Close

તું ઊભી રહે, હું તળાવમાંથી પેલી પોયણી લઈ આવું છું !

કભી કભી | Comments Off on તું ઊભી રહે, હું તળાવમાંથી પેલી પોયણી લઈ આવું છું !

ઝીણાભાઈ દેસાઈ

ઝીણાભાઈ દેસાઈ એટલે ‘સ્નેહરશ્મિ.’ એક જમાનામાં તેઓ ઉત્તમ શિક્ષણકાર હતા. કેટલાક વિવેચકો તેમને કવિ તરીકે ઓળખે છે. કેટલાક તેમને લલિત સાહિત્યના સર્જક જ નહીં પરંતુ વિવેચક તરીકે ઓળખે છે. કેટલાયે તેમના સી.એન. વિદ્યાવિહારના પૂર્વ આચાર્ય તરીકે ઓળખે છે. કેટલાક તેમને જાપાની શૈલીની ‘હાઈકુ’ કવિતાના પહેલા સર્જક તરીકે ઓળખે છે.

 આવા એક સુંદર કવિના જીવનની સંવેદનશીલ યૌવન કથા જે તેમણે જ તેમની આત્મકથામાં આલેખી છે. તેમના જ શબ્દોમાં : મારી પાંચ છ વર્ષની વયની એક ઘટના છે. હું મારે મોસાળ હતો. મારી સાથે રમતાં બાળકોમાં મારાથી એકાદ વર્ષ નાની એવી એક અત્યંત રૂપાળી છોકરી હતી. તેની સાથેની મારી મૈત્રી સહજ રીતે વિકસી. એના ઘરની પાછળ મોટો વાડો હતો. તેમાં ઘણાં ફળઝાડ, ફૂલછોડ, કેળ, વગેરેની વાડી હતી, અને તેની અડોઅડ એક તળાવ હતું. અમે બંને એકલાં રમતા ફરતા. એ વખતની વાતચીતમાંથી કશું યાદ નથી- યાદ છે માત્ર એ વખતની મધુર સ્મૃતિઓ.

થોડા જ વખતમાં મારી એે બાલસખીને પીઠી ચોળવામાં આવી ત્યારે મિશ્ર લાગણી સાથે હું તેની આસપાસ જાણે અટવાયો. ભારે ધામધૂમથી એનું લગ્ન થયું. નવવધૂ તરીકે માથામાં ફૂલની વાડી ભરાવી એ જ્યારે મારી પાસેથી પસાર થઈને મારા તરફ એણે જે રીતે જોયું ત્યારે જાણે મારા કરતાં ઘણી મોટી, ઘણી ડાહી ને જેની આગળ હું કેવળ રમકડા જેવો હોઉં એવું મને તે લાગ્યું.

