વંશ વાનખેડે એક હોનહાર યુવાન છે. મુંબઈમાં વિરાર ખાતે રહે છે. તે મુંબઈની એક એન્જિનિયરિંગ કોલેજનો વિદ્યાર્થી છે. એની જ કોલેજમાં ધારા નામની એક છોકરી પણ ભણતી હતી. ધારા અત્યંત સ્વરૂપવાન અને ચંચળ હતી. એક દિવસ કેન્ટીનમાં વંશ અને ધારાનો પરિચય થયો. વંશ પણ દેખાવડો યુવાન હોઈ ધારાને તેના માટે આકર્ષણ થયું. એક દિવસ ધારાએ પૂછયું: ‘વંશ, તારા મમ્મી-પપ્પા શું કરે છે ?’
‘તમે ક્યાં રહો છો ?’
‘વિરારમાં અમારો એક ફલેટ છે. મમ્મી અને ડેડી બેઉનીય પાસે કાર છે’ વંશ બોલ્યો.
બેઉ વચ્ચેનો પરિચય પ્રેમમાં પરિવર્તિત થયો. બેઉ રોજ નિયમિત મળવા લાગ્યા. એક દિવસ વંશ કોલેજમાં આવ્યો નહીં. ધારાએ વંશને ફોન કર્યો. વંશે કહ્યું: ‘હું બીમાર છું અને નાણાંવટી હોસ્પિટલમાં દાખલ થયો છું.’
ધારાને ચિંતા થઈ. તે સીધી જ નાણાવટી હોસ્પિટલ પહોંચી. તપાસ કરતાં ખબર પડી કે વંશ વાનખેડે નામનો કોઈ દર્દી નાણાંવટી હોસ્પિટલમાં દાખલ થયો જ નહોતો. ધારાને આૃર્ય થયું કે વંશ ખોટું કેમ બોલ્યો. એણે એક દિવસ વંશનું સરનામું માંગ્યું. વંશએ ઘરનું સરનામું આપ્યું. એક દિવસ ધારા વંશના ઘરના સરનામાવાળા ફલેટ પર પહોંચી ગઈ. પૂછતા ખબર પડી કે એ ફ્લેટમાં કોઈ વાનખેડે પરિવાર રહેતું જ નહોતું. વધુ તપાસ કરતાં ખબર પડી કે વંશના મમ્મી કોઈ મલ્ટિનેશનલ કંપનીમાં અને તેના પિતા સરકારમાં કોઈ ઉચ્ચ હોદ્દા પર નોકરી કરતાં જ નહોતા.
વંશ એક જુઠ્ઠો છોકરો છે એ વાતની ખબર પડતાં ધારાએ તેની સાથે અંતર રાખવા માંડયું. ધારાએ વંશના જુઠ્ઠાણાં અંગે તેની સખીઓને પણ વાત કરી. તે પછી કોલેજના અન્ય મિત્રોને પણ વંશ સાથે મિત્રતા ઓછી કરી નાખી. કેટલાંકે તો તેની સાથે સંબંધ જ તોડી નાખ્યો.
વંશ ડિપ્રેશનમાં ચાલ્યો ગયો. તેણે કોલેજ આવવાનું બંધ કરી દીધું. એકાંતમાં ચાલ્યો ગયો. એક દિવસ એણે નક્કી કરી નાખ્યું કે કોઈ પણ ભોગે ધારાને સબક શીખવવો પડશે. એણે એક યોજના બનાવી.
એ યોજના અનુસાર વંશે પાર્લાની હોટલમાં એક અઠવાડિયા પછીની તારીખ માટે એક રૂમ બુક કરાવ્યો.
