Close

બ્રિટિશ ઇન્ડિયન આર્મી’ના૭૦ હજાર સૈનિકો શહીદ થયા

કભી કભી | Comments Off on બ્રિટિશ ઇન્ડિયન આર્મી’ના૭૦ હજાર સૈનિકો શહીદ થયા
મુંબઇની ઓળખ ‘ગેટ વે ઓફ ઇન્ડિયા’ છે તો દિલ્હીની એક ઓળખ ‘ઇન્ડિયા ગેટ’ છે. તા. ૨૬મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિન હોય છે. આ દિવસે જે પ્રજાસત્તાક પરેડ થાય છે તે અહીંથી જ પસાર થાય છે. દિલ્હીનો ‘ઇન્ડિયા ગેટ’ પણ બ્રિટિશ ઇન્ડિયાની એક યાદગાર ઇમારત છે.
 
એક સમયે ‘ઇન્ડિયા ગેટ’નું શરૂઆતનું નામ ‘ઓલ ઇન્ડિયા વોર મેમોરિયલ’ હતું. તે નવી દિલ્હીમાં રાજપથની નજીક આવેલો છે.
 
ભારતમાં અંગ્રેજો રાજ કરતા હતા ત્યારે વિશ્વ યુદ્ધ દરમિયાન ભારતનું લશ્કર બ્રિટિશ ઇન્ડિયન આર્મી તરીકે ઓળખાતું હતું. ૧૯૧૪થી ૧૯૨૧ દરમિયાન પ્રથમ વિશ્વ યુદ્ધ થયું. એ વખતે અંગ્રેજોના કારણે બ્રિટિશ ઇન્ડિયન આર્મીએ ફ્રાન્સ, ફ્લેન્ડર્સ, મેસોપોટેમિયા, પર્શિયા, ઇસ્ટ આફ્રિકા અને ગેલીપોલી ખાતે ખેલાયેલા યુદ્ધમાં બ્રિટન અને તેના સાથી દેશો તરફથી ભાગ લીધો હતો. બ્રિટન અને તેના સામ્રાજ્ય હેઠળ આવતા દેશોના સૈનિકોએ એડોલ્ફ હિટલરના જર્મન સામ્રાજ્ય સામે બ્રિટિશ સામ્રાજ્ય તરફથી યુદ્ધ ખેલ્યું હતું. આ પ્રથમ વિશ્વયુદ્ધમાં બ્રિટિશ ઇન્ડિયન આર્મીના ૭૦,૦૦૦ સૈનિકો માર્યા ગયા હતા. એ સૈનિકોની યાદમાં જે મેમોરિયલ બન્યું તે ‘ઇન્ડિયા ગેટ’.
 
આ યુદ્ધ સ્મારક પર બ્રિટિશ ઇન્ડિયન આર્મીના ૧૩,૨૧૮ જેટલા સૈનિકો અને યુ.કે.ના અધિકારીઓના નામો કોતરાવેલા છે.
 
‘ઇન્ડિયા ગેટ’ આમ તો યુદ્ધનું સ્મૃતિ- સ્મારક હોવા છતાં તેનું સ્થાપત્ય એક જમાનાના રોમના આર્ક ઓફ કોન્સ્ટેન્ટાઇનની યાદ અપાવે છે. કેટલીકવાર તેની સરખામણી પેરિસના આર્ક દ ટ્રિઓમ્ફ (ટ્રાયમ્ફ) સાથે પણ કરવામાં આવે છે.
 
૧૯૭૨ના બાંગ્લાદેશની આઝાદી માટે ભારતે પાકિસ્તાન સાથે ખેલેલા યુદ્ધ બાદ અહીં આરસપહાણની એક પ્લીથ પર ઊંધી મૂકેલી રાઇફલની ઉપર હેલ્મેટની એક કૃતિ પણ મુકવામાં આવી છે જે ‘અમર જવાન જ્યોતિ’ તરીકે પણ ઓળખાય છે. અહીં કેટલાયે અનામી જવાનોની યાદ ભારે સંવેદના અને આદરપૂર્વક અહીં સ્થાપિત કરવામાં આવી છે. ઇન્ડિયા ગેટ આ રીતે ભારતનું સૌથી મોટું વોર મેમોરિયલ ગણાય છે.
 
ઇન્ડિયા ગેટનો વર્ષો પહેલાંનો ઇતિહાસ રસપ્રદ છે. અંગ્રેજોના શાસન વખતે ભારતમાં એક ઇમ્પિરિયલ વોર ગ્રેવ્સ કમિશન હતું. તે ડિસેમ્બર, ૧૯૧૭માં અસ્તિત્વમાં આવ્યું હતું. ઇન્ડિયા ગેટ તેની કામગીરીનો એક ભાગ હતો.
 
આ ઓલ ઇન્ડિયા વોર મેમોરિયલની આધારશીલા તા. ૧૦ ફેબ્રુઆરી, ૧૯૨૧ના રોજ મૂકવામાં આવી હતી. પ્રથમ વિશ્વયુદ્ધ પછી એ યુદ્ધમાં માર્યા ગયેલા બ્રિટિશ ઇન્ડિયાના સૈનિકો, અધિકારીઓની યાદમાં ડયૂક ઓફ કોનોટના હસ્તે તેનો શિલાન્યાસ થયો હતો. તે સમારંભમાં ભારતના વાઇસરોય સહિત બ્રિટિશ ઇન્ડિયન આર્મીના કમાન્ડર ઇન ચીફ વગેરેએ હાજરી આપી હતી. વાઇસરોયે યુદ્ધમાં ભાગ લેનાર નામી-અનામી સૈનિકોને અંજલિ આપી હતી.
 
