Close

તુમ મુઝસે દૂર હોતે હુએ ભી હંમેશાં મેરે પાસ હો

કભી કભી | Comments Off on તુમ મુઝસે દૂર હોતે હુએ ભી હંમેશાં મેરે પાસ હો
દિલ્હીની માલવીય નગર હાઈસ્કૂલ. આ સ્કૂલમાં બે શિક્ષિકાઓ વિદ્યાર્થીઓને ભણાવવાનો વ્યવસાય કરતી હતી. એકનું નામ રાજમોહિની મહેતા અને બીજીનું નામ નિર્મલા પંત. રાજમોહિની મહેતા અત્યંત આકર્ષક વ્યક્તિત્વ ધરાવતી મહિલા હતી. સુંદર અને એક સીમા સુધી ભાવુક પણ હતી. શેરોશાયરીની શોખીન પણ હતી. લગભગ ચારેક વર્ષ પહેલાં તેના લગ્ન વિનોદ મહેતા નામના એક યુવક સાથે થયાં હતાં.
જયારે બીજી શિક્ષિકા નિર્મલા પંત કલાપ્રિય યુવતી હતી. તે અચ્છી ગાયિકા પણ હતી, કેટલાંક મ્યુઝિકલ ઇન્સ્ટ્્રુમેન્ટ્સ પણ વગાડી શકતી હતી. સ્વભાવથી ગંભીર અને હૃદયથી ભાવુક પણ હતી. તેના પતિ કે. પંત રામકૃષ્ણપુરમ્માં શિક્ષક હતા.
મહેતા પરિવાર અને પંત પરિવાર માલવીયનગરમાં નજીક નજીકમાં જ રહેતા હતા. બંને પરિવારો વચ્ચે આપસમાં સંબંધો પણ વિકસ્યા હતા. રાજમોહિની અને નિર્મલા પંત એક જ સ્કૂલમાં સાથે નોકરી કરતાં હોઈ ઘણોબધો સમય સાથે જ રહેતાં હતાં. સ્કૂલમાં તો તેઓ સાથે રહેતાં હતાં, પરંતુ ઘેર આવ્યા બાદ પણ ઘરમાં જ તેઓ એકબીજાની સાથે જ વધુ ને વધુ સમય વીતાવતાં હતાં. કાંઈક ખરીદી કરવી હોય તોય બેઉ સાથે જતાં. પિક્ચર જોેવું હોય તો પણ બેઉ સાથે જતાં. બંને એકબીજાની સાથે જ જોેવા મળે. કોઈવાર નિર્મલા પંત રાજમોહિનીના ઘેર જોેવા મળે તો કોઈવાર રાજમોહિની નિર્મલાના ઘેર જોેવા મળે. રાત્રે સૂવાના સમયને બાદ કરતાં બાકીનો બધો જ સમય બેઉ સાથે ગાળતાં. પડોશીઓને પણ આ બે યુવતીઓના સખીપણા વિષે નવાઈ લાગતી. બેઉ વચ્ચે કદીયે ઝઘડો કે બોલવાનું થતું નહીં.
કોઈવાર તો દિવસના સમયે રાજમોહિની અને નિર્મલા ઘરમાં એકલાં હોય ત્યારે દરવાજોે બંધ કરી અંદરથી સ્ટોપર મારી દેવાતી, રોજ બેઉ જણ લાંબો સમય સુધી એકાંતમાં રહેતાં હોવાથી કેટલાકને નવાઈ લાગતી. કોઈવાર બારણું ખુલ્લું હોય ને કોઈ અચાનક ઘરમાં આવી ચડે તો રાજમોહિની અને નિર્મલા એક જ પલંગ પર સૂતી હોવાનું જણાતું. લોકોની નજરમાં બંને સખીઓ વચ્ચેના અંતરંગ સંબંધોમાં થોડીક અસ્વાભાવિકતા જણાતી.
ધીમે ધીમે કેટલીક વાતો પણ શરૂ થઈ હતી.
દિવસ દરમિયાન બંનેના પતિ બહાર હોય ત્યારે બંને સખીઓ એકબીજાની સાથે જ હોય. બંનેની ઘનિષ્ઠતા જ્યારે સીમાનું ઉલ્લંધન કરવા લાગી ત્યારે સૌ પ્રથમ રાજમોહિનીના પતિ વિનોદ મહેતાએ અને ત્યારબાદ નિર્મલાના પતિ કે. પંતે બંનેને એકબીજાથી દૂર રહેવા સલાહ આપી. પરંતુ તેમના સંબંધોમાં કોઈ જ ફરક પડયો નહીં. એકવાર વિનોદ મહેતાએ કડક શબ્દોમાં કહી દીધું ઃ ‘રાજમોહિની ! તું નિર્મલા પંત સાથેનો સંબંધ કાપી નાંખ.’ રાજમોહિનીએ કહ્યું ઃ ‘મારા ઘરમાં મારી કોઈપણ સખીને આવતાં કોઈ રોકી શકશે નહીં.’
