Close

નવવધૂનો ડ્રેસ પહેરવાના બદલે લેબ.ના વસ્ત્રો પહેરી લગ્ન કર્યા

કભી કભી | Comments Off on નવવધૂનો ડ્રેસ પહેરવાના બદલે લેબ.ના વસ્ત્રો પહેરી લગ્ન કર્યા

મેરી ક્યૂરી

કોરોના વાઇરસનો  પ્રતિકાર કરી શકે તેવી રસીની ખોજ વિશ્વના વૈજ્ઞાનિકો કરી રહ્યા છે ત્યારે માનવ સ્વાસ્થ્યની ભીતરની બીમારીઓના પરીક્ષણ માટે જરૂરી એવા રેડિયમની શોધ કરનાર મેરી ક્યૂરીના  જીવન પર એક ગ્ષ્ટિપાત કરી લેવા જેવો છે.

એમનું આખું નામ મેરી સાલોમીઆ ક્યૂરી હતું. તેઓ ભૌતિકશાસ્ત્રી, રસાયણશાસ્ત્રી અને નારીવાદી હતા.  તેમણે કિરણોત્સર્ગ પર સંશોધન કર્યું. તે નોબેલ પુરસ્કાર જીતનાર પ્રથમ મહિલા પણ હતા. તેઓ  પેરિસ યુનિવર્સિટીની પ્રથમ મહિલા પ્રોફેસર હતાં. તે બે વખત નોબેલ પુરસ્કાર જીતનાર પ્રથમ વ્યક્તિ હતાં. અનિયંત્રિત કિરણોત્સર્ગ પરના સંશોધન માટે તેને ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મળ્યો, જે હેન્રી બેકરેલ દ્વારા શોધી કાઢવામાં આવી.

તેમનો જન્મ વોર્સો પોલેન્ડમાં ૭ નવેમ્બર ૧૮૬૭ના દિવસે થયો હતો. તે ૨૨ વર્ષના હતાં ત્યાં સુધી પોલેન્ડમાં રહેતા હતાં. દસ વર્ષની ઉંમરે તેની બહેન જોફિયાનું અવસાન થયું હતું. તેમની માતાનું બે વર્ષ પછી અવસાન થયું. મેરી ક્યૂરી તેના પરિવારનું પાંચમુંં બાળક હતી. તેનું અસલી નામ મારિયા હતું. તેના પિતા ગણિતના શિક્ષક હતા. તે ૧૧ વર્ષની હતી ત્યારે તેમનું મોત નીપજ્યું હતું. એક યુવાન છોકરી તરીકે તેને ભૌતિકશાસ્ત્રમાં રસ હતો.

તે ૧૫ વર્ષની ઉંમરમાં સ્નાતક થયા. મેરી એક  શિક્ષક બની હતી. જેથી તે ફ્રાન્સના  પેરિસમાં શાળાએ જવા માટે પૈસા કમાઈ શકે. તે પોલેન્ડની બિન માન્યતા પ્રાપ્ત કોલેજમાં પણ ગઈ હતી. આખરે તે પોલેન્ડથી નીકળી ગઈ અને ‘મેરી’ નામથી ફ્રાન્સ ગઈ. તેણે પેરિસમાં ઉચ્ચ ડિગ્રી મેળવી અને તેનું મહત્ત્વપૂર્ણ વૈજ્ઞાનિક કાર્ય કર્યું. તેણીએ પેરિસ અને વોર્સોમાં ક્યૂરી ઇન્સ્ટિટયૂટની સ્થાપના કરી.

