Close

પાકિસ્તાનમાં પહેલી હિંદુ દલિત યુવતી સેનેટર બની

કભી કભી | Comments Off on પાકિસ્તાનમાં પહેલી હિંદુ દલિત યુવતી સેનેટર બની

કૃષ્ણા કુમારી કોહલી.

તેઓ પાકિસ્તાનનાં પહેલાં હિંદુ-દલિત સેનેટર છે. તેઓ પાકિસ્તાનની સેનેટમાં ચૂંટાયાં છે.

કૃષ્ણા કુમારીનો જન્મ તા. ૧લી ફેબ્રુઆરી, ૧૯૭૯ના રોજ પાકિસ્તાનના નગરપારકર વિસ્તારના એક ગરીબ પરિવારમાં થયો હતો. તેમનું નીકનેમ- ‘કીશુ બાઈ’ પણ છે. માર્ચ, ૨૦૧૮માં તેઓ પાકિસ્તાનનાં પહેલાં સેનેટર બન્યાં.

કૃષ્ણા કુમારી કોહલી જ્યારે પાકિસ્તાનની સેનેટમાં ચૂંટાયાં ત્યારે ત્યાંના સોશિયલ મીડિયામાં છવાઇ ગયાં હતાં. પાકિસ્તાનમાં હિંદુ-દલિત સમાજ પાકિસ્તાનનો લઘુમતી વર્ગ ગણાય છે. કારણ કે ત્યાં હિંદુઓની વસતી અલ્પ છે અને તેમાંયે કૃષ્ણા કુમારી છેવડાના હિંદુ-દલિત પરિવારમાંથી આવે છે. પાકિસ્તાનની પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ તેમને ટિકિટ આપી હતી. તેઓ પાકિસ્તાનનાં પહેલાં હિંદુ-દલિત સેનેટર બન્યાં. તેમની પહેલાં રત્ના ભગવાનદાસ ચાવલા પાકિસ્તાનના પહેલા હિંદુ સેનેટર બન્યા હતા.

પાકિસ્તાનમાં ૩૯ લાખ હિંદુઓની વસતી છે, જે પાકિસ્તાનની કુલ વસતીનો બે ટકા ભાગ જ છે. પાકિસ્તાનમાં વસતા હિંદુ પરિવારો લાંબા સમયથી આર્થિક અને સામાજિક ભેદભાવનો ભોગ બનેલા છે. આ પરિપ્રેક્ષ્યમાં સિંધ પ્રાંતની એક અનામત બેઠક પર કૃષ્ણા કુમારીની જીતનું મહત્ત્વ વધી જાય છે. એટલું જ નહીં, પરંતુ પાકિસ્તાનની હિંદુ લઘુમતી માટે આ વિજય એક સીમાચિહ્ન છે. આ અગાઉ પણ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ જ હિંદુ મહિલા રત્ના ભગવાનદાસ ચાવલાને પાકિસ્તાનની સાંસદ માટે ટિકિટ આપી હતી.

એમ કહેવાય છે કે વર્ષો પહેલાં કૃષ્ણા કુમારી કોહલીના વડવા રૂપલો કોહલીએ બ્રિટિશરો સામે લડત આપી હતી. ૧૮૫૭માં બ્રિટિશ કોલોનિસ્ટ લશ્કરે જ્યારે સિંધ-નગર પારકર પર હુમલો કર્યો હતો ત્યારે સ્વાતંત્ર્ય સેનાની રૂપલો કોહલીએ બહાદુરીપૂર્વક એ સૈન્યનો સામનો કર્યો હતો. તા. ૨૨ ઓગસ્ટ, ૧૮૫૮ના રોજ અંગ્રેજોની ફોજે તેમની ધરપકડ કરી તેમને ફાંસીએ લટકાવી દીધા હતા.

કૃષ્ણા કુમારી કોહલીના જીવનની વિસ્તૃત કથા આ પ્રમાણે છે :

કૃષ્ણા કુમારીનો જન્મ પાકિસ્તાન સ્થિત સિંધ પ્રાંતના નગર પારકર વિસ્તારમાં આવેલા ઉમરકોટ જિલ્લાના એક નાનકડા ગામમાં થયો હતો. બાળપણથી જ સંઘર્ષ જોયો. માતા-પિતા વેઠિયા મજૂર હતાં. આ વિસ્તારના એક માથાભારે જમીનદારે કૃષ્ણ કુમારીના પરિવારને પૂરા ત્રણ વર્ષ સુધી ગુલામની જેમ પોતાના ઇલાકામાં કેદ રાખ્યાં હતા. એમનાં જેવાં અનેક મજૂર પરિવારો પણ ત્યાં હતાં. આખો દિવસ જમીનદારના ખેતરમાં કામ કરવાનું. તેના બદલામાં બે ટંક ખાવાનું મળતું. બસ એટલું જ. મજૂર કામ ના કરે તો તેને ફટકારવામાં આવતો. એ બધાને ખેતરની અંદર જ એક વસાહતમાં રાખવામાં આવતા. સવારથી સાંજ સુધી એ બધાએ મજૂરી જ કરવાની. બહાર જવાની મનાઈ હતી. કોઇ વેતન અપાતું નહીં.

