Close

પપ્પા, હું સિદ્ધાંત પર જીવનારી સ્ત્રી છું, તમે મારી ચિંતા ના કરો

કભી કભી | Comments Off on પપ્પા, હું સિદ્ધાંત પર જીવનારી સ્ત્રી છું, તમે મારી ચિંતા ના કરો

 

kajal“કાજલ અમારી દીકરી હતી” એક પિતા ધ્રૂજતા અવાજે વાત શરૂ કરે છે. તેઓ કહે છે : ”એક માત્ર હું જ આખા જગતમાં પુત્રીનો બાપ નથી. આખી દુનિયા દીકરીઓના પિતાઓથી ભરેલી છે, પરંતુ એક દીકરીના પિતા તરીકે મેં જે દુઃખ સહન કર્યું છે તેવું કોઈએ સહન કર્યું નહીં હોય. કાજલ અમારી એકમાત્ર પુત્રી હતી. તે સુંદર હતી, સમજદાર હતી અને સંસ્કારી પણ હતી. લાગણીશીલ પણ હતી. અમારી મર્યાદિત આવકને તે જાણતી હોઈ સાદગીથી રહેતી હતી. એ ખૂબ ખંતથી ભણી. એમ.એ. થઈ. એને સુંદર નોકરી પણ મળી ગઈ. નોકરી મળતાં જ અમે કાજલ માટે સારો છોકરો શોધવા લાગ્યા.

થોડા જ સમયમાં એક સુંદર છોકરો પણ મળી ગયો. કાજલને પણ તે યુવાન ગમી ગયો. બંનેએ એકબીજાને પસંદ કર્યા. મેં મારી હેસિયતથી વધુ ખર્ચ કરીને દીકરીને પરણાવી. કાજલનાં સાસરિયાંઓએ પણ અમારી પાસે કાંઈ માગ્યું નહીં, પરંતુ હું તો દીકરીનો બાપ હતો. મેં અમારી વહાલી દીકરીને ખૂબ ઘરેણાં, કપડાંલત્તાં તથા ઘરવખરીનો સામાન આપી વિદાય કરી.

લગ્ન થયા બાદ પણ કાજલે નોકરી ચાલુ રાખી. કાજલનો પતિ પણ એક ઉચ્ચ હોદ્દા પર સારી નોકરી કરતો હતો. બેઉ જણ સારું કમાતા હતા. પહેલું વર્ષ તો સારી રીતે વીતી ગયું. બંને ખુશ હતા. એક દિવસ અચાનક કાજલના પતિને કોણ જાણે શું સૂઝયું કે તેણે નોકરીમાંથી રાજીનામું આપી દીધું. કાજલે પૂછયું કે, ”નોકરી કેમ છોડી દીધી ?”

તો એના પતિએ કહ્યું, ”નોકરી કરીને શું કમાવાનું? હું ધંધો કરવા માગું છું. ધંધો કર્યા વિના કરોડપતિ થવાય નહીં.”

”ધંધો કરવા તો મૂડી જોઈશે ને ? તે ક્યાંથી લાવશો ?” કાજલે પૂછયું.

એના પતિએ જવાબ આપ્યો : ”તારા પપ્પા આપણને મદદ નહીં કરે ? આમેય તેમને બીજા કોઈ છોકરાં-છોકરી છે જ નહીં. તો એમની પાસે જે છે આપણું જ છે ને ?”

કાજલને તેના પતિની વાત કરવાની પદ્ધતિ ગમી નહીં, પરંતુ તેનો પતિ સાસરિયાં તેને મદદ કરે તે માટે મક્કમ હતો. એણે કાજલને કહ્યું : ”તું તારા પપ્પા પાસે જા અને મને રૂ. ૫૦ લાખની મદદ કરે તે માટે કહી દે.”

હવે પતિનો સૂર આદેશાત્મક હતો. કાજલે પણ મક્કમતાથી કહ્યું : ”હું મારા મમ્મી-પપ્પા પાસે એક કોડી પણ નહીં માગું. તમારી માગણી એક પ્રકારની દહેજ છે. દહેજ આપવું અને લેવું તે ગેરકાનૂની છે અને મારા પપ્પા પાસે એવી મોટી રકમનું કોઈ બેન્ક બેલેન્સ પણ નથી. એમની પાસે જે કોઈ થોડી ઘણી રકમની બચત છે તે તેમના ઘડપણ માટે છે !”