તેમણે અને તેમના પતિએ કિરણોત્સર્ગીતાનો સિદ્ધાંત બનાવ્યો (તે શબ્દ તેના અને તેના પતિ પિયર ક્યૂરી દ્વારા બનાવવામાં આવ્યો). તેમણે કિરણોત્સર્ગી આઇસોટોપ્સને અલગ પાડવા માટે વિવિધ રીતો મળી અને બે નવા તત્ત્વો શોધી કાઢયા : રેડિયમ અને પોલોનિયમ. કેન્સરની નવી સારવાર વિકસાવવા તેમણે રેડિયોએક્ટિવિટીના પોતાના  અભ્યાસનો ઉપયોગ કર્યો. આ ઉપચારમાં કિરણોત્સર્ગી આઇસોટોપ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ક્યૂરીએ રેડિયમ શોધી કાઢયું. ૧૮૯૮માં આ શોધ તેણે પિયર ક્યૂરી અને ગુસ્તાવે બેમોન્ટ સાથે કરી હતી.

આમ તો તેઓ પોલેન્ડમાં જન્મ્યાં હતા પરંતુ ફ્રાંસમાં જઈ પેરિસ યુનિવર્સિટીમાં મહિલા પ્રોફેસર બનવાવાળાં પહેલાં મહિલા હતા. વાત એમ હતી કે તે મહિલા હોવાથી વોર્સો (પોલેન્ડ)માં ભણવા માટે મર્યાદિત પરવાનગી હતી. તેથી તેમણે છુપાઈને છુપાઈને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવું પડયું હતું. મોટી બહેનની આર્થિક મદદ મળતાં છેવટે ફ્રાંસ જઈ અભ્યાસ શરૂ કરવો પડયો હતો. ફ્રાંસમાં  ડોક્ટરેટ કરનાર પણ તેઓ પહેલાં મહિલા હતા. અહીં પેરિસમાં જ તેમની મુલાકાત પિયર ક્યૂરી સાથે થઈ અને બંને પરણી ગયાં.

ફ્રેન્ચ નાગરિકત્વ મેળવ્યા બાદ પણ મેરી ક્યૂરીએ પોતાની પોલીસ આઇડેન્ટિટી જાળવી રાખી હતી. તેમને બે દીકરીઓ હતી અને ફ્રાંસમાં રહેવા છતાં બંને  દીકરીઓને પોલીશ ભાષા શીખવી હતી. દીકરીઓને પોલેન્ડ પણ ફરવા લઈ ગયાં.

૧૮૯૧માં પોલેન્ડથી ફ્રાન્સ  આવ્યા બાદ  અહીં રહેતી તેમની બહેન અને બનેવીના ઘેર જ આશ્રય લીધો હતો. તે ઘર પેરિસ યુનિવર્સિટીની નજીક હતું. યુનિવર્સિટી ઓફ પેરિસમાં જ તેમણે ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથેમેટિક્સનો અભ્યાસ કર્યો.  ક્યૂરી ભણવામાં એટલી મશગૂલ રહેતી કે ક્યારેક જમવાનું પણ ભૂલી જતી. ૧૮૯૩માં તેમની ડિગ્રી હાંસલ થઈ. તે પછી પ્રોફેસર ગેબ્રિઅલ લીપમેનની ઇન્ડસ્ટ્રિઅલ લેબોરેટરીમાં કામ કરવાનું શરૂ કર્યું. એની સાથે સાથે યુનિવર્સિટીમાં આગળ ભણવાનું પણ ચાલુ રાખ્યું.

એ પછી અગાઉ ઉલ્લેખ કરાયો છે તે પ્રમાણે તેમના જીવનમાં પિયર ક્યૂરીનો પ્રવેશ થયો. બંનેના રસના વિષયો એક સમાન હતા. આ સમયે વધુ કામ કરવા માટે મેરીને એક વિશાળ પ્રયોગશાળાની તલાશ હતી. પિયરે પાસે મોટી  લેબોરેટરી નહોતી છતાં મેરી કામ કરી શકે એટલી જગા તો એમણે ઉપલબ્ધ કરી આપી. અહીં જ તેઓ એકબીજાની વધુ નજીક આવ્યા. નોંધપાત્ર વાત એ છે કે પિયરે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો પરંતુ મેરીએ ઇનકાર કરતાં કહ્યું કે તે પોતાના દેશમાં પાછા જવા માગે છે. પિયરેએ કહ્યું : ‘તો હું પણ તારી સાથે પોલેન્ડ આવીશ.’

