Close

દર્શના, કાંકરિયા પર ખીચું વેચતાં તને શરમ ના આવી ?

કભી કભી | Comments Off on દર્શના, કાંકરિયા પર ખીચું વેચતાં તને શરમ ના આવી ?

એનું નામ દર્શના પટેલ.

પિતા શિક્ષણખાતામાં અધિકારી હતા. પિતા ઇચ્છતા હતા કે તેમના ત્રણ સંતાનોમાંથી એક તો શિક્ષક બને. મોટો ભાઈ રોહિત અને નાના ભાઈ અંકિત. એક દિવસ દર્શના બોલી : ‘પપ્પા મને સાઇકલ લઈ આપો.’

દર્શના પિતાની લાડકી દીકરી. પિતાએ સાઇકલ  લઈ આપી. એ વખતે તે છઠ્ઠા ધોરણમાં હતી. એકવાર સ્કૂલમાંથી પાછા આવતી વખતે કેટલાક તોફાનીઓએ મોટા ભાઈ પર હુમલો  કર્યો. છઠ્ઠા ધોરણમાં ભણતી દર્શના નાની છતાં નીડર હતી. તેણે તોફાનીઓનો સામનો કરી ભાઈને બચાવ્યો. દર્શના હવે વધુ બાળસહજ તોફાન ને મસ્તી કરવા લાગી. મમ્મીએ કહ્યું : ‘દર્શનાને હવે હોસ્ટેલમાં મૂકી દો.’

પિતાએ કહ્યું હતું : ‘જો બેટા, આપણી લડાઈ આપણે જ લડતાં શીખવાનું છે ? દરેક વખતે હું તારી સાથે નહીં હોઉં.’

અને નાનકડી દર્શના એકલી જ બસમાં ઘેર આવવા નીકળી. તે બસ ડેપો પર ગઈ. બારી પાસે જઈ એણે પૂછયું : ‘કટોસણવાળી બસ કેટલા વાગે આવશે?

બારીની અંદર બેઠેલા અધિકારી ખૂબ  ધીમેથી બોલ્યા. દર્શનાને સંભળાયું નહીં. એણે ફરીથી પૂછયું, તો બારીની અંદર બેઠેલા અધિકારીએ ગુસ્સાથી માઇક્રોફોન પર  અતિ મોટા અવાજે કહ્યું : ‘કટોસણવાળી બસ બે વાગે પાંચ નંબરના પ્લેટફોર્મ પર આવશે.’

દર્શનાએ કહ્યું : ‘આટલા મોટા અવાજે ના બોલો. હું બહેરી નથી, સમજ્યા?’

આસપાસ ઊભેલા ઉતારુઓ નાનકડી વિર્દ્યાર્થિનીની બહાદુરી જોઈ ખુશ થઈ હસવા લાગ્યા. દર્શના પોતાની લડાઈ ખુદ લડતાં શીખી ગઈ.

સ્કૂલમાં પણ હવે  તે સૌ કોઈની પ્રિય વિર્દ્યાર્થિની બની ગઈ. હોસ્ટેલમાં પણ હવે દર્શનાએ નવી પહેલ કરી. નબળી આર્ર્થિક પરિસ્થિતિ ધરાવતી વિર્દ્યાર્થિનીઓને આર્ર્થિક સહાય કરવા તેણે હોસ્ટેલમાં જ બિસ્કિટ વેચવાના શરૂ કર્યા. એ દ્વારા એને જે કાંઈ નફો મળતો તે નબળી આર્ર્થિક પરિસ્થિતિ ધરાવતી વિર્દ્યાર્થિઓને વહેંચી દેતી. હોસ્ટેલમાં બિસ્કિટનો ગૃહઉદ્યોગ ચલાવવા હોસ્ટેલના ગૃહમાતાએ તેને નોટિસ આપી પરંતુ એની પરવા કર્યા વિના તેણે નિઃસહાય વિર્દ્યાર્થિનીઓને બિસ્કિટ વેચી મદદ કરવાનું ચાલુ  જ રાખ્યું. સ્કૂલના શિક્ષકો પણ દર્શનાની નીડરતા અને સેવા કાર્યથી પ્રભાવિત થઈ ગયા. સ્કૂલ અને હોસ્ટેલમાં સૌ કોઈનું મન એણે જીતી લીધું.

