Close

ભાભી, હવે તો તમે મારા પતિનો સાથ છોડી દો ને

કભી કભી | Comments Off on ભાભી, હવે તો તમે મારા પતિનો સાથ છોડી દો ને

ગોમતી એક મોજિલા સ્વભાવની ફેશન પરસ્ત યુવતી હતી. એનો પતિ પરશુરામ એને ખૂબ ચાહતો હતો. ગોમતી રાજસ્થાનના એક ગામમાં રહેતી હતી જ્યારે તેનો પતિ સુરતમાં હીરાના કારખાનામાં સારો કારીગર હતો. તેને સારો પગાર પણ મળતો હતો. પરશુરામ તેની આવકમાંથી સુરતની શ્રેષ્ઠ સાડીઓ ખરીદીને પત્ની ગોમતીને મોકલતો હતો. ગોમતીને સારાં સારાં વસ્ત્રો પહેરવાનો જબરદસ્ત શોખ હતો. બે ત્રણ મહિને પરશુરામ ત્રણ ચાર દિવસ માટે વતનમાં જતો. ગોમતી યુવાન હતી. તે પતિ સાથે સુરત આવવા કરગરતી પરંતુ ઘરમાં વૃદ્ધ માતા-પિતાની સેવા કરવા તે ગોમતીને વતનમાં જ રહેવા આગ્રહ કરતો અને વળી પાછો સુરત જતો રહેતો.

 ગામડાંમાં ગોમતી ફરી એકલી પડી જતી. ભરયુવાનીમાં એને એકલા રહેવું ગમતું નહોતું. પડોશમાં જ રહેતા મનોહર નામનો એક યુવાન તેની પત્ની સાથે રહેતો હતો. એકલતાની આગમાં ગોમતીની આંખ મનોહર સાથે લડી ગઈ. બેઉ એકબીજા સાથે વાતો કરવા લાગ્યા.

મનોહર કહેતો : ‘ભાભી, ઘેર એકલા જ છો ?’

‘હા. શું કરું ? કોઈ મારી કાળજી જ ક્યાં લે છે ?’

‘તો હું છું ને ! તમારે જે કામ હોય તે મને કહો.’

ગોમતી કહેતી : ‘દિવસ તો પસાર થઈ જાય છે પણ રાત જતી નથી. બસ, આકાશના તારા ગણ્યા કરું છું.’

‘હું પણ તમારી સાથે તારા ગણવા આવીશ.’

‘આજે રાતે આવજો, અગાશી પર હું એકલી જ હોઉં છું. ચાંદની રાતે ખૂબ વાતો કરીશું ‘ : ગોમતીએે કહ્યું.

અને એ રાત્રે મનોહર તેની પત્ની કામિનીથી છુપાવીે ગોમતીના ઘરની અગાશી પર જતો રહ્યો. ગોમતી અસ્તવ્યસ્ત પડેલી હતી. મનોહરે પૂછયું : ‘ભાભી, તમે પરશુરામભાઈ સાથે સુરત કેમ નથી જતાં ?’

‘શું કરું? તેમના માતા-પિતાની સેવા કરવા મને અહીં મૂકીને જતા રહે છે.’

‘ફેન્સી સાડીઓ તો મોકલે છે ને ?’

‘સાડીઓને શું કરું? સાડીની અંદર એક ઔરતનું હૃદય પણ છે ને’ : ગોમતી બોલી.

‘ઓ હ !’

ગોમતી બોલીઃ ‘તમારી પત્ની કામિનીને તો લહેર છે, તમે છો ને તેની સાથે !’

મનોહર બોલ્યો : ‘શું ધૂળ લહેર છે ? કામિની નામની જ પત્ની છે. નામ કામિની છે પરંતુ એના ચહેરામાં છે કોઈ બરકત ?’

‘તો હું છું ને ?’ : ગોમતી બોલી.

-એ એ ચાંદની રાત ચૂપચાપ બે જણની વાતો સાંભળી રહી. ચમકતા તારા સ્તબ્ધ બની ગયા. સામાજિક નૈતિકતાની મર્યાદા તૂટી ગઈ. ચંદ્ર પણ શરમાયો.

બસ, પછી તો આ રોજનું થઈ ગયું. બેઉ જણ ઘેર, બજારમાં, ખેતરમાં, નદી કિનારે મળવા લાગ્યાં. જેમ જેમ બેઉ વચ્ચેનો પ્રેમ પાંગરતો ગયો તેમ તેમ સાવધાની પણ ઘટતી ગઈ. જેમ જેમ અંતરંગતા વધતી ગઈ તેમ તેમ ઉચ્છૃંખલતા પણ વધતી ગઈ. પરિણામે ગામના લોકોને પણ હવે ખબર પડી ગઈ કે પરિણીતા ગોમતી અને પરિણીત મનોહર વચ્ચે અવૈધ સંબંધો છે. ગામમાં ચર્ચા પણ થવા લાગી. આ વાતની ખબર ગોમતીના વૃદ્ધ સાસુ-સસરાને પડતાં તેમણે સુરતમાં રહેતા તેમના પુત્ર પરશુરામને પુત્રવધૂની ઉચ્છૃંખલતા વિશે વાત કરી. પરંતુ પરશુરામ યુવાન ગોમતીના રૂપ પર દીવાનો હતો. તેણે માતા-પિતાની વાત સાંભળી જ નહીં.

