Close

તાલિબાનોથી ડરી જઈને હું સંગીત છોડવાની નથી

કભી કભી | Comments Off on તાલિબાનોથી ડરી જઈને હું સંગીત છોડવાની નથી
તાલિબાનો જગત આખાને ડરાવી રહ્યા છે. અલ કાયદા વિશ્વને ડરાવી રહ્યું છે. આઇએસ દુનિયાભરમાં ખોફ પેદા કરી રહ્યું છે. પાકિસ્તાનમાં કન્યાઓને શિક્ષણનો અધિકાર છે તેવી વાત તે કરનાર મલાલા નામની એક મુસ્લિમ કન્યા પર ગોળીઓ છોડવામાં આવે છે. અફઘાનિસ્તાનમાં હજુય તાલિબાનોનો પ્રભાવ છે. તાલિબાનો ગીત-સંગીતની વિરુદ્ધ છે. રેડિયો  અને ટેલિવિઝન પર કોઈ મુસ્લિમ બાળા કોઈ ગીત-સંગીત પીરસે તો તેની પર ત્રાટકવામાં આવે છે.
આવા ભયાનક વાતાવરણમાં પણ એક મુસ્લિમ યુવતી આતંકવાદીઓથી ડર્યા વિના અફઘાનિસ્તાનમાં સંગીતની સાધના કરી રહી છે. તેનું નામ છે નેગિન ખપોલવાક. નેગિન અફઘાનિસ્તાનના કુનાર પ્રાંતની વતની છે. તે બચપણથી બોમ્બ ધડાકા, રોકેટોના હુમલા અને સાયરનોની ચીસો વચ્ચે જ મોટી થઈ છે. એના ઘરમાં કે આસપાસના પડોશીઓના ઘેર ટીવી હતું જ નહીં. ઘરમાં પણ કોઈ ગીત ગુનગુનતું નહોતું. ઘરમાં એક રેડિયો હતો જેની પર તેના પપ્પા માત્ર સમાચાર જ સાંભળતા હતા. રેડિયો પર જે સમાચારો આવતા તેમાં પણ ખાસ કરીને બોમ્બ વિસ્ફોટ અને ખૂનખરાબાના જ સમાચાર આવતા હતા.
ગામમાં કોઈ છબીઘર નહોતું. નાનકડી નેગિને બચપણ કદીય કોઈ ફિલ્મ નિહાળી ન હોતી. ઘરની બહાર નીકળતાં પણ ડર લાગતો. ક્યારેક તે મમ્મી સાથે બહાર જતી પણ બહારનું વાતાવરણ પણ ભયાવહ લાગતું. એ કારણે તે ઘરમાં જ રમ્યા કરતી.
આસપાસ કોઈ સ્કૂલ નહોતી. પરંતુ નેગિનના માતા-પિતાની ઇચ્છા હતી કે તેમની દીકરી સારું ભણે. નેગિન હવે નવ વર્ષની થઈ ગઈ. સવાલ એ હતો કે, તેને ભણાવવી કેવી રીતે? કઈ સ્કૂલમાં મોકલવી? કેટલીક સ્કૂલો અત્યંત દૂર હતી એટલે દૂર ભણવા જવામાં પણ તાલિબાનોને ખતરો હતો. તાલિબાનો બાળકીઓને ભણાવવાની સખત ખિલાફ હતા.
છેવટે એવું નક્કી થયું કે નેગિનને કાબુલની એક ગર્લ્સ સ્કૂલમાં ભણવા મોકલવી. એ રેસિડેન્સિયલ સ્કૂલ હતી. અહીં ભણવાની સાથે સાથે  છોકરીઓ માટે રહેવાની પણ સુવિધા હતી. પપ્પા નેગિનને લઈને કાબુલ પહોંચ્યા. નેગિનને ગર્લ્સ સેન્ટરમાં દાખલ કરવામાં આવી.  પપ્પા નેગિનને મૂકીને જતા રહ્યા. શરૂઆતમાં નેગિનને બહુ જ રડવું આવ્યું. તે કદી માથી અળગી થઈ નહોતી. પરંતુ માએ કહ્યું હતું ઃ ‘બેટા, હું અવારનવાર તને મળવા કાબુલ આવતી રહીશ.’
નેગિન રાજી થઈ.
