Close

બિહારના એક મહિલા નેતા ઃ અદ્ભુત વ્યક્તિત્વ ધરાવતા તારકેશ્વરી સિંહા કેવાં હતા ?

કભી કભી | Comments Off on બિહારના એક મહિલા નેતા ઃ અદ્ભુત વ્યક્તિત્વ ધરાવતા તારકેશ્વરી સિંહા કેવાં હતા ?
બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે તાજેતરમાં સ્ત્રીઓ વિશે તેમના મોઢે ના શોભે તેવા વિધાને બિહારની વિધાનસભામાં જ ઉચ્ચાર્યાં. લાગે છે કે નીતિશકુમાર તેમના દિમાગનું સંતુલન ગુમાવી ચૂક્યાં છે. લોકનાયક જયપ્રકાશ નારાયણના શિષ્ય નીતિશકુમાર આવું બોલશે  તેની કોઈએ કલ્પના પણ કરી નહીં હોય.એમના જ બિહારના એક પૂર્વ મહિલા રાજનૈતિજ્ઞની આજે વાત કરવી છે. ભારતીય રાજનીતિનું એક ખૂબસૂરત પાનું આજે ખોલીએ છીએ. વાત છે તારકેશ્વરી સિંહાની. તારકેશ્વરી સિંહા બિહારનાં હતા અને લોકસભામાં ચૂંટાઈને ગયાં ત્યારે તેમનુું સૌંદર્ય, ચહેરા પરનો ચાર્મ, બૉબકટ વાળ અને સ્લીવલેસ બ્લાઉઝ જોઈએ બધા સ્તબ્ધ થઈ ગયા હતા. એ વખતના રાજકીય વર્તુળોમાં તારકેશ્વરી સિંહા ‘ગ્લેમર ગર્લ ઑફ પાર્લામેન્ટ’ તરીકે જાણીતાં બન્યાં હતા. ઘણા રાજકારણીઓ તેમના દિવાના બની ગયા હતા.
કહેવાય છે કે તારકેશ્વરી સિંહા જ્યાં પણ જઈને ઊભાં રહે ત્યાં વાતાવરણ બદલાઈ જતું હતું. તારકેશ્વરી સિંહા એકવાર અમદાવાદમાં એચ.એલ. કૉલેજ ઑફ કોમર્સના વિદ્યાર્થીઓને સંબોધવા પણ આવ્યા હતાં. તેમને જોવા અને સાંભળવા બીજી કૉલેજના વિદ્યાર્થીઓ પણ સભા સ્થળે આવી ગયા હતાં.
તારકેશ્વરી સિંહાની બાબતમાં ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’એ તા. ૫ માર્ચ ૧૯૭૧ના  રોજ એક લેખમાં તેમના સ્વરને મંત્રમુગ્ધ કરી દેનાર સ્વર  સાથે સરખાવ્યો હતો.
તારકેશ્વરી સિંહા એ વખતની રાજનીતિમાં મોરારજીભાઈ દેસાઈની કરીબ હતાં. જ્યારે ઇંદિરા ગાંધી તારકેશ્વરી સિંહાને નફરત કરતાં હતાં.
તારકેશ્વરી સિંહાનો જન્મ તા.૨૬ ડિસેમ્બર, ૧૯૨૬ના રોજ પટણા (બિહાર)માં થયો હતો. તેમના પિતા પટણામાં સર્જન હતા. તારકેશ્વરી સિંહા તેમના પિતાનું એકમાત્ર સંતાન હતાં. પટણાની બાંકીયોઝ ગર્લ્સ કૉલેજ (હવે મગધ મહિલા કૉલેજ)માં ભણ્યા હતાં. કૉલેજમાં ભણતી વખતે જ તેઓ વિદ્યાર્થી-આંદોલનની રાજનીતિમાં કૂદી પડયાં. તેઓ બિહાર સ્ટુડન્ટ કોંગ્રેસનાં અધ્યક્ષ બન્યાં. ૧૯૪૨માં ૧૯-૨૦ વર્ષની વયે જ તેઓ અંગ્રેજો સામેના ‘ભારત છોડો’ ના આંદોલનમાં જોડાયાં. તે પછી લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સ દ્વારા તેમણે અર્થશાસ્ત્રમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. લંડનમાં પણ ડિબેટમાં ભાગ લઈ લોકોને પ્રભાવિત કર્યા.
બસ એ જ  ઉંમરમાં તારકેશ્વરી સિંહાનું લગ્ન છપરાના એક ખ્યાતનામ ભૂમિહાર જમીનદાર પરિવારમાં કરી દેવાયું.  તેમના પતિ નિધિદેવસિંહ મોટા ધારાશાસ્ત્રી હતા અને રાજ્ય સરકારના કેસો લડતા હતા.
