Close

દ્રૌપદી અગ્નિસ્નાન કરીને પવિત્રતા સિદ્ધ કરતાં હતાં

કભી કભી | Comments Off on દ્રૌપદી અગ્નિસ્નાન કરીને પવિત્રતા સિદ્ધ કરતાં હતાં

‘દ્રૌપદી’ સંસ્કૃત શબ્દ છે. તેનો અર્થ છે- ‘પ્રજ્વલિત.’ જાજરમાન વ્યક્તિત્વ ધરાવતાં મહારાણી દ્રૌપદીની પ્રતિભા ભારત વર્ષમાં અદ્વિતીય છે. અધર્મ સામે લડનારી દેશના આ પ્રથમ નારીવાદી અને શક્તિશાળી સ્ત્રી હતા.

દ્રૌપદીના જન્મની કથા રસપ્રદ છે. તે પાંચાલ નરેશ રાજા દ્રુપદની પુત્રી તરીકે ઓળખાઈ, પરંતુ તેનો જન્મ રાજા દ્રુપદનાં પત્નીની કૂખે થયો નહોતો. યુવાનીના સમયમાં રાજકુમાર દ્રુપદ અને દ્રોણ એ બે મિત્રો હતા. એ સમયગાળા દરમિયાન રાજકુમાર દ્રુપદે દ્રોણને કોઈક એક વચન આપ્યું હતું, પરંતુ દ્રુપદ રાજા બન્યા અને દ્રોણને તેમના સંતાનની ભૂખ મિટાવવા તકલીફ પડવા લાગી ત્યારે બચપણના વચનને યાદ કરી તેઓ રાજા દ્રુપદ પાસે ગયા. રાજા દ્રુપદે એ વચનને પાળવા ઇનકાર કરી દીધો. નારાજ થયેલા દ્રોણ હસ્તિનાપુર ગયા અને પાંડવ પુત્રોના ગુરુ બન્યા. અર્જુન તેમનો પ્રિય શિષ્ય હતો. અર્જુનની મદદ લઈ દ્રોણે યુદ્ધ કરી રાજા દ્રુપદનું અડધું રાજ્ય પડાવી લીધું. દ્રોણે પડાવી લીધેલા અડધા રાજ્યને દ્રુપદ પાછું મેળવવા ઇચ્છતા હતા, પરંતુ તેમને કોઈ પુત્ર નહોતો. દ્રોણ માટે સમર્થ પુત્રની જરૂર હતી. સંતાનપ્રાપ્તિ માટે તેમણે ઋષિઓની સલાહ લીધી. ઋષિઓએ તેમને પુત્ર પ્રાપ્તિ માટે એક યજ્ઞા કરવાની સલાહ આપી.

રાજા દ્રુપદે યજ્ઞા કર્યો, યજ્ઞાની પ્રજ્વલિત વેદીમાંથી એક પુત્ર પેદા થયો તેનું નામ દ્રુષ્ટધુમ્ન. થોડી વાર પછી એ જ યજ્ઞાની વેદીમાંથી એક તેજસ્વી કન્યા  પ્રગટી. તે યજ્ઞામાંથી પેદા થઈ હોવાથી તેનું નામ યજ્ઞાસેની પડયું. તે રાજા દ્રુપદની પુત્રી કહેવાતા તેનું નામ દ્રૌપદી પડયું. પાંચાલ દેશની રાજકુમારી બનતાં પાંચાલી પણ કહેવાઈ. પુરાણ કથાઓ કહે છે કે, તે શ્યામ વર્ણની હોવા છતાં તે સમયના વિશ્વની અત્યંત સુંદર સ્ત્રી હતી. દ્રૌપદીની આંખો કમળની પાંખડીઓ જેવી હતી. એના દેહમાંથી  નીકળતી સુગંધ જોજનો સુધી પ્રસરી જતી. એના જન્મ વખતે આકાશવાણી થઈ હતી : ”આ અદ્વિતીય સૌંદર્યા ભવિષ્યમાં કૌરવોની હારનું નિમિત્ત બનશે અને એના કારણે જ ધર્મનું શાસન સ્થાપિત થશે.”

