Close

દ્રૌપદી જેટલી જ યાતનાઓ મેં પણ ભોગવી જ લીધી છે

કભી કભી | Comments Off on દ્રૌપદી જેટલી જ યાતનાઓ મેં પણ ભોગવી જ લીધી છે

મહારાણી દ્રૌપદીને ભગવાન વેદવ્યાસે ભારતના ‘ભાગ્ય વિધાતા’ કહ્યાં છે. વ્યાસ મહારાજે દ્રૌપદીને કહ્યું હતું કે, ‘ભારતવર્ષની તમામ સ્ત્રીઓ તમારી પ્રતિભા અને તાકાતની ઈર્ષા કરશે.’

– પરંતુ મહારાણી દ્રૌપદીએ જીવનપર્યંત દુઃખ અને પીડા ભોગવી છતાં તેઓ શ્રેષ્ઠ અને પવિત્ર નારી બનીને જ રહ્યાં.

‘મહાભારત’ના આ સર્વશ્રેષ્ઠ પાત્ર-દ્રૌપદીનો રોલ ભજવનાર બંગાળના અભિનેત્રી રૂપા ગાંગુલીના જીવન પર પણ એક ગ્ષ્ટિપાત કરવા જેવો છે. બી.આર. ચોપરા ર્નિિમત ‘મહાભારત’ ટીવી શ્રેણીમાં દ્રૌપદીનો રોલ ભજવનાર રૂપા ગાંગુલી કહે છે : ‘જાહેર જીવનમાં  આવ્યા બાદ મારી પર જે વીત્યું તે જોતાં એમ લાગે છે કે ‘મહાભારત’માં દ્રૌપદીનો રોલ મારા માટે ડ્રેસ રિહર્સલ જેવો જ હતો. ‘મહાભારત’ સિરિયલ ૧૯૮૮માં ટીવી પર પ્રર્દિશત થઈ જેમાં મે દ્રૌપદીનો રોલ કર્યો તે પછી હું જાહેરજીવનમાં આવી. તા. ૨૨ મે ૨૦૧૬ના રોજ કોલકાતા  પાસે ડાયમંડ હાર્બ૨ ખાતે ગુંડા જેવા લાગતા ૨૦ જેટલા માણસોએ મારી પર હુમલો કર્યો. જેમાં પોલીસવાળા પણ સામેલ હતા. મને કારમાંથી બહાર ખેંચી કાઢી મારી સાડી ફાડી નાંખી જે રીતે દુશાસને મારી સાડી ખેંચી હતી મારું માથું પકડીને એ ગુંડાઓએ અનેકવાર મારી કાર સાથે અફળાવ્યું. ખબર નથી તેમનો શું ઇરાદો હતો પરંતુ એ લોકો શાયદ રાજકારણથી પ્રેરિત માણસો હતા. એ લોકોએ  મને અધમૂઈ કરી દીધી હતી. હું લોહીલુહાણ હાલતમાં મારી કાર ચલાવીને માંડ માંડ હોસ્પિટલ પહોંચી. મને કાંઈ દેખાતું નહોતું પણ મારી એક મહિલા સાથીએ મને હોસ્પિટલ સુધીનો રસ્તો બતાવ્યો હતો. આજે પણ હું એક આંખમાં અંશતઃ બ્લાઇન્ડ છું.’

રૂપા ગાંગુલી કહે છે : ‘એક વાર કોઈ સ્ત્રી પર શારીરિક હુમલો થાય છે તે પછી તેનો ભય કાયમ માટે તેના દિલોદિમાગ પર રહી જાય છે. ઘા રૂઝાઈ જાય છે પરંતુ અપમાન અને પીડા કાયમ માટે રહી જાય છે. હું તો બળાત્કારનો ભોગ બનેલી એક પીડિતા માટે સંઘર્ષ કરતી હતી. એને ન્યાય અપાવવા લડતી હતી અને એ કારણે જ  કેટલાંક લોકોએ મારી પર હુમલો કર્યો હતો. જો હું જ સલામત નથી તો તે બિચારી કેવી રીતે  સલામત હોઈ શકે?’

