Close

દિલીપકુમાર અને મધુબાલા એક ‘કુંવારી પ્રીત’ની કહાણી

કભી કભી | Comments Off on દિલીપકુમાર અને મધુબાલા એક ‘કુંવારી પ્રીત’ની કહાણી

બોલિવૂડના સુપ્રસિદ્ધ એક્ટર દિલીપકુમાર રહ્યા નથી. જાણે કે એક યુગનો અંત આવી ગયો.  ટ્રેજેડી કિંગ દિલીપકુમાર માટે ‘થેસ્પીઅન’ શબ્દ વપરાતો હતો. દિલીપકુમારના અભિનય, ભાષા. સંવાદની ડિલિવરીને આજ સુધી એક પણ એક્ટર વટાવી શક્યો નથી. દિલીપકુમાર સ્વયંં અભિનયની એક પાઠશાળા હતા.

બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે દિલીપકુમાર સ્વયં એક અદ્ભુત વક્તા હતા. તેઓ ક્રિકેટના શોખીન હતા. ‘ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મનસુરઅલીખાન પટૌડી તેમના અંગત મિત્ર હતા.

એક જમાનામાં તેઓ અને મધુબાલા એક બીજાના પ્રેમમાં હતા પરંતુ પત્ની થવાનું તો સાયરા બાનુના જ નસીબમાં હતું. દિલીપકુમાર સાયરા બાનુને પરણ્યા ત્યારે તેઓ ૪૪ વર્ષના હતા અને સાયરા બાનુ માત્ર બાવીસ વર્ષના હતા. સાયરા બાનુએ એક વાર કહ્યું કે, ‘હું તો માત્ર ૧૨ વર્ષની હતી ત્યારે જ દિલીપસાહેબના પ્રેમમાં પડી ગઈ હતી. જે દિવસે દિલીપસાહેબે મને પ્રપોઝ કર્યું તે ક્ષણ મારા માટે મારી જિંદગીની મહાન ક્ષણ હતી. તેઓ મારા માટે સરતાજ છે.’

સાયરા બાનુ દિલીપકુમારને ‘સાહબ’ કહીને સંબોધતાં હતા. અંતાક્ષરીમાં દિલીપકુમારને ભાગ્યે જ  કોઈ પરાજિત કરી શકતું. તેમને જૂના બધાં જ ગીતો કંઠસ્થ હતાં. મોહંમદ રફી તેમના ગીતો માટે બેમિસાલ સ્વર હતા. સાયરા બાનુએ એકવાર કહ્યું હતું ઃ ‘બહારથી તેઓ ગંભીર લાગે છે પરંતુ અંદરથી તેઓ મોજિલા, મસ્તીભર્યા અને રમૂજી છે.’

એક્ટર્સના એક્ટર ગણાતા દિલીપકુમાર દરેક અભિનેતા માટે એક  સ્કૂલ હતા અનેક કંપનીઓ દ્વારા તેમના વિજ્ઞાપનો માટે અઢળક નાણાંની ઑફર્સ આપી પરંતુ તેમણે કદીયે કોઈ પણ કંપનીની ઑફર સ્વીકારી નહીં. તેમણે કદીયે કોઈનાયે માટે મોડલિંગ કર્યું નહીં. તેમનો જન્મદિવસ ભારત, પાકિસ્તાન કે જ્યાં તેઓ જન્મ્યાં હતા તે પેશાવરથી માંડીને લંડન સુધી ઊજવાતો હતો. ‘દેવદાસ’માં રોલ કર્યા બાદ શાહરુખ ખાને કબૂલ કર્યું હતું કે, ‘મેં આ ફિલ્મમાં કામ કર્યું તે મારી ભૂલ હતી.’ વાત એમ હતી કે ‘દેવદાસ’ ફિલ્મ ત્રણવાર બની જેમાંની એક ફિલ્મમાં દિલીપકુમારે દેવદાસ તરીકે લાજવાબ અભિનય કર્યો હતો.

