Close

બે સ્ત્રીઓ એકબીજાને પ્રેમ કરે તે અપરાધ કેવી રીતે

કભી કભી | Comments Off on બે સ્ત્રીઓ એકબીજાને પ્રેમ કરે તે અપરાધ કેવી રીતે

રિતુ દાલમિયા.

એક યુવતી છે. શેફ છે  અને બિઝનેસ વુમન પણ છે.

તેેઓ કહે છેઃ ‘હું  જ્યારે નાની હતી ત્યારે સજાતીય સંબંધો શું છે તે જાણતી નહોતી. એ વખતે હું અત્યંત શરમાળ, સંકોચ અનુભવનારી પરંતુ બળવાખોર સ્વભાવની હતી. મારા પિતા માર્ર્બલ અને  ગ્રેનાઇટના વેપારી હતા. હું  પણ એ જ કામ કરવા લાગી પરંતુ ૨૩ વર્ષની ઉંમરે એ કામ છોડીને મેં રેસ્ટોરાં શરૂ કરી. એક રુઢીવાદી પરિવારમાંથી આવતી હોવા છતાં મેં મારા નિર્ણયો જાતે જ લેવા માંડયા.  મને યાદ છે કે હું મારા પિતાની બ્રીફ્કેસ હાથમાં લઇને ફરતી હતી. જો કે મને કોઇ ગંભીરતાથી લેતું નહોતું પરંતુ  મેં જાતે જ મારી સ્વતંત્રતા વિકસાવી.

મને મારા અંગત જીવન અને વ્યાવસાયિક નિર્ણયોની બાબત માટે કોઇ સંદેહ નહોતો. મહિલાઓ સાથે મારા સંબંધો હંમેશાં સારા રહ્યા. હું નાની હતી ત્યારથી જ અન્ય યુવતીઓને  મારી તરફ આર્કિષત કરવાની કોશિશ કરતી હતી. એક બીજી યુવતી સાથે મને પ્રેમની અનુભૂતિ થઇ ત્યારે જ મને હું જુદી જ છું તેવો અહેસાસ થયો. એ વખતે હું ૨૩ વર્ષની હતી. પરંતુ હું બીજી સ્ત્રીઓ કરતાં અલગ છું. એવી અનુભૂતિ પછી પણ હું ડરી નહીં. પરંતુ મારી સ્ત્રી-પાર્ટનર સાથે એવું નહોતું. અમારા સંબંધો અંગે તે લાંબા સમય સુધી ઝઝૂમતી રહી. એવું નહોતું કે પ્રેમમાં કમી હતી. ઘણાં લોકો સામાજિક દબાણ હેઠળ જીવે છે.

એ વખતે કાનૂનની નજરમાં હું અપરાધી હતી, જે મને સ્વીકાર્ય નહોતું. એ વખતનો કાનૂન મારા જેવા લોકોને ‘અપ્રાકૃતિક અપરાધ’ના દોષી માનતો હતો. પરંતુ હું સાફ શબ્દોમાં કહું તો હું બીજું ઘણું બધું હોઇ શકું છું પરંતું હું ગુનેગાર પણ નથી અને કાયર પણ નથી. હું એક પ્રતિષ્ઠિત શેફ છું, જેની દુનિયાભરમાં સાત જેટલી રેસ્ટોરાંઓ છે. હું ઇચ્છું છું કે મારી ઓળખ એક શેફની હોય,એક  ‘સમલૈંગિક શેફ’ની નહીં. હું કદી બંધાઇને રહી નથી. મારે મારી સજાતીયતાની ઘોષણા કરતી ટી-શર્ટ પહેરવાની કોઇ જરૂર નથી. મારા માટે મારું  પરિવાર  અને મારા મિત્રો  ખાસ મહત્ત્વ ધરાવે છે અને તેઓ એ પણ જાણે છે કે હું શું કરી રહી છું. લંડનમાં ચાર વર્ષ રહ્યા બાદ હું ભારત પાછી આવી અને મેં  મારી એક સ્ત્રી પ્રત્યેના પ્રેમની વાત મારી મમ્મીને કહી તો તે મૌન થઇ ગઇ. પરંતુ તેના બે દિવસ બાદ જ મારી માએ મારી સ્ત્રી-પાર્ટનરને કેટલીક ભેટો  મોકલી.