દ્રૌપદી ભગવાન શ્રીકૃષ્ણને સખા કહેતાં હતાં. ભગવાન શ્રીકૃષ્ણએ દ્રૌપદીના સ્વયંવરમાં તે અર્જુનને પરણે તેવા મત્સ્યવેધનું આયોજન કર્યું હતું. દૂર્યોધને મામા શકુનિની યોજના પ્રમાણે પાંડવોને જુગટું રમવા બોલાવ્યા. યુધિષ્ઠિર પોતાના ભાઈઓ, રાજ્ય સહિત દ્રૌપદીને પણ હારી ગયા. તે પછી દુઃશાસન રાણી દ્રૌપદીને રાજ્યસભામાં ખેંચી લાવ્યો. એ વખતે દ્રૌપદી રજસ્વલા હોઈ તેમણે એક જ વસ્ત્ર પહેર્યું હતું. વાળ પણ ખુલ્લા હતા. દુઃશાસને ભરી સભામાં તેનાં ચીર ખેંચ્યા ત્યારે દ્રૌપદીએ ભગવાન શ્રીકૃષ્ણને યાદ કર્યા અને શ્રીકૃષ્ણએ તેનાં ચીર પૂરી તેની લાજ બચાવી. તે વખતે ભીમે દુઃશાનની છાતી ચીરી નાખવાની પ્રતિજ્ઞા લીધા અને એ વખતે જ દ્રૌપદીએ પણ પ્રતિજ્ઞા લીધી હતી કે, ”જ્યાં સુધી હું દુઃશાસનના રક્તથી મારા માથાના વાળ નહીં ધોઉં ત્યાં સુધી હું માથાના વાળ ખુલ્લા રાખીશ.”

આ રીતે રાણી દ્રૌપદી ભારત વર્ષનાં પહેલાં નારીવાદી સ્ત્રી હતાં. ભરી રાજસભામાં પોતાનાં વસ્ત્રોનું ચીરહરણ કરનાર દૂર્યોધન જ્યારે દ્રૌપદીના રાજમહેલમાં પ્રવેશ્યો ત્યારે ફર્શ પર પાણી છે કે ફર્શ એ નક્કી નહીં કરી શકનાર દૂર્યોધનને ‘આંધળાના પુત્રો આંધળા’ કહેવાની હિંમત પણ રાણી દ્રૌપદીએ જ બતાવી હતી. અલબત્ત આ સંવાદ વેદવ્યાસના મહાભરતમાં નથી પરંતુ પાછળથી ઉમેરાયેલો છે અને લોકોએ તેને સ્વીકાર્યો પણ છે.  પછી જ કુરુક્ષેત્રનું યુદ્ધ થયું.

હવે કુરુક્ષેત્રના યુદ્ધ પછીની વાત. કુરુક્ષેત્રના યુદ્ધમાં બધાં જ કૌરવો મૃત્યુ પામ્યા. કેટલાક સમય બાદ પાંડવો પણ તેમનું આયુષ્ય પૂરું થતાં હિમાલય તરફ આરોહણ કરી ગયા. હવે ધર્મક્ષેત્ર એટલે કે ચિત્રગુપ્તના દરબારમાં બધાનાં કર્મોનાં લેખાંજોખાં શરૂ થયાં. અહીં પાંડવો અને કૌરવો પણ બેઠેલા છે. ધર્મક્ષેત્રમાં દ્રૌપદીએ જ સૌથી પહેલાં તેમનાં સાસુ કુંતા માતાને પૂછયું : ”મને તો એક માત્ર અર્જુન જ સ્વયંવરમાં જીતીને લાવ્યા હતા. તેઓ શું જીતીને લાવ્યા છે તે જાણ્યા વગર જ અને પાછળ જોયા વગર જ તમે એમ કેમ કહ્યું કે જે લાવ્યા છો તે પાંચેય ભાઈઓ વહેંચી લો. તમે પાછળ જોયું જ નહોતું અને મારે તમારા પાંચેય પુત્રોની પત્ની બનવું પડયું.”

દ્રૌપદીના આ પ્રશ્નના જવાબમાં કુંતા માતા બોલ્યાં : ”હું જાણતી જ હતી કે મારો પુત્ર અર્જુન સ્વયંવરમાં તને જીતીને લાવ્યો છે, પરંતુ હું એ વાત પણ જાણતી હતી કે તારા અસાધારણ સૌંદર્ય અને પ્રતિભાના કારણે મારા બીજા પુત્ર અર્જુનની ઇર્ષા કરત અને કૌરવો સામે લડવાના બદલે તેઓ અંદરોઅંદર લડીને વિખૂટા પડી જાત. તું મારા પાંચેય પુત્રોની પત્ની બની તેથી તેઓ એક રહ્યા અને કૌરવો સામે લડીને મહાભારતનું યુદ્ધ જીત્યા. એ બધાની એકતા તારા કારણે જ રહી.”

એ પછી ધર્મક્ષેત્રમાં રાણી દ્રૌપદીએ ‘મહાભારત’ના રચયિતા ભગવાન વેદવ્યાસને પૂછયું : ”તમે મહાભારતમાં મારું આવું નિરુપણ કેમ કર્યું ? મારા આવા ચારિત્ર્યનું નિરુપણ કેમ કર્યું ? આવનારી પેઢીઓ શું વિચારશે ? હું પાંચ પુરુષોની પત્ની ?”

