Close

ફર્ગ્યુસન કોલેજ, પૂણે-જેણે દેશને બે વડા પ્રધાન આપ્યા

કભી કભી | Comments Off on ફર્ગ્યુસન કોલેજ, પૂણે-જેણે દેશને બે વડા પ્રધાન આપ્યા

ફર્ગ્યુસન કોલેજ, પુના.

તેનુ સૂત્ર છે : ”નોલેજ ઈઝ પાવર.”

સાવિત્રીબાઈ ફૂલે પૂણે યુનિવર્સિટી સાથે સંકળાયેલી આ કોલેજની સ્થાપના પણ બ્રિટિશ રાજ દરમિયાન  ઈ.સ. ૧૮૮૫માં થઈ હતી.  તે પૂણેના ફર્ગ્યુસન રોડ પર જ આવેલી છે. તેની સ્થાપના ડેક્કન એજ્યુકેશન સોસાયટી દ્વારા કરવામાં આવી હતી. તેના પહેલા પ્રિન્સિપાલ પ્રો. વામન શિવરામ આપ્ટે હતા.

આ કોલેજનું નામ સ્કોટલેન્ડમાં જન્મેલા બોમ્બેના  ગવર્નર  સર જેમ્સ ફર્ગ્યુસનના નામ સાથે જોડવામાં આવ્યું હતું તેમણે એ વખતે આ કોલેજ ઊભી કરવા માટે રૂ.  ૧,૨૦૦નું  દાન આપ્યું હતું. ૧૯૪૮ પછી તે યુનિવર્સિટી ઓફ પૂણે સાથે  જોડાણ ધરાવે છે.

આ કોલેજનો ઈતિહાસ રસપ્રદ છે. અંગ્રેજો સામેના ૧૮૫૭ના બળવા બાદ ભારતના બુદ્ધિજીવીઓને લાગ્યું કે બ્રિટિશ  સામ્રાજ્યવાદ સામે લડવા માટે દેશમાં જે શિક્ષણ વ્યવસ્થા છે તેનું આધુનિકરણ થવું જોઈએ. એ સમયના પ્રખર રાષ્ટ્રવાદીઓ બાલ ગંગાધર ટિળક, વિષ્ણુશાસ્ત્રી  ચિપલુનકર અને મહાદેવ જોષી જેવાઓએ દેશવાસીઓ માટે એક આધુનિક શૈક્ષણિક સ્કૂલ શરૂ કરવા પ્રયાસ હાથ ધર્યા. એ કારણે પૂણેમાં ‘ધી ન્યૂ ઈંગ્લિશ સ્કૂલ’ શરૂ થઈ.

આ પ્રયાસને સફળતા મળતાં ઈ.સ. ૧૮૮૪માં ડેક્કન એજ્યુકેશન સોસાયટીની રચના થઈ. તેના એક વર્ષ પછી ફર્ગ્યુસન કોલેજની સ્થાપના થઈ. આ કોલેજની  ઈમારત માટે મુથા નદીના કિનારે ભામ્બુર્દે (હવે શિવાજીનગર)ના એક પાટિલ શિરોષે દ્વારા રૂ. ૧ના પ્રતીક ભાડે ૯૯ વર્ષ માટે ૩૭ એકર જમીનનું દાન આપવામાં આવ્યું.

આ કોલેજનું ઉદ્ઘાટન મુંબઈની એલ્ફિસ્ટન કોલેજના એ વખતના પ્રિન્સિપાલ અને જાણીતા કવિના પૌત્ર વિલિયમ વર્ડસવર્થના હાથે થયું. એ વખતના બ્રિટિશર પ્રશાસને આ કોલેજને સ્વાયત્ત રહેવા દેવાની પરવાનગી આપી. બ્રિટિશ રાજે આ કોલેજમાં અપાતા શિક્ષણની બાબતમાં કોઈ દખલગીરી કરી નહીં.

૧૯૩૫માં આ કોલેજે ૫૦ વર્ષ પૂરાં કર્યાં ત્યારે તેના સુવર્ણજયંતી મહોત્સવ વખતે દેશના સુપ્રસિદ્ધ અને નોબેલ પ્રાઈઝ વિજેતા સી. વી. રમન ખાસ અતિથિ તરીકે  હાજર રહ્યા. તેમણે પ્રવચન કરતાં કહ્યું કે ”હું આજે અહીં જ્યારે ઊભો છું ત્યારે પૂનાનો એક આગવો ઈતિહાસ લખાયો છે જેમાં સ્વપ્રયત્નોથી ઊભી થયેલી સંસ્થાનો ઈતિહાસ છે, સ્વાવલંબનનો ઈતિહાસ છે, એક મહાન રાષ્ટ્રીય અને રચનાત્મક કર્મનો ઈતિહાસ છે.”

મહાત્મા ગાંધીજીએ પણ એ પ્રસંગે એક સંદેશો પાઠવી ડેક્કન એજ્યુકેશન સોસાયટીને બિરદાવી હતી.

૧૯૪૭માં આઝાદી મળી તે પછી આ કોલેજની પ્લેટિનમ જ્યુબિલી વખતે દેશના એ વખતના રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદ ખાસ હાજર રહ્યા.