પિતાને હતું કે લગ્ન બાદ દીકરી રાજનીતિ છોડીને ઘરસંસારમાં લાગી જશે, પરંતુ તારકેશ્વરી સિંહાની દિલચશ્પી રાજનીતિમાં જ હતી.
બિહારના નેતાઓ તો તારકેશ્વરીને જાણતા હતા પરંતુ કેન્દ્રમાં એ વખતના વડા પ્રધાન જવાહરલાલ નેહરુ વગેરે સાથે પણ તેમની મુલાકાત થઈ. ૧૯૫૨માં તારકેશ્વરી સિંહાને પટણાથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડવાનું કહેવામાં આવ્યું અને માત્ર ૨૬ વર્ષની વયે જ તેઓ લોકસભામાં પહોંચી ગયાં. એમની વય જોઈને કેટલાક તેમને ‘બેબી ઑફ હાઉસ’ અને તેમનું સૌંદર્ય જોઈ કેટલાક તેમને ‘ગ્લેમર ગર્લ્સ ઑફ ઇન્ડિયન પોલિટિક્સ’ તરીકે ઓળખવા લાગ્યા. કેટલાકે તેમને ‘કેટલાંકે તેમને ‘બ્યુટી વિથ બ્રેન’ તરીકે  નવાજ્યા.
કહેવાય છે કે કેટલાક લોકો તો માત્ર લોકસભામાં માત્ર તેમને જોવા અને કેટલાક માત્ર  તેમને સાંભળવાં જ આવતા હતાં. તારકેશ્વરી સિંહા પાસે એક આગવો અને સુંદર અવાજ હતો. હિન્દી અને અંગ્રેજી એમ બંને ભાષાઓમાં તેઓ અસ્ખલિત બોલી શકતા હતા. એ વખતના બુઝર્ગ લોકો કહેતા હતા કે તારકેશ્વરી સિંહા જ્યારે બોલવાનું શરૂ કરે ત્યારે જાણે કે લોકસભા થંભી જતી હતી. કોઈએ તેમનાં ‘લોકસભાના કોયલ’ તરીકે ઉપમા આપી તો કોઈએ હંટરવાલીની ઉપમા આપી હતી. તેમને સાંભળવા પણ મંત્રમુગ્ધ થઈ જતા હતા.
કોંગ્રેસની જ ટિકિટ પર તેઓ ૧૯૫૭ અને ૧૯૬૨માં એમ બે વાર ફરી ચૂંટાઈને લોકસભામાં ગયાં હતાં.
હવે  આવ્યો કોંગ્રેસના વિભાજનનો સમય. દિલ્હીમાં ઇંદિરા ગાંધી અને મોરારજીભાઈ દેસાઈ વચ્ચે મતભેદો ઊભા થયા ત્યારે તારકેશ્વરી સિંહાએ ખુલ્લેઆમ મોરારજીભાઈ દેસાઈ પ્રત્યે નિષ્ઠા દર્શાવી.  એ વખતના વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રીનું અવસાન થયું ત્યારે વડાપ્રધાનપદના દાવેદાર તરીકે ઇંદિરા ગાંધીના બદલે મોરારજીભાઈ દેસાઈની તરફેણ કરી. એ પછી કોંગ્રેસનું વિભાજન થયું ત્યારે તેઓ મોરારજીભાઈ દેસાઈની છાવણીમાં રહ્યાં.
અલબત્ત તેમના આ નિર્ણયના કારણે તારકેશ્વરી સિંહાને રાજનૈતિક નુકસાન થયું. તે પછીની ચૂંટણીઓમાં તેઓ હારતાં રહ્યા. ૧૯૭૮માં સમસ્તીપુરની સીટ પર ચૂંટણી હાર્યા બાદ રાજકારણને તેમણે નમસ્તે કહી દીધું.
રાજનીતિ છોડયા બાદ તેઓ સમાજસેવાના કામમાં લાગી ગયાં. તેમણે તુલસીગઢ ખાતે એક હૉસ્પિટલ ઊભી કરી.
તારકેશ્વરી સિંહાના જીવનની અનેક દંતકથાઓ એ વખતે જાણીતી બની હતી. કહેવાય છે કે ૧૯૫૭માં ચૂંટણીઓનો સમય હતો. મોરારજીભાઈ કોંગ્રેસના પ્રભારી બની પટણા પહોંચ્યા હતા. મોરારજીભાઈ ચુસ્ત ગાંધીવાદી અને સાદગીના આગ્રહી હતા. તેમણે તારકેશ્વરી સિંહાના વસ્ત્રો જોઈ ચૂંટણી લડી રહેલાં તારકેશ્વરીને  પૂછયું હતું ઃ ‘તમે લિપસ્ટિક લગાવો છો, કિંમતી વસ્ત્રો પહેરો છો?’