૧૮૯૪ના ઉનાળામાં મેરી પોલેન્ડ ગઈ. એ તેના પરિવારને મળી. એ એના દેશમાં રહીને કામ કરવા માગતી હતી પરંતુ તે એક સ્ત્રી હોવાના કારણે પોલેન્ડની ક્રાકોવ યુનિવર્સિટીએ તેને  કામ કરવાની તક ના આપી. એવામાં તેના પ્રેમી પિયરેએ એક પત્ર લખી મેરીને ફ્રાન્સ પાછા આવી જવા જણાવ્યું. મેરી પેરિસ પાછી આવી. મેરીના કહેવાથી પિયરેએ મેગ્નેટીઝમ પર સંશોધન મહાનિબંધ લખ્યો અને પિયરેને ૧૮૯૫માં પીએચ.ડી.ની ડિગ્રી મળી. તેઓ પ્રોફેસર  પણ બની ગયા. તા. ૨૬ જુલાઈ ૧૮૯૫ના રોજ મેરી અને પિયરએ પરણી ગયા. કોઈ જ ધાર્મિક વિધિ પર આધાર રાખવાના બદલે અને પશ્ચિમના દેશોમાં નવવધૂ જેવા વસ્ત્રો પહેરે છે તેવા બાઇડલ ડ્રેસ પહેરવાને બદલે લેબોરેટરીમાં પહેરવામાં આવે છે તેવા ડાર્ક બ્લ્યૂ આઉટફિટ પહેરીને જ લગ્ન કરી દીધા. જાણે કે વિજ્ઞાનજગતની એ મહાન હસ્તીઓનું આ પવિત્ર મિલન હતું. વિજ્ઞાનના ક્ષેત્રમાં બંને એકબીજાનાં પૂરક બની રહ્યાં. લગ્ન બાદ પતિ-પત્ની બંને સાથે જ પ્રયોગશાળામાં કામ કરવા લાગ્યા.૧૮૯૫માં વિલ્હેમ રોએન્ટેજોને એક્સ-રેના અસ્તિત્વને શોધી કાઢયું. ૧૮૯૬માં હેન્રી  બેક્વીરેલેએ શોધી કાઢયું કે યુરેનિયમ સોલ્ટસ ક્ષ-કિરણોનો ઉત્સર્ગ કરે છે. આ બંને શોધોથી પ્રભાવિત મેરી ક્યૂરીએ યુરેનિયમના કિરણો પર સંશોધન શરૂ કર્યું. એના ૧૫ વર્ષ અગાઉ તેમના જ પતિએ ઇલેક્ટ્રિક્સ ચાર્જને માપવા માટે એક ઇલેક્ટ્રોમીટર વિકસાવ્યું હતું. તે જ ઇલેક્ટ્રોમીટરનો ઉપયોગ કરી મેરી ક્યૂરીએ શોધી કાઢયું કે યુરેનિયમનાં કિરણો પણ તેની આસપાસના વાતાવરણને  પ્રભાવિત કરે છે. મેરી ક્યૂરીને લાગ્યું કે રેડિએશન એટમમાંથી જ પેદા થાય છે. આ પરિશ્રમ આગળ વધતો રહ્યો. આજ વૈજ્ઞાનિક દંપતીએ ૧૮૯૮માં પોલોનિયમનું મહત્ત્વપૂર્ણ સંશોધન કર્યું. કેટલાક મહિના આ બાદ રેડિયમની ખોજ પણ કરી. ચિકિત્સા વિજ્ઞાન અને રોગોના ઉપચારમાં આ એક ક્રાંતિકારી સંશોધન સાબિત થયું.  ૧૯૦૩ મેરી ક્યૂરીએ પીએચ.ડી.ની ડિગ્રી હાંસલ કરી લીધી. આ  વર્ષમાં આ દંપતીને રેડિયો એક્ટિવિટીની ખોજ માટે ફિઝિક્સમાં નોબેલ પ્રાઇઝ મળ્યું. ૧૯૧૧માં કેમિસ્ટ્રીના ક્ષેત્રમાં રેડિયમના શુદ્ધિકરણ માટે રસાયણશાસ્ત્રનું નોબલ પ્રાઇઝ મળ્યું. વિજ્ઞાનની બે શાખાઓમાં નોબેલ પ્રાઇઝથી સન્માનિત થનાર તેઓ પ્રથમ મહિલા હતા.

