Close

– તે હારવાનું પણ શીખે અને જીતથી ખુશ થવાનું પણ શીખે

કભી કભી | Comments Off on – તે હારવાનું પણ શીખે અને જીતથી ખુશ થવાનું પણ શીખે

શાળાઓ ખૂલી ગઇ છે ત્યારે શિક્ષકોને અને બાળકોને પ્રેરણા મળે તેવો એક ઐતિહાસિક પત્ર અત્રે પ્રસ્તુત છે.

અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ અબ્રાહમ લિંકન એક લિજન્ડરી પ્રમુખ રહ્યા છે. ગુલામોના મુક્તિદાતા તરીકે પણ તેઓ જાણીતા છે. લિંકનનંગ બચપણ ગરીબીમાં વીત્યું હતું. લોખંડના પાવડા ઉપર કોલસાથી લખી દાખલા ગણતા હતા. જાહેર જીવનમાં આવ્યા બાદ આઠ વખત ચૂંટણી હારી ગયા હતા છતાં વિજયની આશા ગુમાવી નહોતી અને એક દિવસ તેઓ અમેરિકાના પ્રેસિડેન્ટ બનવામાં સફળ નીવડયા.

અમેરિકાના એ જમાનાના શક્તિશાળી પ્રમુખ ગણતા અબ્રાહમ લિંકને તેમના પુત્રના શિક્ષકને લખેલો પત્ર આજે પણ એક ઐતિહાસિક દસ્તાવેજ ગણાય છે. વિશ્વભરની શાળાઓમાં અબ્રાહમ લિંકનના આ પત્રને ભણાવવામાં પણ આવે છે.

અબ્રાહમ લિંકને તેમના પુત્રના શિક્ષકને લખેલો પત્ર આ પ્રમાણે હતો :

‘સન્માનીય ગુરુજી,

હું આજે મારો પુત્ર શિક્ષણ માટે આપના હાથમાં સોંપી રહ્યો છું. હું જાણું છું કે એ બધું જ એના માટે નવું અને ચિત્રવિચિત્ર હશે પરંતુ તેની સાથે શાંતિથી- સૌમ્યતાથી વર્તવા વિનંતી છે. તેની આ નવી યાત્રા તેને વિશ્વના દ્વીપખંડોની પેલે પાર લઇ જઇ શકે છે. દરેક આવી યાત્રામાં શાયદ યુદ્ધ પણ હોય છે, કરુણાંતિકા પણ હોય છે અને દુઃખ પણ હોય છે. આવું જીવન જીવવા માટે તેને શ્રદ્ધા, પ્રેમ અને સાહસની જરૂર પડશે.

હું જાણું છું કે, આ દુનિયામાં બધાં જ લોકો સારા, સાચાં અને ન્યાયપ્રિય હોતાં નથી. બધાં જ સાચું બોલતાં હોય તેવું પણ નથી. આ વાત મારા પુત્રએ પણ શીખી લેવી પડશે. પરંતુ તેને એ વાત પણ શીખવજો કે દરેક ખરાબ વ્યક્તિ પાસે સારું હૃદય પણ હોય છે. દરેક સ્વાર્થી નેતાની ભીતર એક સારા લીડર બનવાની ક્ષમતા પણ હોય છે.

હું ઇચ્છું છું કે આપ તેને એ વાત શીખવો કે દરેક દુશ્મનની ભીતર એક દોસ્ત બનવાની પણ ક્ષમતા હોય છે. હું જાણું છું કે આ વાત શીખવામાં તેને કેટલોક સમય લાગશે. પરંતુ આપ તેને એ વાત શીખવજો કે રસ્તા પરથી મળેલા પાંચ ડોલર કરતાં જાતે મહેનત કરીને કમાયેલો એક ડોલર વધુ મૂલ્યવાન હોય છે.

આપ એને શીખવજો કે બીજાઓ પ્રત્યે ઇર્ષા કરવાની ભાવના પોતાના મનમાં ના લાવે. તેને એ વાત પણ શીખવજો કે ખૂલીને હસતી વખતે શાલીનતાથી વર્તવું પણ જરૂરી છે. મને આશા છે કે આપ એ વાત પણ શીખવશો કે બીજાઓને ડરાવવા કે ધમકાવવા તે સારી વાત નથી.

