Close

દેશનાં પ્રથમ મહિલા શિક્ષિકા પર લોકો પથ્થરો ફેંકતા હતા

કભી કભી | Comments Off on દેશનાં પ્રથમ મહિલા શિક્ષિકા પર લોકો પથ્થરો ફેંકતા હતા

સાવિત્રીબાઈ ફૂલે.

નવી પેઢી માટે તો આ નામ કદાચ બહુ જાણીતું નહીં હોય પરંતુ એક જ વાક્યમાં કહેવું હોય તો કહી શકાય કે સાવિત્રીબાઈ ફૂલે સમાજસુધારક, શિક્ષણવિદ્ અને મહારાષ્ટ્રના કવયિત્રી હતાં.

તેમને ભારતનાં પ્રથમ મહિલા શિક્ષક માનવામાં આવે છે. તેમણે પતિ જ્યોતિરાવ ફૂલે સાથે મળીને સ્ત્રી અધિકારો અને શિક્ષણના ક્ષેત્રમાં ઉલ્લેખનીય કાર્ય કર્યું. ફૂલે દંપતીએ ૧૮૪૮માં પૂણેના ભીડવાડામાં પહેલી  ભારતીય કન્યા શાળાની સ્થાપના કરી હતી. તેમણે જાતિ અને લિંગના આધાર પર લોકો સાથે થતા અનુચિત વ્યવહાર અને ભેદભાવને સમાપ્ત કરવાનું કાર્ય કર્યું. તેમણે મહારાષ્ટ્રમાં સમાજ સુધાર આંદોલનમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી. સમાજસેવી અને શિક્ષણવિદ્ ફૂલે મરાઠી સાહિત્યનાં અગ્રગણ્ય લેખિકા તરીકે જાણીતાં છે.

સાવિત્રીબાઈનો જન્મ મહારાષ્ટ્રના સતારા જિલ્લાના નાયગાવ ખાતે ૩ જાન્યુઆરી ૧૮૩૧ના રોજ થયો હતો. તેઓ લક્ષ્મી અને ખાંડોજી નેવેશ પાટિલના સૌથી મોટા પુત્રી હતાં. તેમનાં માતાપિતા માળી સમુદાયના હતા. તેમનાં લગ્ન જ્યોતિરાવ ફૂલે સાથે થયાં. ફૂલે દંપતી નિઃસંતાન હતું. પરંતુ તેમણે બ્રાહ્મણ વિધવાના પુત્ર યશવંત રાવને દત્તક લીધો હતો.

લગ્ન સમયે સાવિત્રીબાઈ શિક્ષિત નહોતાં કારણ કે  એ વખતના ઉચ્ચ રૂઢીચુસ્ત સમુદાયે  સ્ત્રીઓ માટે શિક્ષણની મનાઈ ફરમાવી હતી. જ્યોતિરાવ પણ અસ્થાયી રૂપથી શિક્ષણ છોડવા બાધ્ય થયા હતા પરંતુ આખરે તેઓ એક મિશિનરી શાળામાં પ્રવેશ મેળવવામાં સફળ થયાં હતાં જ્યાં તેમણે સાત ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો.

સરકારી દફતર પ્રમાણે જ્યોતિરાવે સાવિત્રીબાઈને ઘરે જ ભણાવ્યાં હતાં. તેમનાં જ્યોતિરાવ સાથેના પ્રાથમિક શિક્ષણ બાદ આગળની જવાબદારી તેમના મિત્રો સખારામ યશવંત પરાંજપે અને કેશવ શિવરામ ભાવલકરની હતી. તેમણે બે શિક્ષક પ્રશિક્ષણ અભ્યાસક્રમોમાં પણ પ્રવેશ મેળવ્યો. પ્રથમ તેમણે અહમદનગર સ્થિત અમેરિકી મિશિનરી સિંથિયા ફર્રાર દ્વારા સંચાલિત સંસ્થામાં પ્રવેશ મેળવ્યો. ઉપરાંત પૂણેની નોર્મલ સ્કૂલમાં પણ તાલીમ મેળવી. આ  તાલીમના આધારે તેમને ભારતનાં પ્રથમ મહિલા શિક્ષક અને  પ્રધાન અધ્યાપિકા માનવામાં આવે છે.

