Close

ભારત ને પાકિસ્તાનના ભાગલા અંગ્રેજોની યોજનાનો એક ભાગ

કભી કભી | Comments Off on ભારત ને પાકિસ્તાનના ભાગલા અંગ્રેજોની યોજનાનો એક ભાગ

લોર્ડ માઉન્ટ બેટન.

૧૯૪૭માં ભારતને આઝાદી મળી ત્યારે બ્રિટિશરો પાસેથી સત્તાનું હસ્તાંતરણ કરવા માટે નિમાયેલા તેઓ છેલ્લા બ્રિટિશ વાઇસરોય હતા. ભારતમાં વાઇસરોય અને ગવર્નર જનરલ તરીકે તેઓ ૧૨ ફેબ્રુઆરી, ૧૯૪૭થી ૧૫મી ઓગસ્ટ સુધી રહ્યા. તેમના ઉત્તરાધિકારી તરીકે ચક્રવર્તી રાજગોપાલાચારી હતા.

તેમનું આખું નામ લુઈસ માઉન્ટ બેટન હતું. તેમનો જન્મ તા. ૨૫ જૂન, ૧૯૦૦ના રોજ ઇંગ્લેન્ડમાં થયો હતો. લોર્ડ માઉન્ટ બેટનનો જન્મ હીઝ સીરીન હાઈનેસ બેટનબર્ગના પ્રિન્સ લુઈસ તરીકે થયો હતો. પિતાનં્ નામ પ્રિન્સ લુઈસ ઓફ બેટનબર્ગ હતું. માતાનું નામ પ્રિન્સેસ વિક્ટોરિયા  હતું. તેઓ ઇંગ્લેન્ડના રાજવી પરિવાર સાથે સંબંધ  ધરાવતા હતા.

૧૯૧૭માં જ્યારે શાહી પરિવારે તેમનાં જર્મન નામ અને ખિતાબ ખતમ કરી દીધાં ત્યારે તેઓ બેટનબર્ગના પ્રિન્સ લુઈસ, લુઈસ માઉન્ટ બેટન બની ગયા. તેમના બીજા પુત્રને લોર્ડ લુઈસ માઉન્ટ બેટનની પદવી મળી. બ્રિટિશ શાસિત ભારતને સ્વતંત્ર ભારત બનાવવામાં તેમણે ભજવેલી ભૂમિકાના કારણે તેમને ‘અર્લ’ની પદવી અપાઈ.

જીવનના પહેલા દસ વર્ષ દરમિયાન તેમને ઘરે જ શિક્ષણ આપવામાં આવ્યું. તે પછી તેમને હર્ટફોર્ડશાયરની લાકર્સ પાર્ક સ્કૂલમાં ભણવા મોકલવામાં આવ્યા. બાદમાં તેઓ નૌસેના કેડેટ સ્કૂલમાં  ગયા. અહીં તાલીમ પામી તેઓ એક નેવલ ઓફિસર બન્યા. તેમણે  બ્રિટનની રોયલ નૌસેનામાં ફરજ બજાવી. તેઓ એડમિરલ ઓફ ફ્લીટની રેન્ક સુધી પહોંચ્યા.

લોર્ડ માઉન્ટ બેટને પહેલા વિશ્વ યુદ્ધ દરમિયાન રોયલ નેવીમાં મિડશિપમેન્ટ તરીકે સેવા બજાવી. તે પછી કેમ્બ્રિજની ક્રાઈસ્ટ્સ કોલેજમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો.

૧૯૨૨માં તેઓ શાહી પ્રવાસના સ્વરૂપે પ્રિન્સ ઓફ વેલ્સ એડવર્ડની સાથે ભારતની મુલાકાતે આવ્યા. આ દરમિયાન તેઓ તેમનાં ભાવી પત્ની એડવિનાને મળ્યા અને તેમની સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો. તા. ૧૮ જુલાઈ, ૧૯૨૨ના રોજ તેમણે એડવિના સાથે લગ્ન કરી લીધાં.

૧૯૨૬માં તેમને ફરી લશ્કરી સેવા માટે બોલાવવામાં આવ્યા. ૧૯૩૪માં લોર્ડ માઉન્ટ બેટન એક વિધ્વંસક જહાજ પર કપ્તાન હતા. ૧૯૩૯માં ફરી વિશ્વયુદ્ધ થયું. ફરી તેઓ પાંચમી ડિસ્ટ્રોયર ફ્લોટિલાના કમાન્ડર તરીકે ગયા. તેમણે અનેક સફળતાઓ હાંસલ કરી.

