Close

બે તરુણ વિદ્યાર્થી-વિર્દ્યાર્થિની ભાઈ-બહેને પુસ્તકો લખ્યાં

કભી કભી | Comments Off on બે તરુણ વિદ્યાર્થી-વિર્દ્યાર્થિની ભાઈ-બહેને પુસ્તકો લખ્યાં

તા.૧૯ મી જૂન ભારતનો ‘નેશનલ રીડિંગ ડે’ અર્થાત્ રાષ્ટ્રીય વાંચન દિન હતો. ભાગ્યે જ કોઈએ આ દિવસને યાદ  કર્યો. આમ તો તા. ૧૯ જૂનથી તા. ૧૮ જુલાઈ સુધી ભારતમાં ‘રાષ્ટ્રીય વાંચન મહિના’ તરીકે મનાવવામાં આવે છે. રસપ્રદ વાત એ છે કે તા. ૧૯ જૂન તે ભારતમાં પુસ્તકાલય આંદોલનના પ્રણેતા કેરળના પી.એન. પેનિકરની પૂણ્યતિથિ નિમિત્તે આ દિન મનાવવામાં આવે છે. તેઓ શિક્ષક અને સમાજસેવક હતા. કેરળમાં આજે ૧૦૦ ટકા સાક્ષરતા દર છે તેનો યશ પી.એન. પેનિકરને ફાળે જાય છે. તેઓ અધ્યાપક હતા અને ૧૯૨૬માં તેમણે સદાતાધર્મમ પુસ્તકાલયનો આરંભ કર્યો હતો. પેનિકરનો જન્મ ૯ માર્ચ ૧૯૦૯ના રોજ કેરળમાં થયો હતો. તેમના પિતાનું નામ ગોવિન્દા પિલ્લાઈ અને માતાનું નામ જાનકી અમ્મા હતું. ૧૯૪૫માં તેમણે ૪૭ ગ્રામીણ પુસ્તકાલયો અને તિરુવિથામકૂર ગ્રંથયાલા સંઘમ્ની સ્થાપના કરી હતી. કેરાલામાં પી.એન, પેનિકર ફાઉન્ડેશન પણ છે જે બાળકોને ખૂબ વાંચવા માટે પ્રોત્સાહન કરે છે.

આજે નવી પેઢીના બાળકો જેટલી વાર જાગે છે તેટલીવાર તેમની નજર મોબાઈલના સ્ક્રીન પર કે ટીવીના સ્ક્રીન પર કેન્દ્રિત હોય છે. બાળકો અગર તો વીડિયો ગેમ રમે છે અથવા તો કોઈ મનોરંજક સામગ્રી નિહાળ્યા કરે છે. નવી પેઢી મોબાઈલની બંધાણી છે ત્યારે સૌને આૃર્ય થાય તેવી એક વાત કરવી છે. અમદાવાદમાં જ સન એન્ડ સ્ટેપ કલબ પાસે નિરાંત પાર્કમાં રહેતાં અને એકલવ્ય સ્કૂલમાં ભણતાં બે ટીન ભાઈ-બહેને બે પુસ્તકો લખ્યાં છે. બંને હજુ વિર્દ્યાર્થિની- વિદ્યાર્થી જ છે. બહેનનું નામ છે   ક્વિના નરેશ પટેલ અને તેના ભાઈનું નામ છે માર્યેશ નરેશ પટેલ. માર્યેશની વય છે ૧૬ વર્ષ અને ક્વિનાની ઉંમર છે ૧૮ વર્ષ. અમદાવાદમાં ૧૨મું ધોરણ પાસ કરીને હવે કેનેડા ખાતે આવેલી બ્રોક યુનિવર્સિટીમાં બિઝનેસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કરવા જઈ રહેલી ક્વિના પટેલે જે પુસ્તક લખ્યું છે તેનું નામ છે : ‘વિચારોનો વૈભવ- સુવાક્યો’ નાનકડી વયે જ પોતાના વિચારોને પ્રગટ કરવા તેણે વિશ્વના શ્રેષ્ઠ વિચારકોના વિધાનોનો સંગ્રહ કરીને  દરેકને વાંચવાનું મન થાય તેવું અમૃત આ પુસ્તકમાં સંગ્રહિત કર્યું છે. ક્વિનાએ સંગ્રહિત કરેલાં શ્રેષ્ઠ સુવાક્યો કાંઈક આવાં છે. (૧) ‘શાંત રહેવું તે લોકોએ ખોટું કર્યું છે તે જણાવવાની શ્રેષ્ઠ રીત છે…’  -રોબર્ટ કિયોસાકી (૨) ‘જ્યારે જિંદગી તમને ડરાવે છે ત્યારે એમ સમજવું કે તે તમને બહાદુર બનવાની તક આપે છે’… -લુપિયા હરમીન. (૩) ‘આનંદ એ તૈયાર મળતી વસ્તુ નથી. એ તમારાં કૃત્યોથી આવે છે’… -દલાઈ લામા. (૪) ‘યોગ્ય ક્ષણની રાહ ના જુઓ. દરેક ક્ષણને યોગ્ય બનાવો’….. -ઝોર્વે સેવર્ડ (૫) ‘સાદાઈ કાંઈ સરળ વસ્તુ નથી’ …-ચાર્લી ચેપ્લીન. (૬) ‘ક્યારેય આશા ત્યજશો નહીં કારણ કે ચમકારો દરરોજ થતા હોય છે’…. -નેપોલિયન હીલ (૭) ‘દુનિયાની શ્રેષ્ઠ લાગણી છે- કોઈને તમારી ઉપસ્થિતિ અને અનઉપસ્થિતિનો અહેસાસ કરાવો…’ -લાઓત્સેે (૮) ‘જ્યારે  તમે ગુસ્સામાં હોવ ત્યારે કોઈ નિર્ણય ના લો અને જ્યારે તમે ખુશ હોવ ત્યારે કોઈ વચન ના આપો’…-ક્લોડિઆ ડેેઓડ (૯) ‘અનુભવ એ આપણા દોષને અપાયેલું એક નામ છે’… -ઓસ્કાર વાઈલ્ડ.

