Close

પહેલી મિલનાં યંત્રો ખંભાતથી બળદગાડામાં લાવવામાં આવ્યાં

કભી કભી | Comments Off on પહેલી મિલનાં યંત્રો ખંભાતથી બળદગાડામાં લાવવામાં આવ્યાં

આકથા રાવબહાદુર રણછોડલાલ છોટાલાલ સી.આઈ.ઈ.ની છે. તેઓ ગુજરાતમાં પહેલી કાપડની મિલ ઊભી કરનાર ઉદ્યોગપતિ હતા. અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ પણ હતા. તેમનું જીવનચરિત્ર ભગવાનલાલ રણછોડલાલ બાદશાહે આલેખેલું છે. ઇ.સ. ૧૮૯૯ની સાલમાં તેમનું જીવનચરિત્ર મુંબઈમાં છપાયું હતું.

અમદાવાદ શહેરની સિકલ બદલી નાખનાર રાવબહાદુર રણછોડલાલ છોટાલાલ સી.આઈ.ઈનો જન્મ તા. ૨૯ એપ્રિલ ૧૮૨૩ના રોજ અમદાવાદમાં ગોલવાડ પાસેની ભાણ સદાવ્રતની પોળમાં થયો હતો. તેમના ઘરનો નંબર ૧૮૮ હતો. તેઓ સાઠોદરા નાગર બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યા હતા. તેમના પિતાનું નામ છોટાલાલ હતું. ‘રાવબહાદુર’ તેમને અંગ્રેજોએ આપેલો ઇલ્કાબ હતો.

રણછોડલાલના લગ્ન એ વખતની સામાજિક પ્રણાલિકા પ્રમાણે ખૂબ નાની વયમાં થયો હતો. પણ લગ્ન બડી ધામધૂમથી  થયાં હતાં. વરઘોડામાં હાથી અને આરબ હતા. ચાર દિવસ ભોજન સમારંભ ચાલ્યો હતો. એક ને એક મહેમાનને સવારે અને સાંજે જમાડે તેને  શિરોમણિ કહે છે. એ પ્રસંગે ચાર દિવસ શિરોમણિ ચાલી હતી. જમ્યા પછી બધાને પાન સોપારી અપાતી હતી.

રણછોડલાલના વિવાહ થયા બાદ એ પરિવાર સદાવ્રતની પોતાનું ઘર છોડી વેવાઇની પોળ એટલે કે દેસાઇની પોળમાં ઘર લીધું હતું.

એ વખતે આખા શહેરમાં પણ પ્રતિષ્ઠિત ખાનગી શાળાઓ હતી. શાળાઓની અછત હતી. તેમાં તૂળજારામ  મહેતાની શાળા સૌથી પ્રતિષ્ઠિત  ગણાતી. રણછોડલાલને છ વર્ષની વયે જ એ સ્કૂલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એ નિશાળ તે વખતે રાયપુરમાં હવેલીની પોળ આગળ રાવબહાદુર મગનભાઈ કરમચંદવાળી કન્યાશાળા છે તેની પાસે આવેલા ડેલામાં એ સ્કૂલ હતી.

એ વખતે એવું કહેવાતું કે તૂળજારામ મહેતાની હાથ નીચે ભણેલો કોઈ પણ વિદ્યાર્થી ભાગ્યે જ નાગો-ભૂખ્યો રહેતો. બાળકો પર તેમને અત્યંત પ્રેમ હતો. તેઓ સ્વયં વિસનગરા નાગર હતા.

રાવબહાદુર રણછોડલાલે પણ આ જ સ્કૂલમાં અભ્યાસ કર્યો. આૃર્યની વાત એ છે કે તેમણે ૧૦ વર્ષની વયે જ ફારસી ભાષાનો અભ્યાસ કર્યો. તે પછી અંગ્રેજી ભાષા પણ શીખ્યા. તે વખતે  રણછોડલાલની ઉંમર ૧૪ વર્ષની હતી. એ વખતે શહેરમાં અંગ્રેજી ભાષા શીખવતી કોઈ નિશાળ નહોતી. પરંતુ પૂનાથી એક ભાઈ કે જે અમદાવાદ આવ્યો હતો. તેણે અંગ્રેજી શાળા શરૂ કરી હતી. તે પછી ડી. ક્લોઝા નામના એક પોર્ટુગ્રીઝે અમદાવાદમાં સબસ્ક્રિપ્શન સ્કૂલ શરૂ કરી અને રણછોડલાલ ત્યાં ભણવા જવા લાગ્યા. તેમના પિતા છોટાલાલ ઘણા પવિત્ર અને ધાર્મિક વૃત્તિના માણસ હતા.