દર્શનામાં હવે નેતૃત્વના ગુણ આકાર લેવા માંડયા. બધી વિર્દ્યાર્થિનીઓએ તેને જી.એસ.ની ચૂંટણી લડવા આગ્રહ કર્યો. દર્શના ચૂંટણી લડી અને હોસ્ટેલમાં જી.એસ. બની ગઈ. હોસ્ટેલમાં વિર્દ્યાર્થિનીઓને  પડી રહેલી અગવડો સામે એણે અવાજ ઉઠાવ્યો. હોસ્ટેલમાં હડતાળ પડાવી. બે વખત તેના ઘેર નોટિસ ગઈ પરંતુ તે ડરી નહીં. તેણે લડત ચાલુ રાખી અને છેવટે વિર્દ્યાર્થિનીઓની માગણીઓનો સ્વીકાર કરવામાં આવ્યો.

દર્શનાને બચપણથી જ રમગમતની પ્રવૃત્તિ પ્રિય હતી. પિતાની ઇચ્છા હતી કે પુત્રી રમતગમતની પ્રવૃત્તિના બદલે અભ્યાસમાં  ધ્યાન આપે. પરંતુ દર્શનાની ઇચ્છા સ્પોર્ટ્સ ટીચર બનવાની હતી. તે પપ્પાના વિચારો જાણતી હોઈ પિતાને ખબર ના પડે તે રીતે કબડ્ડી અને અન્ય એથ્લેટિક્સ રમતોમાં ભાગ લેવા માંડી. શાળાના મેદાનમાં તેનું નામ અવ્વલ રહ્યું. પ્રેક્ષકો તાળીઓથી તેને વધાવી લેવા માંડયા. ધોરણ ૮થી ૧૨ સુધી તેણે રાજ્યકક્ષા સુધી કબડ્ડી અને એથ્લેટિક્સમાં શાળાનું નામ રોશન કર્યું. જીતેલા તમામ પ્રમાણપત્રો અને મેડલ્સ તે હોસ્ટેલમાં  જ રાખતી જેથી પિતાને ખબર ના પડે. દર્શના પોતાની સિદ્ધિઓ વિશે  પિતા સિવાય પરિવારમાં સૌને જાણ કરતી. પરંતુ ૧૨મું ધોરણ પાસ કર્યા બાદ રમતગમતના બધાં જ પ્રમાણપત્રો, ઈનામો અને મેડલ્સ બેગમાં ભરીને ઘેર આવી. પિતા જોઈ ના જાય તે માટે દર્શનાએ પ્રમાણપત્રો ને મેડલ્સ ઘરમાં જ સંતાડી રાખતી.

એક દિવસે તેણે પિતાને કહ્યું : ‘પપ્પા, હું સ્પોર્ટ્સ ટીચર બનવા સીપી.એડ. કરવા માગું છું.’ પિતાએ સહજભાવે કહ્યું : ‘બેટા, તું રમતગમતમાં ચાલી જ ના શકે? તું દોડી જ કેવી રીતે શકે?’

દર્શના મનમાં હસી રહી કારણ કે એ વખતે તો તે સ્ટેટ ચેમ્પિયન બની ચૂકી હતી. એના બહુ જ આગ્રહને જોઈને પિતાએ દર્શનાને સીપીએડ્માં પ્રવેશ પરીક્ષા માટે અમદાવાદ સી.એન. વિદ્યાલયમાં જવાની પરવાનગી આપી. પિતા પણ સાથે ગયા. મોટી સંખ્યામાં આવેલી વિર્દ્યાર્થિનીઓને  જોઈ પિતા બોલ્યા : ‘આટલા બધામાં તું કઈ રીતે દોડી શકીશ?’

પ્રવેશ પરીક્ષા શરૂ થઈ. હજુ તો બીજી વિર્દ્યાર્થિનીઓ અડધું જ અંતર કાપી ચૂકી હતી. ત્યાં સુધી તો દર્શનાએ દોડ પૂરી કરી દીધી. બધાંએ તાળીઓથી દર્શનાને વધાવી લીધી. પિતા આશ્ચર્યથી તેની સાથે જોઈ રહ્યા. ત્યારે દર્શનાએ હસીને કહ્યું : ‘પપ્પા, હું રાજ્યકક્ષાની પ્લેયર છું !’

