Close

દૂધથી ભરેલા એક ગ્લાસ દ્વારા જ બધું બિલ ચૂકવાઈ ગયું છે

કભી કભી | Comments Off on દૂધથી ભરેલા એક ગ્લાસ દ્વારા જ બધું બિલ ચૂકવાઈ ગયું છે
અમેરિકાના ન્યૂજર્સીના કેમડેન વિસ્તારની આ વાત છે.
એક ગરીબ બાળક ઘેર ઘેર ફરીને કેટલીક ચીજવસ્તુઓ વેચીને ગુજરાન ચલાવતો હતો. સ્કૂલ પૂરી થાય તે પછી તે ઘેરઘેર ફેરી કરતો હતો અને એમાંથી જે આવક થાય તે રકમથી સ્કૂલની ફી ભરતો હતો. એક દિવસની વાત છે. તે ખૂબ ભૂખ્યો થયો હતો. એના ખિસ્સામાં એક જ ડાઈમ-સિક્કો હતો. એમાંથી એનું પેટ ભરાય તેમ નહોતું. એણે નક્કી કર્યું કે હવે તે બીજા જે ઘેર ચીજવસ્તુ વેચવા જશે ત્યાં તે ભોજન માગશે.
તેણે એક ઘરની બહાર જઈ ડોરબેલ વગાડયો. એક યુવતીએ બારણું ખોલ્યું પરંતુ તે ખાવાનું માગી શક્યો નહીં. એ બાળકે ભોજનના બદલે માત્ર પીવાનું પાણી જ માંગ્યું.
ઘરની યુવાન માલિકણને ખ્યાલ આવી ગયો કે છોકરો ભૂખ્યો  લાગે છે. એ સમજી ગઈ અને તે ઘરમાં જઈ એક દૂધ ભરેલો મોટો ગ્લાસ લઈને બહાર આવી.  નાનકડા વિદ્યાર્થીએ  ગ્લાસ લઈ લીધો અને દૂધ પી લીધા બાદ એણે પૂછયું: ‘આ દૂધના ગ્લાસના મારે કેટલા પૈસા આપવાના થાય છે ?’
યુવતીએ કહ્યું : ‘તારે મને કશું આપવાનું થતું નથી. મારી માએ મને શીખવાડયું છે કે કોઈની ભલાઈ કરી તેના બદલામાં કાંઈ જ લેવાય નહીં.’
છોકરાએ કહ્યું: ‘હૃદયપૂર્વક હું આપનો આભાર માનું છું.’
એમ કહી એણે એમની વિદાય લીધી. અજાણી મહિલાની આ ભલમનસાઈ જોઈ તે મનથી વધુ મક્કમ અને શક્તિશાળી બન્યો. એટલું જ નહીં પરંતુ તેની ઇશ્વરમાં શ્રદ્ધા વધી અને એ કારણે  પણ તેનું મનોબળ વધુ મજબૂત બન્યું. એ ભગવાનમાં શ્રદ્ધા ગૂમાવવાનો હતો. ત્યારે જ આ નાનકડા દૂધના ગ્લાસે તેની ભગવાનમાં શ્રદ્ધા વધારી.
આ વાતને વર્ષો વીત્યાં.
એક દિવસ ન્યૂજર્સીમાં જ રહેતી એ યુવતી બહુ જ બીમાર પડી ગઈ. તેની હાલત ગંભીર બની ગઈ. સ્થાનિક ડોક્ટરોએ પણ હાથ ઊંચા કરી દીધા : ‘અમે કાંઈ કરી શકીએ તેમ નથી, તમને દુર્લભ બીમારી છે.’