નેગિને હવે કાબુલમાં જ રહી ભણવા માંડયું. કાબુલે તેનું જીવન બદલી નાખ્યું. કાબુલના ગર્લ્સ સેન્ટરમાં રહેતી અન્ય છોકરીઓ ઉચ્ચ અને ભદ્ર પરિવારોમાંથી હતી. એવા પરિવારોની એ દીકરીઓ હતી જેમણે તાલિબાનોની ધમકીઓની પરવા કર્યા વિના તેમની દીકરીઓને ભણવા મૂકવાની હિંમત દર્શાવી હતી.
કાબુલના ગર્લ્સ સેન્ટરમાં નેગિને પહેલી જ વાર ટેલિવિઝન નિહાળ્યું. ટીવી પર એને પહેલી જ વાર કાર્ટૂન જોયું. નેગિનને મજા પડી. ટેલિવિઝન પર એણે પહેલી જ વાર સંગીત સાંભળ્યું. આ નવું વાતાવરણ એને ગમી ગયું.
નેગિન જે ગામમાં જન્મી હતી તે વિસ્તાર તાલિબાનોનોે ગઢ હતો. અહીં છોકરીઓ માટે શિક્ષણ લેવું અત્યંત મુશ્કેલ હતું. તેથી કાબુલમાં તેને એક તાજગી મહેસૂસ થઈ.
એક દિવસ સ્કૂલમાં અફઘાનિસ્તાન નેશનલ ઇન્સ્ટિટયૂટ ઑફ મ્યુઝિકની બાબતમાં કોઈ ચર્ચા નીકળી. નેગિનને ખબર પડી કે આ સંસ્થા ગીત-સંગીતનું શિક્ષણ આપે છે અને તેમાં પ્રવેશ ભરતીની કામગીરી શરૂ થવાની છે. ટીચરે કહ્યું કે, જે બાળકીઓ સંગીત શીખવા માગતી હોય ઇન્સ્ટિટયૂટમાં  પ્રવેશ મેળવવા અરજી કરી શકે છે. સ્કૂલની કેટલીક કન્યાઓએ ઓડિશન ટેસ્ટ આપવાની તૈયારી કરી, નેગિન પણ એમની સાથે ગઈ. તેણે ઓડિશન ટેસ્ટ આપ્યો અને તે પાસ થઈ ગઈ. નેગિને આ વાત તેના પપ્પાને કહી તો તેઓ ખુશ થઈ ગયા  પરંતુ મમ્મી નારાજ થઈ ગઈ. તે દીકરીને ભણાવવાના પક્ષમાં હતી પરંતુ તે ગાવા- વગાડવાનું કામ કરે તે તેને મંજૂર નહોતું. મમ્મી જાણતી હતી કે તાલિબાનો આ વાત જરા પણ પસંદ નહીં કરે. મમ્મીને ડર હતો કે તાલિબાનોને ખબર પડશે કે નેગિન ગીત-સંગીત શીખી રહી છે તો તાલિબાનો તેની પર હુમલો કરી દેશે.
પરંતુ પપ્પાએ નેગિનને સાથ આપ્યો. તેમણે પોતાની પુત્રીને ગીત-સંગીત શીખવા માટે ઇન્સ્ટિટયૂટમાં દાખલ કરાવી. ઇન્સ્ટિટયૂટમાં નેગિન હવે પિયાનો શીખવા લાગી.
સગાંસંબંધીઓને આ વાતની ખબર પડતાં તેઓ પણ ભડકી ઊઠયા. તેમણે નેગિનના માતા-પિતા સાથેના સંબંધો તોડી નાખ્યા. તેઓ એટલેથી અટક્યા નહીં તેમણે ધમકીઓ પણ આપવા માંડી. એ બધાનું કહેવું હતું કે, ‘આપણા ખાનદાનમાં કદી કોઈ છોકરી સંગીત શીખવા ગઈ નથી. વળી અફઘાન પરંપરાની વિરુદ્ધ છે.’
સગાંસંબંધીઓના દબાણના કારણે નેગિનના પપ્પા પણ ડરી ગયા. તેમના કહેવાથી પુત્રી નેગિને સંગીત ઇન્સ્ટિટયૂટ છોડી દીધું.