મારી આ બાલસખી સાથે જે થોડાક દિવસમાં મેં જીવનના કોઈ અપૂર્વ આનંદ ને ઉલ્લાસમાં ગાળ્યા તેની સ્મૃતિમાં એના ઘર પાછળ આવેલ તળાવમાંના અમારા સાહસની એક રસિક ઘટનાનો ઉલ્લેખ કરી લઉં. તળાવ નાનકડું હતું. પણ એમાં સુંદર પોયણીઓ હતી. એ પોયણીઓ ને નાનાં ગોળ કમળપત્રોથી તે અતિ રમણીય લાગતું. એમાં આખો વખત નાનાં મોટાં પંખીઓ કલ્લોલ કરી ઊડતાં રહેતા. નાની નાની ચકલીઓ જેવાં રંગીન પંખીઓને એક કમળપત્ર પરથી બીજા પર ઊડતાં જોવાં એ આહ્લાદક અનુભવ હતો. અમે બંને ત્યાં એ તળાવમાં કપડાં ધોવા માટે મુકાયેલી એક પથ્થરની શિલા પર બેસી આ બધી લીલા થનગનતે હૃદયે નિહાળતાં. એકબીજાની આંખમાં જોઈ મુસ્કરાતાં. કોઈ કોઈ વાર પાણીમાં છબછબિયાં કરી એકબીજાને પલાળતાં ને તોફાનમસ્તી કરતાં. ત્યાં ગોવાળિયાઓએ તળાવમાંના વેલા ને ઘાસનો બનાવેલો એક તરાપો અવારનવાર અમારી નજરે પડતો. એ ઘણુંખરું ઘોડા નામે ઓળખાતો. અમારે માટે એ રમૂજનું સાધન બન્યું. અમે તેને પાણીમાં હડસેલી મૂકી ભારે મોટાં સાહસને તોફાન કર્યાનો આનંદ અનુભવતાં. એક વાર તળાવમાં થોડે છેટે આવેલી એક પોયણી તોડી તેને પોતાની વેણીમાં ગૂંથવાનું મન તેને થયું. પેલા ઘોડા તરફ તેની નજર હતી. મને એે પ્રેરણા મળી. મેં કહ્યું, ‘તું અહીં ઊભી રહે. આ ઘોડો લઈ હું પેલી પોયણી લઈ આવું.’ તે મને એકલો જવા દેવા તૈયાર ન હતી. અમે બંનેએ યોજના ઘડી કાઢી. અનેક વાર અમે ગોવાળિયાઓને એ ઘોડો ફેરવતા જોયા હતા, એટલે એેને કેમ ચલાવવો એની અમને આવડત હોવાની અમારી માન્યતા હતી. એ મુજબ ઘોડો ચાલ્યો તો ખરો, ને અમે પેલી પોયણી પણ મેળવી, પણ ઘોડાને પાછો કેમ વાળવો ? એ આવડત અમારામાં ન હતી. અમે બંને મૂંઝાયા. કોણ પહેલું રડે એ જ પ્રશ્ન બાકી રહ્યો હતો. મેં હિંમત ભેગી કરવા માંડી, આપણે હવે સામે કાંઠે જ આને લઈ જઈએ, મેં કહ્યું. ‘એટલું બધું પાણી આપણાથી કેમ કરીને કપાય ! હવે ડૂબી જ જવાનાં.’ બોલતાં તેનાં ડૂસકાં શરૂ થયાં. આંસુ નિરંકુશ રીતે પડવા માંડયા ને હું એનો સહભાગી થવા જતો હતો ત્યાં એના ગોવાળિયાનો સાદ અમારે કાને પડયો. તળાવમાં ઊતરી અમને તે હેમખેમ બહાર લઈ આવ્યો.

મારા કેટલાંક સાથીઓ તો બહુ નાની ઉંમરે પરણેલા અને ચૌદ-પંદર વર્ષની વયે જાતીય સંબંધની વાત તેઓ મલાવીને કરતા. આ વાતથી મારા મનમાં જાતજાતનું કુતૂહલ જાગતું. પરંતુ મારા હાથમાં રામતીર્થ, વિવેકાનંદ, રામકૃષ્ણ આદિનાં જે પુસ્તકો આવ્યાં ને બાલુભાઈનો જે સાથ મને રહ્યો તેણે ને માતાપિતાના પ્રેમે મારી ફરતે જાણે કે લક્ષ્મણરેખા દોરવાનું કામ કર્યું, ને એનાથી રચાતા નિર્મળ કૂંડાળાની ચોમેર ઊડતા ગંદકીના છાંટા છતાં હું એ કૂંડાળામાં સુરક્ષિત રહી શક્યો.

પણ લખવામાં આ જેટલું સરળ છે તેટલું વ્યવહારમાં નથી હોતું, આ બધું યુદ્ધસ્ય કથા રમ્યા જેવું છે. મારી સત્તરેક વર્ષની વયનો એક અનુભવ નોંધી આ સ્પષ્ટ કરું : મારી લાંબી રજાઓનો કેટલોક ભાગ હું મારા મામાને ત્યાં ગાળતો. તેમને ત્યાંની કામ કરનારી યૌવનની તાજગી નીતરતી, રૂપાળી, ચબરાક અને હોશિયાર હતી. એ સારી ચાલચલગતવાળી નથી એવી લોકવાયકા હતી. સામાન્ય રીતે મામા મિલમાં હોય ત્યારે ઘરમાં મારાં મામી અને આજીબા એટલી બે જ વ્યક્તિઓ હતી. તે બંનેમાંથી આજીબા કદી માળ પર આવતાં નહીં, ને મામી કોઈ કોઈ વખત કામ પડતાં ડોકાતાં. હું મોટે ભાગે મારો સમય માળ પર ને ઝરૂખામાં વાંચવામાં ગાળતો. કામ કરનારી માળ ઉપર ઝાડું ને સાફસૂફી માટે ને કોઈ કોઈ વખત દળવા આવતી. પહેલાં તો તે સલૂકાઈથી પોતાનું કામ પતાવી જતી રહેતી, પણ પછી એણે થોડીક રમતિયાળ છૂટ લેવા માંડી. એક દિવસ મામી બહારગામ ગયેલાં હતા. એટલે માળ પર નિરંકુશ એકાંત સર્જાયા જેવું થયું ને તે એના યૌવન ઉછાળ સાથે હવાની માદક બહાર જેવી કોઈક ગીતની કડી ગણગણતી ઉપર આવી અને મને અવારનવાર અડપલાં કરતી કામ કરવા લાગી. સદસદ્વૃત્તિનું દ્વંદ્વ જે સામાન્ય રીતે સતત આપણા મનમાં ચાલતું રહે છે તે અણીની પળે અટકી જતું હોય ને અસદવૃત્તિ જ જાણે એક માત્ર સત્ય છે એવી મૂર્છા મન અનુભવે છે, એવી સ્થિતિ મારે માટે સર્જાઈ. જીવનની આવી અનુભૂતિને મારા સર્જનમાં પણ ક્યાંક ક્યાંક વાચા મળેલી છે. આ લખું છું ત્યારે મને મારું આ હાઈકુ યાદ આવે છે :