ડાયમંડ હાર્બરની આ ઘટના બાદ રૂપા ગાંગુલીને સલામતી વ્યવસ્થા બક્ષવામાં આવી હતી. દ્રૌપદી જેવી જ નારીવાદી અને મહિલાઓને થતા અન્યાય સામે લડનારા રૂપા ગાંગુલીનો જન્મ તા. ૨૫ નવેમ્બર, ૧૯૬૬ના રોજ કોલકાતા ખાતે થયો હતો. તેમના પિતાનું નામ સમરેન્દ્રલાલ ગાંગુલી અને માતાનું નામ જુથિકા ગાંગુલી હતું. કોલકાતાની બેલતાલા ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યા બાદ તેમણે યુનિવર્સિટી ઓફ કોલકાતા  સંલગ્ન જોગમાયા દેવી કોલેજ દ્વારા બેચલર ડિગ્રી હાંસલ કરી.

એકવાર એક લગ્ન સમારંભમાં કોઈએ રૂપાનો બિજોય ચક્રવર્તી સાથે પરિચય કરાવ્યો. બિજોય ચક્રવર્તી રવિન્દ્રનાથ ટાગોર લિખિત ‘નીરૂપમા’ની કથા પરથી એક હિન્દી ફિલ્મ બનાવી રહ્યા હતા. તેમણે આ ફિલ્મમાં રૂપાને પહેલી તક આપી. ફરી એકવાર રવિન્દ્રનાથ ટાગોર લિખિત ટૂંકી વાર્તા પરથી બની રહેલી ‘સ્ત્રી પાત્ર’ (૧૯૮૬) માં ફિલ્મ માટે મૃણાલનો રોલ આપ્યો. એ પછી રૂપા ગાંગુલીએ પાછા વળીને કાંઇ જ જોયું નહીં. બહુ ઓછા લોકો જાણે છે કે રૂપા ગાંગુલી સ્વયં એક પ્લેબેક સિંગર છે. ૨૦૧૧માં બંગાળી ફિલ્મ-‘એબોશેશેષે’ માં સુંદર ગીત ગાવા બદલ બેસ્ટ ફિમેલ સિંગરનો નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો.  તેમની શ્રેષ્ઠ ફિલ્મોમાં (૧) અંતરમહલ (૨) ઉજાન (૩) ક્રાંતિકાલ (૪) યુગાની વગેરેનો સમાવેશ થાય છે. આ બધી જ બંગાળી ભાષાની ફિલ્મો હતી.

પરંતુ રૂપા ગાંગુલીને ખરો બ્રેક બી.આર. ચોપરાની ‘મહાભારત’  ટીવી સિરિયલથી જ મળ્યો. બી.આર. ચોપરાએ અગાઉ ટીવી પર ‘ગણદેવતા’ શ્રેણીમાં રૂપા ગાંગુલીને જોઈ હતી. રૂપા ગાંગુલીના અભિનયથી તેઓ પ્રભાવિત થયા હતા. બી.આર. ચોપરા પહેલાં તો દ્રૌપદીનો રોલ જુહી ચાવલાને આપવા માગતા હતા પરંતુ જુહીએ આ રોલ કરવા ઇનકાર કરી દેતાં તેમણે રૂપા ગાંગુલીને સ્ક્રીન ટેસ્ટ માટે આવવા આમંત્રણ આપ્યું. એ ૧૯૮૮ની સાલ હતી. ડાયરેક્ટર બિરેશ ચેટરજીએ રૂપાને ફોન કરી સ્ક્રીન ટેસ્ટ માટે એનટી-વન સ્ટુડિયો ખાતે આવી જવા જણાવ્યું. આ રોલ માટે  રમ્યા ક્રિશ્નન પણ એક મજબૂત વિકલ્પ હતો. રમ્યા ક્રિશ્નને ‘બાહુબલી’માં રોલ કરેલો છે. પરંતુ બી.આર. ચોપરાએ છેવટે દ્રૌપદીના રોલ માટે રૂપા ગાંગુલીની જ પસંદગી કરી.