નેગિન નિરાશ થઈ ગઈ. સંગીતનની દુનિયા છોડી દેવાનો તેને વસવસો હતો. તે એકલી એકલી રડવા લાગી. દીકરીની માનસિક પરિસ્થિતિ જોઈ પપ્પાને ફરી હિંમત આવી. તેમણે દીકરીને સંગીત શીખવા ફરી પરવાનગી આપી. નેગિન ફરી એની એ જ ઇન્સ્ટિટયૂટમાં સંગીત શીખવા લાગી.
નેગિન ખૂબ મહેનત કરવા લાગી. રોજ સવારથી જ તાલીમમાં પરોવાઈ જતી. આખરે તેની પિયાનો પર પકડ મજબૂત બની. એની મહેનત રંગ લાવી. હવે તે કુશળ પિયાનો વાદક બની ગઈ. મજાની વાત તો એ છે કે માત્ર ૧૭ વર્ષની અફઘાનિસ્તાનની ઑરકેસ્ટ્રા ટીમ લીડર બની ગઈ. ઑરકેસ્ટ્રા ટીમના કલાકારો નેગિનના નિર્દેશન હેઠળ સંગીતનું સુંદર પ્રદર્શન કરવા લાગ્યા. લોકોને આ ઑરકેસ્ટ્રા બહુ જ પસંદ આવ્યું. થોડા જ વખતમાં તે આખા અફઘાનિસ્તાનમાં જાણીતી બની ગઈ.
૨૦૧૩માં નેગિનને પોતાની ઑરકેસ્ટ્રા ટીમ સાથે અમેરિકા જવાનું નિમંત્રણ મળ્યું. એણે અમેરિકનોને પણ પોતાની ટીમના શ્રોષ્ઠ પ્રદર્શનથી પ્રભાવિત કર્યાં.
નેગિન કહે છે ઃ ‘મારા દેશમાં મને ધમકીઓ મળતી હતી પરંતુ અમેરિકામાં મને પ્રશંસા મળી. મારા પિયાનો વાદનની અમેરિકાના લોકોએ તારીફ કરી.’
અફઘાનિસ્તાનની નેશનલ ઇન્સ્ટિટયૂટ ઑફ મ્યુઝિકના ડાયરેક્ટર  અહમદ સરમસ્ત કહે છે કે, ‘અફઘાનિસ્તાનમાં બધાં જ બાળકો સંગીત શીખવા માગે છે પરંતુ આતંકવાદીઓ અને સગાંસંબંધીઓના દબાણના કારણે એ બાળકો સંગીત શીખી શકતાં નથી. ગયા વર્ષે જ કાબુલમાં સંગીતના એક કાર્યક્રમ દરમિયાન આતંકવાદીઓએ આત્મઘાતી હુમલો કરી દીધો હતો. પરંતુ આજે નેગિન જેવી બહાદુર કન્યાઓ પણ અમારી પાસે છે જે આતંકવાદીઓથી ડરતી નથી. એ કારણે બીજી બાળકીઓને પણ સંગીત શીખવાની પ્રેરણા અને હિંમત પ્રાપ્ત થઈ છે.’
નેગિન કહે છે ઃ ‘તાલિબાન સંગીતની ખિલાફ છે. અફઘાનિસ્તાનમાં અમારાં જેવા કલાકારો ભયના વાતાવરણમાં ભણીએ છીએ. કોઈ પણ ક્ષણે અમારી હત્યા થઈ શકે છે પરંતુ હવે હું દુનિયાની શ્રોષ્ઠ પિયાનોવાદક બનવા માગુ છું, અને હું તે બનીને દેખાડીશ. હવે જે થવાનું હોય તે થાય પરંતુ હું સંગીત છોડીશ નહીં !’
યાદ રહે કે ૨૧મી સદીમાં અફઘાનિસ્તાન તાલિબાનોના પ્રભાવ હેઠળ અંધકાર યુગમાં જીવે છે તો તેની સામે ભારત કે જે મુસ્લિમ રાષ્ટ્ર નથી ત્યાં હિન્દુસ્તાને ગીત-સંગીતના ક્ષેત્રમાં મોહંમદ રફી, તલત મહેમૂદ, શમશાદ બેગમ, બેગમ અખ્તર અને મુબારક બેગમ જેવાં શ્રોષ્ઠ કલાકારો આપેલાં છે.
– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!