હું  આંદોલનકારી નહોતી. એવા બનવાની ઇચ્છા પણ  નહોતી.  મેં તો સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી એ અરજી પર હસ્તાક્ષર કર્યા હતા જે કાનૂનની સમીક્ષાની જરૂર હતી અને જે કાનૂન સજાતીયતાને અપરાધ માને છે. કેટલાંક વર્ષો પહેલાં પણ હું દિલ્હીની ‘ગ્રે પ્રાઇડ’માં સામેલ થઇ હતી. મને મારી પાર્ટનર કે જે એક સ્ત્રી છે તેની તરફના પ્રેમ- લગાવ બદલ  કદીયે શરમ આવી નથી. પ્રેમની આઝાદીનો આશય શારીરિક સંબંધ નહીં- એ વાત કોઇ કોઇને કેવી રીતે સમજાવી શકે ?

અમારે અમારા ઘરેલું નોકરો, ડ્રાઇવરો અને પોલીસ દ્વારા બ્લેકમેલ અને ધમકીઓનો સામનો કરવો પડે છે. હું મારા ઘરની અંદર ચાર દીવાલોની ભીતર શું કરું છું, તે મારી  સમસ્યા છે. હું બીજાં બધાંની જેમ એક યોગ્ય અને ટેક્સ ભરવાવાળી નાગરિક છું. હું એ વખતે બહુ જ દુઃખી થઇ ગઇ જ્યારે  કેટલાક સમય પહેલાં એક બીજાને પ્રેમ કરતી બે છોકરીઓની ધરપકડ કરી દેવામાં આવી હતી, અને તેમાંથી એક યુવતી પર ગામના લોકોએ સામૂહિક બળાત્કાર કર્યો. ગામ લોકોની ધારણા એવી હતી કે એ યુવતી પર બળાત્કાર કરવાથી એ સ્ત્રી નોર્મલ થઇ જશે !

કેવી વિચારધારા ?

બે વ્યક્તિઓ, બે સ્ત્રીઓ  એકબીજાને પ્રેમ કરે તે અપરાધ કેવી રીતે ?

હું સાફ શબ્દોમાં કહેવા માગું છું કે, મને કોઇ સ્વીકારે કે ના સ્વીકારે તેની મને પરવા નથી, પરંતુ કોઇ મને ગુનેગાર કેવી રીતે કહી શકે ? એ સત્ય છે કે હું દિલ્હીમાં રહું છું, આર્થિક રીતે હું સ્વાવલંબી છું. દિલ્હીમાં મારી આગવી ઓળખ છે. આ બધું તો મારો બચાવ છે પરંતુ ભેદભાવને સમજવા માટે તો આપણે નાનાં શહેરો અને ગામડાંઓમાં જવું પડશે. આ માત્ર વર્ગ કે ધનની વાત નથી. પરિવેશની પણ વાત છે. કોઇ સ્ત્રી પર બળાત્કાર કરવાથી તે ઠીક થઇ જશે- તે કેવી માનસિક્તા ?

સુપ્રીમ કોર્ટમાં  જ્યારે અંગ્રેજોના જમાનામાં એટલેકે ૧૫૮ વર્ષ પહેલાં બનેલા કાનૂનની ૩૭૭ કલમ અંગે  અપીલ દાખલ કરવામાં આવી ત્યારે તેની પર હસ્તાક્ષર કરતી વખતે  મને સહેજ મૂંઝવણ હતી.  એ વખતે મને કહેવામાં આવ્યું કે આ હસ્તાક્ષર બાદ મારી રોજિંદી જિંદગી પર તેની અસર પડશે, પરંતુ મારે એ કામ તો કરવું જ  રહ્યું. અમે નથી ઇચ્છતાં કે અમને અલ્પ સંખ્યક કહેવામાં આવે કે અમને અનામત મળે. આ અમારી જિંદગીની નિજતા- પ્રાઇવસીનો મામલો છે.

મને એમ પણ લાગ્યું કે હું મારા પરિવારને અને મિત્રોને પણ  ચર્ચામાં  લાવી રહી છું. મારા એક સગાએ મારી માને પૂછયું પણ ખરું : ‘શું હું અને મારી સ્ત્રી-પાર્ટનર સાથે જ સૂઇ જઇએ છીએ ?’

મારું પરિવાર રૂઢીચુસ્ત છે, મારી મા મને માર મારે તો હું માર ખાવા પણ તૈયાર હતી. એક સગાએ એ પ્રશ્ન મારી માને પૂછયો ત્યારે મને લાગ્યું કે મા રડી પડશે, પરંતુ તેમ ના થયું, તે એક પહાડની જેમ મજબૂત બનીને મારી પડખે ઊભી રહી.

સમય બદલાતો ગયો. એક સમય એવો પણ આવ્યો કે, હું મારી પાર્ટનરથી અલગ થઇ ગઇ. એ વખતે પણ મારી માને  ચિંતા હતી કે મારી દીકરી હવે એકલી પ.ડી જશે.