પણ એના પતિએ કાજલને પૈસા લેવા જવા હુકમ જ કરી દીધો. કાજલે કહ્યું : ”આપણે બંને જે કાંઈ કમાઈએ છીએ તેથી આપણી જિંદગી સારી રીતેચાલે જ છે ને ! પછી ધંધો શા માટે કરવો છે ?”

કાજલના પતિના મગજમાં કરોડપતિ બનવાનું ભૂત સવાર હતું. બીજી તરફ કાજલ પિતા પાસે પૈસા માગવા તૈયાર નહોતી. પતિ-પત્ની વચ્ચે ખટાશ આવી ગઈ. બંને વચ્ચે તિરાડ ઊભી થઈ. પ્રેમ તો હવે ખતમ થઈ ગયો. ઊલટું કડવાશ ઊભી થઈ. એક દિવસ તો એના પતિએ કાજલના ગાલ પર તમાચો ફટકારી દીધો. કાજલ ખૂબ રડી પણ એણે એ વાત કોઈને કહી નથી. તે દિવસ પછી તે રોજ માર ખાતી રહી. એક વાર તો એના દાંતમાંથી લોહી નીકળી આવ્યું.

પિતા કહે છે : ”એક દિવસ કોઈ પડોશીએ અમારું ધ્યાન દોર્યું કે અમારી દીકરી કાજલ એના ઘરે એકલી એકલી રડી રહી છે. તેને રોજ માર મારવામાં આવે છે. અમે કાજલના ઘરે પહોંચ્યા. તે અમને બાઝી પડી. રડી પડી. અમે એને ખૂબ પૂછયું છતાં તે કાંઈ બોલી નહીં. તેના સાસરિયાંની પરવાનગી લઈ અમે થોડા દિવસો માટે અમારા ઘરે લઈ આવ્યા. ખૂબ સોગંધ આપીને પૂછયું તો કાજલે કહ્યું : ”પપ્પા, તેઓ ૫૦ લાખ રૂપિયા માગે છે. મને કહે છે કે તું તારા પપ્પા પાસેથી લઈ આવ.”

અમે સ્તબ્ધ થઈ ગયા. એટલી મોટી રકમ તો અમારી પાસે હતી નહીં. અમે ચિંતામાં પડી ગયા. કાજલે કહ્યું : ”પપ્પા, તમે ચિંતા ના કરો. હું સાસરે પાછી જઈશ. બધાં જ દુઃખો સહન કરીશ. મારે તમારી પાસેથી એક રૂપિયો પણ લેવો નથી. થોડા વખત બાદ બધું ઠીક થઈ જશે.”

કેટલાક દિવસ રોકાયા બાદ અમે કાજલને તેની સાસરીમાં મૂકી આવ્યા, જતાં જતાં કાજલ ફરી બોલી : ”પપ્પા, હું સિદ્ધાંત પર જીવનારી સ્ત્રી છું. તમારે કોઈ જ દહેજ આપવાની જરૂર નથી. તમે મારી ચિંતા કરશો નહીં.”

કાજલને એની સાસરીમાં મૂકીને અમે ઘરે પાછયા આવ્યા, પરંતુ અમને ચેન પડતું નહોતું. રાત્રે ઊંઘ આવતી નહોતી. ખાવાનું પણ ભાવતું નહોતું. એવામાં અમને ખબર પડી કે, અમારી સોસાયટીમાંથી કેટલાંક પરિવારો ઉત્તરાખંડમાં આવેલા કેટલાંક ર્ધાિમક સ્થળોએ યાત્રા માટે જઈ રહ્યા છે. અમે પણ અમારું નામ નોંધાવી દીધું. પૈસા ભરી દીધા. એક લક્ઝરી બસમાં બધા યાત્રાએ જવા નીકળ્યા, પરંતુ મનને શાંતિ પ્રાપ્ત થતી નહોતી.

રસ્તામાં મારી પત્નીએ મને કહ્યું : ”આપણી પાસે દીકરી સિવાય બીજું છે પણ શું ? એનું સુખ એ જ આપણું સુખ. આપણે કાંઈ કરવું જોઈએ.”

મેં કહ્યું : ”તારી વાત સાચી છે. બોલ શું કરવું જોઈએ ?”

એણે કહ્યું : ”જો તમને વાંધો ના હોય તો એક વાત કરું ?”

”હા કર ને !”

એણે કહ્યું : ”આપણી પાસે રોકડા રૂપિયા તો બહુ છે નહીં પણ આપણી પાસે વડીલોર્પાિજત જમીન છે ને ! એ જમીન સડકના કિનારે છે. વળી અત્યારે જમીનોના ભાવ ઊંચા છે. એમાંથી જમાઈને જોઈએ એટલી રકમ તો મળી જ જશે.”