રૂમ બુક કરાવ્યા પછી તે પૂણે ગયો. પૂણેમાં તેનાં કાકી રહેતા હતાં. પૂણે જઈને પણ તેણે વિવિધ હોટલો જોઈ લીધી. કોઈ ગંભીર કૃત્ય માટે તે આદર્શ સ્થળની તલાશ કરી રહ્યો હતો અથવા તો કોઈ ખરાબ ઘટનાને અંજામ આપ્યા બાદ ક્યાં ક્યાં છુપાવાઈ શકાય તે સ્થળો તે નક્કી કરવા માંગતો હતો. પૂણેની હોટલોના રૂમ્સ અને તેની ડોર્મિંટરી પણ જોઈ આવ્યો. એ બધું જોઈ લીધા બાદ તે મુંબઈ પાછો આવી ગયો.
મુંબઈ પહોંચીને તેણે સૌથી પહેલું કામ ધારાને ફોન કરવાનું કર્યું. એણે કહ્યું : ‘ધારા, આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી ફોર વ્હોટ હેઝ હેપન્ડ. સાચી વાત એ છે કે આજે હું કેટલીક વાતોની નિખાલસતાપૂર્વક કબૂલાત કરવા માંગુ છું. હું ગરીબ પરિવારનો છોકરો છું. મારી મા કેન્સરથી પીડિત છે. પિતા બેકાર છે. મારી માતાની કેટલીક ઇચ્છાઓ તે મૃત્યુ પામે તે પહેલાં હું પરિપૂર્ણ કરવા માંગતો હતો. એની શું ઇચ્છા હતી તે હું તારી સમક્ષ કબૂલવા માંગુ છું. મારી વાત સાંભળ્યા પછી તારે મારી સાથે સંબંધ રાખવો હોય તો રાખજે અને ના રાખે તો ય મને વાંધો નથી. હું તારી સમક્ષ જૂઠું બોલ્યો છું તે હકીકત છે. પણ એક વાર મને સાંભળ. મને મારી વેદના ઠાલવવી છે. આજે સાંજે પાર્લાની પ્રીતમ હોટલના રૂમ નં. ૨૦૨માં આવી જા. તને મારી મરી રહેલી માની સોગંદ ! ‘
ધારા ભાવુક બની, થોડુંક વિચારીને તે બોલી : ‘ઠીક છે. હું તને મળવા હોટલ પર આવીશ પણ મારી એક સાહેલી મારી સાથે હશે. અને તારે પણ તારા મિત્રોને હોટલના રૂમમાં તારી સાથે રાખવા પડશે. આપણે બે એકલાં નહીં જ મળીએ.’
વંશે ધારાની શરત મંજૂર રાખી.
સાંજે નક્કી કરેલા સમયે ધારા તેની બહેનપણી સાથે પાર્લાની હોટલ પર પહોંચી ગઈ પરંતુ હોટલના એ રૂમમાં વંશ એકલો જ હતો. નક્કી કરેલી શરત પ્રમાણે તેના કોઈ મિત્ર તેની સાથે હાજર નહોતા. ધારાએ પૂછયું: ‘ તું એકલો કેમ છે?’
વંશ બોલ્યો :’એ લોકો ટ્રાફિકમાં ફસાયા છે. થોડી વારમાં આવી જશે.’
એ પછી વંશ, ધારા અને તેની સાહેલી સાથે અન્ય વિષયો પર વાત કરતો રહ્યો. થોડી વાર પછી વંશએ ધારાની સાહેલીને કહ્યું: ‘તમે માત્ર પાંચ જ મિનિટ માટે બહાર જાવ. મારે એક ખૂબ જ અંગત વાત ધારાને ખાનગીમાં કહેવી છે ?’
ધારાએ એની સખીને પાંચ મિનિટ માટે બહાર જવા કહ્યું. ધારાની બહેનપણી બહાર જતાં જ વંશ બોલ્યો : ‘બોલ, ધારા ! મારી સાથે સંબંધ રાખવા માંગે છે કે નહીં. મારે આજે જ તારો જવાબ જોઈએ છે ?’
ધારાએ કહ્યું :’ના. હું તો તારી વાત જ સાંભળવા આવી છું. મને તારી વાત સાંભળવામાં રસ છે. તારી સાથે સંબંધ રાખવામાં નહીં, અહીં આવતા પહેલાં મેં એ વાતની પણ તપાસ કરી લીધી છે કે તારી મમ્મીને કેન્સર કે એવી કોઈ જ બીમારી નથી ?’
