Close

નિર્જન હાઇવે પર ઉભેલી વૃદ્ધ મહિલાને મદદની જરૂર હતી

કભી કભી | Comments Off on નિર્જન હાઇવે પર ઉભેલી વૃદ્ધ મહિલાને મદદની જરૂર હતી
વિશ્વ આખું કોરોનાની મહામારીમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે દરેક માનવીની  ફરજ છે કે એકબીજાને મદદ કરે. બધું જ સરકાર કરે એવી અપેક્ષા કરતાં સમાજ પણ પોતાની જવાબદારી નિભાવે. એકબીજાને કઈ રીતે મદદરૂપ થઈ શકાય તે સંદર્ભમાં આજે એક નાનકડી પણ પ્રેરક કથા પ્રસ્તુત છે.
અમેરિકામાં જિંદગી ગુજારતો એક નીચલા મધ્યમ વર્ગનો એક સામાન્ય માણસ તેની જૂની ખખડધજ મોટરકારને લઈને એક નિર્જન હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો. એણે જોયું  તો એક વૃદ્ધ મહિલા રોડ પર તેની કારની બાજુમાં ઊભી હતી. એ વૃદ્ધ મહિલાની કારમાં પંક્ચર થઈ ગયું હતું.
વૃદ્ધા પાસે મર્સિડીઝ કાર હતી પરંતુ તે એટલી વૃદ્ધ હતી કે તેની કારનું ટાયર બદલવા સક્ષમ નહોતી. તે અનેક કારચાલકોને મદદ માટે હાથ ઊંચો કરતી હતી પરંતુ  કોઈ તેની કાર ઊભી રાખી તેને મદદ કરતું નહોતું.
આ કારચાલકે તેની કાર ઊભી રાખી. એ કારમાંથી બહાર આવી એ વૃદ્ધ મહિલા પાસે ગયો. વૃદ્ધા ચિંતિત હતી. કલાકોથી તે કોઈની મદદ મળશે એવી આશાથી ત્યાં જ ઊભેલી હતી. એ વૃદ્ધાએ જોયું તો જે વ્યક્તિ તેની પાસે આવ્યો તે  ગરીબ જણાતો હતો. એ વ્યક્તિએ એ વૃદ્ધાને સાંત્વના આપી. એ બોલ્યો, ‘મેડમ, હું આપને મદદ કરવા માંગું છું. મારું નામ બ્રાયન એન્ડરસન છે.’
વૃદ્ધાએ એની મર્સિડીઝ કારનું પંક્ચર થઈ ગયેલું ટાયર બતાવ્યું. વૃદ્ધા પાસે કારનો જેક પણ બરાબર કામ કરતો નહોતો. એ ગરીબ માણસે મર્સિડીઝ કારની ડીકીમાંથી સ્પેર ટાયર કાઢયું અને તે જાતે તે કારની નીચે સૂઈ ગયો. ગમે તેમ કરીને વૃદ્ધાની મર્સિડીઝ કારનું ટાયર બદલી આપ્યું. એના હાથ અને કપડાં ગંદા થઈ ગયા. તેને હાથ પર ઈજાઓ પણ થઈ પણ ટાયર બદલી આપ્યું.
એ કામ પૂરું થઈ ગયા બાદ વૃદ્ધ મહિલાએ ગરીબ કારચાલકને પૂછયું : ‘તમે મને મદદ કરી એ બદલ મારે તમને કેટલા પૈસા આપવાના થાય છે?’
બ્રાયન એન્ડરસને હસીને કહ્યું : ‘જો તમારે મને કાંઈ આપવું જ હોય તો બીજી  કોઈ વાર કોઈને મદદની જરૂર હોય તો તેને જે કોઈ મદદની જરૂર હોય તે મદદ કરજો, પ્લીઝ !’
એમ કહી એણે પોતાના ગંદા થઈ ગયેલા હાથ ટોવેલથી સાફ કર્યા.
એ પછી એ વૃદ્ધ મહિલા તેને મદદ કરનાર બ્રાયન એન્ડરસનનો આભાર માની  પોતાની મર્સિડીઝ કાર લઈને જતી રહી. બ્રાયન એન્ડરસન એક સામાન્ય માનવી હતો અને તે એક શ્રીમંત વૃદ્ધ મહિલાને જતાં જોઈ રહ્યો.