કહેવાય છે કે ‘મહાભારત’ શ્રેણીમાં રૂપા ગાંગુલી જ્યારે દ્રૌપદીનો રોલ  કરી રહ્યા હતા અને ધૃતરાષ્ટ્રના રાજદરબારમાં દુશાસન દ્રૌપદીને ચીરહરણ માટે ખેંચી લાવે છે ત્યારે એ દૃશ્યના શૂટિંગ વખતે બી.આર. ચોપરાની ઇચ્છા અનુસાર રૂપા ગાંગુલી આ દૃશ્યમાં તેની લાગણીઓને પણ જોડી દે તેવું ઈચ્છતા હતા. રૂપાએ એમ જ કર્યું. એક સ્ત્રીને તેના એક જ વસ્ત્રમાં કોઈ તેના વાળ પકડીને ખેંચી લાવે છે  ત્યારે તેની પર શું વીત્યું હશે તે ભાવનાઓ રૂપા ગાંગુલીએ આબેહૂૂબ તેના અભિનયમાં અભિવ્યક્ત કરી. તે ચીરહરણના શૂટિંગ વખતે એટલા તો તેમાં ખોવાઈ ગયા હતા કે પરફેક્શન લાવવા માટે એક પણ રિટેક વગર એક જ ટેકમાં સીન પૂરો શૂટ કરી દેવરાવ્યો. પરંતુ સેટ પર  હાજર ટેક્નિશિયનોનું કહેવું છે કે દ્રૌપદીનું ચીરહરણ એટલું તો દર્દનાક હતું કે એ દૃશ્ય ભજવતી વખતે રૂપા ગાંગુલી પોતે જ રડવા લાગ્યા હતા. સેટ પર તેઓ એટલું બધા રડયા કે બાકીના સ્ટાફને તેમને શાંત કરાવવામાં અડધો કલાકનો સમય  લાગ્યો હતો.

બીજી નોંધપાત્ર વાત એ છે કે ચીરહરણના સીન માટે એક જ લાંબી સાડીનો ઉપયોગ કરવાનો હતો. આ માટે  ૨૫૦ મીટર લાંબી સાડીની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. અને તે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામી છે.

દ્રૌપદીનો રોલ ભજવનાર રૂપા ગાંગુલીનું  અંગત જીવન પણ દુઃખમય રહ્યું. રૂપા ગાંગુલીએ ધ્રૂબો મુખરજી નામના મિકેનિકલ એન્જિનિયર સાથે ૧૯૯૨માં લગ્ન કર્યાં. જે લગ્નજીવન  ૨૦૦૬ સુધી ચાલ્યું. તેમનાથી રૂપાને એક પુત્ર છે જેનું નામ આકાશ મુખરજી છે. લગ્નબાદ રૂપાએ અભિનય કરવાનું છોડી દીધું પરંતુ ૧૪ વર્ષના લગ્નજીવન બાદ ૨૦૦૯માં તેમણે છૂટાછેડા  લઈ લીધા.  લગ્ન બાદ રૂપા તેમના પતિ ધ્રૂબો મુખરજીથી પારાવાર પરેશાન રહ્યા. કહે છે કે ધ્રૂબો મુખરજીની હરકતોથી રૂપા ગાંગુલીએ ત્રણ વખત આત્મહત્યા કરવા કોશિશ કરી હતી. લગ્નબાદ ધ્રૂબો તેમને રોજેરોજના ખર્ચ માટે પૈસા આપતા નહોતા. એ કારણથી રૂપાએ એકવાર ઊંઘની ગોળીઓ વધુ પ્રમાણમાં ખાઈ લીધી હતી પરંતુ રૂપા કહે છેઃ ‘મને ભગવાને જ બચાવી લીધી.’

પતિથી અલગ થયા બાદ રૂપા ગાંગુલીએ તેમનાથી ૧૩ વર્ષ નાના ગાયક અને તેમના પ્રેમી દિબ્યેન્દુ સાથે  મુંબઈના એક ફ્લેટમાં લીવ ઈન રિલેશનશિપમાં રહેવા લાગ્યા. પરંતુ એક તબક્કે તેમના આ સંબંધોનો પણ અંત આવી ગયો.

૨૦૧૫ના વર્ષમાં રૂપા ગાંગુલી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. ૨૦૧૬માં તેઓ  હાવરા નોર્થની  બેઠક પરથી ચૂંટણી લડયા અને હારી ગયા પરંતુ ઓક્ટોબર ૨૦૧૬માં ભારતના મહામહીમ રાષ્ટ્રપતિશ્રી દ્વારા રાજ્યસભામાં નિમણૂક પામ્યા. હવે તેઓ ભાજપના મહિલા નેતા અને રાજ્યસભામાં સાંસદ પણ છે.

– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!