Close

બ્રિટિશ ઇન્ડિયામાં સુપ્રીમ કોર્ટના અંગ્રેજ જજ સંસ્કૃતના પંડિત બન્યા

કભી કભી | Comments Off on બ્રિટિશ ઇન્ડિયામાં સુપ્રીમ કોર્ટના અંગ્રેજ જજ સંસ્કૃતના પંડિત બન્યા

સંસ્કૃત આમ તો દેવોની ભાષા છે.

વિશ્વનો શ્રેષ્ઠ આધ્યાત્મિક ગ્રંથ-શ્રીમદ્ ભાગવત ગીતા સંસ્કૃતમાં લખાયેલો છે. મહાકવિ કાલિદાસની  શ્રેષ્ઠ કૃતિ- ‘અભિજ્ઞાન શાકુંતલમ્ ‘ સંસ્કૃતમાં છે. ભાસનું ‘સ્વપ્નવાસવદત્તમ’ સંસ્કૃત ભાષામાં છે. સંસ્કૃત ભાષા ભારતીય સંસ્કૃતિની ધરોહર છે. આજે સંસ્કૃત ભાષા માત્ર  ગ્રંથોમાં જ સીમિત થઇ રહી છે. ત્યારે અહીં એક એવી વિદેશી વ્યક્તિની કહાણી છે જે અંગ્રેજ હોવા છતાં સંસ્કૃત ભાષાના શ્રેષ્ઠ વિદ્વાન હતા.

એમનું નામ સર વિલિયમ જોન્સ.

સર વિલિયમ જોન્સ માત્ર સંસ્કૃત જ નહીં પરંતુ ફારસી અને અરબી ભાષાના પણ પ્રસિદ્ધ પંડિત હતા. તેમનો જન્મ તા. ૨૮ સપ્ટેમ્બર, ૧૭૪૬ના રોજ લંડનમાં થયો હતો. તેઓ બ્રિટિશ ઇન્ડિયા વખતે બંગાળની સુપ્રીમ કોર્ટના જજ પણ હતા એ વખતે તેમની વય માત્ર ૩૭ વર્ષની જ હતી.

સર વિલિયમ જોન્સ અત્યંત બુદ્ધિશાળી હતા. તેઓ ગ્રીક ભાષામાં અવલ નંબર લાવતા હતા.  લંડનમાં તેમણે ફ્રેન્ચ અને લેટિન ભાષાનો પણ અભ્યાસ કર્યો હતો. ઇ.સ. ૧૭૬૪ની સાલમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીથી તેમણે કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ માત્ર પુસ્તકોમાં જ રચ્યાપચ્યા રહેવાના બદલે વનસ્પતિશાસ્ત્ર અને ખનિજશાસ્ત્રનો પણ અભ્યાસ કરતા હતા. ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં અલપ્પોથી આવેલા એક સીરિયનની મદદથી અરબી ભાષા શીખવાની શરૂઆત કરી. લંડનમાં જ રહી પોતાના ઉચ્ચારો શુદ્ધ કરવા તેને રસ્તા પરથી જ પકડી લીધો હતો. તે પછી ફારસી, હિબ્રૂ, સ્પેનિશ અને પોર્ટૂગીઝ ભાષાઓ પણ શીખવાનું શરૂ કર્યું. ઓક્સફર્ડ છોડયા પછી રેવઝકી નામના એક વિદેશી શ્રીમંત સાથે મિત્રતા થઇ. સર વિલિયમે તેમની પાસેથી ફ્રેન્ચ  અને લેટિનમાં પત્રવ્યવહાર શરૂ કર્યો. ગ્રીક કાવ્યોની તેમને જબરદસ્ત મોહિની હતી.

ઇ.સ. ૧૭૭૦માં તેમણે લંડનમાંથી બેરિસ્ટરની પરીક્ષા પાસ કરી. ઇ.સ. ૧૭૮૩માં સર વિલિયમને બંગાળની  સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે નિમણૂક મળી. એ વખતે વોરન હેસ્ટિંગ્સ ભારતમાં હતા. તેઓ ખુદ ફારસી અને બંગાળી ભાષા જાણતા હતા. સર વિલિયમની સંસ્કૃત ભાષા શીખવાની ઇચ્છા જાણી તેઓ ખુશ થયા. સર વિલિયમે હવે સંસ્કૃત ભાષા શીખવાનું શરૂ કર્યું.