આ સાંભળીને ગુસ્સે થઈ ગયેલાં તારકેશ્વરીએ કહ્યું હતું ઃ ‘અમારે ત્યાં કંગન પહેરવા તે અપાત્રતા નહીં પણ ક્વૉલિફિકેશન માનવામાં આવે છે. તમે જે બંડી પહેરો છો તેની કિંમતમાં મારી છ સાડીઓ આવી શકે છે.’
– એ પછી તારકેશ્વરી સિંહાએ જવાહરલાલ નેહરુને પત્ર લખીને જણાવ્યું હતું કે ‘તમે કેવા નિરીક્ષકોને મોકલો છો?’
અલબત્ત, તે પછીની રાજનીતિમાં તારકેશ્વરી સિંહા મોરારજી દેસાઈના કેમ્પમાં ચાલ્યાં ગયાં. એક વાર તારકેશ્વરી સિંહાએ એમ પણ કહ્યું હતું ઃ ‘રાતના અંધારામાં મોરારજીના રૂમમાં જઈને કોઈ પણ સુંદર મહિલા સુરક્ષિત પાછી આવી શકે છે.’ મોરારજીભાઈ માટેનું આ ઉત્કૃષ્ટ પ્રમાણપત્ર જ હતું.
એવી જ એ વખતની બીજી એક વાત હવામાં ઘુમરાતી હતી. એકવાર  ડૉક્ટર રામ મનોહર લોહિયાએ સંસદમાં સ્ટાલિનની પુત્રી સ્વેત લાનાને શરણ આપવાની વાત કરી ત્યારે તારકેશ્વરી સિંહાએ કહ્યું હતું ઃ ‘લોહિયાજી, તમે તો કુંવારા છો, તમે તો લગ્ન જ નથી કર્યું. તમને સ્ત્રીઓ વિશે શું ખબર?’
એ પછી લોહિયાજી તરત જ  બોલ્યા ઃ ‘તારકેશ્વરી, તમે મોકો જ ક્યાં આપ્યો ?’
લોહિયાજી પણ  તેમના જેવા જ હાજર જવાબી હતાં.
એક વાર પદમા સચદેવે તારકેશ્વરીસિંહાને પૂછયું ઃ ‘સંસદમાં હંમેશાં તમારી ચર્ચા થતી રહે છે. તેમાંથી કાંઈ સાચું ખરું ? મારોે મતલબ છે કે તમને કાંઈ પણ સારું લાગ્યું ?’
તો તારકેશ્વરી સિંહાએ જવાબ આપ્યો ઃ ‘મેં મારી આસપાસ લોઢાનું બખ્તર પહેરી લીધેલું છે. આમ છતાં લોહિયાજી સારા લાગતા હતા. તેઓ એક ઉમદા વ્યક્તિ હતા. બહુ બોલવામાં ક્યારેક છેેડતા હતા પણ મારા વ્યક્તિત્વને સંપૂર્ણ બનાવામાં તેમનો મોટો હાથ હતો.’
ઘણાંને એ વાત યાદ હશે કે જાણીતા ફિલ્મકાર અને ગીતકાર એ વખતે ‘આંધી’ ફિલ્મ બનાવી રહ્યા હતા. ઘણાં બધાનું કહેવું હતું કે, એ ફિલ્મ ઇંદિરા ગાંધીના જીવન પર આધારિત હતી પરંતુ ‘ગુલઝારે એમ પણ કહ્યું હોવાનું મનાય છે કે એ ફિલ્મ તારકેશ્વરી સિંહાના જીવન જેવી પણ લાગે છે એટલે કે કહાણીમાં  ઇંદિરા ગાંધીની જગાએ તારકેશ્વરી સિંહાના કિરદારને ફીટ કરી દેવામાં આવે તો કાંઇ બગડી જવાનું નથી.’
તારકેશ્વરી સિંહાને બે પુત્રીઓ છે પણ તેમાંથી કોઈ રાજનીતિમાં આવ્યું નહીં. તેમનો મોટાપુત્ર ઉદયન સિંહા અમેરિકામાં એક કંપની ચલાવે છે. ક્યારેક ક્યારેક તેઓ બિહાર આવે છે. તા. ૧૪ ઑગસ્ટ ૨૦૦૭ના રોજ તારકેશ્વરી સિંહાનું દિલ્હીમાં અવસાન થયું. પરંતુ દિલ્હીના કોઈ અખબારે ભાગ્યે જ તેની નોંધ લીધી. દુઃખની વાત એ છે કે એક સમયે પોતાના સૌંદર્ય, વાક્છટા અને પ્રભાવશાળી વ્યક્તિત્વથી મીડિયામાં છવાયેલા રહેતાં તારકેશ્વરી સિંહાને દિલ્હીનું મીડિયા જ ભૂલી ગયું  જ્યારે તેમણે છેલ્લા શ્વાસ લીધા.

Be Sociable, Share!