સ્થાનિક ડોક્ટરોની સલાહથી એ યુવતીના પરિવારે એને મોટા શહેરની મોટી હોસ્પિટલમાં ખાસ નિષ્ણાત તબીબ પાસે જવા સલાહ આપી. એ  યુવતીની બીમારી એવી હતી કે એની સારવાર માટે શહેરના એક અત્યંત પ્રતિષ્ઠિત તબીબનો કન્સલ્ટેશન માટે સંપર્ક કરવામાં આવ્યો. એ ડોક્ટરનું નામ હાવર્ડ કેલી હતું. ડો. હાવર્ડ કેલીએ જેવું એ યુવતીનું  અને તેના ટાઉનનું નામ સાંભળ્યું એટલે એમની આંખોમાં ચમક આવી ગઈ. તેઓ તરત જ તેમની ખુરશીમાંથી ઊભા થયા અને સીધા હોસ્પિટલમાં એ યુવતીના રૂમમાં પહોંચ્યા.
ડો. હાવર્ડ કેલી તબીબના ડ્રેસ અને ગાઉનમાં સજ્જ હતા. તેઓ એ યુવતીને ઓળખી ગયા. એમણે એ યુવતીને શાંતિથી તપાસી. બધા જ રિપોર્ટસ જોઈ લીધા અને પોતાના કન્સલ્ટેન્શન રૂમમાં પાછા ગયા. યુવતીને દુર્લભ બીમારી હતી. એમણે એ યુવતીને સારવાર આપી અને એની તરફ વિશેષ કરીને ધ્યાન કેન્દ્રીત કર્યું. તેની સર્જરી પણ કરી. એક લાંબા સંઘર્ષ બાદ એ યુવતીની જિંદગી બચાવવાના યુદ્ધમાં જીત મળી.  યુવતીનો જીવ બચી ગયો.
એ યુવતીના સાજા થઈ ગયા બાદ ડો. હાવર્ડ કેલીએ હોસ્પિટલના એકાઉન્ટ વિભાગને કહ્યું: ‘એ યુવતીની સારવારનું બિલ મારી મંજૂરી માટે મને મોકલી આપો.’
હોસ્પિટલના એકાઉન્ટ વિભાગનાં મહિલા અધિકારી બિલ લઈ ડો. હાવર્ડ કેલી પાસે ગયાં. ડો. હાવર્ડ કેલીએ બિલ જોયું અને  જાતે જ એ યુવતીના સારવારના બિલ પર કાંઈક લખ્યું  અને બિલને કવરમાં બંધ કરી એ બિલ એ યુવતીના રૂમમાં જઈ એ મહિલા દર્દીને આપી આવવા સૂચના આપી. બંધ કવરમાં મુકેલા બિલને લઈને એ મહિલા અધિકારી યુવતીના રૂમમાં પહોંચી. સારવાર લેનાર યુવતીએ બીતાં બીતાં કવર ખોલ્યું. કારણ કે એને ખબર હતી કે જે ડોક્ટરે તેની જિંદગી બચાવી છે તે એટલા મોટા તબીબ છે કે તેમનું બિલ ભરવામાં કદાચ આખી જિંદગીની કમાણી જતી રહેશે.
યુવતીએ કવર ખોલ્યું તેમાં ડોક્ટરે લખ્યું હતું કે, Paid in full with one glass of Milk’ (દૂધથી ભરેલા એક ગ્લાસ દ્વારા આ બિલ પૂરેપૂરું ભરપાઈ કરી દેવાયું છે)…………લિ. ડો. હાવર્ડ કેલી.
ડો. હાવર્ડ કેલીની નીચે સહી હતી. એ જોઈને બિલ લઈને આવનાર મહિલા અધિકારી આૃર્યથી જોઈ રહ્યા.
સારવાર લેનાર મહિલા દર્દીની આંખો આંસુથી ઊભરાઈ ગઈ હતી. એ ખુશીનાં આંસુ હતા. દુર્લભ બીમારીથી બહાર આવેલી યુવતી આંખમાં આંસુ સાથે બોલી : ‘હે ભગવાન તમારો આભાર. તમારો પ્રેમ આવા કેટલાક ભલા માનવીઓના હૃદય અને હાથ દ્વારા જ લોકોમાં વહેંચાય છે.’