બીજી તરફ્ કે.પંતે પણ નિર્મલાને રાજમોહિનીના ઘેર ના જવા કડક શબ્દોમાં કહી દીધું. પરંતુ બંનેમાથી કોઈએ પણ પતિની વાત પર ધ્યાન જ આપ્યું નહીં. રાજમોહિની મહેતા અને નિર્મલા પંતના સંબધોની ચર્ચા પડોશીઓથી આગળ વધીને સ્કૂલમાં પણ થવા લાગી. બીજી શિક્ષિકાઓ પણ બંનેના વ્યવહારને ધ્યાનપૂર્વક જોેવા લાગી. રાજમોહિની જે ગ્લાસમાં પાણી પીતી હોય તેનું અડધું વધેલું નિર્મલા પી જતી.
હવે બંનેના ઘરમાં ઝઘડા પણ થવા લાગ્યા.  છેવટે કે.પંતે વિચાર્યું કે બને સખીઓની ટ્રાન્સફર અલગ અલગ સ્કૂલમાં થઈ જાય તો તેઓનું મળવાનું ઓછું થઈ શકે. કે.પંતે શિક્ષણ વિભાગમાં પોતાની પત્નીની બદલી માટે અરજી કરી. તેમણે નેતાનો ઉપયોગ કર્યો અને અરજી આપ્યાના એક જ મહિનામાં નિર્મલા પંતની બદલી દૂરની એક સ્કૂલમાં થઈ ગઈ. એની સાથે જ રાજમોહિનીની પણ બદલી એથીયે વધુ દૂરની સ્કૂલમાં થઈ ગઈ. રાજમોહિનીને દિલ્હીની મદનગીર સ્કૂલમાં મૂકવામાં આવી, જ્યારે નિર્મલાને સરોજિનીનગરની સ્કૂલમાં ટ્રાન્સફર આપવામં આવી.
બદલીના ઑર્ડર્સ હાથમાં આવતાં જ બંને સખીઓ ઉદાસ થઈ ગઈ. એકસાથે બેય જણની ટ્રાન્સફરનો ઓર્ડર આવતાં એ બંનેને ખ્યાલ આવી ગયો કે, કોઈએ યોજનાપૂર્વક બેઉને અલગ કરવાનું કામ કર્યું છે. બદલીનો પત્ર હાથમાં લઈને નિર્મલા પાંડે ઘેર ગઈ અને એ રાત્રે જ એણે એના પતિ સાથે સખ્ત ઝઘડો કર્યો. બીજી બાજુ રાજમોહિનીએ પણ ઘેર જઈ એના પતિ સાથે વાક્યુદ્ધ ખેલ્યું. વિનોદ મહેતાએ પત્નીને સમજાવવાની બહુ જ કોશિશ કરી પરંતુ રાજમોહિનીનો ગુસ્સો ઠંડો થયો જ નહીં.
બંને સખીઓ પણ અલગ અલગ સ્કૂલોમાં જવાના ઓર્ડર્સ હતા પરંતુ બીજા દિવસે બંનેમાંથી એક પણ સખી સ્કૂલમાં હાજર થઈ નહીં. બીજા દિવસે રાબેતા મુજબ બંને સહેલીઓના પતિઓ પોતપોતાના કામે બહાર જતા રહ્યા. આજે ના તો રાજમોહિની નિર્મલાના ઘેર ગઈ કે ના તો નિર્મલા રાજમોહિનીના ઘેર ગઈ.
બંનેનાં ઘરનાં બારણાં બંધ હતાં. બંનેના ઘરના બારણે તાળાં હતાં.
કેટલાક લોકોએ બંને સખીઓને નજીકના માર્કેટમાં સાથે સાથે જોેઈ હતી. કેટલાકે બેઉને એક બગીચામાં હરિયાળા ઘાસ પર બેસીને વાતો કરતાં જોેયાં હતાં.
સાંજે બેઉ પોતપોતાના ઘેર પાછાં પહોંચી ગયાં. રાજમોહિની આજે સાવ ચૂપ હતી. એણે કોઈનીયે સાથે વાત કર્યા વિના ચૂપચાપ થોડુંક ખાઈ લીધું. નિર્મલા પણ ઘેર પહોંચીને કોઈનીયે સાથે બોલી નહીં. એ જમ્યા વગર જ સૂઈ ગઈ.
બીજા દિવસે બંને સખીઓના પતિઓ પોતપોતાના વ્યવસાય પર જતા રહ્યા.
તેમના ગયા બાદ બપોરે ૧૨ વાગે રાજમૌહિની અને નિર્મલા પોતપોતાના ઘેરથી નીકળી, ઘરને તાળું માર્યું. નિર્મલા ઘરમાંથી બહાર નીકળી ત્યારે  ગંભીર અને નર્વસ લાગતી હતી.