૧૮૪૨માં રણછોડલાલે ૨૦ વર્ષની વયે સરકારી નોકરી સ્વીકારી. કસ્ટમ ખાતામાં એમની પ્રથમ નોકરી અને મહિનાનો પગાર રૂ. ૧૫. તેમની તેજસ્વિતાની અસર ઉપરી અમલદારો પર પડી. એ વખતના અંગ્રેજ પોલિટિક્સ એજન્ટ માન્સ ફિલુ તેમની કામગીરીથી પ્રભાવિત હતા. પરંતુ સમય જતાં તેમણે નોકરી છોડી દીધી. નોકરીની તેમને આમેય જરૂર નહોતી. તેઓ ઘરના સુખી હતા. રણછોડલાલ અખૂટ કલ્પનાશક્તિ અને સ્વપ્નગ્ષ્ટા ધરાવતા માનવી હતા. સારો હોદ્દો છતાં તેમણે નોકરી છોડી હતી. આસિ. પોલિટિક્સ એજન્ટ જેવી નોકરી તેમને બંધનરૂપ લાગતી હતી. નોકરી દરમિયાન તેમને વિચાર આવ્યો કે નોકરી કરવા કરતાં વેપાર-ધંધો કરવો સારો.

પહેલી નજર તેમની ખાંડના કારખાના બનાવવા તરફ ગઈ. પછી તેમને વિચાર આવ્યો કે બધો આધાર શેરડી પર રાખવો પડે અને શેરડી બારેમાસ મળે નહીં. ત્યારપછી વિલાયતથી ભારત આવતા કાપડ પર તેમનું ધ્યાન ગયું. એમને લાગ્યું કે વિલાયત (બ્રિટન)માં રૂ પાકતું નથી અને એ લોકો જે કાપડ બનાવે છે તે તો ભારતમાં પાકતા રૂમાંથી બનાવે છે. વળી, વિલાયતથી ભારત સુધી કાપડ મોકલી અંગ્રેજો નફો રળે છે. તો ભારતના રૂનો ભારતમાં જ ઉપયોગ કરીને ભારતમાં કેમ કાપડ બનાવવું નહીં ? ભારતમાં જ કાપડની મિલ બનાવવાનો પહેલો વિચાર રણછોડલાલને આવ્યો.