આ દરમિયાન એક સંસ્થાએ મજૂરોના સંતાનો માટે એક અસ્થાયી સ્કૂલ શરૂ કરી. મજૂર માતા-પિતાની નાનકડી પુત્રી કૃષ્ણા પણ સ્કૂલમાં ભણવા જવા લાગી. એને ભણવાનું બહુ જ ગમતું હતું. શોષણથી આખો દિવસ ખેતરમાં કામ કરીને એનાં માતા-પિતા રાત્રે થાકીને સૂઈ જતાં. એ તો કદી સ્કૂલ ગયાં નહીં. એ તો એમ જ સમજતાં હતાં કે આખી જિંદગી આમ ને આમ જ પસાર થઈ જશે. જમીનદારની સામે થવાની કોઈની હિંમત નહોતી. કોઈ ત્યાંથી ભાગી શકે જ નહીં તેવી જડબેસલાક વ્યવસ્થા હતી. હા, માત્ર બાળકોને ભણવા જવાની છૂટ મળી હતી.

પરંતુ કોઈ એક પરિસ્થિતિ કાયમ હોતી નથી. એક દિવસ અચાનક બધું જ બદલાઇ ગયું. એક દિવસ પોલીસે જમીનદારના કિલ્લેબંધ એસ્ટેટ પર દરોડો પાડયો. કોઈકે આપેલી બાતમીના આધારે પોલીસે આ છાપો માર્યો હતો. પોલીસે બધાં જ વેઠિયા મજૂરોને મુક્ત કરાવ્યાં. જમીનદારને વેઠ વિરોધી કાયદા હેઠળ પકડવામાં આવ્યો. તેની સામે કામ ચાલ્યું અને તેને જેલમાં મોકલવામાં આવ્યો.

એ વખતે કૃષ્ણા ત્રીજા ધોરણમાં ભણતી હતી. વેઠિયા મજૂર તરીકેની ગુલામીમાંથી મુક્તિ મળ્યા બાદ એ પરિવાર બીજા એક ગામમાં રહેવા ચાલ્યું ગયું, પરંતુ ભરણપોષણ માટે મજૂરી કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ પણ નહોતો. તેમનું પોતાનું તો કોઈ ખેતર હતું જ નહીં એટલે બીજાનાં ખેતરોમાં કામ કરવા લાગ્યાં. પરંતુ હવે તેમનું જીવન ઠીકઠાક થયું. કામ કરવાના બદલામાં તેમને વેતન મળવા લાગ્યું. હવે અહીં કોઈ જમીનદારના અત્યાચાર સહેવા પડતા નહોતા. એમને જ્યાં પણ જવું-આવવું હોય તેની આઝાદી હતી. એ વખતે કૃષ્ણા બહુ જ નાની હતી, પરંતુ વેઠિયા મજૂરી કરતાં માતા-પિતાના દર્દને જાણતી હતી. તેથી તે દુઃખી પણ હતી.

કૃષ્ણાએ ફરી ભણવાની જિદ કરી. માતા-પિતાએ કૃષ્ણાની ઇચ્છા અનુસાર નજીકની સ્કૂલમાં તેને પ્રવેશ અપાવ્યો.

આ ૧૯૯૪ની સાલની વાત છે. એ વખતે તે નવમા ધોરણમાં ભણતી હતી. એના મનમાં કાંઈક કરવાની તમન્ના હતી. તે વિચારતી હતી કે ”મારે એવું કાંઈક કરવું જોઈએ કે હું મારા પરિવારને ગરીબીથી આઝાદી અપાવું જેથી મારાં માતા-પિતા એક સારું જીવન જીવી શકે.”

પરંતુ ઘરવાળાઓએ તેના લગ્નનું નક્કી કરી નાખ્યું. એક છોકરો પસંદ કરી દેવાયો. છોકરાનું પરિવાર શિક્ષિત હતું. એ કારણે કૃષ્ણાના પરિવારે કોઈ પણ સંજોગોમાં આ માગું હાથમાંથી જવા ના દેવા નિર્ણય કર્યો. એમનું કહેવું હતું કે, ગરીબીની બાબતમાં તેઓ પુત્રીને વધુ ભણાવી શકે તેમ નથી. પરંતુ કૃષ્ણા તો આગળ ભણવા માગતી હતી. તેણે લગ્નના બદલે ભણવાનો આગ્રહ રાખ્યો પણ ઘરવાળા આગળ તેનું કાંઈ પણ ચાલ્યું નહીં.