શિક્ષકની તાલીમ પૂરી કર્યા બાદ સાવિત્રીબાઈએ પૂણેમાં મહારવાડામાં કન્યાઓેને ભણાવવાનું શરૂ કર્યું. તેમણે  જ્યોતિરાવના માર્ગદર્શક અને સલાહકાર સગુણાબાઈની સાથે મળીને આ કાર્યની શરૂઆત કરી. બાદમાં ફૂલે દંપતી અને સગુણબાઈએ મળીને  ભીંડેવાડામાં એક કન્યાશાળાની સ્થાપના કરી. શાળામાં વિજ્ઞાન, ગણિત અને સમાજવિદ્યાના વિષયો સામેલ હતા. ૧૮૫૧ના અંત સુધીમાં જ્યોતિરાવ અને સાવિત્રીબાઈ ત્રણ અલગ અલગ કન્યાશાળાઓ ચલાવી રહ્યાં હતાં. સંયુક્ત રીતે ત્રણે શાળામાં કુલ મળીને ૧૫૦થી પણ વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા. શાળાઓનો અભ્યાસક્રમ અને શિક્ષણપદ્ધતિ સરકારી શાળાથી અલગ હતી. લેખિકા દિવ્યા કંડુકરીના મત અનુસાર સરકારી શાળાઓ કરતાં ફૂલે દંપતીની શિક્ષણપદ્ધતિ વધુ સારી હતી. એ જ પ્રમાણે સરકારી શાળામાંથી શિક્ષણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા કરતા ફૂલેની શાળામાં અભ્યાસ કરનાર વિર્દ્યાર્થિનીઓની સંખ્યા પણ વધુ હતી.

ફૂલે દંપતીના આ સેવાકાર્યને રૂઢીવાદી સ્થાનિક સમુદાયના પ્રતિરોધનો સામનો કરવો પડયો. ૧૮૪૯ સુધી ફૂલે દંપતી  જ્યોતિરાવના પૈતૃક ઘરમાં રહેતું હતું પરંતુ ૧૮૪૯માં જ્યોતિરાવના પિતાએ તેમને ઘર છોડી દેવા માટે જણાવ્યું કારણ કે તે જમાનામાં શિક્ષણકાર્ય પાપ ગણાતું હતું. ૧૮૫૦ના દશકમાં સાવિત્રીબાઈ અને  જ્યોતિરાવે બે શૈક્ષણિક ટ્રસ્ટની સ્થાપના કરી. જ્યોતિરાવના સહયોગથી તેમણે અલગ અલગ જાતિ સમુદાયના બાળકોના અભ્યાસ માટે ૧૮ જેટલી શાળાઓ શરૂ કરી. દંપતીએ ગર્ભવતી, બળાત્કાર પીડિત મહિલાઓ માટે, બાળહત્યા પ્રતિબંધક ગૃહનામના આશ્રય કેન્દ્રો પણ શરૂ કર્યાં.

આ પરિવારે  અનેક મુશ્કેલીઓ પણ સહન કરવી પડી હતી. સાવિત્રીબાઈ બાળકોને ભણાવવા માટે સ્કૂલે જતાં હતાં ત્યારે કેટલાક કન્યા શિક્ષણ વિરોધી લોકો તેમને પથ્થર મારતા હતા. આજથી ૧૭૦ વર્ષ પહેલાં છોકરીઓ માટે સ્કૂલ ખોલવી તે પાપ મનાતું હતું. આ પરિસ્થિતિમાં સાવિત્રીબાઈએ કન્યા કેળવણી શરૂ કરવાની હિંમત દર્શાવી હતી. એ રીતે જોઈએ તો સાવિત્રીબાઈ દેશનાં સામાજિક સુધારાની બાબતના મહાનાયિકા જ હતાં. એ વખતના રૂઢીચુસ્ત લોકો તેઓ સ્કૂલે ભણાવવા જાય ત્યારે તેમની પર પથ્થર, ગંદકી, કીચડ, ગોબર ફેંકતા હતા. સાવિત્રીબાઈ તેમની એક થેલીમાં બીજી સાડી સાથે રાખતા હતા.  સ્કૂલે પહોંચીને ગંદી થઈ ગયેલી સાડી બદલી લેતાં હતાં અને પોતે નક્કી કરેલા કન્યા કેળવણીના માર્ગથી કદીયે વિચલિત થયા નહોતાં.

૧૮૪૯ સુધી સાવિત્રીબાઈ તેમના પતિ જ્યોતિરાવ ફૂલેના પિતાના ઘરમાં રહેતાં હતાં પરંતુ ઉચ્ચ વર્ણના લોકોની નારાજગીના કારણે જ્યોતિરાવના પિતાએ પુત્ર અને પુત્રવધૂને ઘર છોડી દેવા જણાવ્યું. પિતાનું ઘર છોડી દીધા બાદ સાવિત્રીબાઈ અને જ્યોતિરાવ ફૂલેના ઉસ્માન  શેખ નામના એક મિત્રના ઘેર રહેવા ગયા. અહીં સાવિત્રીબાઈ ફૂલેનો પરિચય ફાતિમા બેગમ શેખ સાથે થયો અને થોડા જ વખતમાં તેઓ નજીકના મિત્ર બની ગયાં.