એ જ સાંજે એ વૃદ્ધ મહિલા શહેરના એક નાનકડા કાફે પાસે ઊભી રહી. એ બહુ નાની  અને સામાન્ય રેસ્ટોરાં હતી. એ વૃદ્ધા એ કાફેમાં ગઈ. એણે ભોજન અને કોફીનો ઓર્ડર કરવા એક વેઇટ્રેસને બોલાવી. એક મહિલા વેઇટ્રેસ તેની પાસે આવી. તે વેઇટ્રેસ સગર્ભા લાગતી હતી. લાગતું હતું કે તેને આઠમો મહિનો હશે છતાં તે આર્થિક ઉપાર્જન માટે ફરજ બજાવતી હતી. વેઇટ્રેસે તેને સ્મિત  આપ્યું. વૃદ્ધાને લાગ્યું કે, સગર્ભા  વેઇટ્રેસ આખો દિવસ કામ કરીને થાકી ગઈ  છે. કદાચ આખો દિવસ એ ઊભી રહીને જ ફરજ બજાવતી હશે એ જ વખતે તેને હાઈવે પર કારનું ટાયર બદલવામાં મદદ કરનાર બ્રાયન એન્ડરસનની વાત યાદ આવી કે કોઈ અજાણી વ્યક્તિ કે જેને મદદની જરૂર હોય તેને મદદ કરજો. લેડી વેઇટ્રેસે તેને ભોજન અને કોફી આપ્યાં. સાંજનું ભોજન પતાવી લીધા બાદ એણે બિલ મંગાવ્યું. બિલ તો માત્ર દસ જ ડોલરનું હતું પરંતુ વૃદ્ધ મહિલાએ બિલની ઉપર ૧૦૦ ડોલરની નોટ મૂકી અને તે પછી તે જતી રહી.
એ દરમિયાન વેઇટ્રેસ તેનાં વસ્ત્રો બદલવા ગઈ હતી.  બિલની રકમ પાછી લેવા આવી  ત્યારે ટેબલ પર વૃદ્ધ મહિલા નહોતી. એણે ટેબલ પર પડેલા નેપ્કિન પર એ વૃદ્ધાએ લખેલી નોંધ વાંચી.
તેમાં લખ્યું હતું : ‘મારે તમારી પાસેથી કાંઈ જ લેવાની જરૂર રહેતી નથી.  પરંતુ બીજીવાર કોઈને કોઈ મદદની જરૂર હોય તો તેને જરૂરી મદદ કરજો. મદદ અને પ્રેમની આ ચેઇન ચાલુ રાખજો.’
સૌથી મોટું આૃર્ય એ વાતનું હતું કે  એ નેપ્કિનની નીચે બીજા ૪૦૦ ડોલરની નોટસ મૂકેલી હતી.
એ રાત્રે વેઇટ્રેસ એના ઘેર ગઈ. એ સતત એને પ્રેગ્નેન્સી વખતે જ્યારે પૈસાની જરૂર હતી એ જ વખતે મદદ કરનાર એ વૃદ્ધ મહિલા ગ્રાહકને તે યાદ કરતી રહી. એ વિચારતી  રહી કે એ વૃદ્ધાને કેવી રીતે ખબર પડી કે મારે આવા સમયે  પૈસાની જરૂર છે?
એ જાણતી હતી કે હવે ટૂંકમાં એની કૂખે બાળક અવતરવાનું છે અને ઘરમાં પૈસાની જરૂર છે.
એ સગર્ભા મહિલાને એ વાતની પણ ખબર હતી કે ઘરમાં પૈસા નથી તે વાતથી તેનો પતિ પણ ચિંતામાં હતો. અને એ જ વખતે તેને આટલા બધા પૈસા ટીપમાં મળ્યા. આ સારા સમાચાર આપવા તે તેના પતિની નજીક ગઈ અને તેને કિસ કરતાં બોલી : ‘હવે પૈસાની ચિંતા કરવાની જરૂર નથી. હવે બધું જ બરાબર છે. આપણી બેબી આવે તે પહેલાં જરૂરી પૈસાની સગવડ થઈ ગઈ છે. આઇ લવ યુ બ્રાયન એન્ડરસન.’
કેવો જોગાનુજોગ !
