Close

તું કુંવારી છે ને મારા ઘરમાં આગ લગાડવાનું કામ કરે છે

કભી કભી | Comments Off on તું કુંવારી છે ને મારા ઘરમાં આગ લગાડવાનું કામ કરે છે

સુનીલ એક રાજકીય પક્ષનો નેતા હતો.

એક વાર તે તેના એક સગાના પરિવારના લગ્ન પ્રસંગે કાનપુર ગયો. અહીં તેની મુલાકાત રૂબી યાદવ સાથે થઇ. રૂબી ૨૨ વર્ષની વયની અને વિશ્વ બેન્ક કોલોની કાનપુરમાં રહેવાવાળી યુવતી હતી. તે બેન્કમાં નોકરી કરતી હતી. સુનીલ અને રૂબી પહેલી જ વાર મળ્યાં અને એકબીજા પ્રત્યે આર્કિષત થયાં. બંનેએ એકબીજાને પોતપોતાના મોબાઇલ ફોન નંબર આપ્યા.

આ મુલાકાત બાદ બેઉ વચ્ચે ફોન પર લાંબી લાંબી વાતો થવા લાગી. મિત્રતા પ્રેમમાં પરિણમી. સુનીલ પરિણીત હતો. તેણે આ વાત રૂબીને પહેલેથી જ કહી દીધી હતી પરંતુ રૂબીને તેની પરવા નહોતી. સુનીલ એક પુત્રીનો પિતા પણ હતો, પણ એને રૂબી આગળ પોતાની પત્ની બીના ફિક્કી લાગવા માંડી હતી. સુનીલ પત્ની પ્રત્યે હવે ઉદાસીન બનતો ગયો. ખુદ બીનાને પણ લાગ્યું કે સુનીલ પહેલાના જેવો રહ્યો નથી. એને થોડા વખતમાં જ ખબર પડી ગઇ કે તેનો પતિ સુનીલ રૂબી નામની એક યુવતીના પ્રેમમાં છે. અલબત્ત, બીના એક સદ્ગૃહિણી હોઇ તે જાહેરમાં પતિને બદનામ કરવાથી દૂર રહી. બીજી બાજુ રૂબી પોતાનું સર્વસ્વ સુનીલને અર્પણ કરી ચૂકી હતી.

એક દિવસ બન્યું એવું કે, સુનીલ તેનો મોબાઇલ ઘેર ભૂલી ગયો. ફોન ઘરમાં રહી ગયો અને તે લખનૌ જતો રહ્યો. એ દિવસે રોજના નિયમ પ્રમાણે રૂબીએ સુનીલના મોબાઇલ પર ફોન જોડયો. બીનાએ મોબાઇલના સ્ક્રીન પર ‘રૂબી’ નામ વાંચી લીધું. એણે ફોન ઉપાડીને રૂબીને ખખડાવી : ‘તું મારા ઘરમાં આગ લગાડી રહી છે. તું હજુ કુંવારી છે અને પરણેલા પુરુષને પ્રેમ કરતાં શરમાતી નથી. તું ચારિત્ર્યહીન છે. હવે બીજી વાર ફોન કરીશ તો મહિલા પોલીસને જાણ કરી તારી સામે ફરિયાદ નોંધાવીશ. તું કુલટા છે.’

બીનાના આ વિધાનથી રૂબી સમસમી ગઇ. તેણે મનોમન બીના સાથે બદલો લેવા નિર્ણય કર્યો. બદલો લેવાના વિવિધ ઉપાયો વિચારવા લાગી. અખબારમાંથી એક તાંત્રિકનું સરનામું શોધી કાઢયું. તે અકબર શાહ નામના તાંત્રિક પાસે પહોંચી ગઇ. રૂબીએ કહ્યું: ‘બાબા ! મુઝે મેરા પ્રેમી સે મિલા દો અને ઉસ કી પત્ની કો હટા દો.’

તાંત્રિકે કહ્યું : ‘ યે તો મેરા કામ હૈ. ઐસા તંત્રમંત્ર કરુંગા કી બીના મેરી ભેજી ગઇ મૂઠ સે ઘર મેં હી મર જાયેગી ર ઉસ કા પતિ તુઝે મિલ જાયેગા.’

એવું કહી તાંત્રિકે રૂબી પાસેથી રૂ. ૨૫ હજાર પડાવ્યા. તે પછી ફરી રૂ.૫૦ હજાર પડાવ્યા. પરિણામ આવ્યું નહીં. બીના મૃત્યુ પામી નહીં. તાંત્રિકે કહ્યું: ‘કોશિશ તો કર રહા ર્હૂં લેકિન ઉસ કે સિતારે બહુત અચ્છે હૈ.’

રૂબી સમજી ગઇ કે તાંત્રિક નિષ્ફળ છે. તેણે તાંત્રિક સાથે ઝઘડો કર્યો. એ દરમિયાન એનો ભેટો તાંત્રિકના ઘરની બહાર બેઠેલા મનિષ ધુલિયા નામના એક શખ્સ સાથે થઇ ગયો. મનિષે પૂછયું: ‘શું પ્રોબ્લેમ છે?’