પિતાને સુખદ આશ્ચર્ય થયું.  દર્શનાને સ્પોર્ટ્સ કોલેજમાં એડમિશન મળી ગયું. અહીં પણ તે હોસ્ટેલમાં  રહીને જ રમતગમતના  વિષયમાં અભ્યાસ કરવા લાગી. અહીં તે સૌની મોખરે રહી. અભ્યાસ પૂરો કર્યા બાદ તેને સ્પોર્ટ્સ ટીચરની નોકરી મળી. દર્શના હાલ ગેરતપુર પ્રાથમિક શાળા, તા. દસક્રોઈમાં શિક્ષિકા છે.

દીકરી મોટી થતાં પિતાએ કહ્યું: ‘બેટા, તારી ઉંમર હવે પરણવાની થઈ ગઈ છે. તને કોઈ છોકરો પસંદ હોય તો કહે.’

દર્શના બોલી : ‘પપ્પા, તમે જે છોકરો પસંદ કરશો તેની સાથે હું લગ્ન કરીશ.’

દર્શના માટે હવે અનેક સારા ઘરના માંગા આવવાની શરૂઆત થઈ ગઈ. એ બધામાંથી પિતાએ દર્શના માટે હિતેશ નામના સ્માર્ટ યુવકને પસંદ કર્યો. દર્શનાને પણ હિતેશ ગમી ગયો. હિતેશને પણ દર્શના ગમી ગઈ. એ બંનેના લગ્ન થાય તે પહેલાં બેઉ અમદાવાદમાં કાંકરિયા ફરવા ગયા. અહીં કાંકરિયા પાસે એક વૃદ્ધ માજી ખીચું વેચી  રહ્યા હતા પણ તેમની પાસેથી કોઈ ખીચું ખરીદતું નહોતું. માજી  દર્શના સામે જોઈ રહ્યાં. દર્શનાને અનુકંપા થઈ એ બોલી : ‘માજી, હું તમારું ખીચું વેચી આપું?’

જિન્સ અને ટી-શર્ટમાં સુંદર લાગતી દર્શનાની વાત સાંભળી માજીને થયું કે આ છોકરી મારી મશ્કરી કરે છે. તે બોલ્યા : ‘તમે  મારી મશ્કરી કરો છો?’

દર્શના બોલી : ‘ના બા, હું તમારી મશ્કરી કરતી નથી. હું સાચે જ તમારું ખીચું  વેચી આપીશ.’

એમ કહી દર્શનાએ તેના ભાવિ પતિની હાજરીમાં જ માજીનું તપેલું લઈ આગવા અંદાજથી ખીચું વેચવાનું શરૂ કર્યું. થોડી જ વારમાં  બધું જ ખીચું વેચાઈ ગયું. બધાં જ  પૈસા માજીના હાથમાં મૂકી દીધા. માજીના ચહેરા પર અલૌકિક આનંદ છવાયો. તેમણે એક સ્વરૂપવાન યુવતીના માથા પર હાથ મૂકી આશીર્વાદ આપ્યા. એ પછી હિતેશે પૂછયું : દર્શના તને કાંકરિયા પર ખીચું વેચતાં શરમ ના આવી ?’

દર્શનાએ કહ્યું : ‘મને કોઈ કામ નાનું કે મોટું એવું લાગતું નથી. હું આવી જ છું. મારી સાથે તારે લગ્ન કરવા હોય તો તારે આ બધું સહન કરવું પડશે. અને ડાહ્યોને સમજદાર હિતેશ ખડખડાટ હસી પડયો. તે હવે દર્શનાને સારી રીતે સમજી શક્યો હતો. એને પણ દર્શનાની આ સેવા પ્રવૃત્તિ માટે માન થયું. કાંકરિયાની પાળે બેસીને બેઉ એકબીજાને સમજવામાં સાર્થક  રહ્યા.