લોર્ડ માઉન્ટ બેટન  સર વિન્સ્ટન ચર્ચિલના પ્રિય પાત્ર હતા. જોકે ૧૯૪૮ બાદ બ્રિટનના પૂર્વ વડા પ્રધાન ચર્ચિલે લોર્ડ માઉન્ટ બેટન સાથે કદી વાત કરી નહીં, કારણ કે ભારત-પાકિસ્તાનની આઝાદીમાં માઉન્ટ બેટનની ભૂમિકાથી તેઓ નારાજ હતા.

એ પછી બ્રિટનના  એ વખતના વડા પ્રધાન ક્લેમેન્ટ એટલીએ લોર્ડ માઉન્ટ બેટનના આ ભૂખંડના અનુભવોને ધ્યાનમાં રાખી ભારતના વાઈસરોય તરીકે નિમણૂક આપી. ૧૯૪૮ સુધી બ્રિટિશ સામ્રાજ્યથી સ્વતંત્ર થયેલા ભારતના નિરીક્ષક પદે રહ્યા.

લોર્ડ માઉન્ટ બેટન એ વખતના કોંગ્રેસ નેતા અને સ્વાતંત્ર્ય સેનાની જવાહરલાલ નહેરુના નિકટના મિત્ર હતા. તેઓ પાકિસ્તાનના સર્જક મંહમદ અલી ઝીણા પ્રત્યે અલગ વિચાર ધરાવતા હતા. જો કે તેઓ ઝીણાની તાકાત પણ જાણતા હતા. એમના શબ્દોમાં : ”અગર એક વ્યક્તિના હાથમાં ભારતનું ભવિષ્ય હતું તો વ્યક્તિ ઝીણા હતા. ખુદ બ્રિટિશ સરકાર ઝીણાના વિવાદોથી થાકી ગઈ હતી. બ્રિટિશ સરકાર ભારતને તાત્કાલિક આઝાદી આપવાની આગ્રહી હતી. છેવટે લોર્ડ માઉન્ટ બેટને સ્વતંત્ર ભારત અને પાકિસ્તાનના વિભાજનની યોજના માની લીધી. જોકે કેટલાક વિદ્વાનોના મતે ભારત-પાકિસ્તાનના ભાગલા એ બ્રિટિશરોની યોજનાનો જ એક ભાગ હતો. બીજી બાજુ ઝીણાની જિદના કારણે પાકિસ્તાનનું સર્જન થયું તે પણ એક હકીકત હતી.

તે પછી ભારત-પાકિસ્તાનના ભાગલા થયા અને ભારે રક્તપાત થયો. લાખો લોકો કોમી તોફાનોમાં માર્યા ગયા.

જાણવા જેવી વાત એ છે કે પરિવાર  અને મિત્રોમાં લોર્ડ માઉન્ટ બેટન ‘ડીકી’ના ઉપનામથી જાણીતા હતા.

કહેવાય છે કે, લોર્ડ માઉન્ટ બેટન અને તેમનાં પત્ની એડવિના વચ્ચેના સંબંધો પાછળથી બહુ સુમધુર રહ્યાં નહોતાં. લોર્ડ માઉન્ટ બેટન શિસ્તબદ્ધ જીવનના આગ્રહી હતા. તેઓ તેમનાં પત્ની પણ શાહી પરિવારની શૈલીમાં જ રહે તેમ ઈચ્છતાં હતાં, પરંતુ એડવિના નવરાશના સમયમાં ભારતના ભદ્ર પરિવારોની સાથે પાર્ટીઓમાં અને સમુદ્રી યાત્રાઓમાં ગુજારતાં હતાં. વીકએન્ડ ગાળવા તેઓ તેમના કન્ટ્રી હાઉસમાં જતાં રહેતાં. બંને વચ્ચે બગડતા સંબંધો છતાં લોર્ડ માઉન્ટ બેટને એડવિનાને છૂટાછેડા આપવા ઇનકાર  કરી દીધો હતો. એડવિનાના બહારના સંબંધોના કારણે લોર્ડ માઉન્ટ બેટન પોલા સેનેલિયર નામની ફ્રેન્ચ મહિલા તરફ આકર્ષાયા. તે પછી તે બંને પર સતત આરોપો થતાં લગ્નજીવનમાં ખટાશ રહી.