મેં થોડુંક વિચારીને કહ્યું : ”તારી વાત મંજૂર છે. આપણું જે થવાનું હોય તે થાય, પણ દીકરીના સુખનો આપણે વિચાર કરવો જોઈએ.હું આપણી જમીન વેચવા તૈયાર છું. તેમાંથી પચાસેક લાખ તો મળી જશે. એ રકમ કાજલને આપી દઈએ. આપણી પાસે કાંઈ નહીં તો પણ ભગવાન તો છે ને આપણો ?”

મારી વાત સાંભળી મારી પત્નીને સંતોષ થયો. યાત્રા પતે એટલે ઘરે પાછા જઈ અમારી જમીન વેચી નાખવા નિર્ણય કરી લીધો. અમારા આ નિર્ણયથી અમે બંનેએ શાંતિ અનુભવી.

અમારી યાત્રા આગળ વધતી રહી. યાત્રા પૂરી થાય તેની અમે રાહ જોવા લાગ્યા. તે દરમિયાન ઉત્તરાખંડમાં ભયંકર પૂર આવ્યું અને બધા ફસાઈ ગયા. કુદરતે એવું તાંડવ મચાવ્યું કે જાણે કોઈ જીવિત રહેશે જ નહીં, પરંતુ લશ્કરના જવાનોએ અમને બધાંને બચાવી લીધાં. અમે બધાં યાત્રાળુઓ મોતના મોંમાંથી બહાર આવ્યાં.

માંડ માંડ અમે પાછા આવ્યા.

આવતા જ અમે કાજલને ફોન લગાવ્યો. અમે તેને જાણ કરવા માગતા હતા કે અમે જમીન વેચી દઈ એમાંથી જે રકમ આવે તે તને મોકલી આપવા માગણીએ છીએ. પરંતુ કાજલનો ફોન સ્વિચ ઓફ આવતો હતો. અમને પડોશીઓ દ્વારા કહેવામાં આવ્યું કે, કાજલ હવે આ દુનિયામાં નથી.

અમે સ્તબ્ધ થઈ ગયા.

અમે કાજલની સાસરી પહોંચ્યા. કાજલના સાસરિયાંઓએ કહ્યું કે ”કાજલને તાવ આવ્યો ને તે મૃત્યુ પામી. એના અંતિમ સંસ્કાર પણ અમે કરી દીધા છે.”

અમે આઘાતમાં સરી પડયા. મારી પત્ની તો બેહોશ થઈ ગઈ. તે ભાનમાં આવી ત્યારે તેને લકવો થઈ ગયો હતો. અમારી દીકરી તંદુરસ્ત હતી. મનોબળની પણ મજબૂત હતી. તે આપઘાત કરે તેવી નહોતી. સહેજ તાવ આવ્યો ને મરી ગઈ- એ વાત અમારા ગળે ઊતરતી નહોતી. પડોશીઓ પાસેથી જાણવા મળ્યું કે કાજલને મૃત્યુ પામી છે તેવી જાહેરાત કરવામાં આવી તેની આગલી રાત્રે કાજલની ચીસો સંભળાતી હતી. શાયદ તેની પર જુલમ થઈ રહ્યો હતો. તેને હેરાન-પરેશાન કરવામાં આવી રહી હતી. અમને શક થયો કે કાજલની હત્યા કરી તેના મોતને કુદરતી મોતમાં ખપાવી દેવામાં આવ્યું હતું, પરંતુ હવે તો તેના અગ્નિ સંસ્કાર પણ થઈ ચૂક્યા હતા.

મેં પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે, પરંતુ પોલીસ કહે છે : ”પુરાવા લાવો.”

હવે કાજલનો મૃતદેહ જ નથી તો પુરાવા ક્યાંથી લાવવા ?

વાત પુરાવા પૂરી કરતાં કાજલના પિતા કહે છે : ”આજે મને લાગે છે કે આ દેશમાં એક દીકરીના પિતા હોવું તે જાણે કે સમાજનો ગુનો છે. ખરેખર પુત્રી પરાઈ જ હોય છે. સમાજનો કાનૂનનો ડર નથી. ડર હોત તો મારી દીકરીનું આવું મોત નીપજત નહીં.

અને તેમનો સ્વર ભીંજાય છે. આંખ લૂછતા લૂછતા તેમની વાત પૂરી કરે છે. આ કથા મહારાષ્ટ્રમાં રહેતા પરિવારની છે.

– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!