એનું નામ આરતી છે.
આખું નામ આરતી કુમારી છે. તે હજુ ખૂબ નાની છે. આરતી કુમારી ઝારખંડની કન્યા છે. સ્કૂલમાં ભણે છે. તે ગરીબ પરિવારમાં જન્મી છે અને ગરીબીમાં જ ઉછરી છે.
બચપણમાં માનો પ્રેમ કદી ના મળ્યો. કોણ જાણે કેમ પરંતુ તેની મા રોજ તેને વઢતી. મારતી પણ હતી. વાત વાતમાં ગુસ્સો કરતી. તેઓ ગરીબ વસતીમાં રહેતાં હતા. પિતા એક લારીમાં ખાવા-પીવાની ચીજવસ્તુઓ વેચતા. દિવસ દરમિયાન જે કાંઈ કમાણી થતી હતી તે સાંજે શરાબમાં વાપરી નાખતા. એક દિવસ પરિસ્થિતિ એવી આવી કે, ભીખ માંગવાનો વારો આવ્યો.
દરમિયાન આરતીના પિતા એક રહસ્યમય વ્યક્તિના સંપર્કમાં આવ્યા. તેની સાથે કાંઈ વાતચીત કરવા લાગ્યા.
આરતી હજુ આઠ જ વર્ષની હતી.
એ સાંજે તે ઘેર આવી ત્યારે તેણે જોયું તો તેના પિતા તેની મા સાથે ધીમા અવાજે કાંઈક વાતચીત કરી રહ્યા હતા. આરતી સાંભળી ગઈ. તેને ખ્યાલ આવી ગયો કે તેના પિતાએ તેને વેચવાનો સોદો કરી નાખ્યો છે. આજે જ તેના પિતા તેનો કબજો એક દલાલને સોંપી દેવા માગતા હતા તે વાત તેના કાને પડતાં એેણે એજ ક્ષણે ઘેરથી ભાગી જવા નિર્ણય લીધો. તે કોઇનેય કહ્યા વગર ઘર છોડી દીધું. પહેરેલ કપડે ઘેરથી ભાગી ગઈ.
હજુ તો હમણા જ તે મહોલ્લાથી થોડેક દૂર ગઈ હતી ત્યાં જ એક માણસ તેને જોઈ ગયો. આ એ જ દલાલ હતો. જેની સાથે તેના પિતાએ તેનો સોદો કરી નાખ્યો હતો. તેના પિતાએ આરતી દલાલને અગાઉ આડકતરી રીતે બતાવી હતી. દલાલ તેના પિતાને પૈસા ચૂકવી ચૂક્યો હતો.
દલાલે આરતીને રોકી. તેનો હાથ પકડયો, આરતી સમજી ગઈ અને જબરદસ્તી કરી, રહેલા માણસની પકડમાંથી હાથ છોડાવી ભાગી.
સાંજ પડી ગઈ હતી.
આરતી નાની હોવા છતાં ડરી નહીં. એ રાત એ ફૂટપાથ પર સૂતેલા અન્ય ગરીબોની સાથે જ ફૂટપાથ પર સૂઈ ગઈ. પરંતુ તે બેસહારા હતી. ફરી એણે પોતાના ઘેર પાછા જવાનો નિર્ણય કર્યો. સવારે તે પોતાના ઘેર ગઈ. રાત્રે ઘેર ના આવેલી બાળકીને પિતાએ ખૂબ માર માર્યો. પણ આરતીએ ડર્યા વગર કહી દીધુંઃ ‘હું એ માણસની સાથે ક્યાંય નહીં જાઉં. એ દલાલ છે.’
પિતાએ ફરી એને ફટકારી. પણ આરતી મક્કમ હતી. દરમિયાન દલાલ રોજ ઘેર આવવા લાગ્યો. તે કોઈપણ હિસાબે આરતીને લઈ જવા માગતો હતો. દલાલ કહેવા લાગ્યો ઃ ‘છોકરી, તારે મારી સાથે આવવું જ પડશે. હું તને ખરીદી ચૂક્યો છું. મેં તારા બાપને પૈસા ચૂકવ્યા છે. તારો સોદો થઈ ચૂક્યો છે.’
આરતીએ કહ્યું ઃ ‘હું તમારી સાથે કદી નહીં આવું.’
દલાલ આરતીને ધમકાવવા લાગ્યો. આરતી રડવા લાગી. પિતા બેરહમ હતો. મા તો તેને પહેલાંથી જ માર મારતી હતી.
દિવસો વીતતા ગયા. આરતીએ દલાલ સાથે જવા ઇનકાર કરી દેતાં તે તેના પિતા પાસે ચૂકવેલા પૈસા પાછા માગવા લાગ્યો. આરતીના પિતા તો દીકરીના સોદા પેટે મળેલા રૂપિયા શરાબ પાછળ ખર્ચ કરી ચૂક્યો હતો. તેણે પણ દલાલની દાદાગીરીને વશ થઈ આરતી પર દબાણ લાવવા કોશિશ કરી.