૧૯૮૫માં આ કોલેજે ૧૦૦ વર્ષ પૂરાં કર્યાં ત્યારે એ વખતના વડા પ્રધાન રાજીવ ગાંધીએ સમારંભના પ્રમુખ સ્થાનેથી  સંસ્થાને બિરદાવી.

દેશના ૧૨મા વડા પ્રધાન પી. વી. નરસિંહરાવે કહ્યું કે, ફર્ગ્યુસન કોલેજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના જોડિયા ભાઈની જેમ જન્મી છે. આ કોલેજ દેશ માટે રાજનેતાઓને જન્મ આપ્યો. આ કોલેજે બીજા અનેક વિદ્વાનો,  સંશોધકો,  ખેલાડીઓ અને સેલિબ્રિટીઝ પેદા કર્યા જેના માટે દેશ  ગૌરવ લઈ શકે તેમ છે.

આ કોલેજને ૩૭ એકરર જમીનનું એક રૂપિયાના ટોકન ભાડે દાન મળ્યા બાદ સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે જ તેનું ૬૫ એકરમાં વિસ્તૃતિકરણ કરવામાં આવ્યું. આ કોલેજ જે એક ટેકરી સુધી વિસ્તરેલી છે તે ટેકરી ફર્ગ્યુસન હિલ તરીકે ઓળખાય છે.

ફર્ગ્યુસન કોલેજની ઈમારત વિક્ટોરિયન સ્ટાઈલની છે. કોલેજમાં  ત્રણ માળનું એન. એમ. વાડિયા એમ્ફિ થિયેટર પણ છે અને તે પણ ૧૦૦ વર્ષ પુરાણું. કોલેજની લાઈબ્રેરી ત્રણ લાખ પુસ્તકો ધરાવે છે જેનું નામ ‘બાઈ જેરાભાઈ વાડિયા લાઈબ્રેરી’ છે. આ લાઈબ્રેરી ૧૯૨૯માં જાણીતા ઉદ્યોગપતિ સર કુસરો વાડિયા અને સર નેસ વાડિયા દ્વારા તેમના માતાના નામે બાંધવામાં આવી હતી. આ કોલેજની લાઈબ્રેરીનો પહેલો માળ રિડિંગ હોલ છે  જેમાં એક સાથે ૮૦૦ વિદ્યાર્થીઓ બેસીને વાંચી શકે તેટલી ક્ષમતા છે. તેની ઉપરનો માળ ખૂબ મહત્ત્વપૂર્ણ છે. અહીં  અગાઉથી પરવાનગી લીધા વિના જઈ શકાતું નથી, કારણ કે તેમાં ઐતિહાસિક હસ્તલિખિત પુસ્તકો-દસ્તાવેજો, હાઉસ બુક્સ તથા ઐતિહાસિક અને સાંસ્કૃતિક મૂલ્ય ધરાવતી ચીજવસ્તુઓ રાખવામાં આવી છે. આ લાઈબ્રેરીમાં દેશના ખ્યાતનામ  શિક્ષણવિદો અને નેતાઓની પ્રતિમાઓ અને પોસ્ટર્સ પણ સાચવવામાં આવેલાં છે.

ફર્ગ્યુસન કોલેજ, પૂણેનો બોટનિકલ ગાર્ડન બે એકર જમીનમાં ફેલાયેલો છે. અહીં કેટલાંક ઔષધીય છોડવા પણ છે. ૨૦૦૪ની સાલમાં આ કોલેજને નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ દ્વારા ‘એ’ ગ્રેડ આપવામાં આવ્યો હતો. દેશની ટોચની ૧૦ શ્રેષ્ઠ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજોની શ્રેણીમાં પણ આ કોલેજનો સમાવેશ થાય છે.

આ કોલેજે જે શ્રેષ્ઠ પ્રતિભાઓ દેશને આપી છે તેમાં એક તો લોકમાન્ય ટિળક છે જેમણે આ કોલેજની સ્થાપનામાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો. આ કોલેજે દેશને જે શ્રેષ્ઠ પ્રતિભાઓ આપી તેમાં પૂર્વ વડા પ્રધાન વિશ્વનાથ પ્રતાપસિંહ, પૂર્વ વડા પ્રધાન પી. વી. નરસિંહરાવ, કૃપલાણીજી અને બાબુભાઈ જે. પટેલો સમાવેશ થાય છે. આ કોલેજે વિઠ્ઠલ રામજી શિન્દે, એસ. એમ. જોશી અને નાનાસાહેબ ગોરે જેવા સમાજવાદી નેતાઓ પણ આપ્યા.

૧૯૦૨માં વી. ડી. સાવરકરે પણ આ કોલેજમાં જ પ્રવેશ લીધો. બાલગંગાધર ટિળક, બિપીનચંદ્ર પાલ અને લાલા લજપતરાય (લાલ, પાલ અને બાલ) જેવા નેતાઓ પાસેથી જ સાવરકરે પ્રેરણા લીધી. કોલેજમાંથી ડિગ્રી લીધા બાદ શ્યામજી કૃષ્ણ વર્માની મદદથી સાવરકર સ્કોલરશિપ લઈ કાયદાનું ભણવા વિલાયત ગયા. પૂણેની આ એક જ એવી કોલેજ છે જેણે દેશને બે વડા પ્રધાન આપ્યા- વી. પી. સિંહ અને પી. વી. નરસિંહરાવ.

  • દેવેન્દ્ર પટેલ

 

Be Sociable, Share!