વાત આટલેથી અટકતી નથી. મેરી ક્યૂરીની પ્રથમ પુત્રી આઇરાનને ૧૯૩૫માં કેમિસ્ટ્રીમાં નોબેલ પ્રાઇઝ મળ્યું. જ્યારે  ૧૯૬૪માં નાની પુત્રી ઇવના  પતિ હેન્રી રિચર્ડસનને શાંતિ માટે નોબેલ પ્રાઇઝ મળ્યું. પરંતુ દુનિયાનો દસ્તૂર તો જુઓ ! જૂન ૧૯૦૩માં મેરી ક્યૂરીને પેરિસ યુનિવર્સિટીએ પીએચ.ડી.ના ડિગ્રી આપી તે પછી આ દંપતીને લંડનની રોયલ ઇન્સ્ટિટયૂશન તરફથી રેડિયોએક્ટિવિટી વિશે પ્રવચન કરવા આમંત્રણ આપવામાં આવ્યું હતું.

પતિ-પત્ની બેઉ લંડન ગયા પરંતુ સ્ત્રી  હોવાને કારણે મેરી ક્યૂરીને પ્રવચન કરવા દેવામાં આવ્યું નહીં અને તેમના પતિ પિયરે ક્યૂરીને જ બોલવાની છૂટ આપવામાં આવી હતી. એવી જ બીજી વાત  રેડિયમની શોધ બાદ રેડિયમ આધારિત નવો ઇન્ડસ્ટ્રી શરૂ થયો પરંતુ મેરી ક્યૂરીએ તેમના સંશોધનની પેટન્ટ કરાવી ના હોઈ એ નફાકારક ધંધામાં મેરી ક્યૂરીને બહુ ઓછો આર્થિક લાભ મળ્યો.