મૂળ ‘કાર્પ સમ’ નામના સંસ્કૃત શબ્દ પરથી ‘કપાસ’ શબ્દ બન્યો. મરાઠીમાં ‘કાપૂસ’ કહે છે. કપાસને અંગ્રેજીમાં ‘કોટન’ કહે છે અને તે શબ્દ પણ મૂળ અરબી ભાષાનો શબ્દ ‘કૃત્મ’નો અપભ્રંશ છે. ઇતિહાસ એવો છે કે, હજારો વર્ષ પહેલાં એશિયાના વેપારી કાફલાઓ બસરા અને મદીના સુધી સફર કરતા. ત્યાંથી પેરુ ઇજિપ્ત સુધી જતા. ઇસ્થરના પુસ્તકમાં એવો ઉલ્લેખ છે કે ઇસ્થરના રાણીના શ્વેત અને આસમાની વસ્ત્રો દરેક પ્રકારે હિન્દુસ્તાનમાં બનેલા છે. આ પુસ્તકમાં કપાસ માટે ‘કપાસ’ શબ્દ વાપરેલો છે. મહાભારત અને રામાયણના કાળમાં પણ ભારતમાં સુતરાઉ અને રેશમી વસ્ત્રો બનાવવાનો હુન્નર હતો. આર્યનારીઓ સ્વયંવર વખતે કે વિવાહ વખતે આવા કિંમતી વસ્ત્રો પહેરતી. કપડાં વણવાનો હુન્નર હિન્દુસ્તાનમાંથી ઇજિપ્ત અને આસિરિયા સુધી પહોંચ્યો હતો. કાપડ ગાડા ભરીને ઠેઠ સિહાડી પર્વતના મથાળાથી પૂર્વ તરફ દક્ષિણ હિન્દુસ્તાન થઈ પૈઠણ જતું. ત્યાંથી સાગર તરફ જતું. કહેવાય છે કે ઇજિપ્ત અને હિન્દુસ્તાનનું કાપડ જોઈને ઉનનાં કપડાં બનાવવાનો પ્રયત્ન ૧૩માં સૈકામાં ઇટાલીના લોકોએ કર્યો. ભારતમાં અંગ્રેજોએ ઇસ્ટ ઇન્ડિયા  કંપની ઊભી કરી અને તેના દ્વારા ભારતના રૂમાંથી ઇંગ્લેન્ડમાં બનતું કાપડ ભારત આવવા લાગ્યું. એ વખતે ઢાકા પણ વણાટકામનું મોટું કેન્દ્ર હતું અને ઢાકાની મલમલ જાણીતી હતી. એ જમાનામાં ઢાકાની મલમલના એક વાર કપડાની કિંમત એક પાઉન્ડ હતી.

આ સમયગાળામાં મુંબઈ અને ગુજરાતના શેઠિયાઓના મનમાં વિચાર આવ્યો કે, ભારતનું રૂ ભારતથી સાતથી આઠ હજાર માઇલ દૂર આવેલા ઇંગ્લેન્ડ સુધી જાય છે, ત્યાં કાપડ બની પાછું આવે છે, તેની પર વેપારીઓનો નફો ચઢે છે. છતાં માન્ચેસ્ટરની મિલો કમાય છે તો ભારતમાં જ એવા કારખાના કેમ નહીં ? આ વિચારધારાના આધારે રાવબહાદુર રણછોડલાલ છોટાલાલે ૧૮૪૭ની સાલમાં એટલે કે ભારતની આઝાદીના પણ ૧૦૦ વર્ષ પહેલાં અમદાવાદ શહેરમાં સૂતર કાંતવાનું કારખાનું નાખવાનો વિચાર કર્યો. પણ મશીનરી લાવવી ક્યાંથી ? મેજર ફુલ જેમ્સ નામના એક અંગ્રેજ તેમના પરિચયમાં આવ્યા. આ બાબતમાં તેમણે જરૂરી માર્ગદર્શન આપ્યું.

કેટલાક સમય બાદ શરૂઆતમાં ભરૂચમાં સૂતરનો ચરખો-યંત્રો શરૂ થયાં. તેમાં ૧૭૦૦ ત્રાકો હતી. એ પછી મુંબઈમાં શેઠ કાવસજી દાવર નામના એક સાહસિકે ૧૮૫૬માં સૂતર કાંતવાના અને વણવાનાં યંત્રો નાખ્યાં.