આ વાત ગોમતી સાથે કરી ત્યારે ગોમતીએ તેના પતિને કહ્યું: ‘ હું તમારા માતા-પિતાને સારી રીતે રાખું છું અને દર મહિને તમે મને ફેન્સી સાડીઓ મોકલો છો, તેથી લોકોને ઇર્ષા થાય છે.’

હવે આ તરફ મનોહરની પત્ની કામિની પણ એક સ્ત્રી હતી. તેને પણ ખબર પડી ગઈ હતી કે તેના પતિ અને પરશુરામની પત્ની ગોમતી વચ્ચે અનૈતિક સંબંધો છે. તેણે પતિને આ ખોટા રસ્તેથી વાળવાની કોશિશ કરી પણ મનોેહર એ બધું ખોટું છે તેમ કહી ભોળી પત્ની કામિનીને છેતરતો રહ્યો.

મનોહર ક્યારેક એકાંતમાં કામિનીને ભૂલથી ‘ગોમતી’ કહી સંબોધતો. કામિનીને ખાતરી થઈ ગઈ કે વાત હવે પરાકાષ્ઠાએ છે તેથી તે પરશુરામના ઘેર પહોંચી ગઈ. એણે ગોમતીને બે હાથ જોડીને વિનંતી કરીઃ ‘ભાભી ! હવે તો તમે મારા પતિનો સાથ છોડી દો. મારું ઘર ભાંગી રહ્યું છે.’

એના જવાબમાં ગોમતીએ ઊલટાનું કામિનીને ખખડાવી નાંખી, કામિની રડતી રડતી ઘેર આવી. આ તરફ ગોમતીએ કામિની તેના ઘેર આવી હતી તે વાત મનોહરને એક રાત્રે અગાશી પર કહી દીધી : ‘તમારા કારણે હું કોઈને મોં દેખાડવાને લાયક રહી નથી. તમારા કારણે મેં મારા પતિ સાથે દગો કર્યો અને તમે તમારી પત્નીને જ કાબૂમાં રાખી શકતા નથી ? તમે કેવા મર્દ છો ?’

ગોમતીની વાત સાંભળી મનોહર પત્ની પર ગુસ્સે ભરાયો. તે ચૂપચાપ ગોમતી સાથે ધીમેથી કાંઈ વાત કરી અગાશી પરથી નીચે ઊતરી ગયો.

રાત આગળ વધી રહી હતી. મનોહર ઘેર જવા નીકળ્યો ત્યારે ગામ ઝંપી ગયું હતું. કૂતરાં ભસતાં હતા. વગડામાંથી શિયાળવાની લારી સંભળાતી હતી. તમરાં ગુંજન કરતાં હતા.  મનોહર દબાતા પગે ઘેર પહોંચ્યો રાતનો ત્રીજો પ્રહર ચાલતો હતો. ઘરનું બારણું અંદરથી બંધ કર્યા વગર કામિની રોજ રાત્રે એકલી સૂઈ જતી હતી. તે જાણતી હતી કે તેનો પતિ મોડા જ ઘેર આવશે.

મનોહરે ધીમેથી બારણું ખોલ્યું. જરા પણ અવાજ ના થાય તે રીતે એ ઘસઘસાટ ઊંઘતી કામિની પાસે પહોંચ્યો. પહેલાંથી જ તે કોઈ યોજના બનાવીને આવ્યો હતો. કામિનીના પલંગની પાસે પહોંચતાં જ મનોહરે ઠંડા કલેજે કામિનીનું ગળું દબાવી દીધું. શ્વાસ રુંધાતો હોઈ કામિની ચીસ પાડી શકી નહીં. અગાઉની યોજના પ્રમાણે ગોમતી પણ પાછળ પાછળ આવી ગઈ. એણે તરફડિયાં મારતી કામિનીના પગ જકડીને પકડી રાખ્યા. બેબસ કામિનીએ ચીસ પાડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. એટલી વારમાં તો તેના પગ તરફડતાં બંધ થઈ ગયા. અવાજ ગળામાં જ રહી ગયો. આંખો ફાટી ગઈ. જીભ બહાર આવી ગઈ. તે પછી પણ મનોહરે કામિનીનું ગળું દબાવી જ રાખ્યું. મનોહરને ખાતરી થઈ ગઈ કે પત્ની હવે નિષ્પ્રાણ છે તે પછી જ તેણે મૃત કામિનીને હાથના ફંદામાંથી મુક્ત કરી.

થોડીવાર પછી ગોમતી બોલી : ‘હવે લાશનું શું કરશો ?’

