Close

તારા જીવનની વાત ખાનગી રાખવી હોય તો એક શરત છે

કભી કભી | Comments Off on તારા જીવનની વાત ખાનગી રાખવી હોય તો એક શરત છે

તન્મયાની કહાની

તન્મયા અમદાવાદમાં એક પોળ વિસ્તારમાં રહેતી એક યુવતી છે. જે અનુરાગ નામના એક સમવયસ્ક યુવાનના પ્રેમમાં પડી હતી. પૂરા દોઢ વર્ષ લગી તન અને મનના સંસર્ગ બાદ તન્મયાને ખબર પડી હતી કે એનો પ્રેમી પરધર્મી છે, પરણેલો છે. નામ પણ ખોટું, કોમ પણ ખોટી અને તન્મયા અંધકારના ગર્તમાં ફેંકાઇ ગઇ.

હવે તન્મયાના જીવનનો ઉત્તરાર્ધ એમના જ શબ્દોમાં અત્રે પ્રસ્તુત છે. તન્મયા કહે છે : જૂનથી ઓક્ટોબર સુધી લગ્નના મધુર સ્વપ્નની માદકતામાં ભાન ભૂલીને મેં એક નરાધમને મારું સર્વસ્વ ધરી દીધું. એણે એનું નામ અનુરાગ છે તેમ કહ્યું હતું.

હવે નવો ખલનાયક મારા જીવનમાં આવ્યો. અનુરાગ નામધારી એ આદમી મારું યૌવન લૂંટવા મને જેના ઘેર લઇ જતો એ એનો મિત્ર હતો. એને એ નવીન કહીને બોલાવતો. એના નામની તો ત્યારે મને ખબર નહોતી. રિલીફ રોડ પર એક પોળની સામેની લાઇનમાં રસ્તા ઉપર બીજે માળે એ નવીન રહેતો. એ વિધુર હતો. એકલો જ રહેતો હતો. રસ્તા પર જ એનું મકાન એટલે ત્યાં કોણ આવે છે ને કોણ જાય છે એ તરફ કોઇનું ધ્યાન જતું નહીં.

ઓક્ટોબરના અરસામાં મારો કહેવાતો પ્રેમી પરણેલો છે, પરધર્મી છે અને નામ પણ બનાવટી છે એવું એનું તરકટ ઉઘાડું પડી ગયા બાદ મેં એની સામે પણ નહોતું જોયું.

આ પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવવા મારા કહેવાતા પ્રેમી અનુરાગનો મિત્ર નવીન હવે મેદાનમાં આવ્યો અને મારા કમનસીબ જીવનના બીજા કરુણ પ્રકરણનો આરંભ થયો. નવીન મારા જીવનની નબળી બાજુથી વાકેફ હતો. એના ઘેર એનો મિત્ર અનુરાગ મારી સાથે દેહ સંબંધ બાંધતો એની એને જાણ હતી. અનુરાગ સાથે મારો સંબંધ કપાઇ જતાં નવીને મને બ્લેકમેલ કરી પોતાની વાસના સંતોષવાના ઇરાદાથી ગંદી રમત શરૂ કરી. નવીન આટલો હલકટ હશે એની તેને તેમનો ખ્યાલ જ નહોતો. એણે પોતાનું મોં બંધ રાખવાની કિંમત તરીકે હું એની સાથે દેહસંબંધ બાંધું એવી એણે માગણી કરી.

હું તો ડઘાઇ જ ગઇ.

હવે હું ઠોકરો ખાઇ થોડી અક્કલ વાપરતાં શીખી હતી. મેં વિચાર્યું કે આ નવીનને એકદમ ધુત્કારી કાઢીશ તો એ મને હેરાનપરેશાન કરી મૂકશે તેથી થોડી મુત્સદ્દીગીરી વાપરી મેં એને કહ્યું: ‘હમણાં તો મને લોહીવા થઇ ગયો છે અને તબિયત પણ સારી નથી. આ સ્થિતિમાં તમે મને થોડા દિવસ આરામ કરવા દો, પછી હું તમારી ઇચ્છા પૂરી કરીશ.’