એ કંપનીનું નામ ‘બોમ્બે સ્પિનિંગ એન્ડ વિવિંગ કંપની’ રાખ્યું હતું. એ કંપનીનું ભંડોળ રૂ. ૫ લાખ હતું તે માટે પાંચ હજારનો એક એમ સો શેર કાઢયા હતા. તેમની સફળતા જોઈ બીજા શેઠિયાઓને પણ એ ધંધા તરફ આકર્ષણ થયું. ૧૮૫૬માં મુંબઈમાં બીજી એક કંપની ૨૦ લાખ રૂપિયાની ભંડોળથી શરૂ થઈ. જેનું નામ હતું. ‘ઓરિયેન્ટલ સ્પિનિંગ એન્ડ વિવિંગ કંપની’ તે પછી અમદાવાદ રાવબહાદુર રણછોડલાલ છોટાલાલે ૧૮૫૯માં ‘અમદાવાદ સ્પિનિંગ એન્ડ વિવિંગ મિલ’ કંપની ઊભી કરી. તેમની મિલ ૧૮૫૯માં શરૂ થઈ. ઇંગ્લેન્ડમાં રહેતા દાદાભાઈ નવરોજજી મારફતે ઇંગ્લેન્ડથી ૨૫૦૦ ત્રાકોના સંચા/યંત્રો મંગાવ્યાં. તેઓ આડતીયા હતા. ઇંગ્લેન્ડથી કાપડની મિલ માટેની મશીનરી દરિયામાર્ગે ખંભાત આવી અને તે વખતે ટ્રેન ના હોઈ હોડીઓ મારફતે એ યંત્રો ખંભાતના બારામાં લાવી તે યંત્રો ગાડાઓમાં ભરી અમદાવાદ લાવવામાં આવ્યાં. એમાંયે ઇંગ્લેન્ડથી મંગાવાયેલાં યંત્રો એક વાર તો દરિયામાં ડૂબી ગયાં હતાં અને ત્યાંથી આવેલો અંગ્રેજ ટેક્નિશિયન કોલેરાથી મૃત્યુ પામ્યો.

છેવટે ૧૮૬૧માં રાવબહાદુર રણછોડલાલ છોટાલાલે નાખેલી પહેલી કાપડની મિલ અમદાવાદમાં શરૂ થઈ. શરૂઆતમાં તેમની કંપનીનું શેરભંડોળ ૧ લાખ રૂપિયાનું હતું અને રૂ. ૫૦૦૦નો એક એવા ૨૦ શેર કાઢયા હતા. એમના કારખાનામાં શરૂઆતમાં ૬૩ માણસ કામે લાગ્યા હતા. તેમાંથી બે શેર રાવબહાદુર રણછોડલાલે પોતાની પાસે રાખ્યા હતા. તેમના ઉપરાંત બીજા શેર રાવબહાદુર મગનભાઈ કરમચંદ,  શેઠ હઠીસિંગ કેસરીસિંગ, રાઇટ વાઇટ સાહેબ અને રા.બ. પ્રેમાભાઈ હીમાભાઈ પાસે હતા. સૂતરના વેચાણની પેદાશ પર અઢી ટકા કમિશન આપવાનો ઠરાવ કરાયો હતો. કારખાનું જામતા તેનું ભંડોળ વધારીને રૂ. ૩,૨૭,૦૦૦નું કરાયું  અને એક શેર રૂ. ૧,૦૦૦નો કરવામાં આવ્યો હતો. આ કંપનીએ ખૂબ જ ફાયદો કર્યો. થોડા સમયમાં રૂ. ૧,૦૦૦ના શેરની કિંમત રૂ. ૧,૭૦૦ થઈ ગઈ હતી. સમગ્ર દેશમાં અમદાવાદની આ મિલ આખા દેશમાં જાણીતી બની ગઈ. ભાગીદારો પણ ખૂબ કમાયા. આ સફળતાના યશના ખરા અધિકારી રાવબહાદુર રણછોડલાલ છોટાલાલ હતા.

આ ધંધામાં મળેલી જબરદસ્ત સફળતા બાદ તેમણે પોતાનું એક સ્વતંત્ર કારખાનું- મિલ નાખવા વિચાર્યું. ૧૮૭૭ની સાલમાં અમદાવાદમાં સારંગપુર દરવાજા બહાર બીજી એક જિનિંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ કંપની શરૂ કરી. તે પણ કાપડની મિલ જ હતી. તેમાં ૪,૨૦૦ જેટલી ત્રાકો અને ૮૭૫ સાળો હતો. આ મિલ તેમના પુત્ર માધવલાલના નામથી શરૂ કરી હતી. તેનો વહીવટ પણ માધવલાલ જ કરતા હતા. અહીં ધોતિયાં, ચાદરો, રૂમાલ અને માદરપાટ જેવું કાપડ બનતું હતું. રેશમી કોરના ધોતિયાં પણ અહીં બનવા લાગ્યાં હતાં. આ કંપનીનો વહીવટ પાવરધા રાવબહાદુર રણછોડલાલના પૌત્ર ચિનુભાઈએ સંભાળ્યો હતો.

દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!