અને એક દિવસ બેઉ પરણી ગયા. લગ્ન બાદ ગુણિયલ દર્શનાએ સાસરીમાં પણ બધાના મન જીતી લીધા. પતિ-પત્ની બંને એકબીજાથી ખુશ હતા. વળી બંને એક જ શાળામાં નોકરી કરતા હતા. બંનેનું દામ્પત્યજીવન સુખમય બની રહ્યું. તેમના આ દામ્પત્યજીવનના પરિપાકરૂપે હવે તેમના ઘેર ૧૨ વર્ષનો પુત્ર પણ છે.

એકવાર એક રમતોત્સવમાં નિર્ણાયક તરીકે ફરજ બજાવતા દર્શના ખેલાડીઓને રમતની સમજણ આપતી હતી. ખૂબ જ ઉત્સાહ અને રસપૂર્વક માહિતી આપતા જોઈને હિતેશે દશર્નાને કહ્યું  કે તું પણ રમતોત્સવમાં ભાગ કેમ લેતી નથી? તને આટલું બધું રમતો વિશે નોલેજ છે.

દર્શનાએ રમતોત્સવમાં ભાગ લીધો અને  તે અવ્વલ આવી અને ધીમે ધીમે તાલુકા, જિલ્લા, રાજ્યકક્ષાએ અવ્વલ આવી અને મેડલ જીત્યા. ખેલ મહાકુંભ ફિટ ઇન્ડિયા, શૈક્ષણિક રમતોત્સવ, ઓલ ઇન્ડિયા સિવિલ ર્સિવસ જેવા અનેક રમતોત્સવમાં ભાગ લઈ અનેક મેડલ્સ જીતી શાળા અને પરિવારનું નામ રોશન કર્યું. પતિ હિતેશને દર્શનાના ટેલેન્ટની જાણ થઈ ગઈ. તે દર્શના માટે સારા કોચની શોધ કરી રહ્યા હતા પણ કોચ ન મળતા હિતેશએ જાતે દર્શનાને ટ્રેઇન કરી અને દર્શનાને નેશનલ કક્ષાએ ભાગ લેવા માટે પ્રોત્સાહન આપ્યું. સતત પતિના પ્રોત્સાહન અને પ્રેરણાથી દર્શના પોતાની શક્તિ બહાર લાવી શકી અને પતિ કોચ તરીકે સતત અડીખમ સાથે ઊભા રહ્યા અને દર્શનાએ ખૂબ જ મહેનત અને પરિશ્રમ કરી નોકરીની સાથે સાથે પોતાનું  ફરી એકવાર રમતના મેદાનમાં આગવું સ્થાન ઊભું કર્યું. દર્શના પૂના, દિલ્હી, આંધ્ર પ્રદેશ જેવા રાજ્યોમાં નેશનલ રમી ચૂકી છે અને હજુ પણ તે નેશનલ રમી રહી છે. દર્શનાની જેમ જ તેનો પુત્ર પ્રાંશું પણ નટખટ તોફાની હોવાથી રમતના મેદાનમાં પરત ફરવું દર્શના માટે મુશ્કેલ લાગી રહ્યું છે ત્યારે હિતેશ કહે છે કે તારી રાષ્ટ્રીય કક્ષાએ મેડલ લાવવાનો જ છે અને હું પ્રાંશુ સહિત પરિવારની બધી જવાબદારીઓ નિભાવીશ. હાં રમતના મેદાનમાં ફરીથી દર્શના છવાઈ રહી છે અને સ્ટેટ કક્ષાએ, નેશનલ કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને શાળા અને પરિવાર સાથે ગુજરાતનું નામ રોશન કરી રહી છે. દર્શના રમતના મેદાનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી જે ધન રાશિ મેળવે છે તે તમામ પૈસા ગરીબ બાળકોના વિકાસમાં વાપરી નાખે છે. દર્શના પોતાની શાળાના વિદ્યાર્થીઓ ઉપરાંત મિત્રો, અન્ય લોકોને પણ માર્ગદર્શન આપી રહી છે.

કેવું સુંદર દામ્પત્યજીવન !

નિઃસહાય અને ગરીબોની સેવા કરવા માટે સમાજસેવકનો બીલ્લો લગાડવાની જરૂર નથી. તમે  એકલાં પણ જરૂરિયાતવાળા લોકોની સહાય કરી શકો છો. દર્શનાને શુભકામના.

  • દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!