મનોહરે નિશ્ચિંતતાથી કહ્યું: ‘હવે સવાર થવાની છે. લાશને અહીં જ રહેવા દો. કાલે અમાસની રાત છે. કાલે અંધારામાં નિકાલ કરી દઇશું.’

આવી ખતરનાક ઘટનાને અંજામ આપ્યા બાદ પણ મનોહર અને ગોમતી ફરી એકવાર વાસનાના દરિયામાં ડૂબી ગયાં.

સવાર પહેલાં લાશને પશુઓ માટે ભરેલા ઘાસના ઓરડામાં લઈ ગયા. ઘાસ ભરેલા ઓરડામાં લાશને નીચે મૂકી મનોહરે એક ધારિયાથી મરનારનું ડોકું ધડથી અલગ કરી દીધું. મનોહર બોલ્યોઃ ‘ધડને અલગ સ્થળે અને માથાને અલગ જગાએ ફેંકીશું જેથી કોણ મૃત્યુ પામ્યું છે તેની ખબર જ ના પડે.’

ગોમતીએ કહ્યું: ‘લાશની ઉપરની સાડી કાઢી તેના પર મારી સાડી પહેરાવી દઈએ. મારી પાસે કિંમતી ફેન્સી સાડીઓ છે.’  એ નક્કી થયા બાદ મનોહરે ધડને એક કોથળામાં અને ડોકાને બીજી થેલીમાં ગોઠવી કમરો બંધ કરી દીધો. ગોમતી ચૂપચાપ તેના ઘેર જતી રહી. બીજા દિવસે સવારે મનોહરે જાતે જ ગામમાં વાત ફેલાવી દીધી કે તેની પત્ની કામિની રાત્રે કોઈની સાથે ઘેરથી ભાગી ગઈ છે. એણે પોલીસ સ્ટેશન જઈ પત્ની ભાગી ગયાની ફરિયાદ પણ નોંધાવી.

બીજા દિવસે અમાસની રાત હતી. રાતના બીજા પ્રહરમાં ગામના લોકો ઊંઘી ગયા હતા ત્યારે મનોહરે કોથળામાં બાંધેલું કામિનીનું ધડ ગામથી દૂર આવેલા એક ખેતરમાં ફેંકી દીધું અને તેનાથી દૂર આવેલા એક નાળામાં થેલામાં રાખેલું ડોકું બીજા એક ખેતરમાં ખાડો ખોદી દાટી દીધું. તે પછી રાત્રે જ તે ઘેર આવી ચૂપચાપ સૂઈ ગયો.

બે દિવસ પછી દુર્ગંધના કારણે કોઈની નજર નાળામાં પડેલા કોથળા પર પડી. એણે ગામ લોકોને જાણ કરી. ગામ લોકોએ પોલીસને જાણ કરી. પોલીસે કોથળાનો કબજો લઈ કોથળો ખોલ્યો તો તેમાં એક મહિલાનું ધડ હતું. તેની પર ફેન્સી સાડી જોઈ લોકોએ કહ્યું: આવી ફેન્સી સાડીઓ તો આખા ગામમાં એક માત્ર ગોમતી પાસે જ છે !

પરંતુ ગોમતીની પૂછપરછ કરતાં તે તો જીવિત હતી. એટલામાં કોઈ કૂતરાંઓએ એક ખેતરમાં જમીન ખોતરી થેલીમાં મૂકેલું માથું બહાર ખેંચી કાઢયું: ખેતર માલિકે પોલીસને જાણ કરી. પોલીસે માથાના ટૂકડાનો કબજો લીધો. ગામમાંથી કેટલાક લોકો બોલ્યાઃ ધડ પર વીંટાળેલી સાડી ગોમતીની જ હોવી જોઈએ. ગોમતીની પૂછપરછ કરો.

પોલીસે ગોમતીને બોલાવી. ગોમતી અને મનોહરના પ્રેમ સંબંધોની વાત પોલીસ સુધી પહોંચી ગઈ હતી. પોલીસે મનોહરને બોલાવી ખેતરમાંથી મળેલું માથું બતાવ્યું. લોકો ઓળખી ગયા કે આ ડોકું મનોહરની પત્ની કામિનીનું જ છે. બીજી તરફ મનોહર જાતે જ પત્ની ગૂમ થયાની ફરિયાદ આપી હતી. પોલીસને તાળો મેળવતાં વાર ના લાગી. પહેલાં તો મનોહરે ઇન્કાર કર્યો પરંતુ પોલીસ અધિકારીનો સણસણતો તમાચો પડતાં મનોહર ભાંગી પડયો ગોમતી પણ ગભરાઈ ગઈ. તેમણે ગુનો કબૂલ કરી દીધો અને કામિનીની હત્યાની યોજનાને કેવી રીતે પાર પાડી તેનુ સવિસ્તર વર્ણન કર્યું.

મનોહર અને ગોમતીની ધરપકડ થઈ..

  • દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!