Close

બાળકોએ ખાનગીમાં જ તેમની મમ્મીને ભણાવી

કભી કભી | Comments Off on બાળકોએ ખાનગીમાં જ તેમની મમ્મીને ભણાવી

ગુલામ સગરા સોલંગી.

તેઓ પાકિસ્તાનનાં સામાજિક કાર્યકર છે.

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ખૈરપુર મીર નામનો એક જિલ્લો છે. આ જ ગામમાં તા. ૨ માર્ચ, ૧૯૭૦ના રોજ ગુલામ સગરા સોલંગીનો જન્મ થયો. પિતા મુહીબઅલી ગામની સરકારી શાળામાં શિક્ષક હતા.

જે ઉંમરમાં નાની-નાની છોકરીઓ ઢીંગલા-ઢીંગલીને પરણાવવાની રમત રમતાં હોય છે તે જ ઉંમરમાં એટલે કે ૧૨ વર્ષની વયે જ સગરાના નિકાહ કરી દેવામાં આવ્યા.

એ જ ઉંમરે તેને સાસરે મોકલી દેવામાં આવી. એ પછી તો એની પર  જુલમ શરૂ થઈ ગયો. સગરાનો પતિ તેની સાથે જબરજસ્તી કરવા લાગ્યો. તેની પર  તીખા મહેણાં પણ મારવામાં આવતાં. કેટલીક વાર સગરાને માર પણ મારવામાં આવતો. તે કાંઈ સમજી શકતી જ નહોતી કે તેની સાથે શું થઈ રહ્યું છે.

એ કાંઈ સમજે તે પહેલાં તો તે બે બાળકોની માતા બની ચૂકી હતી.

સગરાએ તેની બદનસીબી સાથે સમાધાન કરી લીધું. પતિ તેની પર હુકમ ચલાવતો અને સગરા તેનું પાલન કરતી રહી. પરંતુ જીવનની મોટી પરીક્ષાઓ હજુ બાકી હતી.

સગરા ૨૦ વર્ષની થઈ ત્યારે તેના પતિએ તલાક આપી દીધા. તે દુઃખી થઈ ગઈ. સમાજ તેની મદદે ના આવ્યો. કોઈએ તેની પર દયા પણ ખાધી નહીં. બેસહારા સગરા ફરી એકવાર પિતાના ઘેર બાળકોને લઈ પાછી ફરી.

અલબત્ત સગરા ગામની પહેલી વિવાહિતા હતી જેને પતિએ તલાક આપી દીધા હતા.

આ હાલતમાં પિતાના ઘરે પણ  તેની ઉપેક્ષા થવા લાગી. પિતાના ઘરે પણ તે અપમાનિત થતી રહી. એકવાર તો તેને આત્મહત્યા કરી લેવાનો વિચાર આવ્યો. પરંતુ તે તેનાં બાળકોને જોતી ત્યારે તેમની ખાતર જીવતા રહેવા નિર્ણય કર્યો.

એક દિવસ સગરા એના ભાઈઓને ફરી  વિનંતી કરી કે મને ભણવા દો. સગરાની આ  વાત સાંભળી  તેના ભાઈઓ ભડકી ઊઠયા. એક ભાઈએ તો સગરાને લાફો ઝીંકી દીધો. પરંતુ સગરા પોતાનાં બાળકો માટે બધું જ સહન કરવા તૈયાર હતી. પરંતુ સગરા ભણવા  માટે કટિબદ્ધ હતી. તે ખાનગીમાં ભણવા લાગી.  એના બાળકો સ્કૂલમાં ભણવા જતાં હતાં અને તે તેના સંતાનોને કહેતી : ‘તમે સ્કૂલમાં જે ભણીને આવો છો તે મને પણ ઘરમાં ભણાવો.’

એ ખાનગીમાં તેનાં બાળકો દ્વારા જ ભણવા લાગી. આ વાતની ખબર તેના ભાઈને પડતાં તેનું  હૃદય પરિવર્તન થયું અને સગરાને ભણવાની પરવાનગી આપી.