રૂબીએ તેના સુનીલ સાથેના પ્રેમની અને બીનાને કાયમ માટે હટાવવાની વાત કહી. મનિષે કહ્યું: ‘બાબાની મુંઠ કામ કરશે કે નહીં તેની મને ખબર નથી, પરંતુ મારી પાસે એક બીજો રસ્તો છે. પણ ૫૦ હજારનું ખર્ચ થશે.

રૂબી સુનીલને પામવા પાગલ હતી. બીનાને હટાવવા કટિબદ્ધ હતી. બીના હટે તો જ તે સુનીલ સાથે લગ્ન કરી શકે તેમ તે સમજતી હતી. રૂબી બોલી : ‘હું ૫૦ હજાર આપવા તૈયાર છું. ગમે તેમ કરીને બીનાને પતાવી દે.’

સોદો નક્કી થયો.

મનિષે તેના મિત્ર મૃદુલ વાજપેયીનો સંપર્ક સાધ્યો. મૃદુલ વાજપેયી વાસ્તવમાં ડ્રાઇવર હતો. એણે મૃદુલ વાજયેપી અને રૂબીની મુલાકાત કરાવી દીધી. ૫૦ હજારમાં બીનાને પતાવવાનું નક્કી થયું. બીનાની હત્યા થાય પરંતુ બહારથી આત્મહત્યા લાગે તેવી યોજના બનાવવામાં આવી.

આ યોજના અનુસાર મૃદુલે બજારમાંથી મોબાઇલનું એક નકલી સીમકાર્ડ ખરીદ્યું. એ સીમકાર્ડ પોતાના મોબાઇલમાં નાંખ્યું. તે પછી તે રૂબી પાસેથી સરનામું લઇ સીધો બીનાના ઘેર પહોંચી ગયો. બપોરના સમયે સુનીલ તેની ઓફિસ પર રહેતો. મૃદુલે બીનાના ઘરના ડોરબેલનું બટન દબાવ્યું. બીનાએ દરવાજો ખોલ્યો. મૃદુલે પોતાની ઓળખાણ એક તાંત્રિક તરીકે આપતાં કહ્યું: ‘તમારા પતિ સુનીલે મારી બહેન રૂબીને પ્રેમજાળમાં ફસાવી છે, ક્યાં છે સુનીલ ?’

બીના સમજી કે આવનાર માણસ ખરેખર રૂબીનો ભાઇ જ છે. એણે મૃદુલને અંદર બોલાવી પોતાની વ્યથા કહી. મૃદુલે પણ કહ્યું: ‘મારી બહેનને ફસાવનાર તમારા પતિ સુનીલને હું સીધો કરવા માંગુ છું. હું તાંત્રિક છું તમે સહયોગ આપો તો હું એવો મંત્ર તંત્ર કરું કે તમારા પતિની પ્રેમિકા રૂબી ત્રાસીને તમારા પતિને છોડી દેશે.’

બીના તો તેના પતિ સુનીલને ચાહતી જ હતી અને પતિને રૂબીની પ્રેમજાળમાંથી છોડાવવા પણ માંગતી હતી. તેણે કહ્યું: ‘હું બધો જ સહયોગ આપવા તૈયાર છું.’

મૃદુલે બીનાનો મોબાઇલ નંબર લીધો અને તેણે જે નકલી સીમકાર્ડ લીધું હતું તે નંબર બીનાને આપ્યો. એ ફરી આવવાનું કહી જતો રહ્યો. બે દિવસ પછી બીનાએ જ ફોન કરી કહેવાતા તાંત્રિક મૃદુલને પોતાના ઘેર બોલાવી દીધો. ઘરમાં સુનીલ નહોતો. પુત્રી સ્કૂલે ગઇ હતી. બીનાએ પૂછયું: ‘પછી શું રસ્તો વિચાર્યો ?’

મૃદુલે કહ્યું: ‘એક વાર ફરી વિચારી લો. કઠીન રસ્તો છે.’

બીના બોલી : ‘હું મારા પતિને પામવા કાંઇ પણ કરવા તૈયાર છું.’

મૃદુલે કહ્યું: ‘હવે હું એક એવા મંત્રતંત્ર કરીશ કે જેનાથી રૂબી તમારા પતિને છોડી દેશે. પણ એ વિધિમાં તમારે હું કહું તેમ કરવું પડશે.’

બીના બોલી : ‘તમે કહો તેમ કરવા હું તૈયાર છું.’