ઓેચિંતી લ્હેર :

ઠરે દીવો, ઘરમાં

રમે આગિયા!

મારા અંગત અનુભવોની એક અસર મારા જીવનમાં એ રહી છે કે જ્યારે જ્યારે કોઈના ચારિત્ર્ય સંબંધી અફવાઓ આવે ત્યારે તે માનવા મારું મન તૈયાર નથી હોતું. સમાજના શીલનાં ધોરણ જડ બંધનરૂપ નહીં, જડ નિયમરૂપે નહીં, પણ એની સહજ ચારુતારૂપે વિકસે તો આ જાતની નૈતિક હોનારતના અકસ્માતો ઘટી જાય. આ ત્યારે જ બને જ્યારે આપણાં ઘરોમાં પ્રેમના વાતાવરણની સુષ્મા હોય ને આપણી શિક્ષણસંસ્થાઓ એવાં ઘરોની સામાજિક અભિવ્યક્તિની શ્રીથી પ્રકાશિત હોય.

ચીખલીમાં છ-સાત વર્ષની વય સુધી છોકરાછોકરી વચ્ચેના કોઈ ભેદની કલ્પના મનમાં નહીં જેવી પાંગરતી બની હતી. છૂટથી અમે બધાં ખેલતાંકૂદતાં, પણ એ પછી છોકરાછોકરીની દુનિયા અલગ થઈ જતી. છોકરીઓ જાણે કે વહેલી મોટી થઈ જતી. દસ અગિયાર વર્ષની વયે તો સાથે ખેલતીગેલતી એ છોકરીઓ છાવરી ગૃહિણી બની જઈ સાસરે જતી ને ત્યાં ઘરકામનો ઘણો બોજ ઉપાડવા મંડતી. સમવયસ્કાઓ સાથેના સંબંધમાં ખડા થયેલા આ અણધાર્યા અંતરે મારી ચેતનામાં નારીની એક ભાવનામૂર્તિ સર્જી. સ્ત્રીજગત તરફની મારી દૃષ્ટિ મુંબઇ આવતાં મારી શાળામાં સહશિક્ષણ હતું તેને લઈને વધુ વિકાસ પામી. પણ એ બધી ક્રિયા એકપક્ષી હતી. નિશાળમાં સાથે ભણતાં એટલું જ- એ સિવાય વાતચીતનો કે અન્ય કોઈ વ્યવહાર છોકરીઓ સાથે ન હતો. અને તેથી એ અગમ્ય સૃષ્ટિની એ રૂપસીઓ દેવસૃષ્ટિમાંથી અહીં ભૂલી પડી હોય એવી લાગતી. ભક્તિ અને ભોગ બંને ઊર્મિઓ સાથે સાથે જન્મતી હોય છે. બેમાંથી જે પ્રબળતર બને તે પ્રમાણે એ યુવક કે યુવતીનો ભાવિ વિકાસ થતો હોય છે.

– સ્નેહરશ્મિની આત્મકથાનો પહેલો ભાગ ‘મારી દુનિયા’ના નામે ૧૯૭૦માં પ્રગટ થયો તે પછી બીજા ત્રણ ભાગો સર્જાયા. આ ગ્રંથોનું હવે ‘સ્નેહસૃષ્ટિ’ શીર્ષકથી સંક્ષિપ્તીકરણ સુપ્રસિદ્ધ વિદ્વાન પ્રસાદ બ્રહ્મભટ્ટે કર્યું છે જે આજે પણ વાંચવું ગમે તેવું છે.

સ્નેહરશ્મિના જન્મને ૧૧૭ વર્ષ થયા. ત્યારે ગુજરાતના એક મૂર્ધન્ય કવિને અમારી સ્મરણાંજલિ.

(ક્રમશઃ)

– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!