દ્રૌપદીના આ પ્રશ્નના જવાબમાં ભગવાન વેદવ્યાસે કહ્યું : ”રાણી દ્રૌપદી, તમને તમારા પાછલા જન્મની ખબર નથી. તમે પાછલા જન્મમાં તપ કરીને શિવજીને પ્રસન્ન કર્યા હતા અને શિવજી પાસે માગ્યું હતું : ”હે ભગવાન, મને એવો પતિ આપજો જે ધર્મમાં સ્થિર અને ધર્મપરાયણ હોય, શ્રેષ્ઠ બાણાવળી હોય, શરીર સૌષ્ઠવથી શક્તિશાળી હોય, રૂપાળો હોય અને જ્ઞાની પણ હોય !” તે પછી ભગવાન શિવે કહ્યું : ”આ બધું એક પુરુષમાં શક્ય નથી.” તે માટે આવા સ્વતંત્ર ગુણોવાળા અલગ અલગ પાંચ પતિઓ તમને મળ્યા, પરંતુ  એક વાત યાદ રાખજો. આવનારી તમામ પેઢીઓ તમને ‘ભારત ભાગ્ય વિધાતા’ તરીકે ઓળખશે. આવનારા સમયની દરેક સ્ત્રી તમારી પ્રતિભા અને તાકાતની છૂપી ઇર્ષા કરશે. કારણ કે અધર્મ સામે લડનારી તમારા જેવી એક સ્ત્રીના કારણે મહાભારતનું યુદ્ધ થયું અને અધર્મનો નાશ થયો. ધર્મની સ્થાપના થઈ. અનીતિનો પરાજય થયો અને નીતિની સ્થાપના થઈ. ભારત વર્ષની સૌથી શક્તિશાળી નારી તરીકે આવનારી પેઢી તમને ઓળખશે.”

વેદવ્યાસનાં આ વચનોથી રાણી દ્રૌપદીને સંતોષ થયો.

રાણી દ્રૌપદી તેમના દાંપત્યજીવનને વ્યવસ્થિત રાખવા માટે  એક વર્ષ માટે એક પતિ સાથે રહેતાં હતાં અને શિવજીના વરદાન પ્રમાણે તે પછી અગ્નિમાં ચાલી સદા પોતાની પવિત્રતા અકબંધ છે કે નહીં તેનું પરીક્ષણ કરતાં હતાં.

પુરાણો કહે છે કે, રાણી દ્રૌપદી સૌથી વધુ પવિત્ર નારી હતાં. પોતાની પવિત્રતા એ વાતથી સિદ્ધ થતી હતી કે તેઓ ધગધગતા અંગારા પર ચાલી અગ્નિસ્નાન કરતા હતાં અને તે જ એમની પવિત્રતાનું પ્રમાણ હતું.

સંસ્કૃત ‘મહાભારત’ માં દ્રૌપદીને વિભિન્ન દેવી-દેવતાઓનો અવતાર દર્શાવવામાં આવ્યાં છે. આદિ પર્વમાં દ્રૌપદીને દેવી શચીનો આંશિક અવતાર માનવામાં આવે છે. વેદવ્યાસ તેમને ‘શ્રી’ અથવા ‘દેવી શ્રી’ના રૂપમાં વર્ણવે છે. હાલની જીવિત પરંપરાઓમાં મહારાણી દ્રૌપદીને દેવી કાલીનો અવતાર માનવામાં આવે છે. દેશના એક ભાગમાં ‘દ્રૌપદી અમ્માન સંપ્રદાય’ અર્થાત્ દ્રૌપદી ભક્તિ સંપ્રદાય પણ છે અને ગામડાંના લોકો તેમની પૂજા પણ કરે છે. એ લોકો દ્રૌપદીને દેવી કાલીનો અવતાર માને છે. દ્રૌપદી અમ્માન મંદિરોમાં અગ્નિ પ્રગટ કરી તેની પર ચાલવાની એક પરંપરા પણ છે. બેંગલોરના એક મંદિરમાં દ્રૌપદીને આદિશક્તિ અને દેવી પાર્વતીના અવતાર તરીકે પૂજા કરી ઉત્સવ મનાવાય છે. ભારતમાં આંધ્ર પ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક, જ્યારે અન્ય દેશોના જેવા કે શ્રીલંકા, સિંગાપુર, મલેશિયા, મોરેશિયસ, રિયુનિયન અને દક્ષિણ આફ્રિકામાં દ્રૌપદીને સર્મિપત ૪૦૦થી વધુ મંદિરો છે. ખાસ કરીને વનિયાર જાતિના લોકો આ ક્ષેત્રોમાં દ્રૌપદીની પૂજા કરે છે અને દિવસો સુધી તહેવાર મનાવે છે.

‘મહાભારત’ શ્રેણીમાં ભારત વર્ષની સૌથી શક્તિશાળી નારી દ્રૌપદીનો રોલ કરનાર સુપ્રસિદ્ધ અભિનેત્રી રૂપા ગાંગુલી કહે છે : ”દ્રૌપદીનો રોલ મારા વાસ્તવિક જીવન માટે એક રિહર્સલ સમાન હતો.” તેમને આમ કેમ કહેવું પડયું તે આવતા સોમવારે.

  • દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!