હવે ક્વિનાના નાના ભાઈ માર્યેશ લખેલા પુસ્તકની વાત.

અમદાવાદમાં ૧૦મું ધોરણ પાસ કરીને ૧૧માં આવેલા ૧૬ વર્ષના વિદ્યાર્થી માર્યેશ નરેશ પટેલે નાનકડું પુસ્તક જ લખી લોકો સમક્ષ મૂકી દીધું છે. એ પુસ્તકનું નામ છે : ‘POWERFULL QUOTES- પ્રેરણાત્મક સુવિચારો.’

બોલો, એક વિદ્યાર્થીએ પુસ્તક લખ્યું અને તે પણ પ્રેરણાત્મક પુસ્તક. આ પુસ્તકમાં વિશ્વભરના વિદ્વાનો, દાર્શનિકો, ચિંતકો અને ધર્મગ્રંથોમાંથી પસંદ કરેલાં સુંદર પ્રેરણાત્મક ૩૬૫ સુવાક્યોનો સમાવેશ થાય છે. દા.ત. (૧) દૃષ્ટિવિહોણી મહત્ત્વાકાંક્ષા ઘણાં  દુઃખો લાવી  શકે છે. (૨) કોઈ પણ જ્ઞાન પ્રાપ્ત કરવામાં જે મૂડી લગાવશો તેના ઉપર ઉત્તમ વ્યાજ પ્રાપ્ત થશે. આ ઉક્તિ બેન્જામીન ફ્રેન્કલીનની છે.

દિલ અને દિમાગને સ્પર્શે એવા અદ્ભુત સુવાક્યો એમાં પ્રસ્તુત છે. દા.ત. (૧) પુસ્તકો વફાદાર મિત્રો છે (૨) નિષ્ફળતા સારો બોધપાઠ અને સલાહ પણ હોઈ શકે છે. (૩) સલાહ આપવા કરતાં સ્વીકારવી મુશ્કેલ છે. (૪) એકલતા એ સ્વતંત્રતાની નિશાની હોઈ શકે છે (૫) જ્યારે ગુસ્સામાં હોવ ત્યારે શાંતિ રાખો. આ પુસ્તકમાં જેમ ડીનનું એક સુંદર, સુવાક્ય છે : ‘સ્વપના એ રીતે જુઓ કે જાણે મૃત્યુ થવાનું જ નથી અને જીવન એ રીતે જીવો કે આજે જ મૃત્યુ થવાનું છે.’