મૃદુલ આખા ઘરમાં ફરી આવ્યો. એણે અંદરનો એક રૂમ પસંદ કર્યો. એણે જોયું તો એક રૂમમાં નીચે કોઇ પલંગ નહોતો પણ ઉપર પંખો હતો. મૃદુલે કહ્યું : ‘હું આ પંખા પર એક દોરડું બાધું છું. તેના બીજા છેડે એક ફાંસીનો ફંદો બનાવું છું. પંખાની નીચે હું એક ટેબલ મૂકીશ. તમારે એ ટેબલ પર ઊભા રહેવાનું. તમારા ગળામાં ફાંસીનો ફંદો હું નાખીશ. તે પછી હું મંત્રતંત્ર શરૂ કરીશ. મારા મંત્રતંત્ર પૂરા થઇ જાય એટલે તમારે એવું કહીને ટેબલ હટાવી દેવાનું કે, ‘મારા પતિના જીવનમાં કોઇ પ્રેમિકા ના રહે.’ ટેબલ હટી ગયા પછી ફાંસીનો ફંદો તમારા ગળામાં આવી જશે. પરંતુ બીજી બાજુ રૂબીને સખત પીડા શરૂ થશે. તમારું ગળું ઘુંટાવાથી જેટલી તકલીફ તમને થશે તેથી ૧૦૦ ગણી વધું તકલીફ રૂબીને થશે. બસ, ત્રણ-ચાર મિનિટ જ આ તકલીફ સહન કરવાની છે. પેલી તરફ રૂબી તમારા પતિને ભૂલી જશે અને અહીં હું તમને ઊંચકી લઇ ફાંસીનો ફંદો કાઢી નાંખીશ. તમને કાંઇ નહીં થાય.’

બીના પતિનો પ્રેમ પામવા કાંઇ પણ કરવા તૈયાર હતી. તે કોઇ પણ રીતે રૂબીને પતિના જીવનમાંથી હટાવવા માગતી હતી. એણે ડરતાં ડરતાં એમ કરવા હા પાડી.

મૃદુલ દોરડું એક થેલીમાં લઇને જ આવ્યો હતો. એણે ઘરનું બારણું અંદરથી બંધ કરાવી દીધું. તે પછી અંદરના ખુલ્લા રૂમના પંખા પર દોરડાનો એક છેડો બાંધ્યો બીજા છેડા પર ફાંસીનો ફંદો બનાવ્યો. પંખા નીચે ટેબલ ગોઠવ્યું. બીનાના કપાળ પર એણે ચાંલ્લો કર્યો. અગરબત્તીનો ધૂપ કર્યો. તે પછી મૃદુલે બીનાને ટેબલ પર ચઢી જવા કહ્યું: ભોળી બીના ટેબલ પર ચઢી ગઇ. મૃદુલે ફાંસીનો ફંદો તેના ગળામાં ભરાવ્યો. એ પછી મૃદુલે તાંત્રિકના આડંબર કરી મંત્રતંત્ર બોલવાની શરૂઆત કરી. લગભગ ૨૦ મિનિટ સુધી તે મંત્ર બોલતો રહ્યો. બીના હવે તેના પૂરા પ્રભાવ હેઠળ હતી. એ પછી એણે કહ્યું: ‘હવે ટેબલને હટાવી દો.’

બીનાએ ટેબલને પગથી ધક્કો મારી પાડી નાંખ્યું. ફાંસીનો ફંદો બીનાના ગળામાં ભીંસવા લાગ્યો. તે હવે પંખાની નીચે લટકી જ રહી. તેનો શ્વાસ રુંધાવા લાગ્યો. પણ બનાવટી તાંત્રિક બનેલા મૃદુલે બીનાને ફાંસીના ફંદામાં લટકેલી હાલતમાં જ રહેવા દઇ ધીમેથી ઘર છોડી દીધું.

સાંજે બીનાની પુત્રી ઘેર આવી ત્યારે એણે એક રૂમમાં મમ્મીને પંખાની નીચે લટકતી મૃત હાલતમાં જોઇ. એણે એના પપ્પા સુનીલને ઘેર બોલાવી લીધા. તે પણ સ્તબ્ધ થઇ ગયો. પોલીસે શરૂઆતમાં આ ઘટનાને આત્મહત્યાનો મામલો ગણાવ્યો પરંતુ બીનાના માતાપિતાની ફરિયાદના આધારે ફરી તપાસ થઇ. પોલીસે બીનાના ફોનની કોલ ડિટેઇલ્સ કાઢી. તેમાં છેલ્લી વાતચીત મૃદુલના બનાવટી સીમકાર્ડવાળા નંબર પર થયેલું જણાયું. સીમકાર્ડ નકલી હતું પરંતુ મૃદુલે આ કાર્ડ પોતાની અસલી મોબાઇલમાં નાખ્યું હોઇ એ ફોનનો ઇએમઆઇ નંબર શોધી કાઢયો. સેલફોન મૃદુલ વાજપેયીનો હતો. પોલીસે મૃદુલ વાજપેયી, મનિષ ધૂલિયા અને રૂબીની ધરપકડ કરી.

પતિના પ્રેમ પામવા માંગતી એક સ્ત્રીની લાચારીનો લાભ ઉઠાવનારા બધા જ ઠગ જેલમાં છે.

તાંત્રિકોથી દૂર રહો.

  • દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!