Close

ભાઈની શહીદીએ બેન્જામિનને વડા પ્રધાન બનવા પ્રેરણા આપી

કભી કભી | Comments Off on ભાઈની શહીદીએ બેન્જામિનને વડા પ્રધાન બનવા પ્રેરણા આપી

ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહૂ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણથી ભારતના પ્રવાસે આવી રહ્યા છે. આગામી ઉત્તરાયણના દિવસોમાં તેઓ ગુજરાતની મુલાકાતે આવશે અને પતંગની મોજ પણ માણશે. આ પશ્ચાદ્ ભૂમિકામાં બેન્જામિન નેતાન્યાહૂના જીવનની રસપ્રદ કથા અત્રે પ્રસ્તુત છે.

બેન્જામિન નેતાન્યાહૂના મોટા ભાઈ ઈઝરાયેલ માટેની એક સૈનિક કાર્યવાહી દરમિયાન દેશ માટે શહીદ થયા ત્યારે તેઓ અમેરિકામાં હતા. સગા ભાઈ મૃત્યુ પામ્યા છે એ વાતની જાણ થતાં જ તેઓ પોતાના દેશ માટે જે કાંઈ કરવું પડે તે કરી છૂટવા સજ્જ થયા. ભાઈની શહાદતના ખબર મળતાં જ તેમણે આતંકવાદ સામે લડવાનો સંકલ્પ કર્યો.

આવા બેન્જામિન નેતાન્યાહૂનો જન્મ ઈઝરાયેલની રાજધાની તેલ અવીવમાં થયો હતો. આ વાત ૧૯૪૯ના વર્ષની છે. તેમના જન્મના એક વર્ષ પહેલાં જ એટલે કે ૧૯૪૮માં ઈઝરાયેલ આઝાદ થયું. આરંભમાં તેઓ જેરુસલેમમાં ભણ્યા. તેઓ ત્રણ ભાઈ હતા. તેમનાથી એક મોટો અને તેમનાથી એક નાનો ભાઈ હતો.

૧૯૬૩માં તેમના પિતાને એક અમેરિકન યુનિવર્સિટીમાં નોકરી મળી. આખું પરિવાર અમેરિકા જતું રહ્યું. અમેરિકાના માહોલમાં અનુકૂળ થતાં તેમને ઝાઝી વાર લાગી નહીં. આ પહેલાં પણ તેમનાં માતા-પિતા કેટલાંક વર્ષો સુધી અમેરિકામાં રહ્યાં હતાં.

એ વખતે ઈઝરાયેલમાં રાજકીય ઊથલપાથલ ચાલતી હતી. ઈઝરાયલના લશ્કરને કેટલાયે મોરચે લડવું પડતું હતું. આ દરમિયાન તેમના એક ભાઈને અમેરિકા છોડી ઈઝરાયેલ જવાની ઈચ્છા થઈ. યોનાતન નામના તેમના ભાઈ સ્વદેશ પાછા ફર્યા. તેઓ જેરુસલેમની હિબ્રૂ યુનિવર્સિટીમાં ભણવા લાગ્યા. કેટલાક સમય બાદ ભણવાનું છોડી દઈને તેઓ ઈઝરાયેલના લશ્કરમાં જોડાઈ ગયા. બીજી તરફ બેન્જામિન માતા-પિતાની સાથે અમેરિકામાં જ રહ્યા. આ દરમિયાન તેમના નાના ભાઈ પણ ઈઝરાયેલ પાછા ફરી ભણવા લાગ્યા. બન્યું એવું કે, અડધું પરિવાર ઈઝરાયેલમાં અને અડધું પરિવાર અમેરિકામાં રહ્યું.

ગ્રેજ્યુએટ થયા બાદ બેન્જામિન નેતાન્યાહૂ પણ સ્વદેશ પાછા ફર્યા. તેઓ પણ ઈઝરાયેલના લશ્કરમાં જોડાઈ ગયા. ઈ.સ. ૧૯૬૭થી ૧૯૭૦ દરમિયાન ઈઝરાયેલે કેટલાયે સૈન્ય અભિયાન ચલાવ્યા તેમાં બેન્જામિન નેતાન્યાહૂ પણ સામેલ હતા. ૧૯૭૨ની એક સૈન્ય કાર્યવાહી દરમિયાન તેમને ખભા પર ગોળી વાગી. ૧૯૭૫માં તેઓ ફરી અંગ્રેજી ભણવા અમેરિકા જતા રહ્યા.

હવે ૧૯૭૬ના વર્ષની વાત.

ઈઝરાયેલમાંથી કેટલાક આતંકવાદીઓએ એક નાગરિક વિમાનનું અપહરણ કર્યું. આ વિમાન યુગાન્ડાના એન્ટબી એરપોર્ટ પર લઈ જવામાં આવ્યું. અપહૃત વિમાનમાં ઈઝરાયેલના નાગરિકો પણ હતા. તેમને છોડાવવા ઈઝરાયેલની સરકારે બીજા એક વિમાનમાં લશ્કરી સૈનિકોને એન્ટબી એરપોર્ટ પર મોકલ્યા તેમાં બેન્જામિનના મોટા ભાઈ યોનાતન પણ હતા. અપહૃત નાગરિકોને મુક્ત કરાવવા જતાં બેન્જામિનના મોટા ભાઈને આતંકવાદીઓની ગોળી વાગી અને તેમનું મોત નીપજ્યું.