પુસ્તકમાં અંધ મહાકવિ હોમરનું એક વાકય છે : ‘વૃક્ષો પર જેમ પાંદડાં છે તેવી છે માનવીની જિંદગી.’ તેવી જ રીતે નેપોલિયન હીલનું એક વાકય છે : ‘પ્રથમ સારું કરો અને પછી સારી રીતે કરો.’ જ્યોર્જ બર્નાડ શોનું એક વાકય છે : ‘હું જેટલો પરિશ્રમ કરું છું તેટલું વધારે જીવું છું.’ જુલિયા વાઇલ્ડનું એક વિધાન છે : ‘જીવન પોતે જ પર્વની ઉજવણી સમાન છે.’ એડવર્ડ એલ્બીનું એક વિધાન છે : ‘ આપણે અહીં શા માટે છીએ તે એક અભેદ પ્રશ્ન છે.’ ધીરુભાઈ  અંબાણીનું એક વિધાન છે : ‘તકો તમારી આસપાસ જ ઘૂમતી હોય છે.’ સ્વામી વિવેકાનંદનું એક સુવાક્ય છે : ‘તમારી ક્ષમતામાં વિશ્વાસ રાખો.’

આ તો માત્ર ૧૬ જ વર્ષના બાળકે વિશ્વના મહાન ચિંતકોના જીવનનો બોધપાઠ તેમના જ નામે એક એક વાકય દ્વારા  આ પુસ્તકમાં પ્રસ્તુત કર્યા  છે.  આ પુસ્તકમાં જર્મન કવિ ગથે, અમેરિકાના  પૂર્વ પ્રમુખ થિયોડોર રૂઝવેલ્ટ, વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇનસ્ટાઇન, વિશ્વ વિખ્યાત એક્ટર ચાર્લી ચેપ્લીન. મીકી-માઉસના સર્જક વોલ્ટ ડિઝની, પ્રજ્ઞાચક્ષુ હેલન કેલર, અમેરિકાના  પૂર્વ પ્રમુખ જ્હોન એફ. કેનેડી, ‘અન ટુ ધીસ લાસ્ટ’ પુસ્તકના લેખક જ્હોન રસ્કિન, મહાત્મા ગાંધી,  દાર્શનિક કન્ફ્યૂશિયસ, વિશ્વની મહાન કરુણાંતિક લખનાર કવિ સોફોકિલસ અને  એરિસ્ટોટલ જેવા દાર્શનિકોનાં ક્વોટસ્ના સમાવેશ કરાયો છે.

એમાં અબ્રાહમ લિંકનનું એક સુંદર વિધાન છે : ‘જો તમે શાંતિ ઇચ્છો છો તો લોકપ્રિયતાથી દૂર રહો.’ નાની વયે આ પુસ્તકની ભેટ આપનાર બાળક માર્યેશ પટેલ કહે છે : ‘આમ તો દરેક માણસનું જીવન ધ્યેય અલગ- અલગ હોય છે. વિશ્વમાં જેમ બે માણસોના વિચારો એક હોતા નથી તેમ દરેક માણસને એક સરખા અનુભવ થતા નથી. આમ વ્યક્તિગત તફાવતને ધ્યાનમાં લઈને આપણે એક બીજા પાસેથી ઘણું શીખી શકીએ છીએ અને અનુભવોનું આદાન-પ્રદાન કરીને સફળતા મેળવી શકીએ છીએ. પુસ્તકો પ્રત્યે મને લગાવ છે. હું માનું છું કે પુસ્તકોનું વાંચન એટલે પોતાની નજીક જવાની અને પોતાની નજીક રહેવાની અલૌકિક અનુભૂતિ !

કેવી સુંદર વાત !

નાનકડા સુપર ઇન્ટેલિજન્ટ બાળકના પુસ્તકની  વાત પછી હવે પુસ્તકો દ્વારા થતી ક્રાંતિની વાત પર આવીએ.

ગાંધીજીએ પોતે જ પોતાની આત્મકથા ‘સત્યના પ્રયોગો’માં એક પુસ્તકે તેમની જિંદગી કેવી રીતે બદલી નાંખી તેનું વર્ણન કર્યું છે.