જે મહિલાને હાઇવે પર ગરીબ બ્રાયન  એન્ડરસને મદદ કરી હતી એ જ વૃદ્ધ મહિલાએ અજાણે જ બ્રાયન એન્ડરસનની પત્નીને પૈસા આપી મદદ કરી.
એકબીજાને મદદ કરવાની આ ચેઇન ચાલુ રાખો.
આજે આખા વિશ્વની માનવજાત આપદામાં ઘેરાયેલી છે ત્યારે સૌ કોઈની ફરજ છે કે જરૂરિયાતવાળાને મદદ કરે. કોરોના મહામારીનો બીજો તબક્કો ભયાનક સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે ત્યારે ફરી એકવાર અનેક સ્થળે માનવતાનું મંગલ ઝરણું વહેતું જણાય છે. ગુજરાતનાં અમદાવાદ, વડોદરા, સુરત કે રાજકોટ જેવાં શહેરોમાં અનેક સંસ્થાઓ અને લોકો પીડિતોની  વહારે આવ્યા છે.
ઠેકઠેકાણે જરૂરિયાતવાળાઓને ભોજન આપવામાં આવી રહ્યું છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીને દાખલ કરવા બહાર ઊભેલી એમ્બ્યુલન્સ વાનમાં કણસતા દર્દીઓને મદદ કરવા હોસ્પિટલના કંપાઉન્ડમાં અનેક લોકો સ્વૈચ્છાએ મદદરૂપ થતા જણાય છે. કોઈ સંસ્થાઓએ કેટલીક ઓટોરિક્ષાઓ રોકી ‘ઓટોરિક્ષા એમ્બ્યુલન્સ’ સેવા શરૂ કરી છે.  કેટલાંક સામાજિક સંગઠનો હોસ્પિટલો ઊભી કરી રહ્યા છે. કેટલાંક મંદિરો પણ આ પ્રકારના સેવાયજ્ઞામાં જોતરાયા છે. કેટલાંક કોર્પોરેટર હાઉસ પણ દર્દીઓને મદદરૂપ થવા સહાયનો  હાથ લંબાવી રહ્યા છે. કેટલાક લોકો પોતાના જીવનની પરવા કર્યા વિના સ્મશાનગૃહોમાં આવતા મૃતદેહોની અંતિમ ક્રિયા કરવામાં મદદરૂપ થઈ રહ્યા છે.
કોરોના મહામારીના કારણે સ્વૈચ્છિક રક્તદાનની પ્રક્રિયા ધીમી પડી ગઈ છે.  થેલિસિમિયાથી પીડાતા બાળકોને રક્તની જરૂર છે. આ સેવા માટે પણ લોકો આગળ આવે તે જરૂરી છે.
કહેવાયું છે કે માનવસેવા એ જ પ્રભુસેવા છે.
કોઈને મદદ કરો તો બદલાની અપેક્ષા ના રાખો. ઇશ્વર બધું જ જુએ છે. આફ્રિકાના નૈરોબીમાં રહેતા મૂળ કચ્છના કાંતિભાઈ પિંડોરિયા વર્ષોથી દક્ષિણ ગુજરાતના ધરમપુરના જંગલોમાં વસતા ૫૦૦ જેટલાં આદિવાસી પરિવારોને દર મહિને એક મહિનો ચાલે તેટલું અનાજ વિતરણ કરે છે. કેરાલામાં મંદબુદ્ધિથી પીડાતા બાળકોની સારવાર અને સંવર્ધન માટે તેમણે પુષ્કળ દાન કર્યું છે પરંતુ ક્યાંય પણ પોતાનું નામ લખાવતા નથી. નોંધપાત્ર વાત એ છે કે કેરાલામાં ‘લવ શોર’ નામની મંદબુદ્ધિના બાળકો માટેની સંસ્થાના બધા જ ટ્રસ્ટીઓ મુસ્લિમ છે અને એ ટ્રસ્ટને પુષ્કળ સહાય કરનાર આ દાતા હિન્દુ સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગી છે.
કેવી સુંદર ભાવના.
આજની આ કથાનો સંદેશ એટલો જ છે કે રોજ એક અજાણી વ્યક્તિના ચહેરા પર ખુશી લાવો. ઈશ્વર રાજી થશે..
દેવેન્દ્ર પટેલ.

Be Sociable, Share!