નોંધપાત્ર વાત એ છે કે લંડનથી ભારત આવતા પહેલાં સર વિલિયમે હિન્દી ભાષા શીખી લીધી હતી. હવે તેઓ સંસ્કૃત શીખવા માગતા હતા પરંતુ એ જમાનામાં કોઇ પંડિત એક અંગ્રેજને સંસ્કૃત જેવી  પવિત્ર ભાષા શીખવવા તૈયાર નહોતો. પંડિતો સર વિલિયમને યવન માનતા. એ આજનો જમાનો નહોતો.   સર વિલિયમે સંસ્કૃત શીખવનારને મોટા પગારની નોકરીની લાલચ આપી, પરંતુ કોઇ  તૈયાર ના થયું. એક  દિવસ એક પંડિત નોકરીની લાલચે સર વિલિયમને સંસ્કૃત  શીખવવા તૈયાર થયો પરંતુ પડોશીઓને ખબર પડતાં એ બધાએ પંડિતને ચેતવણી આપી : ‘તમે એક યવનને અમારી પવિત્ર દેવભાષા શીખવશો- વેચશો ? તમે નાત બહાર તમારા સાથે ખાવું પીવું બંધ.’

આ સાંભળ્યા પછી સર વિલિયમને સંસ્કૃત શીખવવા તૈયાર થયેલા પંડિત ઠંડા થઇ ગયા. કલકત્તામાં એક પણ વિદ્વાન સર વિલિયમને સંસ્કૃત શીખવવા કોઇ તૈયાર ના થયું. હતાશ સર વિલિયમ સંસ્કૃત શીખવા માટે  સંસ્કૃતના મુખ્ય મથક ગણાતા નવદ્વીપ ગયા. ત્યાં પણ તેમને સંસ્કૃત શીખવવા કોઇ તૈયાર થયું નહીં છતાં તેમણે આશા છોડી નહીં.

આખરે એક વૈદ્યરાજ સંસ્કૃતના જાણકાર માસિક રૂ. ૧૦૦ના પગારે સર વિલિયમને સંસ્કૃત શીખવવા તૈયાર થયા. સંસ્કૃતના એ જ્ઞા।તાનું નામ રામલોચન કવિભૂષણ હતું. તેઓ સંસારમાં એકલા જ હતા. નહોતી પત્ની કે ના કોઇ પરિવાર. તેઓ કલકત્તામાં હાવરા પાસે રહેતા હતા. તેમને જ્ઞા।તિ બહાર મુકાવાનો કોઇ ડર નહોતો.  પંડિત વૈદ્યરાજ હતા. તેઓ લોકોની દેશી પદ્ધતિથી સારવાર કરતા. તેમણે વિચાર્યું કે હું એક અંગ્રેજને સંસ્કૃત શીખવીશ અને તેમને નાત બહાર મૂકવામાં આવે તો તેમને વાંધો નથી કારણ કે લોકો બીમાર પડશે ત્યારે સારવાર માટે મારી પાસે આવ્યા વગર છૂટકો જ નથી.

પંડિતજીને લેવા માટે સર વિલિયમ રોજ પાલખી મોકલતા. વૈદ્યરાજ કવિ કૂલભૂષણે સર વિલિયમ  સમક્ષ અનેક મોટી શરતો મૂકી હતી. સંસ્કૃત શીખવા તેમની તમામ શરતો માન્ય રાખવામાં આવી. બંગલાનો એક ખંડ શિક્ષણ માટે પસંદ કરવામાં આવ્યો. જમીન પર સંગેમરમર આરસની લાદી જડવામાં આવી. કામ માટે એક હિંદુ નોકર રાખવામાં આવ્યો. તે રોજ હુગલી નદીમાંથી જળ લાવી ભણવાના ખંડની ફર્શ અને દીવાલોને ધોતો. લાકડાનું ટેબલ અને લાકડાની બે ખુરશીઓ સિવાયનો તમામ સામાન રૂમમાંથી હટાવી દેવાયો. સંસ્કૃતના શિક્ષણ માટે સવારનો સમય પસંદ કરવામાં આવ્યો.