મેં સુપ્રીમ કોર્ટમાં એ અરજી પર સહી કરી ત્યારે મારી પર કેટલાયે લોકોના સંદેશા આવ્યા. કોઇએ મને ભાન ભૂલેલી, માર્ગ ભૂલેલી સ્ત્રી કહી. કોઇએ મને આશ્રમમાં જતા રહેવાની સલાહ આપી. પરંતુ એ સંદેશાઓ કરતાં બીજા બે ગણા  એવા સંદેશા હતા  જેમણે મારા પગલાંની પ્રશંસા કરી હતી.

– રિતુ દાલમિયાની આ કેફિયત દિલ્હીથી પ્રગટ થતા અખબાર ‘હિંદુસ્તાન ટાઇમ્સ’માં પ્રગટ થઇ છે. તેમણે હિંદુસ્તાન ટાઇમ્સ સાથે કરેલી વાતચીત હિંદુસ્તાન ટાઇમ્સના સૌજન્ય સાથે અહીં એમના જ શબ્દોમાં રજૂ કરી છે. અંગ્રેજોએ બનાવેલા  કાનૂનની ધારા ૩૭૭ના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટમાં જે ૩૫ વ્યક્તિઓએ અપીલ દાખલ કરી હતી તેમાં રિતુ દાલમિયાં એક હતાં. તેઓ ૪૫ વર્ષની વયનાં છે. કોલકોતામાં જન્મેલા રિતુ કેટલાયે એવોર્ડ જીતી ચૂક્યાં છે.

બહુ ઓછા  લોકોને  એ વાતની ખબર છે કે સજાતીયતા ધરાવતા સમુદાયના સ્ત્રી-પુરુષોના હાથમાં ઇન્દ્રધનુષી ઝંડો તેમની ઓળખના પ્રતીક સ્વરૂપે હોય છે. ઇ.સ. ૧૯૭૮માં અમેરિકી એક્ટિવિસ્ટ ગિલ્બર્ટ બેકરે આ ઝંડાની ડિઝાઇન તૈયાર કરી હતી. ફ્રાંસમાં જ્યારે હિટલરનું શાસન હતું ત્યારે તે વખતના પ્રશાસન તંત્રએ સજાતીય સ્ત્રી-પુરુષોનાં વસ્ત્રો પર ગુલાબી રંગની પટ્ટીઓ ટાંકી દીધી હતી. હિટલરના  પતન બાદ એ લોકોએ  એ ગુલાબી પટ્ટીઓ ફેંકી દઇ સામાન્ય વસ્ત્રો પહેરવાનું શરૂ કર્યું હતું અને આઝાદીનું એલાન કરી દીધું હતું. એ ઘટનાનાં વર્ષો બાદ ગિલ્બર્ટે પ્રકૃતિમાંથી પ્રેરણા લઇ સજાતીય લોકો માટે ઇન્દ્રધનુષ રંગના ઝંડાની  ડિઝાઇન તૈયાર કરી. ખ્યાલ એવો હતો કે ઇન્દ્રધનુષ અનેક રંગોને  પોતાની સાથે જોડે છે. એ જ રીતે સજાતીય  લોકોને પણ સમાન સૂરમાં તે જોડશે. ગુલાબી રંગ- સમલૈંગિકોના સેક્સનું પ્રતીક, લાલ રંગ-જિંદગીનું પ્રતીક, પીળો રંગ- સૂરજની રોશનીનું પ્રતીક, લીલો રંગ- કુદરતનું પ્રતીક, કેસરિયો રંગ- ઘા પર મલમનું પ્રતીક ગણાય છે.  આ પ્રકારનો ઇન્દ્રધનુષી ઝંડો પહેલી જ વાર અમેરિકાના સાન ફ્રાંન્સિકો શહેરના સંયુક્ત રાષ્ટ્ર પ્લાઝામાં ફરકાવવામાં આવ્યો ત્યારે એના થોડા જ કલાકમાં સમલૈંગિક એક્ટિવિસ્ટ હાર્વે મિલ્કની કોઇએ હત્યા કરી નાંખી. તે પછી  સજાતીયતા ધરાવતા લોકોની ભાવના  પણ મેઘધનુષી ઝંડા  પ્રત્યે ગાઢ થઇ. હાર્વે મિલ્ક  તેમના હીરો હતા. આ ધ્વજની ડિઝાઇન તૈયાર કરવાનું કામ તેમણે જ ગિલ્બર્ટને સોંપ્યું હતું.

સુપ્રીમ કોર્ટના વિદ્વાન ન્યાયર્મૂિત દીપક મિશ્રાએ કહ્યું છે કે ‘એક માનવી જેવો છે તેવો છે અને તેને  એ જ રીતે સ્વીકારો.’.

– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!