Close

બે હાથ વગરની યુવતી વિશ્વની પહેલી મહિલા પાઇલટ બની

કભી કભી | Comments Off on બે હાથ વગરની યુવતી વિશ્વની પહેલી મહિલા પાઇલટ બની

જેસિકા કોક્સ.

તે એક દિવ્યાંગ પાઇલટ છે.

જેસિકાનો જન્મ અમેરિકાના એરિઝોના પ્રાંતના નાના ગામમાં થયો હતો. બાળકીના જન્મ બાદ નર્સે નવજાત શિશુને જોયું તો તે અવાક્ થઈ ગઈ. આ તાજી જ જન્મેલી બાળકીના બે હાથ જ નહોતા. નર્સ વિચારમાં પડી ગઈ કે બાળકીની માતાને આ વાત કહેવી કેવી રીતે ?

પરંતુ માએ બાળકીને નિહાળી. બાળકીની માતા અને પિતા દિવ્યાંગ બાળકીને જોઈ આઘાતમાં સરી પડયાં. સ્વસ્થ થતાં ઘણો સમય લાગ્યો. પરંતુ એક દિવસ તેમણે નક્કી કરી નાખ્યું કે  બે હાથ વગરની પુત્રીને તેઓ કદી લઘુતાગ્રંથિની ભાવનાનો ભોગ થવા દેશે નહીં. તેઓ નહોતા ઇચ્છતા કે લોકો તેમની દીકરી પર દયા કરે. બાળકીને જેસિકા નામ આપવામાં આવ્યું.

પુત્રીની પરવરીશ બહુ જ સરસ રીતે કરવામાં આવી. મા તેમની બે હાથ વગરની દીકરીની ખૂબ કાળજી લેવા માંડી. તેઓ નહોતા ઇચ્છતાં કે હાથ ના હોવાના કારણે પુત્રીને કોઈ તકલીફ પડે. બાળકીને કૃત્રિમ હાથ લગાવવામાં આવ્યા. પરંતુ એ બધું  સહજ નહોતું.  નાનકડી જેસિકા ધીમે ધીમે  પોતાના પગથી કામ કરવા લાગી. પછી તે પુસ્તક ઉઠાવવાનું  હોય કે ઘરનું બીજું કોઈ કામ.

જેસિકા કહે છે : ‘જન્મથી જ મારા હાથ ના હોવાથી મેં એના વિના જ જીવન જીવવાનું શીખી લીધું. પ્રકૃતિ જ તમને બધું શીખવી દે છે.’

જેસિકા હવે સ્કૂલે જવા લાગી. અહીં પણ મુશ્કેલીઓ સામે આવીને ઊભી  રહી. ક્લાસમાં ભણતા અન્ય બાળકો બે હાથ વગરની છોકરીને વિચિત્ર નજરે જોઈ રહેતાં. પરંતુ માતા-પિતાએ જેસિકાને હિંમત હારવા ના દીધી.

જેસિકાએ હવે પોતાના પગથી જ બધું કામ કરવાનું શીખી  લીધું. પગથી જ તે સ્નાન કરતાં શીખી ગઈ. પગથી જ તે વસ્ત્રો પહેરતાં શીખી ગઈ. પગથી જ  તે માથાના વાળ ઓળતાં શીખી ગઈ. ૧૪ વર્ષની  ઉંમરે તેણે કૃત્રિમ હાથનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું. તે તેના બધાં જ કામ પગથી કરવા લાગી. લોકો તેને પગથી પોતાના કામ કરતી જોઈ અજબ નજરે  ઘુરતા હતા પરંતુ જેસિકાએ કદીયે પોતાની અંદર હીન ભાવના પેદા થવા દીધી નહીં.

સ્કૂલમાં તે નૃત્યુના કાર્યક્રમોમાં પણ ભાગ લેવા માંડી. પગના સહારે તે કરાટે શીખી અને કરાટે ચેમ્પિયન પણ બની. એ ઘોડેસવારી પણ કરવા લાગી. એણે સ્કૂલમાં ડ્રાઇવિંગ પણ શીખી લીધું. આસપાસના લોકો એક  દિવ્યાંગ છોકરીની હિંમત જોઈ દંગ રહી ગયા.

જેસિકાએ હવે મનોવિજ્ઞાનના વિષયમાં ગ્રેજ્યુએશન કરી લીધું. તે કહે છે : ‘મેં એવું કદી ના વિચાર્યું  કે આ કામ હું નહીં કરી શકું. હું બધું જ કામ કરવામાં સક્ષમ છું.  તેમ મને લાગ્યું. દુનિયામાં બીજા બધાંથી હું કમ છું એવું મને કદી લાગ્યું નહીં.’

સમયની સાથે જેસિકાનો જુસ્સો વધતો ગયો. તે એવા બધાં જ કામ કરવા માગતી  હતી જે કામ બે હાથવાળા માણસો કરી શકતા હતા. એણે માત્ર પગ વડે જ મોટરકાર ચલાવવાનું શીખી લીધું. એણે પગ વડે જ ટાઇપિંગ કરવાનું  શીખી લીધું. તે પગની આંગળીઓથી ટાઇપિંગ કરતી હતી અને લોકો દંગ રહી જતા હતા. એણે પ્રતિ મિનિટે ટાઇપિંગની પચ્ચીસની સ્પીડ હાંસલ કરી નવો જ વિક્રમ સ્થાપ્યો.