સર વિલિયમ ભણવાના ઓરડામાં સંસ્કૃત શીખવા આવે તે પહેલાં તેમણે એક કપ ચા સિવાય બીજુ કાંઇ લેવું નહીં તેવી શરત માન્ય રાખવામાં આવી. કવિ કૂલભૂષણે એવી પણ શરત મૂકી કે કોઇ પણ પ્રકારનું માંસ બંગલામાં લાવવું નહીં. સર વિલિયમે આ શરત પણ મંજૂર રાખી. સંસ્કૃત શીખવતી વખતે પંડિતજી જે વસ્ત્રો પહેરે તે રોજ ધોવાઇ જવા જોઇએ તેમ નક્કી  થયું. રોજ પોતાના વસ્ત્રો પહેરી પંડિતજી આવતા. ભણાવવાના વસ્ત્રો બદલી સર વિલિયમને સંસ્કૃત ભણાવતા. શિક્ષણ  કાર્ય પતી જાય એટલે એ વસ્ત્રો ઉતારી ધોવા મોકલી દેતા અને પોતાના વસ્ત્રો પહેરી ઘેર જતા.

આટલી તૈયારીઓ પછી સર વિલિયમે ‘રામઃ, રામૌ, રામા :’ શીખવાનું શરૂ કર્યું. એટલું સારું હતું કે સર વિલિયમ હિન્દી જાણતા હતા તેથી પંડિત તેમને હિન્દીમાં સમજાવી શકતા.

પંડિતજીએ સર વિલિયમને મહાકવિ કાલિદાસનું ‘અભિજ્ઞા।ન શાકુન્તલમ્’ નાટક અને તેનો અર્થ વાંચી સંભળાવ્યો. સંસ્કૃત શીખી લીધા બાદ શાકુન્તલમ્થી મોહિત થઇ ગયેલા આ અંગ્રેજે તેનો અંગ્રેજીમાં અનુવાદ કરી નાખ્યો. સંસ્કૃત સાહિત્યનાં જાણકારોને એ વાતની ખબર છે કે, જર્મન કવિ ગટે કવિ કાલિદાસનું શાકુન્તલમ વાંચી તેને માથા પર નાચ્યો હતો.  જર્મન કવિ ગટે એ આ જ સર વિલિયમ જોન અંગ્રેજીમાં અનુવાદિત ‘શાકુન્તલમ્’ વાંચ્યું હતું. કવિ ગટેએ આ શાકુન્તલમ્ વાંચી તેની સ્તુતિમાં એક કવિતા પણ લખી નાખી હતી.

સર વિલિયમને સંસ્કૃત ભણાવનાર  તેમના ગુરુ કવિ કૂલભૂષણ ગરમ મિજાજના હતા. કોઇ વાર સર વિલિયમને સમજ ના પડે તો તેઓ બે ત્રણ વાર પૂછતા  વારંવાર પૂછવાથી પંડિતજી ગુસ્સે થઇ જતા અને કહેતા : ‘સંસ્કૃત એ અઘરો વિષય છે. ગોમાંસ ભક્ષકોને એ સમજવું લગભગ અસંભવ  છે.’ આવું સાંભળ્યા પછી પણ સર વિલિયમ શાંત રહેતા. સ્મિત આપતા. તેઓ તેમના ગુરુનો અત્યંત આદર કરતા હતા. તેઓ સુપ્રીમ કોર્ટના જજ હોવા છતાં આ બધું સાંભળી લેતા.

આવા સર વિલિયમનું ઇ.સ. ૧૭૯૪માં ભારતમાં કલકત્તા ખાતે  માત્ર ૪૭ વર્ષની વયે જ અવસાન થયું.

પરંતુ તેમના જીવનકાળ દરમિયાન તેઓ સંસ્કૃત, અરબી અને ફારસી ભાષાના ઉત્તમ પુસ્તકોનો અંગ્રેજીમાં અનુવાદ આપતા ગયા. તેઓ કુલ ૨૮ ભાષાઓ જાણતા હતા અને તે પણ એ જમાનામાં.

– દેવેન્દ્ર પટેલ

 

Be Sociable, Share!