ઉનાળાની ટૂંકી વૈશાખી રાત ક્યારે વહી ગઈ એની કોઈને ખબરેય ના પડી.
ગામમાં એક સાથે સાત કન્યાઓના માંડવા રોપાયા હતા. ઢોલ-તાસાંવાળા પણ એક થઈ વહેંચાઈ ગયા હતા. કોઈના ત્યાં એકલું ઢોલ તો કોઈના ત્યાં એકલુંં તાસું… અને કોઈન ત્યાં માત્ર શરણાઈ જ. કૂકડો બોલવા આવ્યે વરઘોડિયા પરણી ઊઠયાં ત્યારે આખી રાતનું હવાઈ ગયેલું ઢોલ બેસૂરા અવાજે ધબકી રહ્યું.
મૂછના વળ પર આંગળી દેતો શંભુ જાનૈયા સાથે જાનઉતારે આવ્યો. પરોઢિયું થઈ ગયું હોવાથી મોટેરાંઓ દાતણ-પાણીની ક્રિયામાં પડયા, જ્યારે જુવાનિયા જે કલાક આરામ મળ્યો તે ખરો એમ માની ભોંયપથારી પર જ આડા થઈ ગયા.
ગોવિંદાએ આજુબાજુ નજર નાખી જોઈ, જાનડીઓની આંખો મીંચાઈ ગઈ હતી. એટલે ધીમેથી નજીક સરકતાં તેણે શંભુના કાનમાં કહ્યુંઃ ‘ભઈ, તું તો જબરો ભાગશાળી !’
‘ચ્યમ’?
‘આ તારી નવી તો ફૂમતું છે ફૂમતું.’
‘એટલે?’
‘અલ્યા ગલગોટો. તારી જૂની તો આની આગળ કાંઈ નહીં ભૈ…’
‘અને શંભુ આ ગોવિંદાની વાત પર ઉધરસ ખાતાં ખાતાં ખડખડાટ હસી પડયો.
શંભુની ઉંમર લગભગ પાંત્રીસેક વરસની હતી. એનું પહેલું લગ્ન એ ચારેક વર્ષનો હતો ત્યારે થયેલું. એ લગ્ન વિષે એને કાંઈ યાદ પણ નથી. બાળલગ્નના રિવાજ મુજબ એ સૂપડામાં પરણેલો. મંગળફેરા વખતે કહે છે કે શંભુ ઊંઘી ગયેલો. ઊંઘમાં ને ઊંઘમાં એને તેડીને મંગળફેરા ફેેરવેલા. જ્યારે હસ્તમેળાપ વખતે તો એ રિસાયેલો.
પરણ્યા પછી ખાસ્સાં તેરચૌદ વરસે એની વહુનું આણું કરાવેલું. પહેલા આણા દરમિયાન જ એની ઘરવાળીનું નાવણ બંધ થઈ જતાં બે જ મહિનામાં પાછી તેડી લઈ જઈ બીજું આણું કરાવવું પડેલું. પૂરા માસે દીકરી અવતરી…. એ દીકરીને જીવી એવું નામ આપવામાં આવ્યું અને બીજાં સત્તર વર્ષ સુધી કુદરતે એમને સંતાન દીધું નહીં. એવામાં સર્પદંશથી એની ઘરવાળીનું અવસાન થયું. ગામલોકોએ શંભુને સમજાવ્યો અને શંભુ બીજી વાર પરણવા તૈયાર થયો. શંભુની મિલકત અને આબરૂ જોઈ ભલભલાં ઘર એની પાછળ આંટા મારતાં હતાં. પણ શંભુએ આખરે તો એની પસંદગી એક સામાન્ય ઘર પર ઉતારી. આશરે અઢાર વર્ષની ઉમર ધરાવતી મંગુ સાથે એ પુનઃ લગ્નગ્રંથિથી જોડાયો.
દિવસ ઊગ્યે જાન વિદાય કરવા ગામનો ઝાંપો સગાંવહાલાંથી ઊભરાયો. મોટાભાગનાં વડીલોએ અને ખાસ કરીને બૈરાંઓએ એક જ વાત કરી ઃ ‘બેટા ! ભરેલું ઘર છે, ભોગવે એટલું તારું જ છે. જૂનીની છોડી પર નજર રાખજે…. નકર બધુંય તાણી જશે ને તું એમ ને એમ લટકતી રહેશ….’