યુસુફખાન અને કેન્ટીન

દિલીપકુમારનું અસલી નામ યુસુફ ખાન છે. તેમના પિતાનું નામ ગુલાબ સારવર ખાન છે. નાનકડા યુસુફે તેમની કારકિર્દીની શરૂઆત પૂણેની આર્મીની કેન્ટીનમાં નોકરી દ્વારા શરૂ કરી હતી. તે વખતે  તેમનો માસિક પગાર રૂ. ૩૬ હતો.  હિસાબ રાખવાનું કામ તેઓ કરતા હતા. દરમિયાન દેશમાં રેશનિંગ આવી જતાં કેન્ટીન બંધ થઈ ગઈ હતી.

‘હવે શું કરવું ?’ તેવી ગડમથલ સાથે તેઓ ફરતા હતા. તેમના પિતાને ફળનો વેપાર હતો. એકવાર તેઓ પિતા સાથે ફળ ખરીદવા નૈનીતાલ ગયા હતા. એ વખતે બન્યું એવું કે નૈનીતાલમાં એક ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું. ૧૯૪૪ની સાલ હતી. દેવીકારાણી ‘જ્વારભાટા’ નામની ફિલ્મ માટે દિગ્દર્શક તરીકે અમીય ચક્રવર્તી સાથે લોકેશન જોવા નૈનીતાલ આવેલા હતા. એ દરમિયાન દેવીકારાણીના પતિ હિમાંશુ રાયનું અચાનક અવસાન થઈ ગયું. યુસુફને ખબર નહોતી કે દેવીકારાણી કોણ છે ? એવામાં દેવીકારાણીને યુસુફની આંખોમાં એક ઊગતો કલાકાર દેખાયો. દેવીકારાણીએ યુવાન યુસુફને પૂછયું, ‘તું ફિલ્મમાં કામ કરવા માંગે છે?’

યુસુફે હા પાડી. દેવીકારાણીએ યુસુફને મુંબઈ આવી તેમની મલાડ ખાતેની ઑફિસે મળવા કહ્યું. મલાડમાં તેમની બોમ્બે ટોકીઝ નામની કંપનીની ઑફિસ હતી. યુસુફ પહેલી જ વાર દેવીકારાણીને મળવા ગયો ત્યારે કાંઈ જ આશાસ્પદ જણાયું નહીં. પહેલી મુલાકાતમાં કોઈ નક્કર પરિણામ ન આવતાં યુસુફે મુંબઈમાં ચાનો સ્ટોલ્સ શરૂ કરવા વિચાર્યું. એવામાં એક દિવસ દેવીકારાણીની ઑફિસમાંથી ફોન આવ્યો. યુસુફ ફરી દેવીકારાણીને મળવા ગયો. બોમ્બે ટોકીઝે યુસુફ સાથે મહિને રૂ. ૫૦૦ના પગારથી તેમની ફિલ્મોમાં કામ કરવા કોન્ટ્રાક્ટ કર્યો. દર વર્ષે રૂ. ૨૦૦નો વેતનવધારો આપવાનું નક્કી કર્યું.