એમ મીઠી વાત કરી મેં તેનો વિશ્વાસ સંપાદન કર્યો અને મારા કહેવાતા પ્રેમી અનુરાગ વિશેની બીજી અસલી વાતો કઢાવી. લોહીવાનો ઢોંગ કરી બે માસ મેં નવીનને આશામાં લટકતો રાખ્યો. તે દરમિયાન તેણે અનુરાગ વિશેની બીજી અનેક વાતો કરી. અનુરાગએ છેલ્લા ત્રણેક વર્ષ દરમિયાન છ યુવતીઓને ફસાવી હતી. દરેક છોકરીનું નામ તે બે અક્ષરનું પાડતો. અરુ, સરુ, તરુ, નીરુ, વીરુ, અનુ. વગેરે આ છોકરીઓના નામ નવીને આ પ્રમાણે મને કહ્યાં હતા. નવીનના કહેવા પ્રમાણે એણે પહેલાં અરુણા નામની છોકરીને ફસાવી હતી. અરુણાને તે અરુ કહેતો હતો. ત્યાર પછી અનુરાધા આવી, જેને તે અનુ કહી બોલાવતો, એ જ પ્રમાણે ર્શિમષ્ઠાને તે સરુ કહેતો. મારું નામ તન્મયા એટલે મને તરુ કહી સંબોધતો. નિર્મળાને નીરુ કહેતો, અને વીરમતીને એ વીરુ રહેતો. અમે બધી જ રૂપાળી યુવતીઓ હતી. તે પૈકી અનુરાધા અને અરુણા એ ગરીબ પરિવારની હતી જ્યારે બાકીની ચારેય બાળાઓ સુખી પરિવારની હતી.

તે બધી જ છોકરીઓ સાથે એક સરખી ટેક્નિક વાપરતો. બધી જ યુવતીઓને ફસાવવાની તેની પદ્ધતિ એક સરખી હતી. ખૂબ જ ઠાવકાઇથી પરિચય વધારે. શરૂઆતમાં ગજબના સંયમથી વર્તે એટલે પોતે જેન્ટલમેન છે તેવી છાપ ઊભી થાય અને પછી શમણાંની દુનિયામાં લઇ જાય. લાંબા પરિચય બાદ તે તરુ, અરુ, સરુ, વીરુ, નીરુ કે અનુ જે હોય તેને નવીનના ઘેર લઇ જાય. પછી દેહ સંબંધ બાંધે. જેનાથી તે કંટાળે તેને પોતાનું અસલી સ્વરૂપ, અસલી નામ, અસલી કોમ- પોતે પરધર્મી છે એ બધું બતાડે. એટલે બિચારી પ્રેમિકા એના સકંજામાંથી ભાગી છૂટે. કોઈની સાથે બે મહિના, કોઈની સાથે ત્રણ મહિના એમ એનું મન ધરાય ત્યાં સુધી સંબંધ રાખે. નવીનના કહેવા પ્રમાણે લાંબામાં લાંબો સંબંધ એણે મારી સાથે દોઢ વર્ષ નિભાવ્યો હતો. તે ખરેખર પરધર્મી હતો કે તેના સકંજામાં ફસાયેલી ભાગી જાય તે માટે ખોટું બોલતો તે સમજી શકાતું ન હતું.

આ રીતે મને ભોગવવાની લાલચમાં નવીને અનુરાગ વિશેની બધી જ વાતો ઓકી નાંખી હતી. અનુરાગની એક ખાસિયત હતી કે જે જે છોકરીને એ ફસાવતો એમના ફોટા એ મેળવી લેતો પણ પોતાનો ફોટો એ કોઇને આપતો નહીં. આ એનો વિચિત્ર શોખ હતો. એક માત્ર મને જ એનો ફોટો આપ્યો હતો જે આજે પણ મારી પાસે મોજુદ છે.

આમ ને આમ વાયદા કરી નવીનને બે મહિના લટકતો રાખ્યો. જાન્યુઆરીમાં એણે મને પરણી જવા સમજાવી. નવીનની દલીલ હતી કે ‘અનુરાગ પરધર્મી છે, હું તો નથી ને. મારી સાથે પરણીને તું સુખી થઇશ.’

પરંતુ એ અસંસ્કારી અને કદરૂપા માણસનો પડછાયો પણ લેવા હું રાજી નહોતી. એક નરરાક્ષસ ગયો તો બીજો રાક્ષસ પેદા થયો હતો. આખરે ચોખ્ખા શબ્દોમાં મેં નવીનને સંભળાવી દીધું. તારે મારું જે બગાડવું હોય તે બગાડજે પણ તારી હલકટ માગણી (દેહ સંબંધ બાંધવાની)ને હું કોઇ કાળે સ્વીકારવાની નથી નથી ને નથી જ.