એ પરિસ્થિતિથી બચવા એક દિવસ આરતી ફરી ઘેરથી ભાગી ગઈ. એ સીધી રેલવે સ્ટેશન પહોંચી. પ્લેટફોર્મ પર એક ટ્રેન ઊભી હતી. તે ટ્રેનમાં બેસી ગઈ. એને ખબર નહોતી કે ટ્રેન ક્યાં જાય છે. ટ્રેન ઊપડી. કલાકો સુધી તે ટ્રેનના ડબ્બાના દરવાજા પાસે નીચે જ બેસી રહી. તેની પાસે પહેરેલ વસ્ત્રો સિવાય બીજું કાંઈ જ નહોતું. રસ્તામાં ટ્રેન અલગ અલગ સ્ટેશનો પર ઊભી રહી. આરતી હજુ દરવાજા પાસે જ બેસી રહી.
બીજા દિવસે સવારે એ ટ્રેન પિૃમ બંગાળના હાવરા સ્ટેશને ઊભી રહી. બધાં જ ઉતારુઓ ઊતરી ગયા બાદ આરતી પણ છેલ્લે ટ્રેનમાંથી નીચે ઊતરી. આરતીએ જિંદગીમાં પહેલી જ વાર આટલું મોટું રેલવે સ્ટેશન જોયું. બહાર ક્યાંથી જવું તેની પણ તેને ખબર નહોતી. વળી તે ભૂખી પણ હતી.
એ જ હાલતમાં તે પ્લેટફોર્મના એક બાંકડા પર બેસી ગઈ. દરમિયાન એક આદમી તેની પાસે આવ્યો. તેણે આટલી નાની છોકરીને એકલી બેઠેલી જોઈ પૂછપરછ કરી. આરતીએ એ આદમીને સાચી વાત કહી દીધી. એ અજાણ્યા આદમીએ આરતીને ખાવાનું આપ્યું. એ માણસે કહ્યુંઃ ‘ચાલ બેટા, હું તને મારા ઘેર જ લઈ જઈશ.’
આરતીને એ માણસ સારો લાગ્યો. આરતી તેની સાથે જવા લાગી. આ દરમિયાન કેટલાક યાત્રીઓેની નજર આરતીને લઈ જતા એ માણસ પર પડી. મુસાફરોએ પોલીસનું ધ્યાન દોર્યું. પોલીસ પહેલેથી જ એ માણસને જાણતી હતી. આરતીને લઈ જનાર માણસ પણ બાળકોને વેચવાવાળો એક દલાલ જ હતો. પોલીસે દલાલને પકડી લીધો અને આરતીને શેલ્ટર હોમ મોકલી દીધી.
શેલ્ટર હોમમાં આરતીને ખાવાને મળ્યું. વસ્ત્રો મળ્યાં. જાણે કે નવું જીવન મળ્યું. શેલ્ટર હોમમાં નવાં બાળકો સાથે તેને મૈત્રી થઈ. પછી તો તેને ત્યાં જ ફાવી ગયું. પૂરાં પાંચ વર્ષ સુધી આરતી શેલ્ટર હોમમાં રહી. આ દરમિયાન તે ભણતી પણ રહી. ડાન્સ પણ શીખી. શેલ્ટર હોમમાં રહીને જ એણે પાંચમું ધોરણ પાસ કર્યું.
હવે તે તેર વર્ષની થઈ. આરતીને કોલકત્તાથી ઝારખંડની કિશોરી નિકેતન સંસ્થામાં મોકલી દેવામાં આવી. આરતી મૂળ ઝારખંડની વતની હતી. પૂછપરછ દરમિયાન તેણે હજુ આગળ ભણવાની ઇચ્છા વ્યક્ત કરી. સંસ્થાએ આરતીને રાંચીની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં દાખલ કરાવી. ૨૦૧૪માં ‘સેવ ધ ચિલ્ડ્રન’ નામની એક સ્વૈચ્છિક સંસ્થાએ આરતી કુમારીને પોતાની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી. તે પછી આરતીએ ૧૦મું ધોરણ પણ પાસ કરી લીધું. આરતી હવે વધુ સમજદાર હતી અને બાળકોની સમસ્યાઓ અંગે વધુ સંવેદનશીલ પણ હતી.
આરતીએ હવે નાનકડાં બાળકોના પ્રશ્નો ઉઠાવી લીધા છે. રાંચીના ગામડાંઓના બાળકોમાં શિક્ષણ પ્રતિ જાગૃતિ વધે તે માટે ગામેગામ ફરી રહી છે. તે લોકોને કહે છે ઃ ‘બાળકોને વેચવા કે ખરીદવા તે ગુનો છે.’
આરતી નાટય અને નૃત્ય દ્વારા તેનો આ સંદેશો ગામે ગામ ફેલાવી રહી છે. તે ગામડાંના લોકોને કહી રહી છે ઃ ‘તમારા બાળકોને સ્કૂલે મોકલો જેથી તેમને સહન કરવું ના પડે, જે મેં સહન કર્યું છે.’
આરતી કહે છે ઃ ‘મારો અભ્યાસ પૂરો કર્યા બાદ પણ હું આ અભિયાન ચાલુ રાખીશ. ગરીબ બાળકોની જિંદગી બહેતર બને તે જ મારોે મકસદ છે.’
આરતી સાથે ભણતાં બીજાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ પણ આરતીને હવે એક રોલ મોડેલ માને છે.