ગાંધીજીને મહાત્મામાં પરિવર્તિત કરી દેનારું પુસ્તકને જાણી લેવું જરૂરી છે. આજથી ૧૫૦ વર્ષ પૂર્વે એક પુસ્તક લખાયું હતું : ‘અન ટુ ધીસ લાસ્ટ.’  પુસ્તકના લેખક હતા : જ્હોન રસ્કિન. આ પુસ્તકે પશ્ચિમના દેશોમાં અને ખાસ કરીને ઇંગ્લેન્ડમાં રાજકીય  ક્રાંતિ સર્જી હતી અને એક માત્ર પુસ્તકના કારણે ઇંગ્લેન્ડમાં એક મોટો રાજકીય પક્ષ પેદા થયો હતો, પરંતુ એ બધામાં સૌથી વધુ નોંધપાત્ર વાત એ હતી કે, આ પુસ્તકે ગાંધીજીને સૌથી વધુ પ્રભાવિત કર્યા હતા. મોહનલાલ કરમચંદ ગાંધી ‘ગાંધીજી’ બન્યા તેમાં આ પુસ્તકનો મોટો ફાળો હતો.

કેવી રીતે ?

ઘટના એવી છે કે ગાંધીજી  આફ્રિકામાં વકીલાત કરવા ગયા ત્યારે જોહાનિસબર્ગથી ટ્રેન દ્વારા ડર્બન જઈ રહ્યા હતા. રેલવે સ્ટેશન પર તેમના અંગ્રેજ મિત્ર પોલાક તેમને મૂકવા આવ્યા હતા. પોલાકે કહ્યું : ‘મિ. ગાંધી, આ પુસ્તક રસ્તામાં વાંચી શકાય તેમ છે. વાંચી જજો. તમને ગમશે.’ કહેતાં તેમણે યુવાન ગાંધીના હાથમાં ‘અન ટુ ધીસ લાસ્ટ’ પુસ્તક મૂક્યું. ગાંધીજી તેમની આત્મકથામાં લખે છે કે, ‘જોહાનિસબર્ગથી ડર્બન સુધીનો રસ્તો ૨૪ કલાકની યાત્રાનો હતો. આ પુસ્તકને હાથમાં લીધા બાદ હું તેને છોડી જ શક્યો નહીં. તેણે મને પકડી લીધો. પુસ્તકમાં સૂચવેલા વિચારોને મેં અમલમાં મૂકવા વિચાર કર્યો. જે થોડાં પુસ્તકો મેં વાંચ્યા છે તેને હું ઠીક પચાવી શક્યો છું, પરંતુ જે પુસ્તકે મારા જીવનમાં તત્કાળ અને મહત્ત્વનો રચનાત્મક ફેરફાર કરાવ્યો એવું તો આ જ પુસ્તક કહી શકાય. જે વસ્તુ મારા હાડમાં ભરેલી હતી તેનું પ્રતિબિંબ મેં રસ્કિનના પુસ્તકમાં જોયું.’

‘અન ટુ ધીસ લાસ્ટ’ પુસ્તકની ગાંધીજી પર એટલી બધી અસર થઈ કે, તેમણે અસીલોની વકીલાત છોડી દીધી અને ખુદ દરિદ્રનારાયણોના બેરિસ્ટર બની ગયા. ગાંધીજીએ પોતાની આત્મકથામાં પોતાના પર પ્રભાવી એવા ત્રણ મહાપુરુષોના નામ લખ્યાં છે. તેમાંના એક રસ્કિન હતા.

એવી જ રીતે કાર્લ માર્કસ નામના એક લેખકે ‘દાસ કેપિટલ’ પુસ્તક લખ્યું તેના કારણે વિશ્વમાં સામ્યવાદી વિચારસરણી પેદા થઈ અને સામ્યવાદ સ્થપાયો.

આવો છે વિશ્વભરમાં પુસ્તકોનો પ્રભાવ.

તમારા સંતાનોને પુસ્તકો, અખબારો અને સામયિકોે  વાંચવાની ટેવ પાડો. બાળકનું વ્યક્તિત્વ ખીલી ઊઠશે.

  •  દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!