પ્રથમ પ્રેમ કામિની કૌશલ

દિલીપકુમારના જીવનમાં  અનેક સ્ત્રીઓ આવી. પરંતુ તેઓ હંમેશાં હૃદયથી એકાકી રહ્યા. ઘણા ઓછા લોકો એ વાત જાણે છે કે દિલીપકુમારે કોઈને દિલથી સાચો પ્રેમ કર્યો હોય તો તે કામિની કૌશલ હતાં. કમનસીબે તેઓ બંને અલગ થઈ ગયાં. એ વખતે દિલીપકુમાર ભાંગી પડયા હતા. વિચલિત થઈ ગયા હતા. એમના સમયમાં દિલીપકુમાર અને કામિની કૌશલની જોડી ‘હોટ’ પણ ગણાતી. કામિની કૌશલ અને દિલીપકુમારે જે ચાર ફિલ્મોમાં કામ કર્યું તે તમામ (૧) નદિયાં કે પાર (૨) શહીદ (૩) શબનમ અને (૪) આરઝૂ હીટ રહી હતી. સ્ક્રીન પર  બંનેની જોડી કમાલની લાગતી હતી. સ્ક્રીન પારનો રોમાન્સ તેમની રિયલ લાઇફમાં પણ પ્રવેશ્યો હતો. કામિની કૌશલનું અસલી નામ ઉમા કશ્યપ હતું. તેઓ મસૂરીની બ્યુટી સ્પર્ધામાં જીતેલાં ‘મિસ મસૂરી’ હતાં. ચેતન આનંદે તેમને કામિની કૌશલ નામ આપી તેમની ફિલ્મ ‘નીચા નગર’ (૧૯૪૬) માં મુખ્ય ભૂમિકા આપી હતી. આ ફિલ્મને કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં એવોર્ડ મળ્યો હતો. કોઈ પણ પ્રથમ આંતરરાષ્ટ્રીય ઍવોર્ડ મેળવનારી આ  પ્રથમ ભારતીય  ફિલ્મ હતી. એક ઊગતા કલાકાર તરીકે કામિની કૌશલની પહેલી મુલાકાત યુસુફ સાથે ‘નદિયાં કે પાર’ના  સેટ પર થઈ હતી. આ ફિલ્મમાં દિલીપકુમારે હીરોની ભૂમિકા ભજવી હતી અને ફિલ્મને જબરદસ્ત સફળતા મળી હતી. એ દરમિયાન બેઉ એકબીજાની નજીક આવ્યા હતા. પરંતુ બન્યું એવું કે  કામિની કૌશલનાં મોટાં બહેનનું અવસાન થતાં કામિની કૌશલે તેમના જીજાજી સાથે લગ્ન કરવું પડયું. એ લગ્ન કરવાનું કારણ પણ એ હતું કે અચાનક અવસાન પામેલાં તેમનાં મોટા બહેનને નાનાં નાનાં બાળકો હતાં. એ બાળકોને સાચવવાં અને મોટાં કરવાના હિતમાં તેમણે આ નિર્ણય લીધો હતો. અલબત્ત, આ લગ્ન પહેલાં દિલીપકુમાર અને કામિની કૌૈશલ એકબીજાના પ્રેમમાં ડૂબી ગયાં હતાં. પરંતુ મોટાં બહેનનું અવસાન થતાં તેમનાં નાનાં બાળકોના ઉછેર માટે પરિવાર તરફથી ભારે દબાણ થતાં કામિની કૌશલે દિલીપકુમારને છોડીને જીજાજી  સાથે લગ્ન કર્યા હતા. દિલીપકુમાર દુઃખી થઈ ગયા હતા.

મધુબાલા

કામિની કૌશલ સાથેના પ્રણયભંગથી ભાંગી પડેલા દિલીપકુમારના જીવનમાં હવે  મધુબાલાનો પ્રવેશ થયો. ૧૯૫૧માં ‘તરાના’ ફિલ્મના સેટ પર તેમનું પ્રથમ મિલન થયું અને મધુબાલાએ પોતાનો અનહદ પ્રેમ આપી દિલીપકુમારનો ગમ ભુલાવી દીધો. દંતકથા એવી છે કે મધુબાલાએ જ તેની હેરડ્રેસર સાથે એક લાલ ગુલાબ દિલીપકુમારને  મોકલાવ્યું હતું. લાલ ગુલાબની સાથે ઉર્દૂમાં લખેલી એક ચિઠ્ઠી  પણ મોકલાવી હતી. જેમાં મધુબાલાએ લખ્યું હતું, ‘તમે મને ચાહતા હોય તો જ આ લાલ ગુલાબ સ્વીકારજો.’

દિલીપકુમાર આ પરિસ્થિતિ માટે સજ્જ નહોતા. પરંતુ સુખદ આૃર્ય સાથે ગૌરવપૂર્ણ રીતે તેમણે એ ગુલાબનો સ્વીકાર કર્યો હતો. અલબત્ત, એ સાથે બીજી વાત એવી હતી કે એ જ સમયે મધુબાલા એ વખતના એક્ટર પ્રેમનાથ સાથે પણ આંખમીંચોલી રમતાં હતાં. પ્રેમનાથ ‘બાદલ'(૧૯૫૧)  નામની ફિલ્મમાં તેમની સાથે કામ કરતા હતા. પ્રેમનાથ ને દિલીપકુમાર મિત્ર હતા. તેમની સાથે મધુબાલાના રોમાન્સની વાતની ખબર પડતાં તેઓ પ્રેમથી ખસી ગયા હતા.