આ પ્રસંગે બ્રિટનના રાજાએ પણ એક સંદેશો મોકલી આપ્યો હતો. યુદ્ધમાં ભાગ લેનાર વિવિધ સૈન્ય ટુકડીઓને ‘રોયલ્સ’નો ખિતાબ આપવામાં આવ્યો હતો.
 
આ યુદ્ધ સ્મારકના શિલાન્યાસના દસ વર્ષ બાદ એટલે કે તા.૧૨ ફેબ્રુઆરી, ૧૯૩૧ના રોજ બ્રિટનના ભારત ખાતેના વાઇસરોય લોર્ડ ઇરવીને તેનું ઉદ્ઘાટન કર્યું હતું.
 
આ સ્મારકના શિલાન્યાસ અને ઉદ્ઘાટનની વચ્ચેના દસ વર્ષ દરમિયાન એક રેલવે લાઇનનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આ રેલવે લાઇન યમુના નદીની નજીક લઇ જવામાં આવી હતી અને ૧૯૨૬માં નવી દિલ્હી રેલવે સ્ટેશન શરૂ કરવામાં આવ્યું હતું.
 
આ ઐતિહાસિક સ્મારકની ડિઝાઇન એડવિન લ્યૂટને તૈયાર કરી હતી. એડવિન લ્યૂટન માત્ર વોર મેમોરિયલના જ નહીં પરંતુ નવી દિલ્હીના પણ મુખ્ય સ્થપતિ હતા. તેઓ યુરોપના અન્ય વોર મેમોરિયલ્સની એક સંસ્થાના પણ સભ્ય હતા. તેમણે યુરોપના કેટલાક દેશોમાં બીજાં ૬૬ જેટલા યુદ્ધ સ્મારકોની ડિઝાઇન તૈયાર કરી હતી. તેમનાં જાણીતાં અન્ય વોર મેમોરિયલમાં લંડનમાં કેનાટેફ ખાતે આવેલું યુદ્ધ સ્મારક અત્યંત જાણીતું છે. આ સ્મારક પ્રથમ વિશ્વયુદ્ધ બાદ ૧૯૧૯માં તૈયાર થયું હતું.
 
નોંધપાત્ર વાત એ છે કે નવી દિલ્હીમાં તૈયાર કરવામાં આવેલું આ યુદ્ધ સ્મારક લંડનના વોર મેમોરિયલની જેમ કોઇ પણ ધર્મથી મુક્ત અને બિન સાંપ્રદાયિક છે. વિશ્વના કોઇ પણ ધર્મના કોઇ પણ પ્રતીક અહીં મૂકવામાં આવ્યા નથી.
 
ઓલ ઇન્ડિયા વોર મેમોરિયલ અર્થાત્ ”ઇન્ડિયા ગેટ” ૧૩૮ ફૂટની ઊંચાઇ ધરાવે છે. તેમાં ભરતપુરના સ્ટોનનો ઉપયોગ થયો છે.
 
આ મેમોરિયલ પર અંગ્રેજી લિપિના કેપિટલ અક્ષરોમાં આ લખાણ લખવામાં આવ્યું છે :
 
TO THE DEAD OF THE INDIAN ARMIES WHO FELL AND ARE HONOURED IN FRANCE AND FLANDERS MESOPOTAMIA AND PERSIA EAST AFRICA GALLIPOLI AND ELSEWHERE IN THE NEAR AND THE FAR-EAST AND IN SACRED MEMORY ALSO OF THOSE WHOSE NAMES ARE HERE RECORDED AND WHO FELL IN INDIA OR THE NORTH- WEST FRONTIER AND DURING THE THIRD AFGHAN WAR
 
એ સિવાય આ સ્મારક પર જે ૧૩,૨૧૮ સૈનિકોના નામ કોતરાવવામાં આવ્યા છે તે વાંચવા જવા પર સલામતીના કારણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
 
હવે બાંગ્લાદેશને આઝાદી અપાવતી વખતે જે ભારતીય જવાનો શહીદ થયા તેમની યાદમાં અહીં બનેલી ‘અમર જવાન જ્યોતિ’નું ઉદ્ઘાટન એ વખતના વડા પ્રધાન ઇંદિરા ગાંધીએ તા.૨૬ જાન્યુઆરી, ૧૯૭૨ના રોજ પ્રજાસત્તાક દિને કર્યું હતું. ભારતના અનેક નામી-અનામી શહીદવીરોની યાદ અને સન્માન અહીં સચવાયેલાં છે.
 
દર વર્ષે પ્રજાસત્તાક દિને દેશના વડા પ્રધાન અને ભારતીય લશ્કરની ત્રણેય પાંખોના વડા આ અમર જવાન જ્યોતિ ખાતે ફૂલોની રેથ મૂકી શહીદ જવાનોને અંજલિ આપે છે.
 
આવી છે નવી દિલ્હીના ઇન્ડિયા ગેટની કહાણી..
 
દેવેન્દ્ર પટેલ
 
 

Be Sociable, Share!