ડો. હાવર્ડ  કેલી અમેરિકાના એક લેજન્ડરી તબીબ તરીકે ઓળખાય છે. તા. ૨૦ ફેબ્રુઆરી, ૧૮૫૮ના રોજ  કેમડેન, ન્યૂજર્સી ખાતે જન્મેલા ડો. હાવર્ડ કેલીએ યુનિર્વિસટી ઓફ પેન્સિલવેનિયા દ્વારા તબીબી વિદ્યાશાખામાં એમ.ડી.ની ડિગ્રી હાંસલ કરી હતી. અમેરિકાની સુપ્રસિદ્ધ જ્હોન્સ હોપકીન્સ સ્કૂલ ઓફ મેડિસિનના ચાર મહાન સ્થાપકો પૈકીના એક હતા. આમ તો તેઓ સ્ત્રીરોગ વિશેષજ્ઞા હતા પરંતુ ગાયનેક બીમારીઓમાં અને તે સંદર્ભની પેથોલોજીકલ રિસર્ચમાં અનેક સંશોધનો કર્યા હતા. તેમણે સિસ્ટોસ્કોપ વિકસાવ્યું. ૧૮૮૯માં તેમણે અન્ય સાથીઓની મદદથી સ્થાપેલી જ્હોન્સ હોપકીન્સમાં સર્જરી વિભાગના વડા તરીકે પણ સેવાઓ આપી. તેમણે ‘ઓપરેટિવ ગાયનેકોલોજી’ નામનું પાઠયપુસ્તક લખ્યું અને તેમાં તેમણે યુરોગાયનેકોલોજીના ક્ષેત્રમાં નવો પ્રકાશ પાડયો. ગાયનેક સર્જરી માટે તેમણે ‘કેલી સ્ટીચ’ અને બીજી કેટલીક ટેક્નિક અને સર્જરીના સાધનોની શોધ પણ કરી. બ્લેડરને તપાસવાની નવી પદ્ધતિઓ શોધી. તેમણે ‘કેલી ફોન્સેપ’ની પણ શોધ કરી. ૧૮૮૦ પછીનાં વર્ષોમાં તેમણે ગાયનેલોજીક  કેન્સરમાં પણ નવા  સંશોધનો કર્યાં. અને શસ્ત્રક્રિયા વખતે ઓછામાં ઓછા રક્તસ્ત્રાવ થાય  તેવી નવી ટેક્નિક વિકસાવી. યુરિન હેમરેજની સારવાર માટે તેમણે રેડિયમનો ઉપયોગ કર્યો. પોતાના જીવન કાર્ય દરમિયાન તેમનાં તબીબી જ્ઞાનને લોકો સુધી પહોંચાડયા. ૫૫૦થી વધુ લેખ લખ્યા.
ડો. હાવર્ડ કેલીને અનેક એવોર્ડ્સ પ્રાપ્ત થયા. ૧૯૦૭માં યુનિર્વિસટી ઓફ પેન્સિલવેનિયા તરફથી ડોક્ટર ઓફ લોઝની ડિગ્રી એનાયત થઈ.
જ્હોન્સ હોપકીન્સ કેલી ગાયનેલોજીકલ ઓન્કોલોજી સર્વિસને તેમના નામ સાથે જોડવામાં આવી. ૧૯૦૩માં યુ.એસ. લિબર્ટીશીપને પણ હાવર્ડ કેલીના નામ સાથે જોડવામાં આવી.
તા.૧૨ જાન્યુઆરી, ૧૯૪૩ના રોજ ૮૪ વર્ષની વયે બાલ્ટિમોર મેરીલેન્ડ ખાતે તેમનું નિધન થયું.
આવા વિખ્યાત તબીબે બચપણમાં  તેમને  ગ્લાસમાં દૂધ આપનાર એક અજાણી યુવતીને યાદ રાખી તેનું વળતર ચુકવ્યું તે તેમની મહાનતા હતી.
દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!