બંને સખીઓ પોતાની નવી સ્કૂલમાં ગઈ હતી. કેટલાક સમય બાદ રાજમોહિની મહેતા નિર્મલાની સ્કૂલમાં ગઈ. રાજમોહિનીએ-અડધા દિવસની રજા મૂકી દીધી હતી. નિર્મલાએ પણ તેની સ્કૂલમાંથી અડધા દિવસની રજા મૂકી દીધી.
બેઉ સાથે જ રિક્ષામાં બેઠી.  નીકળતી વખતે રાજમોહિનીની આંખમાં આંસુ હતાં. નિર્મલા એકદમ મૌન હતી.
એ દિવસે બપોરે પણ દિલ્હીમાં ધુમ્મસ છવાયેલું હતું. સખ્ત ઠંડી હતી. બપોરના લગભગ સાડા ત્રણ વાગે બંને યુવા મહિલાઓ કુતુબમિનારના પ્રાંગણમાં પ્રવેશી. બંનેના ચહેરા પર ના સમજાય તેવા અકળ ભાવ હતા. આંખો સુકાઈ ગઈ હતી. રાજમોહિનીએ ગુલાબી રંગના સલવાર-કમીઝ પહેરેલાં હતાં. નિર્મલાએ સાડી પહેરેલી હતી.
બંને જણ ચૂપચાપ કુતુબમિનાર પાસે જઈ ઊભા રહ્યાં. ઊભાં ઊભાં તેમણે કુતુબમિનારની ઊંચાઈ માપી. થોડીક જ ક્ષણો બાદ બંનેએ એકબીજાનો હાથ પકડી કુતુબમિનારની સીડીઓ ચડવાનું શરૂ કર્યું. પહેલી મંજિલ તો બેઉ એક જ શ્વાસે ચડી ગયાં. પહેલી મંજિલ ૬૫ ફૂટની ઊંચાઈ પર છે. તેના ઝરૂખામાં જઈ તેઓ ઊભા રહ્યાં. રાજમોહિની મહેતાએ ઉપરથી એક નજર નીચે નાંખી લીધી. નિર્મલા પંત તો રાજમોહિનીને જ જોેઈ રહી હતી. બંને યુવતીઓએ એકબીજા સાથે કોઈ જ વાત કરી નહીં. થોડીવાર પછી બંનેએ પોતપોતાનાં સેન્ડલ ઉતાર્યા. પર્સને બાજુમાં મૂક્યાં. થોડીવાર માટે બેઉ એકબીજાને લપેટાઈ ગયાં પછી ધીમેથી અલગ થયાં….
…અને થોડીક જ ક્ષણોમાં કુતુબમિનારના ઝરૂખા પરથી બેઉએ સાથે જ નીચે પડતું મૂક્યું.
ઉપરથી નીચે પડતું મૂકનાર યુવતીઓ જેવી જમીન પર પછડાઈ એટલે ધબાક અવાજ સાંભળી બીજાં પર્યટકો પણ એ તરફ જોેવાં લાગ્યો. બધાને ખ્યાલ આવી ગયો કે બે યુવતીઓએ સાથે જ ઉપરથી નીચે ભૂસકો માર્યો છે. ચોકીદાર દોડી આવ્યો. બંને સખીઓ લોહીલુહાણ થઈ ગઈ હતી. રાજમોહિની મહેતાની આંખ અને શ્વાસ બંધ થઈ ગયાં હતાં, પરંતુ નિર્મલા થોડું થોડું કરાહી રહી હતી.
ચોકીદારે તાત્કાલિક પોલીસને ખબર આપી. પોલીસ આવી ગઈ. પોલીસે જોેયું તો રાજમોહિની મૃત્યુ પામી હતી, પરંતુ નિર્મલાના દેહમાં થોડો થોડો જીવ હતો.
પોલીસે પૂછયું ઃ ‘તેં આમ કેમ કર્યું ?*
નિર્મલા બોલી ઃ *મને ઊંઘ આવી રહી છે.*
પોલીસે તત્કાળ એમ્બ્યુલન્સ બોલાવી બંનેને હોસ્પિટલમાં પહોંચાડી દીધી. કુતુબમિનારના પ્રથમ માળેથી બંનેનાં પર્સ મળ્યાં. તેમાં તેમનાં સરનામાં હતાં. રાજમોહિની મહેતાના પર્સમાંથી બંનેની એક સંયુક્ત તસવીર પણ મળી જે અત્રે પ્રસ્તુત છે. છબીની પાછળ લખેલી પંક્તિઓ કાંઈકઆવી હતી ઃ
‘તુમ મુઝસે દૂર હોતે હુએ ભી મેરે પાસ હો
આત્માઓ કે રિશ્તે કભી ટૂટ નહીં સકતે.’
રાજમોહિની તો નીચે પડતાં જ મૃત્યુ પામી હતી અને નિર્મલાએ હોસ્પિટલમાં પહોંચ્યા બાદ પ્રાણ છોડી દીધા.
આજે પણ દિલ્હીના માલવીયનગરમાં બે સખીઓના પ્રેમના કરુણાન્તને કારણે દિવસો સુધી ખામોશી છવાયેલી રહી.
દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!