મેરી ક્યૂરી માત્ર વૈજ્ઞાનિક જ  નહોતા પરંતુ શ્રેષ્ઠ અને ઉમદા વ્યક્તિ પણ હતા. તેમને જે સોનાનો બનેલો નોબેલ પ્રાઇઝ એટલે કે ગોલ્ડ મેડલ મળ્યો હતો તે વેચીને તેમાંથી આવનાર નાણાં યુદ્ધના સંબંધમાં દાનમાં આપવા કોશિશ કરી  તો ફ્રેન્ચ નેશનલ બેન્કે તે સ્વીકારવાનો ઇનકાર કર્યો. તે પછી તેમણે વોર બોન્ડસ ખરીદ્યા હતા. યાદ રહે કે પહેલાં વિશ્વયુદ્ધ  દરમિયાન યુદ્ધથી ઘાયલ થયેલા સૈનિકોની તેમણે સારવાર કરી હતી.  યુદ્ધની ભૂમી નજીક જ ઘાયલોની સારવાર કરતા તબીબો માટે તેમણે રેડિયોલોજી સેન્ટરો ઊભા કરવા ભલામણ કરી હતી. મેરી ક્યૂરીની  રેડિયમની શોધ બાદ  જ એક્સ-રે ટેક્નોલોજી વિકસી હતી. તેમની  આ ખોજ પછી એક્સ-રે યુનિટસની  ઇક્વિપમેન્ટ  દ્વારા  લાખો ઘાયલ સૈનિકોની સારવાર કરવામાં  આવી હતી. મેરી ક્યૂરીની આ જબરદસ્ત સેવાઓ છતાં  એ વખતની  ફ્રેન્ચ સરકારે તેમનું કદી સન્માન કર્યું નહીં અને તેમની સેવાઓની કદર પણ ના કરી. હા, પાછળથી એટલે કે ૧૯૨૦માં રેડિયમની શોધની ૨૫મી વાર્ષિક તિથિએ ફ્રેન્ચ સરકારે તેમને થોડુંક સ્ટાઇપેન્ડ આપવા નિર્ણય કર્યો. ૧૯૨૧માં તેઓ અમેરિકા ગયા અને એ વખતના અમેરિકાના પ્રમુખ વોરન જી હાર્ડિંગે વ્હાઇટ હાઉસમાં તેમનું સ્વાગત કર્યું હતું. વિદેશોમાં સન્માન બાદ ફ્રેન્ચ સરકારે તેમને ‘લિજીઅન ઓફ ઓેનર’ એવોર્ડ આપવાનું નક્કી કર્યું પણ મેરી ક્યૂરીએ તેનો અસ્વીકાર કર્યો.

૧૯૩૪માં તેમણે પોતાના વતન પોલેન્ડની છેલ્લી મુલાકાત લીધી. તેના થોડાક જ મહિના બાદ એટલે કે તા. ૪ જૂન ૧૯૩૪ના રોજ ફ્રાંસના સાંગેરિયમ ખાતે ‘અપ્લાસ્ટિક એનીમિયા’ નામની બીમારીના કારણે ૬૬ વર્ષની વયે  તેમનું અવસાન થયું. પ્રયોગશાળામાં વારંવાર રેડિયોએક્ટિવ વિકરણની  તેમને આ બીમારી થઈ હતી. રેડિયમની ખોજ દરમિયાન તેમની થતી રેડિયોએક્ટિવ અસરોથી શરીરને ભારે નુકસાન પહોંચી શકે છે તે ખોજ એ વખતે થઈ નહોતી. મેરી ક્યૂરી રેડિયમ માટે સંશોધન કરી રહ્યા હતા તે વખતે પોતાના શરીરને  પૂરતું પ્રોટેક્શનવાળું શિલ્ડ પહેર્યું ના હોવાથી તેઓ એક્સ-રેઝના સંસર્ગમાં આવ્યા હતા અને ઘાયલ સૈનિકોના એક્સ-રે લેતી વખતે પણ તેઓ રેડિએશનનો ભોગ બન્યા હતા. આ કારણે જ તેઓ રેડિએશનથી થતી બીમારીનો ભોગ બન્યા. ચિકિત્સાક્ષેત્રમાં એક્સ-રે જેવા ઉપકપરણો જેમના સંશોધનના કારણે વિકસ્યાં એ જ ખોજ અને તેનો ઉપયોગ મેરી ક્યૂરીના મૃત્યનું નિમિત્ત બન્યાં. ફ્રાંસમાં તેમના પતિની  કબરની બાજુમાં જ તેમને દફનાવવામાં આવ્યા.

મેડમ ક્યૂરી આજે ભલે આ સંસારમાં નથી પરંતુ તેમના દ્વારા કરવામાં આવેલાં કાર્ય અને સમર્પણને વિશ્વ કદી ભૂલી શકશે નહીં. આજે પણ આખું વિશ્વ મેરી ક્યૂરીના સંશોધનમાં શ્રદ્ધા ધરાવે છે અને સન્માનપૂર્વક તેમને યાદ કરવા તે આપણા બધાં માટે ગૌરવની વાત છે.

– દેવેન્દ્ર પટેલ

 

Be Sociable, Share!