એ દિવસે તા. ૪ જુલાઈ, ૧૯૭૬ની હતી. એ વખતે અમેરિકા તેનો ૨૦૦મો સ્થાપના દિવસ મનાવી રહ્યો હતો. ચારે બાજુ જશ્નનો માહોલ હતો. એ જ વખતે બેન્જામિનની હોસ્ટેલમાં ફોનની ઘંટડી રણકી ઊઠી. ફોન બેન્જામિન માટે હતો. સામે છેડે તેમનો નાનો ભાઈ હતો. એણે ભારે અવાજે કહ્યું : ”આપણા મોટા ભાઈ યોનાતન હવે આ દુનિયામાં નથી.”

બેન્જામિન આઘાતમાં સરી પડયા. મમ્મી-પપ્પા યુનિવર્સિટીમાં હતાં. ફોન પર તેમને ખબર આપવાની તેમનામાં હિંમત રહી નહીં. બેન્જામિન કહે છે : ”મોટા ભાઈ યોનાતન કવિ હૃદયી હતા. તેઓ લેખક અને ચિંતક પણ હતા, પરંતુ સૌથી મહત્ત્વની વાત એ હતી કે તેઓ બહાદુર સૈનિક પણ હતા. બેન્જામિન નેતાન્યાહૂએ ન્યૂયોર્કનો રસ્તો પકડયો. એરપોર્ટ પહોંચવામાં સાત કલાક લાગે તેમ હતા. રસ્તામાં કારમાં તેઓ ભાઈ સાથે વીતાવેલી પળોને યાદ કરતા રહ્યા. લાંબી સફર બાદ તેઓ ન્યૂયોર્ક પહોંચ્યા. પિતા સામે જતા તેમનું હૃદય કાંપી રહ્યું હતું. અચાનક બેન્જામિનને જોઈ તેઓ વિચારમાં પડી ગયા. બેન્જામિનનો ઉદાસ ચહેરો જોઈ તેઓ સમજી ગયા કે કોઈ ખરાબ સમાચાર છે. બેન્જામિને વાત કરી પિતા-પુત્ર- મા બધા જ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડયા.

પુત્રના અંતિમ દર્શન માટે આખું પરિવાર ઈઝરાયેલ જવા રવાના થયું. આખીયે સફર દરમિયાન પ્લેનમાં કોઈએ કોઈની સાથે કોઈ વાત કરી નહીં.

તેઓ ઈઝરાયેલ પહોંચ્યા.

જોયું તો આખો દેશ શહીદના સન્માનમાં ઊભો હતો. તેમનો પુત્ર હવે દેશનો હીરો હતો. સ્વદેશની ધરતી પર પગ મૂકતાં જ તેમને અહેસાસ થયો કે પુત્ર યોનાતને દેશ માટે કેટલી મોટી કુરબાની આપી છે. પુત્ર યોનાતને પોતાની જાનના ભોગે ઈઝરાયેલના ૧૦૦ નાગરિકોની રક્ષા કરી હતી. તેમણે બધા જ અપહરણકર્તાઓને એરપોર્ટ પર જ ખતમ કરી નાખ્યા હતા. આખો દેશ તેમની શહાદત પર નતમસ્તક હતો. ભાઈ માટે દેશવાસીઓને પ્રેમ જોઈ બેન્જામિન ભાવુક થઈ ગયા. તેમણે એ દિવસે જ નક્કી કરી નાખ્યું કે, ભાઈની શહાદત તેઓ એળે જવા દેશે નહીં.

બેન્જામિને થોડા સમય બાદ ઈઝરાયેલમાં આતંકવાદ વિરોધી એક સંસ્થાનનો આરંભ કર્યો. કેટલાક સમય માટે તેઓ તેમનું ભણવાનું પૂરું કરવા અમેરિકા ગયા. ૧૯૮૨માં અમેરિકામાં તે વખતના ઈઝરાયેલના રાજદૂત મોશે એરેન્સે વોશિંગ્ટનમાં બેન્જામિનને ડેપ્યુટી ચીફ ઓફ મિશન તરીકે નિમણૂક આપી.

૧૯૮૮માં તેઓ ફરી ઈઝરાયેલ પાછા ફર્યા. હવે તેમણે દેશની રાજનીતિમાં ઝંપલાવ્યું. અખાતના યુદ્ધ વખતે તેઓ ઈઝરાયેલના પ્રવક્તા તરીકે આંતરરાષ્ટ્રીય મીડિયામાં જાણીતા બન્યા. થોડા સમયમાં જ તેઓ તેમના દેશમાં પણ લોકપ્રિય બની ગયા.

૧૯૯૬માં તેઓ દેશના સૌથી યુવાન વડા પ્રધાન બન્યા.

બેન્જામિન નેતાન્યાહૂના નેતૃત્વમાં ઈઝરાયેલ સંરક્ષણ, સાયબર સુરક્ષા, વિદ્વાન દ્યોગિક ક્ષેત્રમાં જબરદસ્ત વિકાસ કર્યો. ગયા વર્ષે જ ઈઝરાયેલ વિશ્વના આઠ શક્તિશાળી દેશોની યાદીમાં સામેલ થયું. બેન્જામિન નેતાન્યાહૂ આજે પણ ઈઝરાયેલના લોકપ્રિય વડા પ્રધાન છે. તેઓ કહે છે : ”મારા વિરોધીઓ જ્યારે મારા પર હુમલો કરી રહ્યા હોય છે ત્યારે પણ મારું ધ્યાન દેશને શક્તિશાળી અને સમૃદ્ધ બનાવવાની તરફ કેન્દ્રિત થયેલું હોય છે.

  • દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!