Close

ફાંસીના માંચડે હાથમાં ગીતા રાખી તેઓ બોલ્યા હતા : ‘વંદે માતરમ્

કભી કભી | Comments Off on ફાંસીના માંચડે હાથમાં ગીતા રાખી તેઓ બોલ્યા હતા : ‘વંદે માતરમ્

કાલે પ્રજાસત્તાક દિન છે ત્યારે  ભારતની સ્વતંત્રતા સંગ્રામની એક  હૃદયંગમ કથા અહીં પ્રસ્તુત છે.

ભારતને મળેલી આઝાદીની ભીતર અનેક વીર ક્રાંતિકારીઓના ત્યાગ, બલીદાન અને વીરતાની કહાણીઓ ભંડારાયેલી છે. હા, એમાંથી કેટલાયે વીર ક્રાંતિકારીઓના નામથી દેશની નવી પેઢી અજાણ છે અથવા બહુ ઓછું જાણે છે.  દેશની આઝાદી માટે જેમણે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું  એમાંથી એક હતા મદનલાલ ઢીંગરા. એમના માટે મેડમ કામાએ કહ્યું હતું કે સ્વતંત્ર ભારતના દરેક ચૌરાહા પર મદનલાલની પ્રતિમાઓ લાગશે અને દેશ તેમને યાદ કરશે.

પરંતુ દુર્ભાગ્ય એ વાતનું છે કે મદનલાલ ઢીંગરાના નામથી દેશની પ્રજા અજાણ છે અને આજે કોઈ ભાગ્યે જ તેમને યાદ કરે છે. ખુદ તેમનું શહેર જ તેમને ભૂલી ગયું છે. શહીદ મદનલાલ ઢીંગરાનો જન્મ અમૃતસરના એક સમૃદ્ધ પરિવારમાં થયો હતો. લાહોરમાં શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ તેઓ એન્જિનિયરિંગનું ભણવા ઇંગ્લેન્ડ ગયા. લંડનમાં રહી શિક્ષણ પ્રાપ્ત કરવા લાગ્યા. લંડનમાં એક ભારત ભવન હતું. ભારત ભવનમાં તેઓ વીર સાવરકર અને બીજા ક્રાંતિકારીઓના સંપર્કમાં આવ્યા. અહીં એ બધાંએ ૧૮૫૭ની  ક્રાંતિની ૫૦મી વર્ષગાંઠ મનાવી.

આ સમયગાળા દરમિયાન જ મદનલાલ ઢીંગરા વીર સાવરકર અને શામજી કૃષ્ણ વર્માના સંપર્કમાં આવ્યા હતા  અને લંડનના ભારત ભવનના સભ્ય બની ગયા હતા. એ જ વખતે  તેમણે મનોમન સંકલ્પ કર્યો કે ભારત માતા માટે જરૂર પડે હું મારા જીવનની આહુતિ આપી દઈશ.

વીર સાવરકરે યુવાન મદનલાલ ઢીંગરાને બધી બાજુએથી  પારખી લીધા. તેમને પૂરી ખાતરી થઈ કે  મદનલાલ ભારત માટે  પોતાનું સર્વસ્વ અર્પણ કરવા માટે સમર્થ છે.

એક દિવસ મદનલાલ અચાનક વીર સાવરકરની સામે ઊભા રહી ગયા. એ વખતે તે બંને એકલા જ હતા. વીર સાવરકર સામે જોઈને મદનલાલે પૂછયું : ‘સાવરકરજી, તમે જ મને કહો કે શું મારે મારા પ્રાણ ન્યોછાવર કરવાનો સમય આવી ગયો છે ?’

સાવરકરજી બોલ્યા : ‘જ્યારે કોઈ પણ વ્યક્તિને એમ લાગે કે તેના માટે વિશેષ સમય આવી ગયો છે તો એણે સમજી લેવું જોઈએ કે સમય આવી ગયો છે.’

મદનલાલે કહ્યું : ‘જી, હું તૈયાર છું.’

એ પછી તેઓ બંને કોઈ વાત કરતા રહ્યા એ દિવસ બાદ મદનલાલ ઢીંગરા કેટલોક સમય એકાંતમાં રહ્યા અને તેઓ તેમના જીવનની કોઈ મહત્ત્વપૂર્ણ ઘટનાની યોજના ઘડવા  લાગ્યા. મદનલાલ ઢીંગરાને અંગ્રેજ અધિકારી કર્ઝન વાઇલીનું લંડનમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ સાથેનું અપમાનજનક વર્તન ગમતું નહોતું. તેમણે આ અંગ્રેજ અધિકારી સાથે બદલો લેવાની યોજના ઘડી કાઢી.

તા. ૧ જુલાઈ ૧૯૦૯ની  વાત છે. આ દિવસે લંડનમાં એક જાહેર કાર્યક્રમ યોજાવાનો હતો. આ કાર્યક્રમમાં કર્ઝન વાઇલી હાજર રહેવાનો હતો. મદનલાલ ઢીંગરા પહોંચી ગયા અને કોઈ કાંઈ સમજે તે પહેલાં મદનલાલે અંગ્રેજ અધિકારી કર્ઝન વાઇલીના શરીરમાં બે ગોળીઓ ધરબી દીધી. વાઇલીનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું.