ત્યારથી નવીન મારા માટે ખલનાયક બની ગયો. એણે રીતસર મને હેરાન કરવા માટે મારો પીછો પકડયો. મારું મોરલ તોડી પાડવાના એ કાવતરામાં અનુરાગ નામધારી મારા કહેવાતા પ્રેમીની પણ એને મદદ હતી.   હું જ્યાં જ્યાં નોકરી માટે અરજી કરતી ત્યાં ત્યાં એની ભાળ મેળવી મારા વિરુદ્ધ ખોટી ગંદી વાતો નવીન કરી આવતો. જ્યાં જ્યાં મારા વિવાહ કે સગપણની વાત ચાલતી ત્યાં ત્યાં નવીન સામા પક્ષને એ તો કોઇની રખાત છે એવું કહી આવતો. હવે મારું જીવન અંધકારમય બન્યું. આમ આ નીચ માણસે દસ વર્ષ મારો પીછો છોડયો નહીં. એ બધા દુઃખ અને સંતાપ સહીને પણ આ ખલનાયકની મને ભોગવવાની ઇચ્છા મેં પૂરી થવા દીધી નહીં. આ વાતને કેટલોક સમય વીત્યો. એ માણસના સકંજામાંથી છુટવા હું સાવ એકાકી-વસતીમાં રહેવા ચાલી ગઇ જ્યાં તે મારો સંપર્ક ના કરી શકે. હવે હું ક્યાં છું તે કોઇને કહેતી નથી.

મેં વર્ષોથી નવીનને જોયો નથી. અમદાવાદ છોડીને બીજે ગયો કે મરી ગયો મને કાંઇ ખબર નથી.

આમ મારી જુવાનીનો સૂરજ તપતો હતો ત્યારે જ દોઢ વર્ષ સુધી કપટી દગલબાદ અનુરાગે મારી સાથે જે વર્તાવ કર્યો એના ફણગારૂપે એના જ મિત્ર નવીને દસ વર્ષ સુધી મને બ્લેકમેલ કરી નિરંતર પરેશાન કરી. અનુરાગ નામધારી એ નાલાયકનો પડછાયો મારા જીવનના લગભગ બાર વર્ષને અંધકારમય બનાવતો રહ્યો.

પછીની મારી જિંદગી તો ઘોર નિરાશાભરી બની રહી છે. ૩૬ વર્ષની વય થયા સુધી આવા બે કાળમુખાઓના સકંજામાંથી બચવા જે જીવનસંગ્રામ ખેલવો પડયો તેથી મારામાં ફરી લગ્નજીવન માટે પ્રયત્ન કરવાની હામ રહી નહીં. હવે તો મારી જિંદગી બરબાદ કરનારા- મારો આખો જન્મારો એના ઝેરી સ્પર્શથી દૂષિત બનાવનાર એ અનુરાગ નામધારીને પણ બદનામી એ કેવી ભયંકર માનસિક વ્યથા છે એનો થોડો સાક્ષાત્કાર કરાવવાની જ ઝંખના છે. બીજી કોઈ તમન્ના હવે રહી નથી.   નવી પેઢીની યુવતીઓ મારા જીવનમાંથી કાંઇ શીખશે તો અનેકની જિંદગી બરબાદ થતી બચાવવાનું મને પૂણ્ય મળશે. એ ખ્યાલથી જ મે મારી આ કથા તમને વર્ણવી છે.

– બહેન તન્મયાના જીવનનો ઉત્તરાર્ધ અહીં પૂરો થાય છે. પરંતુ એથી જિંદગી કદીયે સમાપ્ત થતી નથી. તન્મયાના જીવનમાં આવેલા એક વાવાઝોડા પછી એક કોડભરી કન્યાના નાશ-વિનાશની આ કથા છે. વસંતમાં જ પાનખરનો ભોગ બની ગયેલ તન્મયા અત્યારે અમદાવાદના શ્રમજીવીઓના વિસ્તારમાં શાંત એકાંકી જીવન ગાળે છે.

– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!