વંશ લુચ્ચું હસ્યો. તે બોલ્યોઃ ‘ધારા, તું મારી નહીં તો હવે કોઈની પણ નહીં ?’
એટલું જ બોલતાં જ તેણે ઓશિકા નીચે છુપાવેલી દોરી બહાર ખેંચી કાઢી. ધારા કાંઈ સમજે તે પહેલાં વંશે ધારાના ગળાને એ મજબૂત દોરી વીંટાળી દીધી. એ પછી એણે ધારા પર બળાત્કાર કરવાની કોશિશ કરી. ધારાએ તેનો પ્રતિકાર કર્યો તો વંશે દોરીથી ધારાના ગળાનો ફંદો મજબૂત બનાવ્યો અને ધારા બેહોશ થઈ ઢળી પડી એને લાગ્યું કે છોકરી મરી ગઈ છે.
એ પછી તરત જ વંશે હોટલના રૂમનું બારણું ખોલી કાઢયું. તે પગથિયાં ઊતરી ભાગવા લાગ્યો. અલબત્ત, એ વખતે ધારાની સાહેલી નીચે રિસેપ્શન રૂમના સોફા પર બેઠેલી હતી. ધારાની સાહેલીને શંકા પડી કે, વંશ આટલો ઝડપથી બહાર ક્યાં જઈ રહ્યો છે. તે ઊભી થઈને ઉપરના રૂમ પાસે પહોંચી દરવાજો ખટખટાવ્યો.અંદરથી કોઈ જવાબ ના મળ્યો. તે ગભરાઈ ગઈ, એણે તેના ત્રણ મિત્રોને ફોન કરી હોટલ પર બોલાવી લીધા. તેના મિત્રોએ રૂમનો દરવાજો ખોલ્યો. અંદર ધારા બેહોશ હતી. પણ તેનું હૃદય ધબકી રહ્યું હતું. તાત્કાલિક મેનેજરને જાણ કરવામાં આવી. એમ્બ્યુલન્સ બોલાવી ધારાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. લગભગ બે કલાક બાદ ધારા ભાનમાં આવી.
ધારા બચી ગઈ.
તેણે આખી ઘટનાનું પોલીસ સમક્ષ બયાન આપ્યું. પોલીસે હત્યાનો પ્રયાસ કરનાર વંશને શોધવા તેનો મોબાઈલ ઓબ્ઝર્વેશનમાં મૂક્યો. પરંતુ તેનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ હતો.
પોલીસે વંશના મોબાઈલનો ઘટનાના આગલા દિવસોનો મોબાઈલ ડેટા કાઢયો. તો ખબર પડી કે મુંબઈની હોટલની ઘટના પહેલાં તે પૂણે ગયો હતો. પોલીસે વંશનાં આન્ટીના નંબરો પણ મળી ગયા. તે પછી પોલીસે વંશના આન્ટીનો ફોન નિરીક્ષણ હેઠળ મૂક્યો. બે દિવસ પહેલાં જ વંશ એ પૂણેની એક ડોર્મિંટરીમાંથી તેનાં આન્ટીને એક નવા જ પ્રાઇવેટ નંબર પરથી ફોન કર્યો હતો. મતલબ સાફ હતો કે વંશનું લોકેશન પૂણેમાં હતું. પોલીસે એ પ્રાઇવેટ ફોન નંબરને અને લોકેશનને શોધી કાઢી એ હોટેલની ડોર્મિંટરી પર છાપો માર્યો.
વંશ પકડાઈ ગયો. તે હવે જેલમાં છે.
રૂપાળા દેખાવ અને બડી બડી વાતો કરનારા યુવાનો આવા જુઠ્ઠા અને ખતરનાક પણ હોય છે. જીવનસાથીની પસંદગી કરતી વખતે પરિવાર અને વડીલોને પણ વિશ્વાસમાં લો.
(નામ પરિવર્તિત છે )