મંગુ માટે આ એક નવો પ્રશ્ન હતો. નવોઢાના સ્વરૂપે પતિગૃહે જઈ રહી હતી, પણ પતિના ઘેર એક એવી ચીજ છે જે અન્ય કન્યાઓ માટે નહોતી. એના દિલમાં આજના જેટલી વિહ્વળતા અગાઉ કદી નહોતી. ત્યાં ગયા પછી શું થશે ને શું નહીં થાય એની ફિકર ઉપરાંત બાપનું ઘર છોડવાનો વિરહ એને ધ્રુસકે ધ્રુસકે રડાવી રહ્યો. મંગુનું હૈયાફાટ રુદન જોઈ લોકોએ પોતપોતાના કોણથી અર્થ તારવ્યા.
શંભુ સ્વસ્થ હતો. જાનરીઓ ગામનું પાદર જોઈ જોરશોરથી ગાણાં ગાતી હતી. વહેલે જોડેલા બળદ પણ ડોકાં હલાવી ઘૂઘરમાળા રણકાવી રહ્યા હતા…. પણ મંગુના હૃદય પર જાણે કે હથોડાના ધા વીંઝાઈ રહ્યા.
આખુંયે મોં ઢાંકીને બેઠેલી મંગુ ઘૂંઘટની તિરાડમાંથી શંભુની માત્ર પીઠ જ જોઈ શકતી હતી. એ પીઠ એટલી તો વિશાળ હતી કે, એ જોતાં એને થઈ આવતું ઃ ‘ભગવાન ! મારું શું થશે ?!’
અને એ વાત પણ સાચી કે મંગુ હજુ તો કળી જેવી હતી. ચહેરા પરથી મુગ્ધાવસ્થાએ માંડ પીછો છોડયો હતો. હોઠ વણસ્પર્શી અને દેહ નર્યો કૌમાર્યવંતો હતો. આ આંખોએ હજુ ઉજાગરા વેઠયા નહોતા. બંગડીઓના ભારથી લચી પડેલા આ હાથ રોટલા ટીપવાનું હજુ માંડ શીખ્યા હતા…. એવી આ મંગુ એક પીઢ આદમીના ઘેર કેમ ગોઠવાશે ? વળી પોતાના જેવડી જ એક છોકરી એના ઘેર તો બેઠેલી જ છે…. એ એને કેમ આવકારશે ?- ઢગલાબંધ સવાલોના જાળામાં ગૂંચાતી જતી મંગુનું મગજ શૂન્ય થતું ચાલ્યું.
ક્યારે પોંખી લેવાયાં, ક્યારે ખાધું, ક્યારે સાંજ પડી એની એને કાંઈ જ ખબર પડી નહીં…. આખોય વખત એની નજર કોઈકને ઢૂંઢતી રહી. છેલ્લા ખંડમાં તે એકલી એકલી બેસી રહી. ત્યાં ને ત્યાં અંધારું થયું, ત્યાં ને ત્યાં રાત પડી.ફળિયું શાંત થઈ ગયું. કૂતરાં ભસી ભસીને થાકી કોકના ઓટલે લપાઈ ગયાં. મળવા આવેલાં બૈરાં પણ પોતપોતાને ઘેર ચાલ્યાં ગયાં.
મંગુની નજર ફાનસની વાટ તરફ હતી, એણે જોયું તો ફાનસનો ગોળો મેંશથી કાળો થતો જતો હતો. દરમિયાન કોઈનાં પગલાંનો અવાજ સંભળાયો. એણે નજર બારણા તરફ માંડી. એ શંભુ હતો. શંભુ માટે આજની રાત એ કાંઈ પહેલી રાત નહોતી. આવતાં જ હળવેથી એણે બારણું આડું કરી સાંકળ ભીડી…. કેડિયું ઉતારી ખીંટીએ ભરાવ્યું.
ખૂણામાં મૂકેલી પાણીની માટલી તરફ શંભુને વળતો જોઈ મંગુ બેઠી થઈ અને ઝડપથી માટલીમાંથી પ્યાલું ભરી આવી શંભુ સામે ધર્યું. શંભુએ પ્યાલું લેતાં મંગુ સામે જોયું. મંગુની નજર નીચે હતી.
શંભુ બોલ્યો : ‘લે…. તું પી લ્યે.’
મંગુએ માત્ર માથું હલાવી ના પાડી.
શંભુએ ફરી આગ્રહ કર્યો : ‘લે લે…. પી લ્યે.’
મંગુએ ફરી નકારમાં માથું હલાવતાં પગના અંગૂઠાથી ભોંય ખોતરવા માંડી.
‘તું નીં પીવે…. તો હુંયે નીં પીઉં… જા.’ કહેતાં શંભુએ પાણીનો પ્યાલો નીચે મૂક્યો.