સ્કૂલમાં જ ભણીને ચાર વર્ષની અંદર જ સગરાએ ૧૦મું ધોરણ પાસ કરી લીધું. અને એક દિવસ તેના જ ગામમાં ખૂલેલી એક નવી સ્કૂલમાં તેને નોકરી મળી ગઈ. તેનો આત્મવિશ્વાસ મજબૂત થયો.

૩૧  વર્ષની ઉંમર સુધીમાં પ્રાઇવેટ સ્ટુડન્ટ તરીકે તેણે બીએની  ડિગ્રી હાંસલ કરી લીધી. હવે તે આગળ વધવા માગતી હતી.  સગરાએ નિર્ણય કર્યો કે ગામની દીકરીઓ અને મહિલાઓને રૂઢિવાદી અંધકારમાંથી આઝાદી અપાવશે. તે હવે જાણી ચૂકી હતી કે તેના ગામની મહિલાઓને મળેલા હક્ક વિશે કોઈ જ જાણકારી નથી. સગરા હવે ગામના દરેક ઘેર જઈ દીકરીઓના મા-બાપને સમજાવવા લાગી કે તેઓ તેમની દીકરીઓના ભવિષ્ય સાથે રમત ના રમે. તેઓ તેમની દીકરીઓને ભણવા સ્કૂલે મોકલે.

અને ૧૯૯૪ની સાલમાં  સગરાએ ‘મારવી રૂરલ ડેવલપમેન્ટ ઓર્ગેનિઝેશન’ (એમઆરડીઓ) નામના એક બિન સરકારી સંસ્થા શરૂ કરી, આ સંસ્થાના નેજા હેઠળ તે ગામેગામ ફરી વર્કશોપ કરવા લાગી. એ વર્કશોપ દ્વારા બાળકીઓને પણ શિક્ષણ આપવાથી શું ફાયદા છે તે સમજાવવા લાગી.

૧૯૯૯માં તેણે અશોકા ફાઉન્ડેશનને ફેલોશિપ માટે પસંદ કર્યું. સગરાનો ઇરાદો  સાફ હતો કે ગ્રામીણ વિસ્તારોમાં એવું વાતાવરણ ઊભું કરવામાં આવે કે જેથી સ્ત્રીઓ પોતાના હક્કોની બાબતમાં પુરુષોને સ્પષ્ટ રીતે કહી શકે. એના સંગઠનને નાણાકીય મદદ મળી.

એ  પછી સગરાએ ગરીબ અને એકલી રહેલી માતાઓને નાનું નાનું ધિરાણ આપવાની શરૂઆત કરી, જેથી તેઓ નાનાં નાનાં કામો કરી થોડીગણી કમાણી કરી શકે અને પોતાની પુત્રીઓને સ્કૂલમાં મોકલી શકે. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનિઝેશને પણ સગરાની સંસ્થાને મદદ કરી.

આમ છતાં કામ તો ઘણું  કપરું હતું. ધીમે ધીમે બીજી સ્ત્રીઓ અને કેટલાક પુરુષો તેની સંસ્થામાં સામેલ થતા ગયા. અને  એ રીતે વાત આગળ વધતી રહી.

ધીમે ધીમે કરતાં તેમની સંસ્થા મજબૂત બની. તેમની સંસ્થા એમઆરડીઓ દ્વારા પાકિસ્તાનના પંજાબ અને સિંધ પ્રાંતમાં ૫૯ પ્રોજેક્ટ  શરૂ થયા. જેનો સીધો  લાભ છ લાખ જેટલી મહિલાઓને મળ્યો.

૨૦૧૧માં  અમેરિકાના વિદેશ મંત્રાલયે સગરાને ‘ઇન્ટરનેશનલ વુમન ઓફ કરેજ’ એવોર્ડ એનાયત કર્યો. મિશેલ ઓબામા અને હિલેરી કિલન્ટનની વચ્ચે ઊભેલી સગરાની તસવીર આખી દુનિયાએ નિહાળી.

સગરા હવે રૂઢીવાદથી પીડાતા પાકિસ્તાનમાં પરિવર્તન લાવવા પ્રયત્નશીલ છે.

ઓલ ધ બેસ્ટ સગરા..

  • દેવેન્દ્ર પટેલ

http://www.devendrapatel.in

Be Sociable, Share!