ફાતિમા શેખ વાંચવાનું, લખવાનું જાણતાં હતાં. ફાતિમાના ભાઈ ઉસ્માન શેખે બહેનને શિક્ષણનો વ્યવસાય સ્વીકારવા અને શિક્ષિકા બની જવા સલાહ આપી. તે પછી ફાતિમા શેખ પણ સાવિત્રીબાઈ સાથે નોર્મલ સ્કૂલમાં જવા લાગ્યા અને એક દિવસ ફાતિમા શેખ દેશના પ્રથમ મહિલા મુસ્લિમ શિક્ષક બની ગયાં. ૧૮૪૯માં ફાતિમા અને સાવિત્રીબાઈએ સાથે મળીને શેખના ઘરમાં જ શાળા શરૂ કરી હતી.

૧૮૫૧ સુધીમાં સાવિત્રીબાઈ અને જ્યોતિરાવ ફૂલે પૂણેમાં  પૂણેની કન્યાઓ માટે ત્રણ જુદી જુદી શાળાઓ ચલાવતાં હતાં. એ ત્રણેય શાળાઓમાં એ વખતે બધી મળીને કુલ ૧૫૦ બાળાઓ ભણતી હતી. આ શાળામાં સરકારી અભ્યાસક્રમ કરતાં અલગ અભ્યાસક્રમથી ભણાવવામાં  આવતું હતું અને એ વખતની સરકારી શાળાઓ કરતાં ફૂલે દંપતીની શિક્ષણ પદ્ધતિ વધુ શ્રેષ્ઠ હોવાનું મનાતું હતું. પરિણામ એ આવ્યું કે સરકારી શાળાઓ કરતાં ફૂલે દંપતીની શાળાઓમાં વિર્દ્યાર્થિનીઓની સંખ્યા વધી ગઈ.

સાવિત્રીબાઈ ફૂલેના પતિ જ્યોતિરાવ ફૂલે મહારાષ્ટ્ર અને ભારતના સામાજિક સુધારાના  ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ કામગીરી બજાવી હતી. તેમણે મહિલાઓ અને દલિતો તથા અન્ય પછાત જ્ઞાતિના બાળકોને ભણાવવા માટે ભરપૂર પ્રયાસો કર્યા હતા. જ્યોતિરાવ પાછળથી જ્યોતિબાના નામ પણે પ્રચલિત થયા હતા.

સાવિત્રીબાઈ ફૂલે એક કવયિત્રી અને લેખિકા  પણ હતાં. ૧૮૫૪માં તેમણે ‘કાવ્ય ફૂલ’ નામનો કાવ્ય સંગ્રહ પ્રગટ કર્યો હતો. તે પછી તેમણે ‘Go, Get education’  શીર્ષકવાળી કવિતા લખી. કચડાયેલા વર્ગના બાળકોને ભણવા જવા પ્રોત્સાહિત કર્યા.

૧૮૯૭માં નાલાસોપારા ક્ષેત્રની આસપાસ પ્લેગની મહામારી ફેલાઈ ત્યારે સાવિત્રીબાઈએ તેમના દત્તક પુત્ર યશવંતરાવની સાથે પ્લેગના અસરગ્રસ્તો માટે એક દવાખાનું શરૂ કર્યું હતું અને પ્લેગથી સંક્રમિત એક બાળકની સારવાર  કરતાં સાવિત્રીબાઈને પણ પ્લેગની બીમારી થઈ અને તા. ૧૦ માર્ચ ૧૮૯૭ના રોજ તેમનું અવસાન થયું.

મહારાષ્ટ્રમાં આજે પણ સાવિત્રીબાઈ ફૂલેનું નામ આદરપૂર્વક લેવામાં આવે છે. તા. ૧૦ માર્ચ ૧૯૯૮ના રોજ સાવિત્રીબાઈ ફૂલેના નામની ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. ૧૯૮૩માં પૂણે મ્યુનિસિપલ કોર્પોરેશને તેમનાં નામનું એક મેમોરિયલ ઊભું કર્યું હતું. પૂણેમાં સાવિત્રીબાઈ ફૂલેની પ્રતિમા સાથે તેમનાં નામનો એક ચોક પણ છે. ૨૦૧૫માં યુનિવર્સિટી ઓફ પૂણેને ‘સાવિત્રીબાઈ ફૂલે પૂણે યુનિવર્સિટી’ એવા નામથી પરિર્વિતત કરવામાં આવી હતી.

તા. ૫મી સપ્ટેમ્બરે શિક્ષકદિન આવી રહ્યો છે ત્યારે દેશનાં પ્રથમ મહિલા શિક્ષિકાને પ્રણામ..

  • દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!