એ શબ્દોએ મંગુને રીઝવી નાખી. એણે પાણીનો એક ઘૂંટડો પી લીધો અને શંભુ સામે નજર ફેંકતાં પ્યાલો આપ્યો. શંભુ મરક મરક હસી રહ્યો હતો.
‘ચ્યમ દાંત કાઢો છો ?’ મંગુએ પૂછી નાખ્યું.
‘ગોવિંદો હાચું કે’તો ‘તો…. તને જોઈને જ ભલભલા પાણી પાણી થઈ જાય છે…. તો આ પાણીના તે શા ભાર !’ કહેતાં શંભુએ પાણી પીધા વિના જ મંગુનું બાવડું ઝાલ્યું.
અને મંગુના શરીરમાં એક ઝણઝણાટી પ્રસરી ગઈ. બાવડું પિસાતાં એની આંખો મીંચાઈ ગઈ. માથા પરનો પાલવ સરી પડતાં ચહેરા પરની વેદના છતી થઈ ગઈ. આખરે લજ્જા સંતાડવા એણે પોતાનું મોં વિશાળ છાતીના પટમાં સંતાડી દીધું.
….અને એકાએક મંગુ ફરી સજાગ થઈ. શંભુએ નવાઈ પામતાં પૂછયું ઃ ‘શું શયું ?!’
‘કોઈ રોતું લાગે છે.’
‘કોઈ રોતું નથી…. સૂઈ જા છાનીમાની.’
‘ના…. ના….આપણા જ ઘરમાં જ કોક રોતું લાગે છે…’ કહેતાં મંગુ કપડાં સરખાં કરતી બેઠી થઈ ગઈ.
શંભુને થયું કે આ તો તાલ બગડયો…. પણ ડૂસકાં સંભળાતાં એણે કાન માંડયા. એનાથી બોલાઈ જવાયું : ‘આ તો જીવી લાગે છે.’
‘કુણ જીવી ?’
‘જૂનીની છોડી….’
‘અને એ સાંભળતાં જ મંગુ શંભુને બાજુ પર હટાવતાં ખાટલામાંથી નીચે ઊતરી ગઈ. શંભુ બોલાવતો જ રહ્યો અને મંગુએ બારણું ખોલી નાખ્યું. એ દોડતી બાજુના ઓરડામાં ગઈ. ખાટલામાં ઊંધે માથે સૂતેલી જીવી ઓશિકા પર માથું મૂકી ધ્રુસકે ધ્રુસકે રોઈ રહી હતી.
મંગુ દોડતી જઈ એના માથા પાસે બેસી ગઈ. જીવીનું મોં ઊંચકી પોતાના ખોળામાં લીધું. એક તબક્કે તો મંગુને પોતાની પાસે જોઈ તે અચરજ પામતી ચૂપ થઈ ગઈ…. પણ ફરીથી એકાએક રડવા લાગી.
મંગુએ પોતાના સાડલાના છેડાથી એની આંખો લૂછી. અને એકાએક જીવી મંગુને બાઝી પડી. પણ ત્યાં ને ત્યાં જ એ ખાટલામાં આડી થઈ ગઈ. જીવીનું મોં મંગુના વક્ષઃસ્થળમાં ગોપાવેલું હતું. મંગુનો હાથ જીવીના કપાળે અને માથામાં ફરતો હતો. જીવી હજુયે હીબકાં ભરતી હતી.
દીકરીની જેમ વળગી પડેલી જીવીની ઉંમર સત્તરેક વર્ષની તો મંગુની ઉંમર અઢારેક વર્ષની હતી. અને તે જ કારણે હૈયામાંથી વારે વારે બહાર આવવા માગતો એક શબ્દ ‘બેટા’ ક્યારનોય મંગુના હોઠે આવીને અટકી જતો હતો.
જીવીના આંસુથી મંગુની છાતી ભીંજાઈ ગઈ હતી. મંગુને તો થયું કે, આને સ્તનપાન કરાવું…. પણ છાતીમાં દૂધ નહોતું. અને દૂધની સરવાણી ફૂટે એ પહેલાં મા બનવાનો આજનો સંજોગ એના સંસારની અવળી શરૂઆત હતી.
બારણામાં ઊભેલો શંભુ આ વિરલ દૃશ્ય જોઈ રહ્યો હતો. એ આવ્યો તો હતો મંગુને બોલાવવા પણ હવે તે બોલાવી શકે તેમ નહોતો…. આ ઘરમાં ‘વહુ’ની જરૂર કરતાં ‘મા’ની જરૂર વધુ છે એવું પહેલી જ વાર એને લાગતાં તે ચુપચાપ પાછો ફરી ગયો.
દેવેન્દ્ર પટેલ