નોંધપાત્ર વાત એ છે કે, ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે રક્તપાત થયો તે વખતે એડવિના પંજાબના લોકોનાં દુઃખ દર્દ ઓછા કરવા એ વિસ્તારમાં ગયાં  જેના કારણે તેઓ એક નાયિકાના સ્વરૂપમાં ઊભર્યાં.

કહેવાય છે કે એડવિના અને જવાહરલાલ નહેરુ વચ્ચે અત્યંત નિકટની મિત્રતા હતી. ગ્રીષ્મમાં તેઓ અવારનવાર વડા પ્રધાન જવાહરલાલ નહેરુના નિવાસસ્થાને આવતાં હતાં. બંને વચ્ચે પત્રવ્યવહારના પણ સંબંધો હતાં.  લોર્ડ માઉન્ટ બેટનની બંને પુત્રીઓએ એ વાતનો સ્વીકાર કર્યો છે કે, તેમના માતા ઉગ્ર સ્વભાવનાં હતાં અને તેમના પતિનું સ્પષ્ટ સમર્થન કરતાં નહોતાં. કારણ કે તે તેના પતિના ઉચ્ચ પ્રોફાઈલની ઇર્ષા કરતી હતી.”

જોકે તે પછી લોર્ડ માઉન્ટ બેટનની પૌત્રીએ તાજેતરમાં સ્પષ્ટતા કરી છે કે, ”એડવિના અને નહેરુ વચ્ચે ઉચ્ચ ભાવનાત્મક સંબંધો હતા, શારીરિક નહીં.” અને એ વાત સાચી પણ છે.

લોર્ડ માઉન્ટ બેટનને કોઈ પુત્ર નહોતો.પાછલી વયમાં લોર્ડ માઉન્ટ બેટન વેકેશન ગાળવા કાઉન્ટી સિલ્ગો ખાતે આવેલા મુલઘમોરના ગ્રીષ્મ કાલીન ઘરે જતા. આ સ્થળ આયરલેન્ડના ઉત્તરી સમુદ્રી તટ પર છે. કાઉન્ટી સિલ્ગો એક નાનકડું ગામ છે. તા. ૨૭ ઓગસ્ટ, ૧૯૭૯ના રોજ લોર્ડ માઉન્ટ બેટન અહીં ચાલતા એક આંદોલનના કારણે દરિયામાં ના જવાની સલાહ છતાં લોર્ડ માઉન્ટ બેટન એક નાનકડી નાવ લઈ માછલી પકડવા ગયા. તે હોડી દરિયાના કાદવમાં ફસાઈ ગઈ. આગલી રાત્રે તે નાવમાં થોમસ મેકમોહન નામના આઈઆરએસના એક સભ્યે ૨૩ કિલોગ્રામનો એક બોમ્બ ગોઠવી દીધો હતો. હવે માઉન્ટ બેટન જ્યારે એ નાવ પર સવાર થઈ ડોનેબલ જવા નીકળ્યા ત્યારે કોઈ અજ્ઞા।ત વ્યક્તિએ રિમોટથી એ બોમ્બનો વિસ્ફોટ કર્યો. એ વખતે માઉન્ટ બેટન ૭૯ વર્ષના હતા અને ગંભીર રીતે ઘવાયેલા લોર્ડ માઉન્ટ બેટનનું મૃત્યુ નીપજ્યું. મરવાવાળાઓમાં તેમનો પૌત્ર અને અન્ય સદસ્યો પણ હતાં.

આ વખતે આઈરિશ લોકોમાં એક ઉગ્રવાદી આંદોલન ચાલતું હતું તેના તેઓ ભોગ બન્યા. કહેવાય છે કે લોર્ડ માઉન્ટ બેટન આયરલેન્ડના સંભવિત એકીકરણની તરફેણમાં હતા. આ ઘટના જાણ્યા બાદ આયરલેન્ડના પ્રમુખ પેટ્રિક હિલેરીએ દુઃખ વ્યક્ત કર્યું. તેમને વેસ્ટમિંસ્ટર એબીમાં દફનાવવામાં આવ્યા.

તા. ૨૩ નવેમ્બર, ૧૯૭૯ના રોજ હત્યાનું ષડ્યંત્ર કરનાર મેકમોહન પકડાયો પરંતુ ગુડ ફ્રાઈડે સમજૂતી અનુસાર તેને છોડી પણ દેવામાં આવ્યો.

  • દેવેન્દ્ર પટેલ

 

Be Sociable, Share!