આપ તેને હારવાનું પણ શીખવજો અને જીતથી ખુશ થવાનું પણ શીખવજો. રાગદ્વેષથી દૂર રહી પોતાની મુસીબતોને હસીને ટાળી દેવાનું શીખવજો. એ વાત એણે જલદીથી શીખી લેવી જોઇએ કે આ પ્રકારના જ્ઞાાનથી બદમાશોને આસાનીથી નિયંત્રિત કરી શકાય છે. દયાળુ લોકો સાથે નમ્રતાથી અને ખરાબ લોકો સાથે સખ્તાઇથી વર્તવું જોઇએ.

આપ તેને પુસ્તકો વાંચવાનું કહેજો પરંતુ સાથે સાથે નીલા-ભૂરા આકાશમાં ઉડતાં પક્ષીઓ, સૂર્યના તાપ નીચે ફૂલોની ઉપર ઉડતાં પતંગિયાં અને પર્વતમાળાઓ પર ખીલી ઉઠેલા જંગલી ફૂલોને પણ નિહાળે.

સ્કૂલમાં આપ તેને શીખવજો કે નકલ કરીને પાસ થવા કરતા નાપાસ થવું વધુ સારું છે. હું માનું છું કે આ વાતો તેના માટે વધુ જરૂરી છે. બધાં જ લોકો તેને ભલે ખોટી કહે પરંતુ તે પોતાના વિચારોમાં પાક્કો વિશ્વાસ અને શ્રદ્ધા રાખે. પોતાની વાતમાં તે મક્કમ રહે તે જરૂરી છે. બીજાઓની વાતો સાંભળ્યા બાદ તેમાંથી તેના માટે કામની વાત શું છે તેની પસંદગી કરતાં તે શીખે.

એ જરૂરી છે કે બીજા બધાં જ લોકો ઘેટાંની જેમ એક જ રસ્તે ચાલતાં હોય ત્યારે એ ટોળાંથી અલગ થઇને પોતાનો રસ્તો પસંદ કરવાની તેનામાં હિંમત હોય તે જરૂરી છે. એને એ વાત પણ શીખવજો કે દરેક વાતને તે ધીરજથી સાંભળે અને તેને સત્યની એરણ પર ચડાવી તેમાંથી કેવળ સારી વાતને જ ગ્રહણ કરે.

એને એ વાત શીખવતાં પણ ભૂલશો નહીં કે કોઇ પણ પ્રકારની ઉદાસીનતાને પ્રસન્નતામાં પરિર્વિતત કરી શકાય છે. એને એ વાત પણ શીખવજો કે જ્યારે પણ તેને રડવાનું મન થાય ત્યારે રડવામાં જરા પણ શરમ ના અનુભવે. તે તેના ટીકાકારોની પરવા ના કરે અને મશ્કાબાજોથી સાવધાન રહે. તે પોતાના શરીરની તાકાત પર જ ભરપૂર કમાણી કરે. પરંતુ પોતાના આત્મા અને પ્રામાણિક્તાને કદી ના વેચે. એનામાં એ શક્તિ હોવી જોઇએ કે સામે ચીસો પાડતી ભીડની સામે પણ અડગ ઊભા રહી સત્ય માટે તે ઝઝૂમતો રહે.

આપ તેને એેવું શિક્ષણ આપો કે માનવ જાતિ પર એની અસીમ શ્રદ્ધા કાયમ રહે. હું માનું છું કે, તેને જેટલો વિશ્વાસ પોતાના પર હોય તેટલો જ વિશ્વાસ બીજાઓ પર પણ હોવો જોઇએ. એમ થશે ત્યારે જ તે સાચે માનવી બની શકશે.

આ વાતો મોટી પણ છે અને લાંબી પણ. પરંતુ આપ તેમાંથી જેટલું પણ શીખવી શકશો એટલું તેના માટે સારું હશે અને હા, મારો દીકરો હજુ નાનો છે અને વહાલો પણ છે.

આપનો

અબ્રાહમ લિંકન’

– અબ્રાહમ લિંકનનો પત્ર અહીં પૂરો થાય છે.

આ પત્ર દરેક શાળામાં શિક્ષકોએ પણ વાંચવો જોઇએ અને બાળકોએ પણ.

આવો મૂલ્યવાન પત્ર ભાગ્યે જ વાંચવા મળશે.

– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!