જેસિકા હવે ૨૫ વર્ષની થઈ. એક  દિવસ એને વિચાર આવ્યો કે હવે એવું કયું કામ બાકી છે જે હું કરી ના શકું. જે જે બે હાથવાળા લોકો કરી શકે છે. એ જ દિવસે તેના મનમાં વિચાર આવ્યો કે શા માટે હું વિમાન ના  ઉડાડું ?

અલબત્ત, હાથ વગર વિમાન ઉડાડવું એ તો સૌથી ખતરનાક પ્રયોગ હતો છતાં જેસિકાએ નક્કી કરી નાખ્યું કે એક દિવસ તે પગની મદદથી જ હવાઈજહાજ ઉડાડશે અને આસમાનની સફર કરશે. જોકે તેને આ અસંભવ પણ  લાગતું હતું પરંતુ તેમ નથી  મક્કમ હતી. આ દરમિયાન એક દિવસે જેસિકાની મુલાકાત ફાઇટર પ્લેનના એક પાઇલટ સાથે થઈ ગઈ. તેઓ જનકલ્યાણ માટે કામ કરતા હતા. એમણે જેસિકાને પૂછયું : ‘જેસિકા, તારે વિમાન ઉડાડવું છે?’

‘હા’ : જેસિકા બોલી.

પાઇલટે કહ્યું : ‘એક વાર પ્રયત્ન કરી જો.’

જેસિકાએ ફરી હા પાડી. એણે નક્કી કરી નાખ્યું કે તે વિમાન  ઉડાડશે  જ.

જેસિકા કહે છે : ‘મને ઊડવાથી ડર લાગતો હતો. પરંતુ હું એ ભય પર કાબૂ મેળવવા માગતી હતી. આંખો બંધ કરીને હું કલ્પના કરવા લાગી કે હું એક સુપરવુમન છું અને હવામાં ઊડી રહી છું. એ કલ્પનાએ જ મારો ડર હટાવી દીધો.’

હવે તે વિમાન ઉડાડવાની તાલીમી સંસ્થામાં ગઈ. એને એક પડકાર સમજીને સંસ્થાએ પ્રવેશ આપ્યો. જેસિકાને એક એવા હવાઈજહાજમાં તાલીમ આપવામાં આવી કે જેને કંટ્રોલ કરવા માટે બે હાથોની જરૂર હતી, પગની નહીં પરંતુ જેસિકા પાસે હાથ ના હોવાથી તે પોતાના પગથી વિમાનનું નિયંત્રણ સંભાળવા લાગી. ત્રણ  ટ્રેનરે તેને તાલીમ આપવાનું શરૂ કર્યું. એણે પગથી જ વિમાન ઉડાડતાં શીખી લીધું. જોકે સંપૂર્ણ રીતે વિમાન ઉડાડવાનું શીખી લેતાં તેને ત્રણ વર્ષ લાગ્યાં. એણે પૂરી ધીરજ અને મહેનતથી  તાલીમ લીધી. હવે તે વિમાન ઉડાડવા લાગી. અત્યાર સુધીમાં તેણે ૯૮ કલાક વિમાન ઉડાડવાનો અનુભવ મેળવી લીધો. નોંધપાત્ર વાત એ છે કે એક દિવ્યાંગ યુવતીનું લાઇટવેટ વિમાન ઉડાડવાનું લાઇસન્સ પણ મળી ગયું.

અને એ રીતે  જેસિકા વિશ્વની પહેલી બે હાથ વગરની અધિકૃત મહિલા પાઇલટ બની કારણ કે હવે તેની પાસે હવાઇજહાજ  ઉડાડવાનું લાઇસન્સ હતું.  આ કારણસર તેનું નામ ગિનિઝ બુક ઓફ રેકોર્ડમાં દર્જ થઈ ગયું. જેસિકા કહે છે : ‘મેં  જ્યારે વિમાન ઉડાડવાની તાલીમ લેવાનું શરૂ કર્યું ત્યારે ઘણા બધા લોકો મને કહેતા હતા કે હું કારણ વગર એક જોખમ લઈ રહી છું. પરંતુ બીજા કેટલાક એવા પણ હતા જેમણે મને  પ્રોત્સાહન પૂરું પાડયું.’

કામયાબી અને નામના પ્રાપ્ત કર્યા બાદ તે હવે તેનું ઘર વસાવવા માગતી હતી. તેની આ ઇચ્છા પણ પૂરી થઈ. ૨૦૧૨માં તેણે એના દોસ્ત પેટ્રિક ચેમ્બરલીન સાથે લગ્ન કરી લેવા નિર્ણય કર્યો. મુશ્કેલી એ હતી કે સગાઈની વીંટી હાથ ના હોવાથી પહેરવી ક્યાં ? પરંતુ તેના મંગેતર પેટ્રિકે કહ્યું: ‘હું આ વેડિંગ રિંગ જેસિકાની પગની આંગળીએ પહેરાવીશ.’

અને એમ જ થયું. પેટ્રિકે જેસિકાના પગની આંગળી પર વેડિંગ રિંગ પહેરાવી જેની તસવીરો વાઇરલ થઈ.

જેસિકા  હવે તેના  પતિ સાથે સુખી છે.

તા. ૩જી ડિસેમ્બરે ‘દિવ્યાંગ દિન’  છે ત્યારે જેસિકાની આ પ્રેરક કથા સૌને અર્પણ છે.

– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!