું પરિવાર પણ રાજનીતિમાં સક્રિય રહ્યું છે. તેમના અગાઉના સસરા ગુલામ ફરીદ માનેક પાકિસ્તાનના પૂર્વ કેન્દ્રીય મંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે. તેમના પિયર પરિવારમાં પણ મુફ્તખાન બટ્ટ પણ કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે.

રાજનૈતિક પરિવારની પૃષ્ઠભૂમિ હોવા છતાં બુશરા બાબા ફરીદના મુરાદ છે. તેમનો સૌથી વધુ સમય દરગાહ પર પસાર થાય છે. ઇમરાન ખાન સાથે તેમની પહેલી મુલાકાત ખાખાની દરગાહ પર જ થઈ હતી. બાબા ફરીદની એક ર્ચિચત દરગાહ પાક.-પંજાબના શહેર પાકપટ્ટનમાં છે. દિલ્હીવાળા હજરત નિઝામુદ્દીન ઓલિયા પણ બાબાના જ મુરાદ હતા. પરિવારવાદ- વંશવાદ પર આધારિત રાજનીતિની ચર્ચા જેટલી ભારતમાં છે તેટલી જ પાકિસ્તાનમાં પણ છે પછી તે ભુટ્ટો પરિવાર હોય, નવાઝ શરીફ પરિવાર હોય કે ઇમરાન પરિવાર હોય.

ઇમરાનખાનનું બુશરા સાથેનું આ ત્રીજું લગ્ન છે. શાદીઓનો આ સિલસિલો શરીફ પરિવારમાં પણ છે, આમ જોવા જઈએ તો આ તેમનો અંગત મામલો છે પરંતુ બુશરા બીબી ઉર્ફે ‘પિંકી પીર’ને પોતાના પાંચ સંતાનો હોવા છતાં તેમના પતિ માનેકા સાથે તલાક લીધા બાદ ઇમરાનખાન સાથે શાદી કરવાનો નિર્ણય કેટલાંકને ગળે ઊતરે તેવો નથી. એનું એક કારણ એ છે કે બુશરા ઉર્ફે ‘પિંકી મીર’ એક આધ્યાત્મિક મહિલા છે. બીજી બાજુ તલાક લઈ ફરી કરેલી શાદી છે. અલબત્ત ઇમરાનખાનની પાકિસ્તાનમાં લોકપ્રિયતા હજુ યથાવત્ છે. છતાં પાકિસ્તાનમાં જ કેટલાંક આલોચકોએ પ્રશ્ન પૂછી રહ્યા છે કે, લગ્ને લગ્ને કુંવારા એવા ઇમરાનખાનની આ ત્રીજી શાદી કેટલી ચાલશે ?

પાકિસ્તાનમાં ચૂંટણીઓ આવી રહી છે. ઇમરાનખાન પોતે પાકિસ્તાનના ભાવિ વડા પ્રધાન તરીકે પોતાની જાતને પેશ કરી રહ્યા છે. લોકો તેમને ‘આઇકોન’ માને છે, નોંધપાત્ર વાત એ છે કે તલાક, નિકાહ, પુર્નિવવાહ વગેેરે ભારતમાં પણ થતાં હોય છે પરંતુ આવા મામલા રાષ્ટ્રીય સ્તરની ચર્ચાનો આધાર બનતા નથી.

બીજી નોંધપાત્ર વાત એ છે કે પાકિસ્તાનમાં હાફિઝ સઇદ જેવા ઝેરીલા ઇન્સાન પણ વસે છે અને વારિસ શાહ, ફૈજ, હબીબ જાવીદ જેવા મહાન હસ્તીઓ પણ વસે છે, આવા વિરોધાભાસી પાકિસ્તાનમાં એક ‘સોશિયલ સોસાયટી’ પણ છે પરંતુ તેનો અવાજ ના તો પાકિસ્તાનનું લશ્કર સાંભળે છે કે ના તો રાજનેતાઓ. આ એક એવો દેશ છે જ્યાં નોબલ પ્રાઇઝ વિજેતા મલાલાને પોતાના જ દેશમાં પાછા ફરતાં છ વર્ષ લાગ્યા. અત્યાર સુધી ત્યાંનું લશ્કર, ત્યાંની સરકાર કે ત્યાંની પોલીસ નોબલ પ્રાઇઝ વિજેતા એક દીકરીની સુરક્ષાની ગેરંટી લેવા તૈયાર નહોતું.

પિંકી પીરે નીલે અગાઉના પતિથી તલાક લીધા છે. માનેકા પરિવારની ખાનદાની એ વાતમાં છે કે તેમણે સ્પષ્ટ કહી દીધું છે કે ‘તલાક થઈ ગયા હોવા છતાં અમે પિંકીની વિરુદ્ધ કોઈ જ બોલીશું નહીં અને બીજું કોઈ બોલશે તો તે બરદાસ્ત કરીશું નહીં.’ આવું જ કોઈ ખાનદાન પરિવાર જ બોલી શકે.

પિંકી પીરના પતિએ સ્પષ્ટપણે કહ્યું છે કે, ‘અમારા તલાક એકબીજાની સંમતિથી અને રાજીખુશીથી થયાં છે અમે આજે પણ પિંકી બીબીનું સન્માન કરીએ છીએ.’

નોંધવા જેવી વાત એ છે કે અંગત બાબતોને આ પરિવારો લોકો માટે કોઈ તમાશો બનાવવા માગતા નથી. બુશરાના પૂર્વ પતિના કહેવા મુજબ બુશરાએ ઈમરાનને કહ્યું હતું કે ‘તમે ત્રીજી નિકાહ બાદ જ પાકિસ્તાનના પ્રધાનમંત્રી બની શકશો.’

તે પછી બુશરાએ કહ્યું હતું : ‘મૈંને ખ્વાબ દેખા હૈ કી અલ્લાહને ઉન્હેં ઇમરાનખાન સે શાદી કરને કા પૈગામ દિયા હૈ.’

આ રીતે એ બંનેના નિકાહ થયાં. હવે ઇમરાનખાન પાકિસ્તાનના વડા પ્રધાન બને છે કે કેમ અને આ તેમની ત્રીજી શાદી પણ છેલ્લી અને કાયમ રહે કે કેમ તે તો ઉપરવાળાને જ ખબર.

– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!