મતભેદો સર્જાયા

દિલીપકુમાર અને મધુબાલાના ભરપૂર પ્રેમની ખબર પડતાં જ મધુબાલાના પિતા અતૌલા ખાનની ઊંઘ હરામ થઈ ગઈ હતી. તેમને ડર હતો કે મધુબાલા દિલીપકુમાર સાથે જતી રહેશે તો પરિવારનું ભરણપોષણ કોણ કરશે? ઘરમાં ૧૧ જેટલા બાળકો હતા. આર્થિક અસલામતીના ભયે પિતાએ  મધુબાલાને  દિલીપકુમાર સાથે બુન્દી (મધ્યપ્રદેશ) ખાતે આઉટડોર ફિલ્મ શૂટિંગ માટે જવા પરવાનગી આપી નહીં. એ વખતે બી.આર. ચોપરા દિલીપકુમાર અને મધુબાલાને લઈને ‘નયા દૌર’ (૧૯૫૭) ફિલ્મ બનાવી રહ્યા  હતા. પરિણામ એ આવ્યું કે બી.આર. ચોપરાએ મધુબાલાને બદલે વૈજયંતિમાલાને લેવાં પડયાં. મધુબાલા સામે બી.આર. ચોપરા કોર્ટમાં ગયા. કોર્ટમાં દિલીપકુમારે તેમની જ પ્રેયસી મધુબાલા સામે બી.આર. ચોપરાના સાક્ષી તરીકે સાક્ષીના પાંજરામાં આવવું પડયું. એ પાંજરામાં જ તેમણે કહ્યું, ‘હું મધુબાલાને ચાહું છું અને જિંદગીભર ચાહતો રહીશ.’ પરંતુ તેમની જુૂબાની બી.આર, ચોપરાની તરફેણમાં રહી. આ તેમનું પ્રોફેશનલિઝમ હતું. વ્યક્તિગત લાગણીઓ અને દુશ્મનાવટને બાજુમાં રાખી પોતાના વ્યવસાયને વફાદાર રહી કામ કરવું, તેને પ્રોફેશનલિઝમ કહે છે. મધુબાલાની અપેક્ષા મુજબ કેસ બાબતે તેઓ કોર્ટમાં મધુબાલાને મદદરૂપ થાય તેવું કાંઈ જ બોલ્યા નહીં.

પરંતુ મધુબાલાના પ્રોફેશનાલિઝમનો પણ ટેસ્ટ થયો. ‘નયા દૌર’ના વિવાદ પછી ‘મોગલે આઝમ (૧૯૬૦) ફિલ્મમાં બંનેએ સાથે કામ કરવાનું આવ્યું. એ વખતે મધુબાલા અને દિલીપકુમાર વચ્ચે વાત કરવાના પણ સંબંધો નહોતા. છતાં બંનેએ આ ઐૈતિહાસિક ફિલ્મમાં પ્રણયનાં સુંદર અને ઉત્કૃષ્ટ દૃશ્યોની પ્રેમની આબેહૂબ ભૂમિકા અદા કરી.

બે બે શ્રોષ્ઠ અભિનેત્રીઓ સાથે પ્રણયભંગ બાદ ૧૯૬૦ના વર્ષમાં દિલીપકુમાર વહીદા રહેમાન સાથે લગ્ન કરી જીવનમાં સ્થિરતા લાવવા માગતા હતા. દિલીપકુમારને વહીદા રહેમાનન ગંભીરતા અને સુસંસ્કૃત વર્તન ગમતા હતા. દિલીપકુમાર વહીદા રહેમાન સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકે તે પહેલાં સાયરાબાનુ તેમની જિંદગી પર છવાઈ ગયાં. સાયરાબાનુ નસીમબાનુના પુત્રી હતા. તેમણે ખૂબ જ ઉતાવળથી  અને ખૂબ જ ચાલાકીપૂર્વક દિલીપકુમારના ઘરે સાયરાબાનુના સગપણનો પ્રસ્તાવ મોકલી આપ્યો અને બંનેને પરણાવી દીધા.     DEVENDRA PATEL

 

Be Sociable, Share!