કૃષ્ણા ૧૬ વર્ષની હતી અને તેને લાલચંદ નામના એક યુવાન સાથે પરણાવી દેવામાં આવી, પરંતુ તેનું નસીબ સારું હતું. તેનો પતિ અને સાસરિયાં ખુલ્લા વિચારવાળા હતા. સાસરિયાને ખબર પડી કે કૃષ્ણા આગળ ભણવા માગે છે. એમણે તરત જ કૃષ્ણાને સ્કૂલમાં ભણવા જવાની પરવાનગી આપી દીધી.

એ રીતે લગ્ન બાદ પણ કૃષ્ણ આગળ ભણતી રહી. પહેલાં તેણે ૧૦મું ધોરણ પાસ કરી લીધું. તે પછી ધોરણ ૧૨માની પરીક્ષા આપી અને સારા માર્ક્સે પરીક્ષા પાસ કરી લીધી. તેનો આત્મવિશ્વાસ વધતો ગયો. પતિના ઘરનું બધું જ કામકાજ કરીને પરવાર્યા બાદ જ તે ભણવા બેસતી. ૨૦૧૩માં કૃષ્ણાએ સમાજશાસ્ત્રના વિષયમાં સિંધ યુનિવર્સિટી દ્વારા માસ્ટર ડિગ્રી હાંસલ કરી લીધી. ઉચ્ચ શિક્ષણ અને ડિગ્રી બાદ કૃષ્ણા હવે સુશિક્ષિત નારીમાં પરિર્વિતત થઇ ગઈ.

એ જ્યાં રહેતી હતી તે વિસ્તારમાં પીવાના પાણીની ભારે તંગી હતી. એ વિસ્તારની મોટાભાગની સ્ત્રીઓ અશિક્ષિત હતી. ગરીબી અને બેરોજગારીના કારણે એમની જિંદગી બદ્તર હતી. કૃષ્ણાએ મહિલાઓના શિક્ષણની બાબતમાં જાગૃતિ ફેલાવવાની કામગીરી હાથ ધરી.

તે કહે છે : ”મારું બચપણ ગરીબીમાં વીત્યું. મારાં માતા-પિતા વેઠિયા મજૂર હોઇ તેમની પર કરાતા અત્યાચાર મેં મારી આંખે નિહાળ્યા છે. તેથી મારા મનમાં સ્ત્રીઓ માટે કાંઈક કામ કરવાની ઇચ્છા થઈ આવી.”

હવે તે સમાજસેવાના કાર્યમાં જોતરાઈ. તે ગરીબોની વસતીમાં જવા લાગી. ગરીબોની પુત્રીઓને ભણાવવા તેમને સમજાવવા લાગી. તે કહે છે : ”શિક્ષણ દ્વારા જ ગરીબી સામે લડી શકાય છે. આ કામ માટે મને મારા માતા-પિતાનો સાથ-સહકાર અને પ્રેરણા મળ્યા. એ કારણે જ મારું આ અભિયાન આગળ વધ્યું છે.”

આ દરમિયાન પાકિસ્તાનની પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતાઓના તે સંપર્કમાં આવી. કૃષ્ણાને પક્ષની સભ્ય બનાવી દેવાઈ. પાર્ટીના સભ્ય બનતા જ તેને કાર્યકર્તા તરીકેની પહેચાન મળી. તેણે કદીયે રાજનીતિમાં આવવાનું વિચાર્યું નહોતું અને તે અચાનક જાહેર જીવનમાં આવી ગઈ.

૨૦૦૭ની સાલમાં ઇસ્લામાબાદમાં યોજવામાં આવેલા માનવાધિકાર યુવા લીડરશિપ કેમ્પમાં તેને ભાગ લેવાની તક મળી. આ શિબિરમાં તેને પલાયન થઈ જવા માગતા લોકો અને તેમની સમસ્યાઓ સમજવાની તક મળી. તેમના અધિકારો અંગે પણ તેને જાણકારી મળી.

પીપીપી એટલે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ કૃષ્ણાને સેનેટર તરીકે નિમણૂક આપી. માર્ચ મહિનામાં તેઓ પાકિસ્તાનનાં પહેલાં હિંદુ-દલિત સેનેટર બન્યાં. કૃષ્ણા કહે છે : ”લોકો જ્યારે મને પહેલી હિંદુ દલિત સેનેટર કહે છે ત્યારે મને સમાજના છેવાડાના માનવીની સેવા કરવાની દિશામાં આગળ વધવાની પ્રેરણા મળે છે.”

– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!