આ ઘટનાથી આખા ઇંગ્લેન્ડમાં સનસનાટી ફેલાઈ ગઈ. ભાગ્યની વિડંબના એ હતી કે મદનલાલ ઢીંગરાના પિતાએ અંગ્રેજો સાથેની વફાદારી નિભાવતા પોતાના જ પુત્રના આ કાર્યની ટીકા કરી. તેઓ એવું પણ બોલ્યા કે આવા પુત્રના પિતા  હોવા બદલ હું શરમ અનુભવું છું. એ જ રાતે મદનલાલનો મોટો ભાઈ પણ લંડનમાં ભણતો હતો તેણે પણ નાના ભાઈના આ કૃત્યની નિંદા કરી પરંતુ મોટાભાઈને જ્યારે  મદનલાલની ભારતમાતા પ્રત્યેની  કર્તવ્ય નિષ્ઠાની જાણ થઈ ત્યારે તેમણે પિતાથી  ખાનગીમાં મદનલાલનો કેસ લડવા માટે તેમના વકીલને ખાનગીમાં ફીના નાણાં આપ્યા. પરંતુ મદનલાલને વાતની ખબર પડી એટલે તેમણે સ્પષ્ટ કહી દીધું કે હું એ વકીલની મદદ નહીં લઉં ને જેમણે એટલે કે  મારા પિતાએ અંગ્રેજો પ્રત્યેની વફાદારી દર્શાવી છે અને વકીલને ફી ચૂકવી છે.

ઇંગ્લેન્ડની કોર્ટમાં કેસ ચાલ્યો. કેસની સ્ક્રિપ્ટ પહેલેથી જ નક્કી હતી. અંગ્રેજોની કોર્ટે મદનલાલ ઢીંગરાને ફાંસીની સજા ફરમાવી.

તા.૧૭ ઓગસ્ટ ૧૯૦૯ના રોજ લંડનની પૈટન વિલે જેલમાં ક્રાંતિવીર મદનલાલ ઢીંગરાને ફાંસી આપવામાં આવી. તેમને ફાંસી આપવામાં આવી રહી હતી ત્યારે  ગળામાં ફંદા વખતે જ તેમના એક હાથમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા હતા અને મોટા અવાજે  બોલ્યા હતા : ‘વંદે માતરમ્’.

મદનલાલ ઢીંગરા ભારત માતાની  સ્વતંત્રતા માટે લંડનની જેલમાં ફાંસીના માંચડે ઝૂલી પડયા.

મદનલાલ ઢીંગરાની એ ઇચ્છા હતી કે તેમનું અંતિમ વક્તવ્ય ફાંસી પહેલાં દુનિયા સુધી પહોંચી જાય. પરંતુ અંગ્રેજોની સખતાઈના કારણે શક્ય નહોતું. પરંતુ વીર સાવરકરે એ વકતવ્ય છપાય તેવી વ્યવસ્થા કરી અને આખી દુનિયાએ તે વાંચ્યું. બન્યું એવું જ મદનલાલ ઢીંગરાને ફાંસી અપાઈ તે પહેલાં જ તેમનું  અંતિમ વક્તવ્ય છપાઈ જતાં અંગ્રેજ સરકાર ગભરાઈ ગઈ અને મદનલાલ ઢીંગરા ખુશીથી જેલમાં જ નાચવા લાગ્યા હતા. મદનલાલ ઢીંગરાનો અંતિમ સંદેશ આ પ્રમાણે હતો : ‘એક હિન્દુ હોવાની હૈસિયતથી હું સમજું છું કે અગર કોઈ અમારી માતૃભૂમિની વિરુદ્ધ કોઈ જુલ્મ કરે છે  તો તે ઈશ્વરનું અપમાન કરે છે. અમારી માતૃભૂમિનું જે હિત છે તે શ્રીરામનું જ હિત છે. એની સેવા શ્રીકૃષ્ણની જ સેવા છે. મારા જેવા એક હતભાગી સંતાન માટે બીજું શું હોઈ શકે જે  પોતાની માતાની વેદી પર પોતાનું રક્ત અર્પણ કરે. ભારતવાસીઓ અત્યારે એટલું જ કરતાં શીખે કે તેઓ મરતાં શીખે અને એને શીખવાનો એક માત્ર ઉપાય છે કે તે સ્વયં મરે. એટલા માટે હું મરીશ અને મને આ શહાદત પર  ગર્વ છે. ઇશ્વરને મારી એટલી જ પ્રાર્થના છે કે  હું એ જ માતાના ગર્ભમાંથી પેદા થાઉં  અને ફરીથી એજ ઉદ્દેશ્ય માટે પોતાના પ્રાણ અર્પણ કરી  શકું. !

આવા  અદ્વિતીય સંદેશ પર દુનિયા વારી ગઈ. મદનલાલે અંગ્રેજ અધિકારીને ગોળીથી વીંધી નાખ્યો તેની આર્યલેન્ડે પણ પ્રશંસા કરી. આર્યલેન્ડના અખબારોએ ‘આર્યલેન્ડની પ્રજા મદનલાલ ઢીંગરાનું  સન્માન કરે છે’ જેવા વિધાનો લખ્યાં અને તેવા પ્લેકાર્ડસ પૂરા દેશમાં ફેરવ્યા.

ઇંગ્લેન્ડના કેટલાક લેખકોએ પણ મદનલાલ ઢીંગરાની બહાદુરીની સરાહના કરી હતી.

તા. ૧૭ ઓગસ્ટ ૧૯૦૯ના રોજ ‘વંદે માતરમ્’ના નારા સાથે લંડનની પૈટન વિલે જેલમાં ફાંસીને માંચડે લટકી ગયેલા વીર શહીદ મદનલાલ ઢીંગરાની શહાદત ભારતના સ્વતંત્રતા સંગ્રામનું એક ઓછું જાણીતું પરંતુ સુવર્ણપૃષ્ઠ છે. .

  • દેવેન્દ્ર પટેલ

 

Be Sociable, Share!